વિલિયમ, બેટ્ટી સ્મીથ (. 22 મે 1943, બેલફાસ્ટ, ઉત્તર આયર્લૅન્ડ) : વિશ્વશાંતિનાં હિમાયતી, શાંતિને વરેલી ‘પીસ પીપલ’ સંસ્થાનાં સહસંસ્થાપક તથા 1976 વર્ષ માટેના નોબેલ શાંતિ-પુરસ્કારનાં સહવિજેતા. ઔપચારિક શિક્ષણ કાર્યાલયના કર્મચારીને લગતું (secretarial) અને વ્યવસાય પણ તે જ. પિતા સ્મીથ કૅથલિક ધર્મી, વ્યવસાય ખાટકીનો. માતા પ્રોટેસ્ટંટધર્મી, વ્યવસાય હોટેલમાં વેટ્રિસ. બેટ્ટી સ્મીથ તેર વર્ષની હતી ત્યારે પરિવારના ભરણપોષણની જવાબદારી તેના માથે આવી પડી. કૅથલિક શાળામાં ભણતા ભણતા તેણે બેલફાસ્ટમાં કાર્યાલય કર્મચારીનું પ્રશિક્ષણ લીધું હતું.

બેટ્ટી સ્મીથ વિલિયમ

અઢારમા વર્ષે ઇજનેર રાલ્ફ વિલિયમ સાથે તેમણે લગ્ન કર્યાં અને ત્યારબાદ વર્ષો સુધી પતિ સાથે પ્રવાસ ખેડ્યો. 1972માં બેલફાસ્ટ પાછાં આવ્યાં અને ‘વિટનેસ ફૉર પીસ’ સંગઠનમાં જોડાયાં, જેનો ઉદ્દેશ કૅથલિક અને પ્રોટેસ્ટંટ-ધર્મીઓ વચ્ચે સુલેહશાંતિ પ્રસ્થાપિત કરી હિંસાનો અંત લાવવાનો હતો. ઑગસ્ટ, 1976માં બેલફાસ્ટના રસ્તા પર આયર્લૅન્ડ રિપબ્લિકન આર્મી(IRA)ના આતંકવાદીઓએ કરેલો એક હિંસક હુમલો નિહાળ્યો, જેનાથી તેઓ ખૂબ વ્યથિત થયાં. આ હુમલો નિહાળનારા પ્રત્યક્ષદર્શીઓમાં મેરિડ કૉરિગન નામની બીજી એક મહિલા પણ હતી. આ બંનેએ સાથે મળીને આયર્લૅન્ડમાં કાયમી શાંતિ પ્રસ્થાપિત કરવા માટે એક સંગઠન ઊભું કરવાનો નિર્ણય લીધો અને એક પત્રકાર સિયારન મૅકિયૉનની મદદથી 1976માં આયર્લૅન્ડમાં ‘પીસ પીપલ’ નામનું સંગઠન સ્થાપ્યું. મૅકિયૉને સંગઠનના ઉદ્દેશોનું ખતપત્ર ‘ડેક્લેરેશન ઑવ્ પીસ’ તૈયાર કર્યું; સાથોસાથ તેમણે ‘ધ પ્રાઇસ ઑવ્ પીસ’ નામની પુસ્તિકા પણ પ્રકાશિત કરી. ઑગસ્ટ 1976માં તેમના સંગઠને બેલફાસ્ટમાં કૅથલિક વિસ્તારમાંથી પ્રોટેસ્ટંટ વિસ્તાર સુધીની કૂચ આયોજિત કરી, જેમાં 35,000 નાગરિકોએ ભાગ લીધો. આ કૂચની સફળતાને આરે આયર્લૅન્ડનાં અન્ય નગરોમાં પણ આ પ્રકારનાં શાંતિપ્રદર્શનો આયોજિત થયાં. તેને લીધે વિશ્વભરમાં આ બંનેને તથા તેમના દ્વારા પ્રસ્થાપિત ‘પીસ પીપલ’ સંગઠનને ખ્યાતિ પ્રાપ્ત થઈ. 1976ના શાંતિ માટેના નોબેલ પુરસ્કાર માટે તેમના સંયુક્ત નામનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો; પરંતુ પ્રસ્તાવ માટેની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હતી. તેથી તેમના કાર્યની કદર કરવા માટે નૉર્વેના નાગરિકોએ ‘નૉર્વેજિયન પીપલ્સ પીસ પ્રાઇઝ્’ નામનું અલાયદું પારિતોષિક જાહેર કર્યું; જેમાં 3,40,000 ડૉલરની રકમ દાનમાં પ્રાપ્ત થઈ. નવેમ્બર, 1976માં આ પારિતોષિક સ્વીકારવા માટે આ બંને મહિલાઓએ નૉર્વેના પાટનગર ઑસ્લોની મુલાકાત લીધી. ત્યારબાદ તેમણે આખા વિશ્વમાં શાંતિ-ઝુંબેશ ચલાવી. તે દરમિયાન આતંકવાદીઓ તરફથી તેમને ધમકીઓ મળતી; એટલું જ નહિ, પરંતુ ક્યારેક તેમને માર પણ મારવામાં આવ્યો, આમ છતાં તેમણે તેમનું શાંતિકાર્ય ચાલુ જ રાખ્યું, જેને પરિણામે 1977ના ઉનાળા સુધી આતંકવાદી કૃત્યોમાં લગભગ પચાસ ટકા જેટલો ઘટાડો થયો.

1977ના પાનખરમાં મેરિડ કૉરિગન અને બેટ્ટી વિલિયમને 1976ના શાંતિ માટેનું નોબેલ પારિતોષિક સંયુક્ત રીતે એનાયત કરવામાં આવ્યું. તેની જ સાથે 1977ના નોબેલ-વિજેતા ‘ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલ’ના નામની પણ જાહેરાત થઈ. આ બંને બહેનોને પુરસ્કાર રૂપે જે રકમ મળી તેમાંથી અમુક રકમ તેમણે સ્વેચ્છાથી ‘પીસ પીપલ’માં તેમના સહાયક સંસ્થાપક સિયારન મૅકિયૉનને આપી.

ત્યારપછી પણ તેમણે વિશ્વશાંતિની ઝુંબેશ ચાલુ રાખી, જેમાં આતંકવાદીઓના હુમલાઓથી બચી ગયેલાંઓનો પુનર્વાસ, આતંકવાદીઓના શિકાર બનેલાઓને સરકાર પાસેથી વળતર મેળવી આપવામાં મદદ, ગરીબ વસ્તીઓમાં રહેઠાણો તથા કમ્યૂનિટી સેન્ટરો બાંધવાં, આતંકવાદી હુમલામાં નુકસાન પામેલાં વ્યાપારી મથકો તથા  સ્કૂલોના સમારકામની જોગવાઈ વગેરેનો સમાવેશ થાય છે. આતંકવાદીઓ સ્વેચ્છાથી આત્મસમર્પણ કરે તે માટે પણ તેમણે ઝુંબેશ હાથ ધરી છે. આ બધાં કામો માટે આ બહેનોએ વિશ્વભરમાંથી પચાસ લાખ ડૉલરનું ભંડોળ ઊભું કર્યું છે.

તેમને જે અન્ય ઍવૉર્ડ મળ્યા છે તેમાં જર્મન પ્રજાસત્તાક તરફથી કાર્લ વૉન ઓસીટઝકી પારિતોષિક તથા અમેરિકાની યેલ યુનિવર્સિટીની માનાર્હ ડૉક્ટરેટનો સમાવેશ થાય છે.

નવા કાર્યકર્તાઓને ‘પીસ પીપલ’ સંસ્થાનું સુકાન સોંપવાના હેતુથી કૉરિગન તથા તેમના સહકાર્યકર મૅકિયૉને સંસ્થામાંથી એપ્રિલ 1978માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. મૅકિયૉન ફરી પત્રકારત્વ તરફ વળ્યા છે, જ્યારે કૉરિગન એક બીજી સમાન હેતુ ધરાવતી સંસ્થામાં સક્રિય છે. તેમનાં ત્રીજા સાથી બેટ્ટી સ્મીથ વિલિયમ હવે ‘શાંતિને સમકક્ષ’ ગણાય તેવી પ્રવૃત્તિઓમાં અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં કાર્યરત છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે