વિયેના સર્કલ (Vienna circle) : તત્વચિન્તકો, ગણિતશાસ્ત્રીઓ, તર્કશાસ્ત્રીઓ અને વિજ્ઞાનીઓએ વિજ્ઞાનના અને તત્વજ્ઞાનના પ્રશ્નો વિશે ચર્ચાવિચારણા કરવા જર્મન તત્વચિંતક મૉરિત્ઝ શ્લિક(1882-1936)ના નેતૃત્વ હેઠળ વિયેના યુનિવર્સિટીમાં 1922માં રચાયેલું એક જૂથ. આમ તો વિયેનાના એક જૂના કૉફી-હાઉસમાં 1907માં વિજ્ઞાન અને તત્વજ્ઞાનના પ્રશ્નો વિચારવા માટે ભૌતિકવિજ્ઞાની ફિલિપ ફ્રૅન્ક, ગણિતશાસ્ત્રી હાન્સ હાન અને અર્થશાસ્ત્રી ઑટો ન્યૂરેથ દરેક ગુરુવારે રાત્રે બેઠકો યોજતા હતા; પરંતુ ખરા અર્થમાં તો વિયેના સર્કલ ભૌતિકવિજ્ઞાન, જ્ઞાનમીમાંસા, નીતિશાસ્ત્ર, ગણિત અને વિજ્ઞાનનાં તત્વજ્ઞાનમાં યોગદાન કરનારા મોરિત્ઝ શ્લિક (Moritz Schlick) 1922માં વિયેના યુનિવર્સિટીમાં તત્વજ્ઞાનના અધ્યાપક તરીકે જોડાયા તે પછી તેમની દોરવણી હેઠળ જ શરૂ થયું. પ્રારંભમાં તો હાન અને ન્યૂરેથ સેમિનારોમાં હાજર રહેતા અને પ્રાગમાં ભૌતિકવિજ્ઞાનનું અધ્યાપન કરતા ફિલિપ ફ્રૅન્ક પણ પ્રાગથી વારંવાર વિયેના આવીને ચર્ચાઓમાં ભાગ લેતા. પાછળથી વિયેના સર્કલમાં રૂડોલ્ફ કારનાપ, હર્બર્ટ ફાયગલ, ફ્રાઇડરિખ વેઇસમૅન વગેરે પણ જોડાયા. લગભગ દર અઠવાડિયે તેઓ મળતા હતા. પ્રસંગોપાત્ત, આ જૂથની બેઠકોમાં હાન્સ રાઇખનબાખ કુર્ત ગૉડેલ, આલ્ફ્રેડ ટારસ્કી, ડબ્લ્યૂ. વિ. ક્વાઇન અને એ. જે. ઍયર પણ આમંત્રિતો તરીકે હાજર રહેતા હતા. કાર્લ પૉપર આ જૂથના સભ્ય ન હતા, પણ વિજ્ઞાનના પદ્ધતિવિચારનાં તર્કશાસ્ત્ર વિશેનાં તેમનાં વિશ્ર્લેષણો અંગે ત્યાં ઊહાપોહ થતો હતો. 1926માં વિયેના યુનિવર્સિટીમાં કારનાપ જોડાયા પછી કારનાપ (18911970) વિયેના સર્કલ દ્વારા પ્રસ્થાપિત તાર્કિક પ્રત્યક્ષવાદ (logical positivism) તરીકે ઓળખાતા અભિગમના મુખ્ય પ્રવક્તા બની રહ્યા હતા.

1929માં આ જૂથે પોતાનું ઘોષણાપત્રક પ્રગટ કર્યું. તેનું શીર્ષક હતું ‘જગત વિશેની વૈજ્ઞાનિક વિભાવના – વિયેના સર્કલ.’ આ મૅનિફેસ્ટોમાં સર્કલના ચૌદ સભ્યોની યાદી છે. જગત પ્રત્યેના વૈજ્ઞાનિક અભિગમને આગળ કરનાર તરીકે બર્ટ્રાન્ડ રસેલ, લુડવિગ વિટ્ગેન્સ્ટાઇન અને આલ્બર્ટ આઇન્સ્ટાઇન – એ ત્રણેયનો તેમાં સન્માન અને ગૌરવપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 1930થી 1940 દરમિયાન ન્યૂરેથ, કારનાપ અને મૉરિસના સંપાદન હેઠળ વિયેના જૂથે ‘Erkenntnis’ નામના જર્નલને પ્રકાશિત કર્યું. 1928થી 1937 સુધીમાં શ્લિક અને ફ્રૅન્ક દ્વારા સંપાદિત દશ ગ્રંથો પ્રકાશિત થયા. તેમાં આર. વૉન. માઇસિસ, કારનાપ, શ્લિક, ન્યૂરેથ, ફ્રૅન્ક, વિક્ટર ક્રાફ્ટ વગેરે ચિંતકોના ગ્રંથોનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક અને સામાજિક વિજ્ઞાનીઓના પદ્ધતિવિચાર(methodology)નું તર્કશાસ્ત્ર એક જ પ્રકારનું છે તેવું દર્શાવીને સર્વ વિજ્ઞાનોનું એકીકરણ કરવાનો મહત્ત્વાકાંક્ષી પ્રૉજેક્ટ પણ વિયેના સર્કલમાં વિચારવામાં આવ્યો હતો. વિજ્ઞાનના તત્વજ્ઞાનમાં આ ચિંતકોનું પ્રદાન મૌલિક હતું.

વિયેના સર્કલના સભ્યો માટે લુડવિગ વિટ્ગેન્સ્ટાઇનનો ગ્રંથ ‘ટ્રેક્ટેટસ લૉજિકો-ફિલૉસાફિકસ’ (1921)  એ મુખ્ય અભ્યાસગ્રંથ હતો. અનેક બેઠકોમાં આ જૂથના સભ્યોમાં તે ગ્રંથ વાક્યવાર અને ફકરાવાર વંચાતો હતો અને વારંવાર તેના વિવિધ વિચારોનું સામૂહિક વિશ્ર્લેષણ થતું હતું. વિટ્ગેન્સ્ટાઇન તે ગાળામાં ઑસ્ટ્રિયામાં જુદાં જુદાં ગામડાંઓમાં પ્રાથમિક શિક્ષક હતા અને રસેલના વિદ્યાર્થી તરીકે કેમ્બ્રિજમાં શિક્ષણ લીધા પછી પણ તેઓ છેક 1929માં ત્યાં અધ્યાપક તરીકે જોડાયા હતા. વિયેના સર્કલના બે સભ્યો શ્લિક અને વેઇસમૅન સાથે જ વિટ્ગેન્સ્ટાઇન ‘ટ્રેક્ટેટસ’ અંગે ચર્ચા કરતાં તેઓ પોતે ક્યારેય આ વર્તુળમાં જોડાયા ન હતા અને બીજા સભ્યો સાથે પણ કોઈ ચર્ચામાં જોડાવા માટે તેઓ તૈયાર ન હતા. તાર્કિક પ્રત્યક્ષવાદમાં વિજ્ઞાન અને મેટાફિઝિક્સ(તત્વમીમાંસા)નો ભેદ પાડવાનું ધોરણ વિયેના સર્કલને વિટ્ગેન્સ્ટાઇન દ્વારા મળ્યું હતું, અને એ રીતે વિયેના સર્કલના મુખ્ય સિદ્ધાંતને ઘડવામાં વિટ્ગેન્સ્ટાઇનનું પ્રદાન નિર્ણાયક રહ્યું છે. ‘ટ્રૅક્ટેટસ’ રચ્યા પછી વિટ્ગેન્સ્ટાઇને આઠેક વર્ષ સુધી તત્વજ્ઞાનનું ક્ષેત્ર છોડી દીધું હતું.

વિટ્ગેન્સ્ટાઇનના ‘ટ્રેક્ટેટસ’ પ્રમાણે તત્વજ્ઞાન કોઈ પ્રાકૃતિક વિજ્ઞાન નથી. ખરેખર તો તે કોઈ પ્રકારનું વિજ્ઞાન જ નથી. તે એક વિશ્ર્લેષણની પ્રવૃત્તિ છે, સત્ય-સ્થાપક પ્રવૃત્તિ નથી. ઊલટાનું ભાષાના તાર્કિક સ્વરૂપને ન સમજવાને લીધે ઉદ્ભવતી ગેરસમજણો અને ગૂંચવણોને જ ભૂલથી ‘તત્વજ્ઞાનની ગંભીર સમસ્યાઓ’ તરીકે ઓળખાવવામાં આવે છે. તત્વજ્ઞાન તો કેવળ વિધાનોનું સ્પષ્ટીકરણ કરે છે. પાછળથી વિટ્ગેન્સ્ટાઇને ભાષાના કેવળ તાર્કિક સ્વરૂપના વિશ્ર્લેષણનો વિચાર કરવાને બદલે સર્વસામાન્ય ભાષા(ordinary language)ના વિશ્ર્લેષણનું મહત્વ સ્વીકાર્યું. પરંતુ metaphysics વિશે તેમનો મત બદલાયો નહિ. તેમની દૃષ્ટિએ તેની સમસ્યાઓ ઉપજાવી કાઢેલી ભ્રામક સમસ્યાઓ છે. તેનો ઉકેલ નહિ પણ તેનું વિસર્જન થવું જોઈએ. વિયેના સર્કલના ચિંતકોએ વિટ્ગેન્સ્ટાઇનના ટૅક્ટેટસ(Tractatus)માં જે વિચારો રજૂ થયા હતા તેને અંગે જ સમીક્ષા કરી હતી.

વિટ્ગેન્સ્ટાઇનના પ્રભાવ હેઠળ કારનાપે 1932ના એક શોધલેખમાં સ્પષ્ટ કર્યું છે કે ભાષાનું તાર્કિક વિશ્ર્લેષણ કરવાથી તત્વમીમાંસા-(metaphyscics)નું સંપૂર્ણ વિસર્જન થઈ જાય છે. અવલોકનાશ્રિત વિધાનોનો અર્થ (meaning) તેની ચકાસણીની રીત(method of verification)માં જ રહેલો છે તેવો તાર્કિક પ્રત્યક્ષવાદનો મુખ્ય સિદ્ધાંત કારનાપે વ્યવસ્થિત રીતે રજૂ કર્યો છે. તત્વમીમાંસા કે નીતિશાસ્ત્રનાં વિધાનો ચકાસણીક્ષમ ન હોવાથી અર્થયુક્ત (meaningful) જ નથી. ચકાસણીક્ષમતા એ વૈજ્ઞાનિક વિધાનો અને તત્વજ્ઞાનનાં વિધાનો વચ્ચે ભેદ પાડવાનું ધોરણ છે. ધર્મમીમાંસકોના ઈશ્વરવિષયક કે હાય્ડેગર જેવા તત્વમીમાંસકનાં સત્-વિષયક વિધાનો ખોટાં નથી પણ અર્થહીન છે. તેમાં કશું કહેવાયું હોતું જ નથી. તત્વમીમાંસામાં કોઈ તારણો તપાસવાનાં હોતાં નથી; કારણ કે તેમાં કોઈ તારણો જ નથી અને તેમાં કશું પણ ચકાસી શકાય તેવાં તથ્યો રૂપે સ્થપાતું જ નથી. વિટ્ગેન્સ્ટાઇનના પ્રભાવ હેઠળ કારનાપે તત્વમીમાંસાના વિસર્જનની ઘોષણા કરી.

ઑક્સફર્ડના ફિલસૂફ એ. જ. એયરે તાર્કિક પ્રત્યક્ષવાદનો કારનાપ નિરૂપિત અભિગમ ઇંગ્લૅન્ડમાં ‘લૅંગ્વેજ ટ્રુથ ઍન્ડ લૉજિક’  એ તેમના ગ્રંથથી પ્રચલિત કર્યો.

તથ્યવિષયક (factual) વિધાનો અવલોકનાશ્રિત (empirical) વિધાનો હોય છે અને તેની ચકાસણી થઈ શકતી હોય તો અને તો જ તેવાં વિધાનો અર્થયુક્ત હોય છે. એ તાર્કિક પ્રત્યક્ષવાદીઓએ સ્પષ્ટ કર્યું છે; પરંતુ પ્રશ્ર્ન ગણિતના અને તર્કશાસ્ત્રનાં વિધાનો અંગેનો છે. તર્કશાસ્ત્ર અને ગણિતનાં વિધાનો અવલોકનાશ્રિત વિધાનોની જેમ અવલોકનોથી તારવવામાં આવતાં નથી. તેની સત્યતા/અસત્યતા અવલોકનાશ્રિત હોતી નથી તાર્કિક પ્રત્યક્ષવાદીઓ પ્રમાણે ગણિતનાં/તર્કશાસ્ત્રનાં વિધાનો અમુક તાર્કિક સ્વરૂપનાં હોવાને કારણે જ અર્થયુક્ત અને સત્ય હોય છે. તેને ચકાસણીથી સાબિત કરવાનાં હોતાં નથી. તાર્કિક પ્રત્યક્ષવાદ ઉપર આ પ્રકારનો મત રજૂ કરવામાં બર્ટ્રાન્ડ રસેલ(1872-70)નો પ્રભાવ પડ્યો હતો. રસેલ મુજબ સમગ્ર ગણિતશાસ્ત્રને તર્કશાસ્ત્રમાં અવગલિત (reduce) કરી શકાય છે. આ મતને ‘તર્કશાસ્ત્રવાદ’ (logicism) કહેવાય છે. કેટલાંક વિધાનો વિશ્ર્લેષક (analytic) હોય છે. તેની સત્યતા માટે વાસ્તવિક અવલોકનો કરવાની જરૂર નથી; દા.ત., ‘સર્વ વિધવાઓ સ્ત્રીઓ છે.’ – આ વિધાન સત્ય તરીકે સ્થાપવા માટે અવલોકનગમ્ય પુરાવાની જરૂર નથી. ‘વિધવા’ એ શબ્દ દ્વારા સૂચિત વિભાવનાના વિશ્ર્લેષણથી જ તે વિધાનની સત્યતા નિર્ધારિત થાય છે; પરંતુ કેટલાંક વિધાનો સંશ્ર્લેષક (synthetic) છે, જેને માટે પ્રત્યક્ષ અવલોકનોની જરૂર પડે છે કારણ કે તે સત્ય કે અસત્ય હોઈ શકે છે; દા.ત., સર્વ વિધવાઓ શિક્ષિત હોય છે. આ વિધાન સત્ય છે કે નહિ તેની અવલોકનથી જ ચકાસણી કરવી પડે. રસેલ પ્રમાણે ગણિતનાં સત્યો તર્કશાસ્ત્રનાં સત્યો જેવાં જ છે. તે તર્કશાસ્ત્રના નિયમની મદદથી જ સત્ય ઠરે છે. તે સંદર્ભમાં તે વિધાનો વિશ્ર્લેષક વિધાનો જેવાં છે, સંશ્ર્લેષક વિધાનો જેવાં નહિ. તાર્કિક પ્રત્યક્ષવાદમાં ‘તાર્કિક’ એ શબ્દ તર્કશાસ્ત્ર/ગણિતને અવલોકનાશ્રિત વૈજ્ઞાનિક વિધાનોથી અલગ પાડવા માટે મૂક્યો છે. રસેલનો તર્કશાસ્ત્રવાદ વિયેના સર્કલને માન્ય હતો.

ટૂંકમાં, વિયેના સર્કલ દ્વારા રજૂ થયેલા તાર્કિક પ્રત્યક્ષવાદને વિજ્ઞાન અને ‘મેટાફિઝિક્સ’નો ભેદ પાડવાનું ધોરણ વિટ્ગેન્સ્ટાઇન પાસેથી મળ્યું અને ગણિત તેમજ તર્કશાસ્ત્રનાં વિધાનોનું સ્વરૂપ અવલોકનાશ્રિત વિધાનોથી કયા અર્થમાં જુદું છે તે અંગેનો દૃષ્ટિકોણ રસેલ પાસેથી મળ્યો. આ ઉપરાંત 1900થી 1930 દરમિયાન ભૌતિકશાસ્ત્રમાં જે નવા સિદ્ધાંતો આવ્યા તેની વિભાવનાઓને લગતી (conceptual) સમસ્યાઓ પણ વિયેના સર્કલમાં ચર્ચાતી હતી. આ જૂથના સભ્યો ભૌતિકવિજ્ઞાનીઓ અને ગણિતશાસ્ત્રીઓ સાથે સતત સંપર્કમાં રહેતા હતા અને તેથી જ તત્વજ્ઞાનને વિજ્ઞાનાભિમુખ બનાવવાના તેમના પ્રૉજેક્ટને બળ મળ્યું હતું. વિજ્ઞાનનું તત્વજ્ઞાન એ તેમનો મુખ્ય વિષય બની ગયો.

રસેલ અને વિટ્ગેન્સ્ટાઇનના પ્રભાવ હેઠળ તાર્કિક પ્રત્યક્ષવાદીઓએ તર્કશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, વ્યક્તિલક્ષી-સંભાવનાલક્ષી અનુમાનના પ્રશ્નો, અવલોકન-નિરૂપક વિધાનો(observation-statement)નું સ્વરૂપ, વિજ્ઞાનના નિયમોનું તાર્કિક સ્વરૂપ, વૈજ્ઞાનિક સ્પષ્ટીકરણનું સ્વરૂપ, પ્રાકૃતિક અને સામાજિક વિજ્ઞાનની પદ્ધતિના ભેદનું સ્વરૂપ – એમ અનેક પ્રશ્નોનું ઊંડાણપૂર્વક વિશ્ર્લેષણ કર્યું હતું. બધાં વિજ્ઞાનોની એકતાનો પ્રૉજેક્ટ પણ ચર્ચવામાં આવ્યો હતો. વિજ્ઞાનના તત્વજ્ઞાનમાં આ સર્કલના સહુથી પ્રભાવક સભ્યો શ્લિક, કારનાપ, હેમ્પેલ વાઇલમૅન અને હર્બટ ફાઇગલ હતા.

વિયેના સર્કલના સભ્ય ન હોવા છતાં કાર્લ પૉપર(1902-1994)નું પુસ્તક ‘લૉજિક ઑવ્ સાયન્ટિફિક મેથડ’ (1932) સર્કલ તરફથી પ્રકાશિત થયું. પૉપરે ચકાસણીવાદ, વ્યાપ્તિવાદ અને સર્કલના બીજા ઘણા સિદ્ધાંતોનો સંપૂર્ણ રીતે અસ્વીકાર કર્યો હતો. તેમની દૃષ્ટિએ metaphysics અર્થહીન નથી; ઊલટાનું તે ક્યારેક વિજ્ઞાનને ઉપકારક પણ નીવડે છે. રસેલે અને વિટ્ગેન્સ્ટાઇને પણ તાર્કિક પ્રત્યક્ષવાદની બધી મુખ્ય ધારણાઓ સ્વીકારી નથી. વિધાનોની અર્થયુક્તતા અંગેના ચકાસણીના સિદ્ધાંતને પણ પાછળથી ઘણા ચિંતકોએ અસ્વીકાર્ય ગણ્યો છે.

જર્મનીમાં અને પછી ઑસ્ટ્રિયામાં નાત્સી શાસન દરમિયાન અમલમાં આવેલી ફાસીવાદી અને સરમુખત્યારવાદી શાસનપદ્ધતિના ભોગ બનેલા વિજ્ઞાનીઓ, કલાકારો અને ચિંતકોમાં વિયેના સર્કલના અને રાઇખનબાખે સ્થાપેલા બર્લિન સર્કલના સભ્યોનો પણ સમાવેશ થયો છે. વિયેના યુનિવર્સિટીમાં વ્યાખ્યાનખંડમાં જઈ રહેલા મૉરિત્ઝ શ્લિકની નાત્સી (નાઝી) વિદ્યાર્થીએ ગોળીબાર કરીને 1936માં હત્યા કરી. શ્લિક તો યહૂદી ન હતા પણ સર્કલના યહૂદી સભ્યોએ અને સમાજવાદમાં માનતા બીજા સભ્યોએ બીજા દેશોમાં વસવું પડ્યું. રાઇખનબાખ 1938માં અને હૅમ્પેલ 1939માં અમેરિકામાં સ્થાયી થયા. 1936માં વિયેના સર્કલનું વિસર્જન થયું.

વિજ્ઞાન-આધારિત જ્ઞાનમીમાંસાના વિયેના સર્કલના અભિગમના કેટલાક સિદ્ધાંતો હવે માન્ય થયા નથી; પણ તેના અવલોકન-કેન્દ્રિત અને તાર્કિક અભિગમને વરેલા ચિંતકો હજી પણ ‘ઇન્સ્ટિટ્યૂટ  વિયેના સર્કલ’(સ્થાપના : 1991)ના આશ્રયે વૈજ્ઞાનિક પદ્ધતિના સ્વરૂપની અને વિજ્ઞાનના ફલિતાર્થની તાત્ત્વિક મીમાંસા કરે છે. શ્લિક, રાઇખનબાખ વગેરેના યોગદાનની સમીક્ષા નવેસરથી કરવામાં આવી રહી છે.

મધુસૂદન બક્ષી