વિન્ડસર (Windsor)

February, 2005

વિન્ડસર (Windsor) : કૅનેડાના ઑન્ટેરિયો રાજ્યમાં છેક દક્ષિણ છેડે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 42° 18´ ઉ. અ. અને 83° 01´ પ. રે.. કૅનેડા અને યુ.એસ. સરહદ પર ડેટ્રૉઇટ અને વિન્ડસર એકબીજાની બરોબર સામસામે, ડેટ્રૉઇટથી અગ્નિકોણમાં આવેલું છે. સરહદ પર તે પ્રવેશદ્વાર તરીકે કામ આપે છે. આ શહેર એવા મોકાના સ્થાને આવેલું છે કે અહીંના ભૂમિઅંતર્ગત જળમાર્ગોથી તે આજુબાજુના પરિવહન માટેનું મુખ્ય કેન્દ્ર બની રહેલું છે. આ શહેરની ગોદી પરથી સરોવરો-નદી મારફતે બહાર દરિયામાં જતાં જહાજો પર માલ ચઢાવાય છે. કૅનેડાનાં બીજાં બધાં શહેરો કરતાં વિન્ડસર મોટરો અને તેની સાધન-સામગ્રીના ઉત્પાદનમાં મોખરે છે.

આજે જ્યાં વિન્ડસર આવેલું છે ત્યાં 1750ના અરસામાં ફ્રેન્ચ અભિયંતાઓએ સર્વપ્રથમ ફ્રેન્ચ લોકોની વસાહત સ્થાપેલી. અંગ્રેજ વસાહતો અહીં છેક 1790ના દાયકા દરમિયાન સ્થપાયેલી. તે પછી 1836માં ઇંગ્લૅન્ડના ‘વિન્ડસર’ પરથી આ સ્થળને પણ વિન્ડસર નામ અપાયેલું. 1996 મુજબ વિન્ડસર બૃહદ્ વિસ્તારની વસ્તી 2,78,685 જેટલી તથા શહેરની વસ્તી 1991 મુખ્ય 1,91,435 જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા