વિર્ટાનેન, આર્ટુરી ઇલ્મારી

February, 2005

વિર્ટાનેન, આર્ટુરી ઇલ્મારી (Virtanen, Artturi, Ilmari) [. 15 જાન્યુઆરી 1895, હેલ્સિન્કી (ફિનલૅન્ડ); . 11 નવેમ્બર 1973, હેલ્સિન્કી] : ફિનલૅન્ડના જાણીતા જૈવ-રસાયણજ્ઞ (biochemist) અને 1945ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમનાં સંશોધનો પ્રોટીનસભર લીલા ઘાસચારાના ઉત્પાદન અને સંચયન (storage) અંગેનાં તથા તેને લાંબા, ઉગ્ર શિયાળામાં કેવી રીતે જાળવવો તેને લગતાં હતાં.

આર્ટુરી ઇલ્મારી વિર્ટાનેન

1924થી 1939 દરમિયાન તેઓ યુનિવર્સિટી ઑવ્ હેલ્સિન્કીમાં રસાયણશાસ્ત્રના અનુદેશક (instructor) તથા 1939-48 દરમિયાન જૈવ-રસાયણના પ્રાધ્યાપક રહ્યા હતા. હવાબંધ કોઠારમાં ભરેલા અનાજના દાણા તથા સંઘરેલા ઘાસચારામાં બગાડ ઉત્પન્ન કરતા આથવણના પ્રક્રમોનો તેમણે અભ્યાસ કરેલો. આથવણની ક્રિયાની નીપજરૂપ લૅક્ટિક ઍસિડને કારણે અનાજ તથા ઘાસચારાની અમ્લતા (acidity) એક એવા બિંદુ સુધી વધી જાય છે કે જ્યારે આપત્તિજનક આથવણની પ્રક્રિયા અટકી જાય છે. તે જાણીને તેમણે AIV નામની (તેમના નામના પ્રથમ અક્ષરો ધરાવતી) એક એવી પ્રવિધિ વિકસાવી કે જેમાં નવા સંઘરેલા અનાજ કે ઘાસચારામાં મંદ હાઇડ્રોક્લોરિક અથવા સલ્ફ્યુરિક ઍસિડ ઉમેરવાથી તેની અમ્લતા આથવણ બંધ થઈ જાય તે બિંદુ કરતાં વધુ હોય અને તે રીતે સંગૃહીત ઘાસચારો લાંબો સમય જળવાઈ રહે. 1928-29 દરમિયાન અનેક પ્રયોગો દ્વારા તેમણે દર્શાવ્યું કે આ માવજતને કારણે ઘાસચારાના પોષકમૂલ્ય (nutritive value) અને ખાદ્યગુણ (edibility) પર તેમજ આ ચારો ખાનાર પ્રાણીઓમાંથી મેળવવાની પેદાશો પર કોઈ અનુચિત અસર થતી નથી.

1931-39 દરમિયાન હેલ્સિન્કી યુનિવર્સિટી ઑવ્ ટેક્નૉલોજીમાં જૈવ-રસાયણના પ્રાધ્યાપક રહેવા ઉપરાંત 1931થી તેઓ ફિનલૅન્ડના બાયૉકેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, હેલ્સિન્કીના નિયામક (director) પણ હતા. તેમણે શિંગી છોડવાઓ(leguminous plants)નાં મૂળ ઉપરની ગ્રંથિકાઓ(nodules)માં રહેલા નાઇટ્રોજન-યૌગિકીકરણ (fixing) જીવાણુઓ ઉપર મહત્વનું સંશોધન કર્યું હતું. તેમણે માખણના પરિરક્ષણ(preservation)ની રીતો સુધારવા ઉપરાંત આર્થિક રીતે પોષાય તેવાં આંશિક રીતે સંશ્લેષિત પશુ-ખાદ્યાન્ન (cattle feeds) બનાવવા અંગે પણ સંશોધન કર્યું હતું. AIV પ્રણાલી દ્વારા પશુઓના ઘાસચારાની જાળવણીની તેમની રીત 1943માં રજૂ કરાઈ હતી અને આજે પણ વિશ્વના ઠંડા પ્રદેશોમાં વપરાય છે.

કૃષિવિષયક અને પોષણ-રસાયણ ઉપરના ખાસ કરીને ઘાસચારાનાં પરિરક્ષણ અંગેનાં તેમનાં સંશોધનો બદલ તેમને 1945ના વર્ષનું રસાયણશાસ્ત્ર માટેનું નોબેલ પારિતોષિક એનાયત થયેલું.

જ. પો. ત્રિવેદી