વિલસ્ટાટર, રિચાર્ડ માર્ટિન

February, 2005

વિલસ્ટાટર, રિચાર્ડ માર્ટિન (Willstatter Richard Martin) (. 13 ઑગસ્ટ 1872, કાર્લ્સરૂહ, જર્મની; . 3 ઑગસ્ટ 1942, લોકાર્નો, સ્વિટ્ઝર્લૅન્ડ) : ક્લૉરોફિલની સંરચનાના શોધક, અને 1915ના નોબેલ પારિતોષિકના વિજેતા જર્મન કાર્બનિક રસાયણવિદ. તેઓ 11 વર્ષના હતા ત્યારે તેમના પિતા જર્મની છોડી ન્યૂયૉર્કમાં કાપડની ફૅક્ટરી નાખવા ગયા અને આમ તેમનો ઉછેર માતા દ્વારા થયો હતો. બૅટરી માટે જરૂરી એવા કાર્બન માટેની તેમના કાકાની ફૅક્ટરીને કારણે તેઓ રસાયણશાસ્ત્રમાં રસ ધરાવતા થયા.

તેઓ મ્યૂનિક યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએટ થયા અને ઍડોલ્ફ વૉન બાયરના હાથ નીચે કોકેન નામના ઍલ્કલૉઇડની સંરચના ઉપર સંશોધન કરી 1894માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. મ્યૂનિક ખાતે જ બાયરના સહાયક તરીકે સેવાઓ આપવા દરમિયાન તેમણે ઍલ્કલૉઇડો ઉપરનું સંશોધન આગળ વધારી કેટલાકનું સંશ્લેષણ પણ કર્યું. તેમના સંશોધનને કારણે કેટલાંક નવાં ઔષધોનું તેમજ સાઇક્લોઑક્ટાટેટ્રીનનું સંશ્લેષણ થઈ શક્યું. 1905થી 1912 દરમિયાન તેઓ ઝુરિક યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે રહ્યા અને વાનસ્પતિક વર્ણકો, ક્વિનોન-સંયોજનો તથા ક્લૉરોફિલના રસાયણ ઉપર તેમણે કાર્ય કર્યું. ક્લૉરોફિલની સંરચના સમજાવતાં તેમણે જણાવ્યું કે લોહીમાંનો વર્ણક હિમ (heme) એ ક્લૉરોફિલમાં જોવા મળતા પૉર્ફાઇરિન સંયોજનો સાથે સામ્ય ધરાવે છે. સ્વેટ (Tswett) દ્વારા વિકસાવાયેલી વર્ણલેખી (chromatographic) પદ્ધતિ વાપરીને તેમણે ક્લૉરોફિલ a અને b – એમ બંને સ્વરૂપોની સંરચના નક્કી કરી. તેમણે દર્શાવ્યું કે જેમ હીમોગ્લોબિનનો અણુ આયર્ન(Fe)નો એક પરમાણુ ધરાવે છે તેમ ક્લૉરોફિલનો અણુ મૅગ્નેશિયમ(Mg)નો એક પરમાણુ ધરાવે છે. બર્લિન યુનિવર્સિટીમાં તેમણે રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે તથા બર્લિન ખાતેના કૈસર વિલ્હેમ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર તરીકે (1912-1916) સેવાઓ આપી હતી. આ દરમિયાન તેમણે ફળો અને ફૂલોમાં રહેલા અનેક વર્ણકો શોધી કાઢ્યા તથા કૅરોટિન અને ઍન્થોસાયનીન ઉપર પણ સંશોધનો કર્યાં. ક્લૉરોફિલ અને અન્ય વાનસ્પતિક વર્ણકોની સંરચનાના અભ્યાસ બદલ તેમને 1915ના વર્ષ માટેનો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો.

રિચાર્ડ માર્ટિન વિલસ્ટાટર

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન સંશોધનકાર્ય અટકી પડ્યું ત્યારે ફ્રિટ્સ હેબરના સૂચનથી તેમણે વાયુ-બુરખા (gas masks) વિકસાવવા તરફ ધ્યાન આપ્યું અને ઝેરી એવા ફૉસ્જિન વાયુને શોષી લેવા હેક્ઝમિથીલીન-ટેટ્રામાઇનનો ઉપયોગ કરી જોયો. સક્રિય કાર્બન વડે સ્તરિત (layered) કરતાં આ માસ્ક તે સમયના વાયુઓ સામે અસરકારક હતો. 1916માં તેઓ મ્યૂનિક ખાતે બાયરના અનુગામી બન્યા અને (એ. સ્ટૉલ સાથે) તેમણે પ્રકાશસંશ્લેષણ ઉપર તેમજ કેટાલેઝ (catalase) અને પેરૉક્સિડેઝ (peroxidase) જેવા ઉત્સેચકો પર કાર્ય કર્યું. 1920ના દાયકા દરમિયાન તેમણે ઉત્સેચક પ્રક્રિયાઓની કાર્યવિધિ ઉપર અન્વેષણ કર્યું અને સાબિત કર્યું કે ઉત્સેચકો એ જૈવિક સજીવો (biological organisms) નહિ, પણ રાસાયણિક પદાર્થો છે. ઉત્સેચકો એ અપ્રોટીની પદાર્થો (nonproteins) છે તેવું તેમનું ષ્ટિબિંદુ 1930 સુધી સ્વીકારાયેલું રહ્યું હતું, પણ પછી તે અસ્વીકૃત બન્યું છે.

પોતે યહૂદી હતા અને યહૂદી-વિરોધી રાજકારણ વધતું જતું હોવાથી, ખાસ કરીને ભૂરસાયણવિદ ગોલ્ડશ્મિડ્ટને તેમની ફૅકલ્ટીએ યહૂદી હોવાને કારણે નિમણૂક ન આપતાં, 1925માં તેમણે 53 વર્ષની વયે મ્યૂનિક ખાતેના પ્રાધ્યાપકપદેથી રાજીનામું આપ્યું. આને કારણે તેમણે પેન્શન, ઘરબાર, મોભો અને હોદ્દાને કારણે મળતું રક્ષણ ગુમાવ્યું.

તેમના એક સમયના વિદ્યાર્થી એવા સ્ટૉલની મદદ તથા સ્વિટ્ઝર્લૅન્ડમાંના તેમના મિત્રોની સહાયથી માર્ચ, 1939માં તેઓ જર્મનીની સીમા છોડી સ્વિટ્ઝર્લૅન્ડ જતા રહ્યા અને ત્યાં અંગત રીતે સંશોધનકાર્ય ચાલુ રાખેલું.

જ. પો. ત્રિવેદી