વિલિયમ, જેમ્સ (William James)
February, 2005
વિલિયમ, જેમ્સ (William James) (જ. 11 જાન્યુઆરી 1842; અ. 26 ઑગસ્ટ 1910, ન્યૂહેમ્પશાયર) : અમેરિકામાં આધુનિક મનોવિજ્ઞાનનો પાયો નાખનાર વિદ્વાન મનોવિજ્ઞાની. તેઓ નવીન મનોવિજ્ઞાનના પથદર્શક હતા. પ્રખ્યાત અમેરિકન નવલકથાકાર હેન્રી જેમ્સ તેમના ભાઈ હતા. એમની બહેન એલિસ પણ અમેરિકન સાહિત્યક્ષેત્રે જાણીતાં હતાં.
ન્યૂયૉર્ક શહેરમાં વિલિયમ જેમ્સનું કુટુંબ રહેતું હતું. તે પ્રતિષ્ઠિત બહુમુખી પ્રતિભાવાળું અને ધાર્મિક વૃત્તિવાળું હતું. તેમના પિતા ઈશ્વરી વિદ્યાના ઉપાસક હતા. તેમને અવારનવાર વિદેશ-પ્રવાસ કરવો પડતો હતો; છતાં પણ તેમનાં પાંચ સંતાનને સાહિત્ય અને તત્વજ્ઞાનનો સમૃદ્ધ વારસો આપ્યો હતો. ઈ. સ. 1843થી 1852નાં વર્ષોમાં કુટુંબ સાથે યુરોપના દેશોમાં તેઓ રહ્યા હતા. ઈ. સ. 1852થી 1855નાં વર્ષોમાં વિલિયમ જેમ્સે ન્યૂયૉર્કની શાળામાં અભ્યાસ કર્યો. પિતાના વિદેશગમનને કારણે ઈ. સ. 1855થી 1858 દરમિયાન ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સની શાળાઓમાં તથા ખાનગી શિક્ષકો દ્વારા પણ તેમનો અભ્યાસ થયો હતો. રહોડે ટાપુ પરના ન્યૂપૉર્ટમાંના નિવાસ દરમિયાન, ત્યાંની શાળામાં પણ વિલિયમ જેમ્સે અભ્યાસ કર્યો હતો. ઈ. સ. 1860ના ગાળામાં તેમનું કુટુંબ સ્વિટ્ઝર્લૅન્ડ અને જર્મનીમાં રહ્યું હતું ત્યારે તેમનું શિક્ષણ ખાનગી શિક્ષકો દ્વારા થયું હતું. આમ, વિલિયમ જેમ્સે યુનાઇટેડ સ્ટેટ્સ, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, સ્વિટ્ઝર્લૅન્ડ અને જર્મનીમાં પ્રાથમિક શિક્ષણ પ્રાથમિક શાળાઓમાં તેમજ ખાનગી શિક્ષકો દ્વારા પ્રાપ્ત કર્યું. પરિણામે, તેઓ યુરોપની પાંચ ભાષાઓ શીખી શક્યા. વળી આ દેશોનાં શહેરોમાં આવેલી આર્ટ ગૅલરી અને મ્યુઝિયમ જોવાની તક મળી. તદુપરાંત થૉરો, ઇમર્સન, ગિલી, હોથોર્ન, કાર્લાઇલ, ટેનિસન અને જે. એસ. મિલ જેવા ખ્યાતનામ મહાનુભાવોનાં પ્રવચન સાંભળવાની તક પણ તેમને મળી હતી.
ઈ. સ. 1860થી 1861નાં વર્ષોમાં તેમણે ન્યૂપૉર્ટ ખાતે વિલિયમ મોરિસ હન્ટ પાસે ચિત્રકળાનો અભ્યાસ પણ કર્યો હતો. ઈ. સ. 1861માં તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીની લૉરેન્સ સાયન્ટિફિક સ્કૂલમાં દાખલ થયા. ત્યાં તેમણે રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો. જીવવિજ્ઞાનમાં તેમની રુચિ પ્રો. લ્યુઝ અગાસીસને કારણે વળી. ઈ. સ. 1863થી તેમણે શરીર-વિજ્ઞાનનો અભ્યાસ કર્યો. પછી ચિકિત્સાક્ષેત્રે અભ્યાસ કરવા માટે તેઓ ઈ. સ. 1864માં મેડિકલ સ્કૂલમાં દાખલ થયા. ઈ. સ. 1869માં તેમણે એમ.ડી.ની ડિગ્રી મેળવી. ઈ. સ. 1872માં તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં શરીરવિજ્ઞાનના અધ્યાપક તરીકે નિમણૂક પામ્યા. આ સમયમાં તેમનું ધ્યાન મનોવિજ્ઞાન-ક્ષેત્ર તરફ ખેંચાયું. મનોવિજ્ઞાનને તત્વજ્ઞાનના ક્ષેત્રમાંથી બહાર કાઢવાનો પ્રયાસ એ સમયે ચાલતો હતો ત્યારે વિલિયમ જેમ્સે આ બંને માનવવિદ્યાઓ પ્રત્યે લક્ષ્ય આપ્યું.
ઈ. સ. 1880માં તેમની નિમણૂક હાર્વર્ડ યુનિવર્સિટીમાં તત્વજ્ઞાનના સહાયક પ્રોફેસર તરીકે થઈ. ઈ. સ. 1889માં તેઓ ત્યાં જ મનોવિજ્ઞાનના પ્રોફેસર બન્યા; અહીં તેઓ અમેરિકન તત્વચિંતક અને મનોવૈજ્ઞાનિક તરીકે પ્રસિદ્ધિ પામ્યા.
વિલિયમ જેમ્સના મતે ચેતનાની પહેલી વિશેષતા એ છે કે તે વૈયક્તિક હોય છે. કોઈ વ્યક્તિની ચેતનાના આધાર પર ચેતનાનો અભ્યાસ કરી શકાય નહિ. બીજી વિશેષતા એ છે કે તે પરિવર્તનશીલ છે. ત્રીજી વિશેષતા તેની નિરંતરતા છે. ચેતના વિશેના તેમના અભ્યાસમાં એક બાજુએ તેમણે સાહચર્યવાદનો વિરોધ કર્યો અને બીજી બાજુએ કાર્યવાદને જન્મ આપ્યો. તેમણે મનના સ્વરૂપ પર પણ પ્રકાશ નાંખ્યો અને તેને ચેતનાનો પ્રવાહ માન્યો છે.
તેમણે આત્માનાં ત્રણ સ્વરૂપ દર્શાવ્યાં : ભૌતિક, સામાજિક અને આધ્યાત્મિક. ભૌતિક આત્માનો મુખ્ય ભાગ શરીર છે અને તે અનુભવસૂચક છે. સામાજિક આત્મા વ્યક્તિના સામાજિક સંબંધો સાથે સંકળાયેલો હોય છે. વ્યક્તિનો આધ્યાત્મિક આત્મા તેનાં બૌદ્ધિક અને ભાવાત્મક કાર્યો સાથે સંકળાયેલો રહે છે.
તેમનો આવેગ વિશેનો ચર્ચાત્મક સિદ્ધાંત ઈ. સ. 1884માં પ્રસિદ્ધિ પામ્યો હતો. આ સમયે ડેન્માર્કના શરીરવિજ્ઞાની લગે પણ તેમના સિદ્ધાંત જેવો જ સિદ્ધાંત રજૂ કર્યો હતો; જે મનોવિજ્ઞાન ક્ષેત્રે ‘જેમ્સ-લગ થિયરી ઑવ્ ઇમોશન’ તરીકે જાણીતો છે. આ સિદ્ધાંતમાં તેમણે એવું પ્રતિપાદિત કર્યું છે કે ઉદ્દીપકનું પ્રત્યક્ષીકરણ થતાં સીધી શારીરિક પ્રતિક્રિયાને તે અનુસરે છે અને આવેગનો સભાન અનુભવ પછી થાય છે. તેમના મતે, મનુષ્ય રડે છે માટે શોક અનુભવે છે; હસે છે માટે આનંદ અનુભવે છે.
તેમનો આ સિદ્ધાંત શરીરલક્ષી મનોવૈજ્ઞાનિકોના પ્રયોગો દ્વારા ત્રુટિપૂર્ણ સાબિત થયો છે. તેમણે ઇચ્છાશક્તિ(willpower)ના સ્વરૂપ પર પણ પ્રકાશ નાંખ્યો છે. તેમના મતે, ઇચ્છાશક્તિનો સંબંધ વિચારો સાથે છે. વ્યક્તિના મનમાં દૃઢ વિચાર ઉદ્ભવે ત્યારે જ તે કાર્ય કરવા પ્રેરાય છે. ઐતિહાસિક દૃષ્ટિએ તેમનો સ્મૃતિવિષયક સિદ્ધાંત ઘણું મહત્વ ધરાવે છે. ધારણક્ષમતા મસ્તિષ્ક-સંચાલનનું એક તત્વ હોય છે; જે વ્યક્તિએ વ્યક્તિએ જુદું હોય છે. ધારણક્ષમતા તાલીમ દ્વારા વધારી શકાતી નથી. વળી એક પ્રકારની વસ્તુ શીખવામાં જે અભ્યાસ કરવામાં આવે છે, તે બીજા પ્રકારની વસ્તુ શીખવામાં સહાય કરતો નથી. આમ, તેમના મતે સામાન્ય સ્મૃતિ-તાલીમ માટે કોઈ વસ્તુની જરૂર નથી.
વિલિયમ જેમ્સનું મનોવિજ્ઞાનના ક્ષેત્રે ખૂબ મોટું પ્રદાન છે. તેમનું પ્રસિદ્ધ પુસ્તક ‘મનોવિજ્ઞાનના સિદ્ધાંતો’ (Principles of Psychology) ઈ. સ. 1890માં પ્રસિદ્ધ થયું હતું. એ પહેલાં તેઓ બ્રિટનની પત્રિકા ‘માઇન્ડ’(mind)માં વખતોવખત લેખ લખતા. તેમનું ‘પ્રિન્સિપલ્સ ઑવ્ સાઇકૉલોજી’ ચિકિત્સાશાસ્ત્ર અને શરીરવિજ્ઞાનના સારા જ્ઞાનના સાક્ષીરૂપ છે. આ પુસ્તકની અનેક આવૃત્તિઓ પ્રગટ થઈ છે. આ પુસ્તકને આધારે વિલિયમ જેમ્સે ‘સાઇકૉલોજી : બ્રીફર કોર્સ’ નામનું પાઠ્યપુસ્તક પણ તૈયાર કર્યું હતું, જે ઈ. સ. 1892માં પ્રકાશિત થયું હતું. ઈ. સ. 1899માં તેમનાં પ્રવચનોનો એક સંગ્રહ પણ પ્રકાશિત થયો હતો. વળી, એડિનબરો યુનિવર્સિટીમાં આપેલાં વ્યાખ્યાનોનો સંગ્રહ ‘વેરાયટીઝ ઑવ્ રિલિજિયસ એક્સપિરિયન્સીઝ’ નામે પ્રકાશિત થયો હતો. આ ઉપરાંત ઈ. સ. 1907માં ‘પ્રૅગ્મેટિઝમ’, ઈ. સ. 1900માં ‘પ્લુરાલિસ્ટિક યુનિવર્સ’ અને ‘મિનિંગ ઑવ્ ટ્રૂથ’; ઈ. સ. 1896 અને ઈ. સ. 1906માં અનુક્રમે બે નિબંધો ‘ધ વિલ ટુ બિલીવ’ અને ‘મોરલ ઇક્વિવેલન્ટ ટુ વૉર’ પ્રસિદ્ધ થયા. આ નિબંધો આજે પણ અમેરિકામાં ઉત્તરોત્તર વધુ ને વધુ મહત્વ અને પ્રસિદ્ધિ પામતા જાય છે. ઈ. સ. 1899માં ‘ટૉક ટુ ટીચર્સ’ નામનું પુસ્તક પણ પ્રસિદ્ધ થયું છે.
ઈ. સ. 1884માં મન સંબંધી સંશોધન ‘સાઇકિક રિસર્ચ’ માટે અમેરિકામાં એક સંસ્થા સ્થાપવામાં તેમણે મહત્વનો ભાગ લીધો હતો. ઇંગ્લૅન્ડમાં આ સંબંધી એક સમિતિની પણ સ્થાપના તેમણે કરી હતી. લોકપ્રિય વ્યક્તિત્વ, તેમની લેખનશૈલી અને મૌલિક વિચારપ્રણાલી પ્રશંસાપાત્ર બન્યાં હતાં. જીવનનાં અંતિમ વર્ષોમાં ‘પૅરાસાઇકૉલૉજી’ સંબંધી વિષયોમાં તેમણે રસ લીધો અને રહસ્યવાદી વિષયો પર સંશોધન પણ કર્યાં.
શાંતિલાલ છ. કાનાવાલા