વિયોગી કુંવર (. 1940, સાંબા, જમ્મુ-કાશ્મીર) : ડોગરી ભાષાના કવિ. શરૂઆતમાં વિજ્ઞાનના વિષયોનો અભ્યાસ કર્યો, પણ ઇન્ડિયન ઍરફૉર્સમાં પસંદગી થવાથી અભ્યાસ છોડી દેવો પડ્યો. પાછળથી તેમણે બી.એ.ની ડિગ્રી મેળવી. કવિ-કારકિર્દીનો કૉલેજ-કાળથી પ્રારંભ. કૉલેજ-મૅગેઝિન તથા ‘યોજના’ અને ‘ત્રિકૂટ’ જેવાં સામયિકોમાં કાવ્યોનું પ્રકાશન. કવિસંમેલનોમાં તેમનાં કાવ્યોને ભારે દાદ મળતી. તેમનાં કાવ્યોમાં વિચાર તથા કલ્પનાનો સુંદર સમન્વય છે.

તેમનું પ્રથમ મહત્વનું પ્રકાશન તે ‘ઘર’ (1979). આ લાંબા કાવ્યમાં 44 પંક્તિની 238 કડીઓ છે અને દરેક કડીની છેલ્લી પંક્તિનો છેલ્લો શબ્દ ‘ઘર’. વિભાવના તથા નિરૂપણ એમ બંને દૃષ્ટિએ ડોગરી ભાષામાં આ કાવ્યસંગ્રહ અનન્ય ઠર્યો છે. પ્રેમ, લગ્ન, વર્ણવ્યવસ્થા તથા અન્ય સામાજિક દૂષણો તેમજ જીવન વિશેનું સર્વગ્રાહી તત્વચિંતન તેમણે તેમની કવિતામાં વ્યક્ત કર્યું છે. આ કાવ્યસંગ્રહને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1982ના વર્ષનો પુરસ્કાર મળ્યો છે.

તેમનું બીજું મહત્વનું પ્રકાશન તે 200 ડોગરી સૉનેટનો સંગ્રહ ‘પેહલિયાં બાંગન’. ડોગરીમાં તેઓ સર્વપ્રથમ અને એકમાત્ર સૉનેટ-લેખક છે અને આ કાવ્યસંગ્રહ આ ભાષાનો સર્વપ્રથમ સૉનેટ-સંગ્રહ છે.

કૉલેજ-કાળથી જ તેમને સૉનેટના – ખાસ કરીને શેક્સપિયરિયન સૉનેટનાં સ્વરૂપ અને શૈલીનું આકર્ષણ રહ્યું હતું. અભ્યાસમાં જોકે મિલ્ટૉનિક અને ઇટાલિયન સૉનેટ ભણવામાં આવ્યાં હતાં. તેમણે પોતાની પ્રતિભાને સાનુકૂળ નીવડે એવી લય-યોજના અપનાવી છે, જેથી તેઓ તેમના વિચારો અને ભાવો પ્રવાહી શૈલીમાં વ્યક્ત કરી શકે. ક્યારેક તેમણે શેક્સપિયરશાઈ કે ક્યારેક પેટ્રાર્કશાઈ લય અપનાવ્યો છે ખરો. તેમનો પ્રયાસ ખરેખર પ્રશંસનીય નીવડ્યો છે અને ડોગરીના પ્રવર્તમાન પ્રકારોમાં આ ગ્રંથ એક મૂલ્યવાન ઉમેરણ બન્યો છે.

તેમણે જિબ્રાનના ‘ધ પ્રૉફેટ’ના કેટલાક અંશોનું ભાષાંતર પણ કર્યું છે. વળી ડોગરીમાં તેમણે ગઝલો પણ લખી છે.

મહેશ ચોકસી