વિલ્સન, કેનિથ જી. (Wilson, Kenneth G.) (જ. 8 જૂન 1936, વૉલધમ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.એ.; અ. 15 જૂન 2013, મેઈન, યુ.એસ.એ.) : પ્રાવસ્થા સંક્રમણને સંબંધિત ક્રાંતિક પરિઘટના (critical Phenomena)ના સિદ્ધાંત માટે 1982નો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની.

કેનિથ જી.વિલ્સન

કેનિથ જી. વિલ્સન અમેરિકન સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી હતા. કણ ભૌતિકશાસ્ત્રના અભ્યાસ માટે કમ્પ્યૂટરના ઉપયોગના તેઓ અગ્રણી હતા. તેમના પિતા હાવર્ડ યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્રી હતા તથા માતા ભૌતિકશાસ્ત્રી હતા. કેનિથ વિલ્સને 16 વર્ષની ઉંમરે હાવર્ડ યુનિવર્સિટીમાંથી ગણિત મુખ્ય વિષય સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. 1961માં તેમણે કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી મરે ગેલ-મૅનના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1963માં તેઓ કોર્નેલ યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગમાં જોડાયા અને 1970માં તેઓ પૂર્ણ પ્રાધ્યાપક બન્યા. આ સમયગાળામાં તેઓએ સ્ટૅનફર્ડ લિનિયર એક્સિલરેટર (SLAC, સુરેખ પ્રવેગક) પર સંશોધનો કર્યાં. કોર્નેલ થિયરી સેન્ટરના તેઓ નિર્દેશક બન્યા. 1988માં તેઓ ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં જોડાયા અને નિવૃત્તિ સુધી ત્યાં કાર્યરત રહ્યા. તેમના સંશોધનકાર્યને લીધે ક્વૉન્ટમ ક્ષેત્ર સિદ્ધાંતના મૂળભૂત પ્રશ્નો પર સમજણ વિકસી. હેડ્રૉનની અંદર રહેલા ક્વાર્કના અસ્તિત્વ તથા વર્તણૂક પર પ્રકાશ પડ્યો.

1980માં તેમને ભૌતિકશાસ્ત્રમાં વુલ્ફ ઇનામ પ્રાપ્ત થયું. તે ઉપરાંત તેમને એરિન્ગન ચંદ્રક, ફ્રેન્કલિન ચંદ્રક, બોલ્ટ્ઝમૅન ચંદ્રક તથા ડૅની હાઈનમૅન ઇનામ પ્રાપ્ત થયાં છે. તેઓ નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સ તથા અમેરિકન ફિલૉસૉફિકલ સોસાયટીના ચૂંટાયેલા સભ્ય હતા.

પૂરવી ઝવેરી