વિર્ક, કુલવંતસિંગ (. 20 મે 1920, ફૂલરવાન, જિ. શેખુપુરા [હાલ પૂર્વ પાકિસ્તાન]) : પંજાબી વાર્તાકાર. 1940માં અમૃતસરની ખાલસા કૉલેજમાંથી અંગ્રેજીમાં એમ.એ.. 1942માં લશ્કરમાં જોડાયા. ભાગલા દરમિયાન જનસંપર્ક અધિકારી તરીકે કામગીરી. થોડો વખત ‘એડવાન્સ’ (અંગ્રેજી) તથા ‘જાગૃતિ’ (પંજાબી) સામયિકોનું સંપાદન. લુધિયાનાની કૃષિ યુનિવર્સિટીમાં કમ્યૂનિકેશન સેન્ટરના તેઓ નિયામક રહ્યા.

1946માં વાર્તાલેખનનો પ્રારંભ. પ્રથમ વાર્તાસંગ્રહ ‘ચાહ વેલા’ (‘ધ બ્રેકફાસ્ટ ટાઇમ’) 1950માં પ્રગટ થયો. તે પછી ‘ધરતી તે આકાશ’ (‘ધી અર્થ ઍન્ડ ધ સ્કાય’) (1951), ‘તુ દી પંદ’ (‘અ બંડલ ઑવ્ સ્ટ્રૉઝ’) (1952), ‘ઍક્સ કે હમ બારક’ (‘ચિલ્ડ્રન ઑવ્ ધ લૉર્ડ’) (1955), ‘દૂધ દા ચપડ’ (‘એ પૂલ ઑવ્ મિલ્ક’) (1961), ‘ગોલ્હન’ (‘ધ ફિગ્ઝ’) (1961), ‘નવેન લોક’ (‘ન્યૂ પીપલ’) (1967) નામે વાર્તાસંગ્રહો પ્રગટ થયા. આ છેલ્લી કૃતિ બદલ તેમને 1968ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો હતો.

તેમની ટૂંકી વાર્તાઓની સાહિત્ય-વિવેચકોએ સારી પ્રશંસા કરી છે અને તેમને ઘણાં ઇનામ તથા સન્માન મળ્યાં છે. પંજાબી ખેડૂતોનાં વિવિધ પાસાંનું તેમણે ઉત્તમ ચિત્રણ કર્યું છે અને શિક્ષણ તથા આર્થિક વિકાસને પરિણામે આ કૃષિસમાજની બદલાયેલી જીવનશૈલીનું વાસ્તવાલેખન ઉત્તમ મનાયું છે. તેમનાં પાત્રોમાં ઊણપો હોવા છતાં અને જીવનમાં તેમનો પરાજય થવા છતાં વાચકો એ પાત્રસૃષ્ટિ પ્રત્યે પ્રેમ તથા સમભાવ દાખવે છે. થોડાક જ શબ્દો વડે એ પાત્રોનો તીવ્ર આંતરસંઘર્ષ આલેખે છે. તેમની ગદ્યશૈલી પ્રવાહી તથા તળપદી છે. ગ્રામીણ લોકબોલીની બરછટતા આગવી મીઠાશ ધરાવે છે.

1959માં પંજાબના ભાષાવિભાગ તરફથી અગ્રણી લેખક તરીકે તેમનું સન્માન કરાયું હતું. 1981માં તેમની કૃતિઓને પંજાબ આટર્સ કાઉન્સિલ તરફથી પુરસ્કાર અપાયો હતો. કેન્દ્રીય સાહિત્ય અકાદમીની પંજાબી માટેની સલાહકાર સમિતિના તેઓ સભ્ય (1963-67) રહ્યા હતા. 1970થી 1980 દરમિયાન પંજાબના મુખ્ય મંત્રીના અખબારી મંત્રી પણ રહેલા. 1984માં કૅનેડાના લિટરરી ફૉરમનો ઍવૉર્ડ તેમને મળ્યો હતો.

મહેશ ચોકસી