વિન્ડાઉસ, એડૉલ્ફ ઑટો રાઇનહોલ્ડ

February, 2005

વિન્ડાઉસ, એડૉલ્ફ ઑટો રાઇનહોલ્ડ (. 25 ડિસેમ્બર 1876, બર્લિન, જર્મની; . 9 જૂન 1959, ગોટિંગન, જર્મની) : સ્ટેરૉઇડ રસાયણમાં આગળ પડતા સંશોધક અને 1928ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા જર્મન કાર્બનિક રસાયણવિદ. શરૂઆતમાં તેમણે બર્લિનની ફ્રેન્ચ ગ્રામર સ્કૂલમાં સાહિત્યનો અભ્યાસ કર્યો. તે પછી તેમણે ફ્રાઇબર્ગ વિશ્વવિદ્યાલયમાં પ્રથમ ઔષધિ(medicine)નો અભ્યાસ શરૂ કર્યો, પરંતુ એમિલ ફિશરનાં પ્રવચનોને લીધે તેઓ કાર્બનિક રસાયણ તરફ આકર્ષાયા. ડિજિટાલિસ નામના છોડમાંથી મળતા હૃદયી (cardiac) વિષ ઉપર સંશોધન કરી 1899માં ફ્રાઇબર્ગ વિશ્વવિદ્યાલયમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1906માં તેઓ ઇન્સબ્રુક યુનિવર્સિટી(ઑસ્ટ્રિયા)માં અધ્યાપક તરીકે અને 1913માં પ્રયુક્ત ઔષધીય રસાયણના પ્રાધ્યાપક બન્યા. 1915માં તેઓ ગોટિંગન વિશ્વવિદ્યાલયમાં પ્રાધ્યાપક બન્યા અને 1944માં નિવૃત્ત થયા ત્યાં સુધી રહ્યા.

1901થી તેમણે કોલેસ્ટેરૉલની રાસાયણિક સંરચના ઉપર સંશોધન શરૂ કર્યું અને 30 વર્ષ જેટલા લાંબા ગાળા સુધી તેના ઉપર કાર્ય કર્યું. આ સંશોધન સ્ટેરૉલ સંયોજનો તરીકે ઓળખાતા જટિલ આલ્કોહૉલના અભ્યાસના એક ભાગ રૂપે હતું. વિટામિન Dના પૂર્વગામી (pre- cursor) એવા 7  ડિહાઇટ્રોકોલેસ્ટેરૉલની શોધ કરી અને તે એક સ્ટેરૉઇડ છે તેમ દર્શાવ્યું. તેમણે એ પણ શોધી કાઢ્યું કે સૂર્યપ્રકાશની અસરને કારણે તેમાંનો એક રાસાયણિક બંધ તૂટે છે અને તે વિટામિનમાં ફેરવાય છે. આને લીધે સૂર્યપ્રકાશ લેવાથી માનવીમાં વિટામિન Dની ઊણપના કારણે થતો સુકતાનનો રોગ (rickets) અટકાવી શકાય છે, તેની સમજ મળી શકી. તેઓ કોલેસ્ટેરૉલ જેવા સ્ટેરૉઇડ સમૂહના રસાયણ માટે મહત્વના સંશોધક હતા. 1919માં તેમણે કોલેસ્ટેરૉલમાંથી કૉલાનિક ઍસિડ બનાવ્યો, જે અગાઉ નોબેલ પુરસ્કારવિજેતા વીલૅન્ડે બનાવેલો. કોલેસ્ટેરૉલનું કૉલાનિક ઍસિડમાં રૂપાંતર કરીને તેમણે પિત્ત ઍસિડો તથા સ્ટેરૉલ સંયોજનો વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કર્યો.

એડૉલ્ફ ઑટો રાઇનહોલ્ડ વિન્ડાઉસ

વળી ડિજિટાલિસ ગ્લુકોસાઇડ સંયોજનો, બ્યુફોટૉક્સિન(વિષ)ની શોધ તથા હૃદયરોગ (cardiac disorder) ઉપરનાં તેમનાં સંશોધનો ખૂબ મહત્વનાં સાબિત થયાં. એર્ગોસ્ટેરૉલ તથા વિટામિન D વચ્ચેનો સંબંધ પણ તેમણે પ્રસ્થાપિત કર્યો. તેમણે એ પણ બતાવ્યું કે વિટામિન Bમાં થાયાઝોલ તથા પિરિમિડીન-વલયો હોય છે. વિટામિન B1 ઉપર સંશોધન કરી તેમણે જીવજનિત (biogenic) એમાઇન હિસ્ટામીનની શોધ કરી કે જે એલર્જી (allergy) માટેનું એક મુખ્ય સંયોજન છે. તેમનાં સંશોધનોએ દર્શાવ્યું કે રસાયણશાસ્ત્ર, શરીરક્રિયાવિજ્ઞાન (physiology) તથા ઔષધશાસ્ત્ર એકબીજા સાથે આંતરસંબંધિત છે.

સ્ટેરૉલ સંયોજનોના બંધારણ અને વિટામિનો સાથેના તેમના સંબંધ અંગેના મહત્વના સંશોધન બદલ તેમને 1928ના વર્ષનો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો. 1938માં તેમને પાશ્ર્ચર ચંદ્રક અને 1941માં ગ્યૂઇથે ચંદ્રક મળ્યા હતા. 1951માં તેમને ગ્રાન્ડ ઑર્ડર ઑવ્ મેરિટથી નવાજવામાં આવેલા. ગોટિંગન, મ્યૂનિક, ફ્રાઇબર્ગ તથા હેનોવર જેવી યુનિવર્સિટીઓ તરફથી તેમને માનદ ડૉક્ટરેટની પદવીઓ એનાયત કરવામાં આવી હતી.

જ. પો. ત્રિવેદી