વિલિયમ-1 (વિજેતા) (જ. 1027, ફ્લઇસે, ફ્રાન્સ; અ. 1087) : ઇંગ્લૅન્ડનો નૉર્મન વંશનો પ્રથમ રાજા. તે વિલિયમ-1 ‘વિજેતા’ તરીકે ઓળખાય છે. એનો પિતા રૉબર્ટ-1 ફ્રાન્સના નૉર્મન્ડી પ્રદેશનો ડ્યૂક હતો. એના પિતાનું અવસાન થતાં 1035માં 8 વર્ષની વયે એને નૉર્મન્ડીનો પ્રદેશ વારસામાં મળ્યો. એની યુવાવસ્થામાં નૉર્મન્ડીમાં ઘણી અવ્યવસ્થા હતી. 1047માં થયેલા મોટા બળવાને એણે વેલેસડ્યુન્સની લડાઈમાં સામંતશાહી પ્રથા પ્રમાણે એના ઉપરી ફ્રાન્સના રાજા હેન્રીની મદદથી કચડી નાખ્યો. એ પછી એ નૉર્મન્ડીમાં સખ્તાઈપૂર્વક રાજ્ય કરતો રહ્યો.
ઈ. સ. 1051માં ઇંગ્લૅન્ડના રાજા એડ્વર્ડ ધ કન્ફેસરે વિલિયમને નજીકના સગા તરીકે ઇંગ્લૅન્ડની ગાદીના વારસ બનાવવાનું વચન આપ્યું હતું. 1064માં રાજા એડ્વર્ડના એક સગા હેરોલ્ડનું વહાણ નૉર્મન્ડીના સાગરકિનારે તૂટી પડ્યું ત્યારે એને નૉર્મન્ડીમાં કેદમાં પૂરવામાં આવ્યો. હેરોલ્ડે કેદમાંથી છૂટવા વિલિયમના ઇંગ્લૅન્ડની ગાદીના દાવાને ટેકો આપવા વચન આપ્યું; પરંતુ 1066માં એડ્વર્ડ ધ કન્ફેસરના અવસાન પછી ઇંગ્લૅન્ડના ઉમરાવોએ હેરોલ્ડની ઇંગ્લૅન્ડના રાજા તરીકે પસંદગી કરી ત્યારે વિલિયમે તુરત જ દરિયાઈ રસ્તે ઇંગ્લૅન્ડ પર ચડાઈ કરી. એની આ ચડાઈને પોપના આશીર્વાદ હતા. એ સમયે નૉર્વેના રાજાએ ઉત્તર ઇંગ્લૅન્ડ પર હુમલો કર્યો હતો. તેની સામે લડવા હેરોલ્ડ લશ્કર લઈને ઇંગ્લૅન્ડના ઉત્તર ભાગમાં ગયો હતો. એણે નૉર્વેના રાજાને સ્ટેમફર્ડ બ્રિજ પાસે હરાવ્યો; પરંતુ એ દરમિયાન વિલિયમે લશ્કર સાથે નૉર્મન્ડીથી ઇંગ્લૅન્ડના દક્ષિણ દરિયાકિનારે ઉતરાણ કર્યું. એણે ઍંગ્લો-સૅક્સન લશ્કરને હરાવ્યું અને હેસ્ટિંગની લડાઈમાં હેરોલ્ડનું પણ મૃત્યુ થયું.
1066ની નાતાલના દિવસે (એટલે કે 25મી ડિસેમ્બરે) વિલિયમનો ઇંગ્લૅન્ડના રાજા તરીકે રાજ્યાભિષેક થયો અને એ ‘વિલિયમ વિજેતા’ તરીકે ઓળખાયો. એણે સ્થાનિક બળવાઓને કચડી નાખ્યા. એના વિરોધી જમીનદારો પાસેથી જમીનો જપ્ત કરીને એને મદદ કરનાર સરદારોને એ ભેટ આપી. એણે એડ્વર્ડ ધ કન્ફેસરના કાયદાઓને ચાલુ રાખ્યા અને ઍંગ્લો-સૅક્સન સમયના રાજાની સર્વ સત્તાઓ ધારણ કરી. એણે એ સમયે યુરોપના બધા દેશોમાં જમીનની મિલકત પર ઉઘરાવાતો ‘ડેનગિલ્ડ’ (Danegeld) નામનો રાષ્ટ્રીય કર ઉઘરાવ્યો. 1086માં સેલિસબરીમાં એણે એની નીચેના મોટા અને નાના ઉમરાવો, જમીનદારો તથા ગુલામોને પોતાના નજીકના ઉપરીને નહિ, પરંતુ સીધા રાજાને વફાદાર રહેવાના સોગંદ લેવડાવ્યા. રાજાના સ્થાનને સુદૃઢ બનાવે એવી આ નવી પ્રથા હતી.
વિલિયમ-1 (વિજેતા) ધાર્મિક શ્રદ્ધાવાળો, અતૂટ મનોબળવાળો અને પોતાનો હેતુ સિદ્ધ કરવામાં મક્કમ હતો. એણે તૈયાર કરાવેલી ‘ડૂમ્સડે બુક (Doomsday Book) આજે પણ ઉપલબ્ધ છે; જેમાં એના રાજ્યની જમીન તથા જમીનદારોની આકારણી અને રાજ્યની આવકનાં સાધનોની વિસ્તૃત વિગતો આપવામાં આવી છે. એની પત્નીનું નામ મટિલ્ડા હતું. એમને રૉબર્ટ, રિચાર્ડ, વિલિયમ રુફુસ અને હેન્રી નામના ચાર પુત્ર હતા. તેમાંથી તેના અવસાન પછી વિલિયમ રુફુસ અને તેના પછી હેન્રી ઇંગ્લૅન્ડના રાજા બન્યા. એની પુત્રી એડેલાનો પુત્ર સ્ટિફન પણ ભવિષ્યમાં ઇંગ્લૅન્ડનો રાજા બન્યો. આમ, વિલિયમ-1(વિજેતા)-એ ઇંગ્લૅન્ડમાં નૉર્મન રાજવંશની શરૂઆત કરી જેણે ઘણાં વર્ષો સુધી ઇંગ્લૅન્ડ પર રાજ્ય કર્યું.
મુગટલાલ પોપટલાલ બાવીસી