વિભીષણ : રામાયણનું એક જાણીતું પાત્ર. સાત ચિરજીવીઓમાં તેને ગણવામાં આવે છે. કૈકસીને ઋષિ વિશ્રવસ્થી રાવણ અને કુંભકર્ણ – એમ બે પુત્ર થયા; પરંતુ તેઓ દુષ્ટકર્મા હતા. આથી તેમણે આ ઋષિના આશીર્વાદથી ત્રીજો પુત્ર ધર્માત્મા – વિભીષણ – મેળવ્યો. વિભીષણે બ્રહ્માની ઉગ્ર તપસ્યા કરી અને વરદાનમાં ધર્મબુદ્ધિ માગી. બ્રહ્માએ રાજી થઈને તેને આ ઉપરાંત બ્રહ્માસ્ત્ર અને અમરત્વ આપ્યાં. રાવણ સીતાનું અપહરણ કરીને લઈ આવ્યો અને તેને સરમાની દેખભાળમાં રાખી. આ સરમા વિભીષણની પત્ની હતી અને સીતાની પ્રેમાળ સખી બની ગઈ હતી. તે સીતાને રામના કુશળ સમાચાર આપતી હતી. રાવણને પોતાની સભામાં હનુમાનનો વધ કરવો હતો; પરંતુ વિભીષણે ‘દૂત અવધ્ય છે’, એમ કહીને અટકાવ્યો. લંકાદહન વખતે હનુમાને વિભીષણના આવાસને ઊની આંચ પણ આવવા દીધી ન હતી. રાવણે યુદ્ધપૂર્વે મંત્રીપરિષદ બોલાવી. તેમાં વિભીષણે સલાહ આપી કે સીતાને માનભેર સોંપી દેવી અને યુદ્ધ ન કરવું. રાવણે તેનું ભયંકર અપમાન કર્યું અને કાઢી મૂક્યો. ત્યારે તે પોતાના ચાર મિત્રો – અનલ, પનસ, સંપાતિ અને પ્રમાતિ – સાથે રામનું શરણ લેવા ગયો. સુગ્રીવને આમાં વિશ્વાસ ન પડ્યો અને એને રાવણનું કાંઈક કપટ લાગ્યું. પરંતુ રામે સમજાવ્યું કે શરણાગતને આશ્રય એ ક્ષાત્રધર્મ છે. યુદ્ધમાં રામનો વિજય થયો તેમાં વિભીષણનો ફાળો મહત્વનો હતો. તે લંકાની ભૂગોળ, રાવણની સૈન્ય-વ્યવસ્થા, રાવણની યુદ્ધનીતિ વગેરેથી વાકેફ હતો. એ પોતે માયાવી વિદ્યા જાણતો હતો, તેથી ઇન્દ્રજિત સામે લડ્યો હતો. ઇન્દ્રજિતના કેટલાય સૈનિકો અદૃશ્ય રહીને લડતા હતા. વિભીષણે કુબેર પાસેથી દિવ્ય જળ મેળવ્યું. તેનાથી રામ વગેરેની આંખો આંજી. હવે તે સૈનિકો દૃશ્યમાન થતા હતા. યુદ્ધના અંતભાગે તેણે રાવણના રથના અશ્ર્વો મારી નાખ્યા. રાવણના અંતિમ સંસ્કાર માટે તે તૈયાર ન હતો. રામે તેને સમજાવીને સંમત કર્યો. રામે તેને લંકાનું રાજ્ય સોંપ્યું. રામના અશ્વમેધ યજ્ઞમાં તેણે ઋષિઓની સેવા કરવાનું કાર્ય સ્વીકાર્યું. રામે પોતાના દેહત્યાગ વખતે તેને આશીર્વાદ આપ્યો ‘જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય રહેશે, જ્યાં સુધી પૃથ્વી ટકેલી હશે, જ્યાં સુધી સંસારમાં મારી કથા હશે; ત્યાં સુધી અહીં (લંકામાં) તારું રાજ્ય હશે.’ સાચના સહાયક તરીકે તેનું પાત્ર પ્રસિદ્ધ છે.
રશ્મિકાન્ત મહેતા