વિલા હેડ્રિયન (ટ્રિવૉલી) : એપેનાઇન ટેકરીઓની તળેટીના પ્રદેશમાં આવેલ ઇમારત. તે 380 એકરનો વિસ્તાર ધરાવે છે. તેને ફરતી લંબગોળાકાર દીવાલ અને 760 ફૂટ x 318 ફૂટની સ્તંભાવલિ છે. તેની વચ્ચે એક વિશાળ જળાશય છે. પ્રાચીન ઍથેન્સમાં જોવા મળતું આવું કૃત્રિમ જળાશય ‘સ્પેઆ’ તરીકે ઓળખાય છે. તેના અનુકરણમાં આ જળાશય બનાવાયું અને તે ‘પોઈકિલે’ તરીકે જાણીતું થયું છે. પોઈકિલેની પૂર્વ બાજુએ ઇમારતનો પ્રથમ સમૂહ બાંધેલો છે. ઘુંમટાકાર ઇમારતમાં થઈને તેમાં જવાય છે. આ ઇમારતને ફરતી નહેર છે. નહેરની વચ્ચે આવેલા ટાપુ પર આ વિલાનું બાંધકામ કરવામાં આવ્યું છે. આ પછી સ્તંભાવલિયુક્ત લંબચોરસાકાર પ્રાંગણ આવે છે. તેની ઉત્તરે ઇમારતોના બે સમૂહ છે, જેમને ગ્રંથાલયો તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ સંભવત: તે વૈભવી હૉલ હોવાનું જણાય છે. આ સમૂહની પૂર્વમાં ઓરડાઓના બે વિભાગ છે. ઓરડાના ભોંયતળિયાં સુંદર મોઝેકથી અલંકૃત છે. સંભવત: આ ઓરડા અતિથિગૃહ તરીકે વપરાતા. અહીં થઈને નાના દેવળ (chapel) તરફ જવાતું. આ સમૂહની પૂર્વમાં મકાનોનો અન્ય સમૂહ છે. આ સમૂહ મૂળ વિલાના અવશેષો હોવાનું માનવામાં આવે છે. પાછળથી તેને રાજનિવાસમાં ફેરવવામાં આવ્યું હતું. એ જ દિશામાં ટેકરીની ઉપર અહીંના સૌથી સુંદર ભાગ તરફ જવાય છે. આ ભાગમાં સ્તંભાવલિયુક્ત મોટું સમચોરસ પ્રાંગણ આવેલું છે. મૂળમાં તેને ફરતો બગીચો હતો. તેની આગળ જતાં પ્રવેશખંડ આવે છે. પ્રવેશખંડનો આકાર રેખાન્વિત અષ્ટકોણ છે અને તે ઘુંમટ વડે ઢાંકેલો છે.

પ્રવેશખંડની સન્મુખે આવેલી બીજી એક છતરડીનો થોડા વખત પૂર્વે ર્જીણોદ્ધાર કરવામાં આવ્યો છે. સર્પાકાર છજા (enta blature) પર ઘુંમટ ટેકવેલો છે. હવાઉજાસની સુવિધા ધરાવતી આ છતરડીની દીવાલોમાંનાં છિદ્રોમાંથી પ્રકાશનો પૂરતો પ્રવાહ આવે છે. ડોમસ ઔરેના ઘુંમટ આચ્છાદિત હૉલના આધારે આ છતરડીનું બાંધકામ કરવામાં આવ્યું છે.

ટેકરીની નીચે ઈંટોથી બાંધેલાં મકાનો છે. આ મકાનોનો સમૂહ પોઈકિલેની એક બાજુ સુધી લંબાયેલો છે. સમૂહમાં ફુવારા અને વૉલ્ટ આકારના ઘુંમટથી ઢાંકેલા મોટા ખંડો (halls) છે. આ સમૂહની પાસે ટેકરીના તળિયા તરફ જતી ખીણ છે. ખીણની દક્ષિણનો અર્ધો ભાગ ખોદીને 390 ફૂટ લાંબી લંબગોળાકાર વિશાળ નહેર બનાવવામાં આવી છે. નહેરના છેડે ચાપાકાર ઘુંમટવાળું એક ગ્રોટ્ટો (grotto = પ્રાચીન રોમના બગીચાઓમાં જોવા મળતું એક વિશિષ્ટ બાંધકામ) આવેલું છે અને તે ઈસિસ દેવીના પતિ સેરાપિસને અર્પણ કરેલું છે. ઍલેક્ઝાન્ડ્રિયાની જેમ હોવાથી હેડ્રિયને આ ખીણને કેનોપસ તરીકે ઓળખાવી છે. ત્યાં પણ નાઇલનો એક ફાંટો સેરાપિસના મંદિર તરફ વહે છે. તેના એક કાંઠે એક વૃદ્ધ પુરુષનું શિલ્પ છે જે નાઇલ નદીના પ્રતીક તરીકે ઓળખાય છે. તેની આગળ એક મગરનું શિલ્પ છે. અહીંનાં અન્ય શિલ્પો શિષ્ટ ગ્રીક કલા પ્રમાણે ઘડવામાં આવ્યાં હતાં. હાલ તે મ્યુઝિયમમાં સુરક્ષિત છે. આ શિલ્પો દ્વારા હેડ્રિયનની શિષ્ટ કલા પ્રત્યેની રુચિ જાણી શકાય છે. કલાના તે અદ્ભુત નમૂના છે.

સ્નેહલ શાહ

અનુ. થૉમસ પરમાર