વિયોગી હરિ (. 1896, છત્તરપુર, મધ્યપ્રદેશ; . 1988) : હિંદીના લેખક. મૂળ નામ હરિપ્રસાદ દ્વિવેદી. નાની વયે પિતાનું અવસાન. છત્તરપુરમાં અભ્યાસ કરી 1915માં મૅટ્રિક. તે પછી કૃષ્ણ પ્રત્યેના પ્રેમથી આકર્ષાઈ વિવિધ યાત્રાધામોનો પ્રવાસ. તેમનો હરિજનસેવક સંઘ, ભૂદાન આંદોલન, ભારત સેવક સમાજ અને બીજાં સામાજિક સંગઠનો સાથે પ્રવૃત્તિ-સહયોગ હતો. અસ્પૃશ્યતા-નિવારણમાં દૃઢ માન્યતા. હરિજનોનાં હિત માટે તેઓ સક્રિય રહ્યા. ગાંધીજીની પ્રેરણાથી ‘હરિજન સેવક’ની હિંદી આવૃત્તિનું તેમણે સંપાદન કર્યું હતું.

તેમણે ધર્મ, તત્વજ્ઞાન, સમાજસુધારણા અને સાહિત્ય જેવા વિવિધ વિષયો પર 45 જેટલાં પુસ્તકો લખ્યાં છે; તેમાં ‘સાહિત્યવિહાર’. ‘છદ્મયોગીની નાટિકા’ (1922), ‘વ્રજમાધુરી સાર’, ‘કવિ કીર્તન’, ‘કૉમેન્ટરી ઑન વિનય-પત્રિકા’ (1923), ‘વિનય-પત્રિકા ઑવ્ સુરદાસ’ (1924), ‘અંતર્નાદ’ (1926), ‘વીર શતસઈ’ (1927), ‘ભાવના’ (1928), ‘યોગી ઑરોબિન્દોઝ દિવ્ય વાની’, ‘છત્રસાલ ગ્રંથાવલી’, ‘મંદિરપ્રવેશ’, ‘યમુનાચાર્ય ચરિત’, ‘વિશ્વધર્મ’ જેવી કૃતિઓ મુખ્ય છે. 1940માં હિંદી સાહિત્ય સંમેલન તરફથી તેમને ‘સાહિત્ય વાચસ્પતિ’નું બિરુદ અપાયું હતું.

તેઓ ભક્તકવિ અને તત્વચિંતક હતા. તેમની કવિતા પર સુર, તુલસી, કબીર અને બીજા સંતકવિઓનો પ્રભાવ હતો. તેમનો ધર્મ સુસંકલિત વિશ્વધર્મ હતો અને ગાંધીજી તેમના આદર્શ હતા. આધુનિક યુગના વ્રજભાષાના સફળ કવિ તરીકે તેમની ગણના થાય છે. હિંદી કવિઓના સંકલન ‘વીર શતસઈ’ બદલ 1928માં તેમને મંગળપ્રસાદ ઍવૉર્ડ અપાયો હતો.

મહેશ ચોકસી