વિન્દન્ (. 1916, મેલાચ્ચેટ્ટુપ્પાટ્ટુ, તામિલનાડુ; . 1975) : તમિળ નવલકથાકાર અને કટાક્ષલેખક. તેમનું સાચું નામ ‘કોવિન્દન્’ હતું. સામાન્ય કુટુંબમાં જન્મ થવાથી વિધિસર શિક્ષણથી વંચિત રહ્યા. બીબાં ગોઠવનાર તરીકે જીવનની શરૂઆત કરીને 1942માં તમિળ અઠવાડિક ‘કલ્કિ’માં પ્રૂફવાચક તરીકે જોડાયા.

તેમનામાં રહેલી સર્જનાત્મક શક્તિને પારખીને સંપાદક જે લોકપ્રિય લેખક હતા તેમણે તેમને ટૂંકી વાર્તાઓ લખવા પ્રેર્યા. 1946માં તેઓ ‘કલ્કિ’ના સહસંપાદક બન્યા. તેમણે ‘નક્કિરન્’, ‘તેન્નાવન્’, ‘વિજી’ અને ‘વસન્ત’ જેવાં જુદાં જુદાં તખલ્લુસથી લેખનકાર્ય કર્યું.

કામદારો અને ખેડૂતોની સ્થિતિનું વર્ણન કરતો તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ છે ‘મુલ્લૈક્કોડિયાલ’. ત્યારબાદ તેમણે 10 વાર્તાસંગ્રહો આપ્યા. તેમાં ‘ઓરે ઉરિમાઈ’ (1950), ‘વિન્દન્ કતૈકાલ’ (1956) અને ‘ઓરુ મક્કલ પિરાતિનિદિ’ (1977) ઉલ્લેખનીય છે.

તેમની નોંધપાત્ર નવલકથાઓમાં ‘કાન તિરાક્કુમા’ (1956), ‘પાલમ પવૈયમ્’ (1956), ‘અંપુ અલરુકિરાતુ’ (1965) અને ‘ચુયમાવરમ્’(1973)નો સમાવેશ થાય છે. આ નવલકથાઓમાં મુખ્યત્વે આઝાદી પછીના સમયમાં રુશવતખોર રાજકીય જીવન અને સ્ત્રીઓની ઘૃણાજનક સ્થિતિનું ચિત્રાંકન છે.

તેમણે અનેક ગદ્ય-કટાક્ષિકાઓ રચી છે. તેમાં ‘પાસી કોવિન્નમ્’ (1956), ‘મિસ્ટર વિક્કિરામાતિત્તમ્ કતૈકાલ’ (1969) ખૂબ જાણીતી છે. પછી તેઓ ફિલ્મો માટે પટકથાલેખક પણ બન્યા હતા.

બળદેવભાઈ કનીજિયા