વિલિયમ ઑવ્ ઑખામ (. 1285; . 1349) : આધુનિક જ્ઞાનમીમાંસાના સ્થાપક બ્રિટિશ તત્વજ્ઞ. ઇંગ્લૅન્ડના ઑખામ ગામના વતની વિલિયમને ઑખામના વિલિયમ કે ‘વિલિયમ ઑખામ’ તરીકે કે ‘ઑખામ’ તરીકે ઓળખવામાં આવે છે. વિલિયમ ઑખામ ઇટાલીના અસીસીના સંત ફ્રાન્સિસ(1182-1226)ના ફ્રાન્સિસ્કન ખ્રિસ્તી સંપ્રદાય(order)ના સભ્ય હતા. તેમણે સંતોની અત્યંત ગરીબી અંગેનો જે આદર્શ સ્વીકાર્યો હતો તે અંગે ખૂબ વિવાદ થયો હતો. 1324માં પૉપ જૉન બાવીસમા દ્વારા એવિગ્નોનમાં તેમણે હાજર થવાનું ફરમાન થયું હતું. તેમને ત્યાં ચાર વર્ષ નજરકેદ રાખવામાં આવ્યા હતા. એવિગ્નોનની ગૃહકેદમાંથી તેઓ 1328માં છટકી ગયા અને તેમણે બેવેરિયામાં સમ્રાટ લુઈ ચોથાનું શરણ સ્વીકાર્યું હતું.

વિલિયમ ઑખામ ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા હતા. પૅરિસમાં તેમણે અનુસ્નાતક-શિક્ષણ પૂરું કર્યું હતું. પોપ તથા પ્રસ્થાપિત ખ્રિસ્તી ધર્મવ્યવસ્થાની તેમની આકરી ટીકાથી ઘણો વિવાદ તે સમયે સર્જાયો હતો. તેમણે લૅટિન ભાષામાં તત્વજ્ઞાન, ધર્મ અને રાજ્યવિષયક મીમાંસાનાં ઘણાં પુસ્તકો લખ્યાં હતાં.

ઑખામ ખાસ તો બે મુખ્ય વિચારો માટે પ્રખ્યાત થયા છે : એક તો તેમણે વિશેષ વસ્તુઓના જ વાસ્તવિક અસ્તિત્વનો સ્વીકાર કર્યો, સામાન્ય તત્વો(universals)ના વાસ્તવિક અસ્તિત્વનો તેમણે સંપૂર્ણ રીતે અસ્વીકાર કર્યો. તેમનો આ તાત્ત્વિક અભિગમ નામમાત્રવાદ (nominalism) તરીકે ઓળખાય છે. બીજું, તેમણે ઓછાં તત્વોને ધારવાથી જો ઘટનાઓને સમજાવી શકાતી હોય તો વધારાનાં તત્વો, કારણો કે ધારણાઓને સ્વીકારવાની જરૂર નથી તેવો પદ્ધતિલક્ષી અભિગમ રજૂ કર્યો જેને ‘ઑખામનો અસ્ત્રો’ (Ockham’s Razor) એ રીતે ઓળખવામાં આવે છે. તેમના આ બંને સિદ્ધાન્તો જ્ઞાનમીમાંસા અને વિજ્ઞાનવિષયક તત્વજ્ઞાનમાં ખૂબ ઉપયોગી નીવડ્યા છે.

1. સામાન્ય તત્વોની વાસ્તવિકતાનો અસ્વીકાર : તત્વમીમાંસામાં વિશેષો અને સામાન્યો અંગેની સમસ્યાને ‘સામાન્ય તત્વો અંગેની સમસ્યા’ તરીકે સમજવામાં આવે છે.

વિશેષ વસ્તુઓનાં દૃષ્ટાંતો : ભૌતિક વસ્તુઓ; જેવી કે ટેબલ, ખુરશી, પર્વત વગેરે; અભૌતિક વિશેષવસ્તુ; જેમ કે, મનુષ્યનું મન; વિશેષ ઘટનાઓ; જેમ કે, પ્રથમ વિશ્વયુદ્ધ. આ વિશેષો મૂર્ત (concrete) છે તે ઉપરાંત કેટલાક અમૂર્ત વિશેષો(abstract universals)ને પણ માન્યા છે; જેમ કે, નંબર 3, જે દેશ-કાળમાં નથી. અલબત્ત, કોઈ વિશેષ ત્રણ વસ્તુઓ દેશ-કાળમાં હોય છે પણ તેનો નાશ થાય તો પણ નંબર 3 તો રહે જ છે.

સામાન્ય તત્વો(universals)માં ગુણધર્મો અને સંબંધો, કે જાતિઓનો સમાવેશ થાય છે. વિશેષ વસ્તુના વિધેયો (predicates) તરીકે તે પ્રયોજાય છે. વાસ્તવવાદીઓ (realistes) સામાન્યોની બાહ્ય વાસ્તવિક સત્તા (reality) સ્વીકારે છે. આ કે તે ગાય, આ કે તે વૃક્ષ, ઉપરાંત ગોત્વ (cowness) કે વૃક્ષત્વ એ સામાન્ય તત્વો (હાર્દરૂપ તત્વો, essence) તરીકે કે રૂપો (forms) તરીકે મનથી અને ભાષાથી સ્વતંત્ર અલાયદું અમૂર્ત અસ્તિત્વ ધરાવે છે. પ્લેટો આ અર્થમાં વાસ્તવવાદી હતા. વૃક્ષત્વને લીધે જ બધાં વિશેષ વૃક્ષો છે, લાલાશને લીધે જ બધી લાલ વસ્તુઓ લાલ છે. સામાન્યોને માન્યા વગર બધી લાલ વસ્તુઓ લાલ છે કે બધાં વૃક્ષો વૃક્ષ છે તેવું કેવી રીતે બને ? પ્લેટો પ્રમાણે વૃક્ષત્વ બધાં વૃક્ષોથી સ્વતંત્ર એવું વાસ્તવિક પારમાર્થિક અસ્તિત્વ ધરાવે છે; જ્યારે ઍરિસ્ટૉટલ પણ આવાં સામાન્ય તત્વોને સ્વીકારે છે; છતાં તેવાં તત્વો મૂર્ત વિશેષોમાં જ રહે છે તેવું માને છે.

ઑખામ આ વાસ્તવવાદનો સંપૂર્ણ રીતે અસ્વીકાર કરે છે. તેમના મતને નામમાત્રવાદ (nominalism) કહે છે. જે કંઈ છે તે વિશેષ વસ્તુ તરીકે જ અસ્તિત્વમાં છે; દા. ત., જુદાં જુદાં વૃક્ષો વાસ્તવિક છે, પણ ‘વૃક્ષ’ તો એક નામમાત્ર છે, તેને અનુરૂપ કોઈ ખરેખર અસ્તિત્વ ધરાવતું વાસ્તવિક સામાન્ય તત્વ નથી. એટલે કે વ્યક્તિઓ જ અસ્તિત્વમાં છે, જાતિઓ તો વિચાર રૂપે છે, વિભાવના રૂપે છે, પરિકલ્પિત છે. વિશેષોના જ પ્રત્યક્ષથી એક સામાન્ય તત્વ અંગેની વિભાવના તારવવામાં આવે છે. એ અર્થમાં વૃક્ષત્વ એ સામાન્ય વિભાવના (general concept) જ છે. તેની મનોબાહ્ય (extra-mental) કોઈ વાસ્તવિકતા જ નથી. સામાન્યો માનસ-રચિત છે, વિચારને અધીન છે, તે આત્મલક્ષી રચનાઓ છે. આ મતને લીધે ઑખામ આધુનિક જ્ઞાનમીમાંસાના સ્થાપક ગણાયા છે.

સામાન્ય તત્વોમાં માનનારા વાસ્તવવાદીઓ મુજબ આવાં તત્વો, એક તો, અનેક વિશેષ દૃષ્ટાંતોમાં વ્યક્ત થાય છે; બીજું, આવાં તત્વો અમૂર્ત છે (દેશ-કાળમાં હોતાં નથી અને અભૌતિક છે.) અને ત્રીજું, સામાન્ય જાતિવાચક પદો આવાં સામાન્ય તત્વોની વાસ્તવિકતાનો નિર્દેશ કરે છે. નામવાદીઓ આ ત્રણેયનો અસ્વીકાર કરે છે. પ્લેટો મુજબ સામાન્ય તત્વો (એટલે કે રૂપતત્વો, forms) દેશ-કાળથી પર અને અભૌતિક તેમજ અમૂર્ત છે. ઍરિસ્ટૉટલ ગુણધર્મો, સંબંધો અને પ્રકારો(types)ને ‘યુનિવર્સલ્સ’ ગણે છે, પણ તે કેવળ મૂર્ત વસ્તુ-વિશેષમાં જ હોય છે તેવું માને છે. એ અર્થમાં સામાન્ય તત્વો દેશ-કાળમાં અસ્તિત્વમાં છે તેમ માનવું પડે. ઑખામ વિલિયમ મુજબ ન તો સામાન્ય તત્વો દેશ-કાળથી પર એવાં વાસ્તવિક તત્વો છે કે ન તો એ દેશ-કાળમાં હોય તેવાં વાસ્તવિક તત્વો છે. કારણ કે સામાન્ય તત્વો જેવું કંઈ જ નથી હોતું. કેટલાકના મતે ઑખામ નામમાત્રવાદી નથી પણ વિભાવનાવાદી (conceptualists) છે, કારણ કે તેઓ વૃક્ષત્વ, ગોત્વ વગેરેની સામાન્ય માનસ-રચિત વિભાવનાઓને તો માને જ છે. સામાન્યો કેવળ શબ્દો જ છે તેવો મત નામમાત્રવાદ છે; સામાન્યો વિભાવનાઓ પણ છે તેવો મત વિભાવનાવાદ છે. નામમાત્રવાદી કે વિભાવનાવાદી  બંને સામાન્યોની ભાષાબાહ્ય કે મનોબાહ્ય સત્તા સ્વીકારતા નથી.

2. ઑખામનો અસ્ત્રો [Occam’s Razor (ક્યારેક Ockham’s Razor એમ પણ લખાય છે.)] : ઑખામના આ અભિગમ મુજબ જરૂર હોય તેના કરતાં વધારે વસ્તુઓ (entities) કે તત્વો ધારવાં નહિ. સમજૂતીઓ કે સિદ્ધાંતોમાં કરકસર કરવી જરૂરી છે. સરળ સમજૂતી શક્ય હોય ત્યાં જટિલ સમજૂતી આપવી નહિ. ઘોડાના દોડવાનો અવાજ સાંભળો ત્યારે ઘોડા દોડતા હશે તેમ જ માનો ઝીબ્રા પણ દોડતા હશે તેવું ન માનો. બે પ્રતિસ્પર્ધી સિદ્ધાંતોમાંથી જે સરળ હોય તે સ્વીકારો. ન્યૂટને આ અભિગમ રજૂ કરતાં કહ્યું કે કુદરતી ઘટનાનાં સાચાં અને પૂરતાં કારણો શોધો. એટલે કે વધારાનાં ગૃહીતો કે ધારણાઓની જરૂર નથી; દા. ત., પવનના તોફાનમાં વૃક્ષો પડી ગયાં હોય તો તે મુજબ જ કહો; ઇતર ગ્રહમાંથી કોઈ જીવો આવીને વૃક્ષને પાડી ગયા હશે તેવું કલ્પવાની જરૂર નથી. આઇન્સ્ટાઇને પણ કહ્યું છે કે ધારણાઓ જરૂર સરળ હોવી જોઈએ; પણ જરૂરી હોય તેટલી જ સરળ હોવી જોઈએ, તેથી વધારે સરળ નહિ. ઘણાંને મતે બધા ખુલાસાઓ માટે વિજ્ઞાનો પૂરતાં છે, ઈશ્વરની ધારણા ઑખામના અસ્ત્રાના ઉપયોગથી દૂર કરો. જોકે એટલું યાદ રાખવું પડે કે ઑખામ પોતે ખ્રિસ્તી ઈશ્વરવાદી હતા.

મધુસૂદન બક્ષી