વિરલ (દ્વીપકલ્પ) : ઇંગ્લૅન્ડના પશ્ચિમ ભાગમાં આવેલા પચરંગી મર્સીસાઇડ પરગણાનો એક જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 53° 22´  ઉ. અ. અને 3° 05´ પ. રે.ની આજુબાજુનો આશરે 158 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ દ્વીપકલ્પની ઈશાન બાજુએ મર્સી નદીનો નદીનાળ જળમાર્ગ, ઉત્તરે આયરિશ સમુદ્ર, પશ્ચિમે ડી નદીનો જળવિસ્તાર, દક્ષિણે યેશાયર પરગણું આવેલાં છે.

ફેરીસેવા, સડક-બોગદાં અને રેલ-બોગદાં વિરલ દ્વીપકલ્પના પ્રદેશને બાકીના મર્સીસાઇડ સાથે સાંકળે છે. શહેરી વસ્તી, ઔદ્યોગિક મથકો તેમજ વેપાર-વાણિજ્ય દ્વીપકલ્પના પૂર્વ અને ઈશાન ભાગમાં મર્સી નદીની નાળને કાંઠે વિસ્તૃત સુવિધા ધરાવતાં બંદર બર્કનહેડની આજુબાજુ વિકસ્યાં છે. દ્વીપકલ્પના બાકીના ભાગમાં ગ્રામીણ વસ્તી અને ખેતભૂમિ આવેલી છે. વેસ્ટ કર્બી, હૉયલેક અને વૉલેસી દરિયાકાંઠે વસેલાં મુખ્ય નગરો છે. ઉનાળામાં રજાઓ ગાળવા માટે ઘણા પ્રવાસીઓ આ નગરોમાં આવે છે. ન્યૂ બ્રાઇટનથી વેસ્ટ કર્બી સુધીની દરિયાઈ કંઠારપટ્ટી મનોરંજન અર્થે આવતા પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ બની રહેલી છે. હૉયલેક ખાતે રૉયલ લિવરપુલ ગૉલ્ફ ક્લબનું ગૉલ્ફ-મેદાન આવેલું છે.

ઓગણીસમી સદીના પ્રારંભ સુધી તો આ આખોય પ્રદેશ કૃષિવિસ્તાર હતો; પરંતુ લિવરપુલના વિકાસની સાથે સાથે દ્વીપકલ્પના જુદા જુદા ભાગોમાં લિવરપુલના ધંધાદારીઓ આવીને વસ્યા. 1824માં વિલિયમ લાયર્ડે બર્કનહેડ ખાતે જહાજવાડાની સ્થાપના કરી અને ત્યાં હેમિલ્ટન ચોકને મધ્યસ્થ મથક રાખીને વ્યવસ્થિત નગરનું આયોજન કર્યું. ઓગણીસમી સદીના અંતિમ ચરણમાં લિવરપુલથી સ્વતંત્ર રીતે બર્કનહેડની ગોદીઓ પરથી વેપાર વિકસ્યો. આજે અહીં જોવા મળતા ઉદ્યોગોમાં આટાની મિલો, માર્ગેરીન અને ફાર્મસી-ઔષધો તથા દરિયાઈ ઇજનેરીનો સમાવેશ થાય છે. અહીંના સર્વપ્રથમ લૉર્ડ લિવરહ્યુમ દ્વારા નોકરિયાતો માટે મૉડેલ ગાર્ડન વિલેજની નજીકમાં આવેલા સનલાઇટ બંદર ખાતે લાંબા સમયથી સ્થપાયેલું યુનિલિવર સોપ વર્કસ આવેલું છે.

ગિરીશભાઈ પંડ્યા