વિલ્સન, ઍલેક્ઝાંડર (. 6 જુલાઈ 1766, પૅસ્લે, રેન્ફ્ર્યૂ, સ્કૉટલૅન્ડ; . 23 ઑગસ્ટ 1813, ફિલાડેલ્ફિયા) : સ્કૉટલૅન્ડના પક્ષીવિદ (ornithologist) અને કવિ. તેમણે ઉત્તર અમેરિકાના પક્ષીઓ વિશે પહેલવહેલાં (pioneering) સંશોધનો કર્યાં હતાં અને ‘અમેરિકન ઑર્નિથૉલોજી’ના 9 ખંડો (1808-14) પ્રકાશિત કર્યા હતા. આમ, તેઓ અમેરિકીય પક્ષીવિદ્યાના સ્થાપક તરીકે અને તેમના સમયના સૌથી ખ્યાતનામ પ્રકૃતિવિદ તરીકે જાણીતા થયા હતા.

ઍલેક્ઝાંડર વિલ્સન

તેમણે શરૂઆતનાં વર્ષોમાં વણકર અને ફેરિયા તરીકે કાર્ય કરતાં કરતાં કાવ્યો લખ્યાં. તેમનું સૌથી જાણીતું લોકગીતોવાળું સર્જન ‘Watty and Meg’ વિનોદાત્મક અને નાટ્યાત્મક હતું અને વિશેષ રૂપે પ્રકાશિત થયું હતું. આ સંગ્રહ રોબર્ટ બર્ન્સ નામના કવિનું સર્જન હોવાની માન્યતાને લીધે તેને પ્રસિદ્ધિ મળી હતી. પ્રકાશનની બાબતમાં તેઓ નાણાકીય રીતે કદી સધ્ધર ન હતા. વણકરોના લાભાર્થે નાણાકીય ભંડોળ એકત્રિત કરવા પ્રકાશિત થયેલાં તેમનાં વ્યંગાત્મક લખાણોને કારણે તેમને દંડ ભરવો પડ્યો, જેલવાસ પણ થયો અને રાજકીય રીતે મુશ્કેલીમાં પણ મુકાયા.

આ યાતનાઓને કારણે 1794માં તેમણે અમેરિકામાં સ્થળાંતર કર્યું અને શિક્ષક તરીકેની સેવાઓ આપવાનું શરૂ કર્યું. તેમણે વિલિયમ બર્ટ્રામ નામના પ્રકૃતિવિદના માર્ગદર્શન હેઠળ 1804માં અમેરિકી પક્ષીઓ વિશે લખવાનો નિશ્ર્ચય કર્યો અને નવરાશના સમયમાં કલા અને પક્ષીવિદ્યાનો અભ્યાસ કર્યો. ત્યારબાદ રીઝના ‘સાઇક્લોપીડિયા’ના સહતંત્રી બન્યા. તેમણે 1808માં અમેરિકી પક્ષીવિદ્યાનો પ્રથમ ખંડ પ્રસિદ્ધ કર્યો. તેમના જીવનનો શેષ ભાગ તેમનાં ખર્ચાળ સંશોધનો માટે ફંડફાળો ઉઘરાવવામાં અને બાકીના ખંડો માટે નમૂનાઓ એકત્રિત કરવામાં વ્યતીત થયો. તેમના પ્રવાસો દરમિયાન તેઓ અમેરિકી પ્રકૃતિવિદ જ્હૉન જે. ઓડબોનને મળ્યા હતા. વિલ્સનના કાર્યની સફળતાને કારણે ઓડબોનને પક્ષીજીવન ચિત્રિત કરવાની અને તેમનાં સંશોધનો પ્રકાશિત કરવાનું પ્રોત્સાહન મળ્યું હતું.

બળદેવભાઈ પટેલ