વિમલનાથ : જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાં તેરમા તીર્થંકર. જૈન પુરાણો તીર્થંકર-ભવ પૂર્વેના તેમના બે ભવની વિગતો આપે છે. પ્રથમ ભવમાં તેઓ ઘાતકી ખંડ દ્વીપમાં પ્રાગ્વિદેહ ક્ષેત્રમાં ભરત નામે વિજયમાં મહાપુરી નગરીના પદ્મસેન નામે રાજા હતા. તે જન્મમાં વૈરાગ્યબોધ થવાથી સર્વગુપ્ત આચાર્ય નામે ગુરુ પાસે દીક્ષા લઈ તેમણે સંસારત્યાગ કર્યો હતો. અનેકવિધ ઉગ્ર તપશ્ર્ચર્યાદિ સત્કર્મોનું આરાધન કરી, તીર્થંકર-નામકર્મ ભવિષ્યમાં તીર્થંકર બનવા યોગ્ય કર્મ ઉપાર્જિત કરી મરણાન્તે તેઓ સહસ્રાર દેવલોકમાં મહાઋદ્વિમાન દેવ બન્યા.
દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી તેઓ પુન: મનુષ્યલોકમાં જંબૂદ્વીપમાં, ભરતક્ષેત્રમાં કાંપિલ્યપુર નગરના રાજા કૃતવર્માની પટરાણી શ્યામાદેવીની કુક્ષિમાં વૈશાખ શુક્લા દ્વાદશીના દિવસે, ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં, ગર્ભ રૂપે અવતર્યા. તેઓ જ્યારે ગર્ભમાં આવ્યા ત્યારે તીર્થંકરનો જન્મ સૂચવતાં ચૌદ ઉત્તમ સ્વપ્નો તેમનાં માતાએ જોયાં. પૂરા માસે માઘ શુક્લ તૃતીયાના દિવસે, ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં ચન્દ્રના યોગે, ડુક્કરના ચિહ્નવાળા અને તપ્ત સુવર્ણ વર્ણવાળા, જન્મ સમયે જ ત્રણ જ્ઞાનના ધારક એવા તેમનો જન્મ થયો. ઇન્દ્રે જલાભિષેક દ્વારા તેમની પૂજા કરી. માતા-પિતાએ તેમનું ‘વિમલ’ નામ પાડ્યું. બાલ્યાવસ્થામાં વિદ્યાઓ પ્રાપ્ત કરી. જૈન અનુશ્રુતિ મુજબ પંદર લાખ વર્ષની વયે તેઓ સાઠ ધનુષ ઊંચા અને એક હજાર આઠ ઉત્તમ લક્ષણો ધરાવતા યુવાન બન્યા. માતા-પિતાએ અનેક રાજકન્યાઓ સાથે તેમનું પાણિગ્રહણ કરાવ્યું. ત્યારબાદ પિતૃઆજ્ઞાથી, જૈન અનુશ્રુતિ મુજબ ત્રીશ લાખ વર્ષ સુધી તેમણે રાજ્યસંચાલન કર્યું અને ભોગો ભોગવ્યા. આ પછી દીક્ષાગ્રહણનો વિચાર થતાં વાર્ષિક દાનપૂર્વક સહસ્રામ્રવનમાં માઘમાસની શુક્લ ચતુર્થીના દિવસે, જન્મનક્ષત્રમાં જ, પાછલા પહોરે, એક હજાર રાજાઓ સાથે, છઠ્ઠ તપ(બે દિવસના ઉપવાસ)પૂર્વક તેમણે દીક્ષા અંગીકાર કરી. બે વર્ષ છદ્મસ્થપણે દેશમાં વિહાર કરી વિમલનાથ પુન: સહસ્રામ્રવન ઉદ્યાનમાં પધાર્યા ત્યારે પોષમાસની શુક્લા ષષ્ઠિને દિવસે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં છઠ્ઠ તપયુક્ત એવા વિમલનાથ ભગવંતને જંબૂવૃક્ષ નીચે કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. ત્યાં દેવતાઓએ રચેલ સમવસરણ(ધર્મસભા)માં પ્રભુએ ઉપદેશ આપી તીર્થ-પ્રવર્તન કર્યું. તેમના મંદર આદિ સત્તાવન ગણધરો પટ્ટશિષ્યો હતા. તેમના અનુયાયી-ગણમાં અડસઠ હજાર સાધુઓ, એક લાખ ને આઠસો સાધ્વીઓ, અગિયારસો ચૌદ પૂર્વધારીઓ, ચાર હજાર આઠસો અવધિજ્ઞાનીઓ, પાંચ હજાર પાંચસો મન:પર્યવજ્ઞાનીઓ, તેટલા જ કેવળજ્ઞાનીઓ, નવ હજાર વૈક્રિય લબ્ધિધારીઓ, બે લાખ આઠ હજાર શ્રાવકો અને ચાર લાખ ચોત્રીસ હજાર શ્રાવિકાઓ હતાં. કેવળજ્ઞાન પ્રાપ્તિ પછી જૈન અનુશ્રુતિ મુજબ પંદર લાખ વર્ષમાં બે વર્ષ ઓછા એટલા સમય સુધી લોકમાં વિહાર કરી, નિર્વાણસમય નજીક આવેલ જાણી ભગવાન વિમલનાથ સમ્મેતશિખર પર્વતે પધાર્યા અને ત્યાં છ હજાર સાધુઓ સાથે અનશનવ્રત ધારણ કરી, એક માસના અનશનવ્રતના અંતે આષાઢ કૃષ્ણ સપ્તમીના દિવસે, ચંદ્ર પુષ્યનક્ષત્રમાં આવ્યો ત્યારે, કુલ સાઠ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રભુ નિર્વાણ પામ્યા.
જૈન પુરાણ અનુસાર વિમલનાથ તીર્થંકરના સમયમાં જ ભરતખંડમાં સ્વયંભૂ નામે વાસુદેવ અર્થાત્ અર્ધચક્રવર્તી રાજા તથા ભદ્ર નામે બલદેવ અને મેરક નામે પ્રતિવાસુદેવ થઈ ગયા. જૈન પરંપરા પ્રમાણેના નવ વાસુદેવ, નવ બલદેવ અને નવ પ્રતિવાસુદેવમાં આ ત્રણ ક્રમે બીજા વાસુદેવ, બીજા બલદેવ અને બીજા પ્રતિવાસુદેવ હતા.
રમણીક શાહ