વિલ્સન, એડમન્ડ (Wilson Edmund) (. 8 મે 1895, રેડ બૅન્ક, ન્યૂ જર્સી, યુ.એસ.; . 12 જૂન 1972, ટેલકોટવિલ, ન્યૂયૉર્ક) : વિવેચક, નિબંધકાર અને અગ્રણી સાહિત્યકાર. શિક્ષણ પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં. 1920-21 દરમિયાન ‘વૅનિટી ફેર’ના તંત્રી તરીકે સેવા આપી. પાછળથી 1926-31 દરમિયાન ‘ધ ન્યૂ રિપબ્લિક’(The New Republic)ના સહતંત્રી તરીકે કાર્યરત રહ્યા, અને ત્યારબાદ 1944-48 દરમિયાન ‘ધ ન્યૂ યૉર્કર’માં જોડાયા અને તે માટે નિબંધો અને અવલોકનો લખ્યાં. 1930થી વિલ્સને ફ્રૉઇડના સિદ્ધાંતોમાં રસ લીધો, જે એમની કૃતિઓમાં વ્યક્ત થાય છે. વિલ્સનની પહેલી કૃતિ સાહિત્યવિવેચન ક્ષેત્રે ‘એક્સલ્સ કૅસલ’ (Axels Castle) (1931) હતી. તે સાહિત્યમાં પ્રતીકાત્મક ચળવળના અભ્યાસ પર આધારિત હતી. ‘ધ વુન્ડ ઍન્ડ ધ બાઉ’(1941)માં યુરોપિયન અને અમેરિકન લેખકોની કૃતિઓની છણાવટ કરી છે. એમની અન્ય કૃતિઓમાં ‘ધ સૉર્સ ઑવ્ લાઇટ’ (1952) અને ‘પેટ્રિયૉટિક ગૉર’ (1962) મુખ્ય છે. સામાજિક, મનોવૈજ્ઞાનિક અને રાજકીય પ્રવાહોનો સાહિત્યિક વિચારો પર કેવો પ્રભાવ પડી શકે છે તે એમની કૃતિઓમાં સ્પષ્ટ થાય છે.

વિલ્સનની સામાજિક કૃતિઓમાં ‘ટુ ધ ફિનલૅન્ડ સ્ટેશન’ (1940) અને ‘ધી અમેરિકન અર્થક્વેક’ (1958) મુખ્ય છે. ‘ટુ ધ ફિનલૅન્ડ સ્ટેશન’માં યુરોપની ક્રાંતિઓની પરંપરાનો ઇતિહાસ છે, જ્યારે ‘ધ અમેરિકન અર્થક્વેક’માં મોટી મંદીમાંથી પ્રગટેલ હતાશાની દસ્તાવેજી નોંધ છે.

એડમન્ડ વિલ્સન

વિલ્સનની કૃતિઓનું વૈવિધ્ય એમની નવલકથા ‘આઇ થૉટ ઑવ્ ડેઇઝી’ (1929), ટૂંકી વાર્તાઓનો સંગ્રહ ‘મૅમોયર્સ ઑવ્ હૅટ કન્ટ્રી’ (1949), અને ‘ફાઇવ પ્લેઝ’(1954)માં વ્યક્ત થાય છે.

વિલ્સને એફ. સ્કૉટ ફિટ્ઝરાલ્ડના ‘ધ ક્રેક-અપ’(1945)નું સંપાદન કર્યું હતું. એમની પાછલી કૃતિઓમાં ‘ઇઝરાયલ ઍન્ડ ધ ડેડ સી સ્ક્રૉલ્સ’ (1955), ‘અ વિન્ડૉ ઑન રશિયા’ (1973) અને ‘ધ ડેવિલ્સ ઍન્ડ કેનન બર્હામ : ટેન એસેઝ ઑન પોયેટ્સ નૉવેલિસ્ટ્સ ઍન્ડ મૉન્સ્ટર્સ’ (1973) મુખ્ય છે.

વિલ્સન કેવળ રાજકારણ, ઇતિહાસ અને સાહિત્યક્ષેત્રે જ નહિ, પરંતુ બાઇબલના શાસ્ત્રીય અભ્યાસમાં પણ ખ્યાતનામ રહ્યા છે. વિલ્સને એમના બે ગ્રંથો ‘ટ્રાવેલ્સ ઇન ટુ ડેમૉક્રેસિસ’ (1936) અને ‘અ વિન્ડો ઑન રશિયા’ (1972) માટે હાથ ધરેલ સંશોધનાર્થે રશિયન ભાષાનો અભ્યાસ કર્યો. વિલ્સને એમની કૃતિ ‘સ્ક્રૉલ્સ ફ્રૉમ ધ ડેડ’(1955)ના સંશોધનાર્થે હિબ્રૂ ભાષા પર પ્રભુત્વ મેળવ્યું હતું.

વિલ્સનનો 1912થી 1972 દરમિયાન લખેલ સાહિત્ય અને રાજકારણને સ્પર્શતા પત્રોનો સંગ્રહ ‘લેટર્સ ઑન્ લિટરેચર ઍન્ડ પૉલિટિક્સ’ (1977) મરણોત્તર પ્રકાશિત થયો છે.

આરમાઇતી દાવર