વિનાશકારી સૂક્ષ્મજીવો
February, 2005
વિનાશકારી સૂક્ષ્મજીવો : વનસ્પતિ અને પ્રાણીઓમાં વ્યાધિનો ઉદ્ભવ, ખોરાકનો બગાડ, સ્વાસ્થ્યરક્ષાને હાનિ જેવી આર્થિક દૃષ્ટિએ વિનાશકારી ઘટનાઓ માટે કારણભૂત સૂક્ષ્મજીવો. આવા સૂક્ષ્મજીવોમાં જીવાણુ (bacteria), ફૂગ (fungus), પ્રજીવ (protozoon) અને લીલ (algae) ઉપરાંત વિષાણુઓ(virus)નો પણ સમાવેશ કરવામાં આવે છે. પ્રોટીનના સ્તરથી આચ્છાદિત એવા ન્યૂક્લીઇક ઍસિડના બનેલા આ વિષાણુઓ, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. સજીવોના શરીર સાથે સંપર્કમાં આવતા આ ઘટકો યજમાનના શરીરમાં આવેલ ચયાપચયી દ્રવ્યોની મદદથી વૃદ્ધિ અને ગુણન પામી યજમાનને હાનિ પહોંચાડે છે.
જીવાણુઓ : સામાન્યપણે વ્યાધિકારક જીવાણુઓ ત્વચા-શ્વસનાંગો, અંતરાંત્રીય માર્ગ (gastro-intestinal tract), જનન-મૂત્રવાહિની જેવા ભાગોમાં એક યા બીજી રીતે પ્રવેશ પામતા હોય છે. દાખલા તરીકે ત્વચાને સહેજ પણ ઈજા થતાં Pseudomonas aeruginosa જીવાણુઓ ત્વચામાં પ્રસરે છે અને વૃદ્ધિ પામી હાનિ પહોંચાડે છે.
શ્વસનતંત્ર : ગળાના સોજા માટે Streptococcus pyogenus જીવાણુ કારણભૂત છે; જ્યારે ક્ષયરોગ Myobacterium tuberculosis જીવાણુને લીધે થાય છે. ન્યૂમોનિયા માટે Legionella pneumophia જવાબદાર છે. Coryne diphtheria જીવાણુને લીધે રોહિણી (diphtheria)નો ચેપ લાગે છે. ઉટાંટિયા (whooping cough)ના રોગ માટે Bordatella pertussis જીવાણુ કારણભૂત છે.
સારણી 1 : અંતરાંત્રીય માર્ગના વ્યાધિકારક જીવાણુઓ
રોગ | જીવાણુ | |
1. | કૉલેરા | Vibrio choleri |
2. | વિષમજ્વર (typhoid) | Salmonella typhi |
3. | મરડો | Shigell પ્રજાતિના સભ્યો |
4. | ખોરાકી આવિષાલુતા | Salmonella પ્રજાતિના સભ્યો |
(food toxin) |
સારણી 2 : મૂત્રમાર્ગ અને જનનતંત્રના વ્યાધિકારકો
રોગ | જીવાણુ | |
1. | મૂત્રમાર્ગ | Proteusની પ્રજાતિઓ; Escherischia Coli |
2. | સ્ત્રીઓમાં મૂત્રપિંડનો ચેપ | પાયુરિયાસિસ અને E. Coli |
3. | ચાંદી (syphilis) | Treponema pallidium |
4. | પરમિયો (gonorrhea) | Neisseria gonorrhea |
5. | માંસનો સડો (gas gangrene) | Clostridium perfingenus |
6. | ધનુર | Clostridium titani |
7. | નેત્રશ્લેષ્મલા શોથ (conjuctivitis) | Leptospira, Bacillus ecterohimoregia |
8. | બરોળિયો તાવ | Bacillus anthresis |
9. | મગજનો તાવ (brain fever) | meningitis, Neisseria meningitis |
10. | રક્તવિષતા (septicemic) | Stephilococcusની પ્રજાતિઓ |
11. | Appendicitis | Streptococcus viridans અને S. myetis |
વિનાશકારી ફૂગ : ફૂગ (fungus) નામે ઓળખાતા બધા સૂક્ષ્મજીવો પરપોષી હોય છે. સામાન્યપણે તેઓ તંતુ જેવા આકારના હોય છે. અથાણું કે વાસી બ્રેડ જેવામાં તેઓ સહેલાઈથી પ્રસરે છે. સામાન્યપણે ખાદ્ય પદાર્થોમાં ફૂગ બીજાણુ(spore)ના સ્વરૂપમાં પ્રવેશે છે, ક્રિયાશીલ બને છે અને વૃદ્ધિ પામે છે. ફૂગ સાયટોટૉક્સિન જેવા વિષાલુ પદાર્થોનું ઉત્પાદન કરતી હોવાથી તેના વિષાણુઓ વનસ્પતિ તેમજ પ્રાણીઓ માટે વિનાશકારી નીવડે છે.
વનસ્પતિ–વિનાશી ફૂગ : ફૂગની કાલિમાકવક (smut), ગેરુ, ફૂગ (rust) અને આસિતા (mildew) જેવી જાતો વનસ્પતિપેશીમાં સહેલાઈથી પ્રવેશી તેનો બગાડ કરે છે. યોગ્ય કાળજી લેવા છતાં આ ફૂગને લીધે કેટલીક વાર 50 % જેટલો પાક નાશ થયાના ઘણા દાખલા છે. યુરોપ અને ઉત્તર અમેરિકામાં Dutch-elm નામે ઓળખાતી ફૂગની વિપરીત અસર હેઠળ elm વનસ્પતિ સંપૂર્ણપણે વિનાશ પામ્યાના દાખલા નોંધાયા છે.
રસોડામાં રાંધેલ મોટાભાગની ખોરાકી ચીજોમાં પાણીનો અંશ હોવાથી આવા પદાર્થોમાં ફૂગ બીજાણુના સ્વરૂપમાં પ્રવેશીને વાતાવરણમાં તાપમાનનું પ્રમાણ વધવાથી સહેલાઈથી વૃદ્ધિ પામે છે અને માયકોટૉક્સિન નામે ઓળખાતા વિષાલુ પદાર્થોનું ઉત્પાદન કરે છે. તેથી ભૂલેચૂકે તેવો ખોરાક ખાવાથી ઘણી વાર ખાનારને તકલીફ થાય છે અને વિપરીત સંજોગોમાં તે જીવલેણ પણ ઠરે છે. લોકો બિલાડીના ટોપની કેટલીક જાતોનો ઉપયોગ ખોરાકમાં કરે છે; પરંતુ બિલાડીના ટોપની કેટલીક જાતો આવિષાલુ પદાર્થનું ઉત્પાદન કરતી હોવાથી ખાદ્ય પદાર્થ તરીકે બિલાડીના ટોપનો સ્વીકાર કરતાં પહેલાં સાવધાની રાખવી ઘણી અગત્યની છે. ફૂગની અસર હેઠળ કેટલીક વાર સફરજનના પીણામાં ઑફોરો ટૉક્સિન તેમજ મગફળીમાં ઍફલા ટૉક્સિન જેવાં વિષ ફેલાય છે. તેથી બજારમાંથી લીધેલી ઘણી ખાદ્ય ચીજો વાસી ન હોવા બાબતે ખાતરી કરવી હિતાવહ છે.
ફૂગજન્ય વ્યાધિકારકો : ખમીર (yeast) તેની ફૂગને લીધે ઘણી વાર પ્રાણીઓમાં કેટલીક વ્યાધિઓ સર્જે છે. એક સામાન્ય વ્યાધિ તરીકે દરાજ(ringworm)નો નિર્દેશ કરી શકાય. Tinea પ્રજાતિની કેટલીક ફૂગો શિરોવલ્ક (scalp) કટિપ્રદેશ નખ, ત્વચા, દાઢી અને પગ જેવા ભાગને ચેપ લગાડે છે.
ઍસ્પેર્જિલૉસિસ નામના ચેપથી રોગરોધક ક્ષમતા (immunity) ઘટી જવાથી અસરગ્રસ્ત માનવી ‘Aid’ જેવા વિષાણુજન્ય રોગથી પીડાય છે.
Candidiasis વ્યાધિમાં ત્વચા, યોનિત્વચા (સ્ત્રીઓમાં), મૂત્રાશય જેવા ભાગો પર ફૂગ પ્રસરે છે. આ વ્યાધિથી પણ રોગરોધકક્ષમતા ઘટી જવાથી તેની વિપરીત અસર હૃદય, મૂત્રપિંડ અને યોનિમાર્ગ પર થાય છે.
Coccidioidomycosisમાં ફૂગ ધૂળ (dust) વાટે શરીરમાં પ્રવેશે છે. તેની વિપરીત અસર ફેફસાં જેવા ભાગ પર થઈ શકે છે.
Cryptococcosis ફૂગજન્ય વ્યાધિની વિપરીત અસર મગજ, હૃદય, ફેફસાં જેવાં અંગો પર થાય છે.
બગીચામાં કામ કરતાં ફૂગના બીજાણુઓ માળીના શરીરમાં પ્રવેશતાં તે sporotrichosis વ્યાધિનો ભોગ બને છે.
મોટાભાગના ફૂગજન્ય રોગો પર પ્રતિ ફૂગ (anti-fungal) દવાનો ઉપચાર કરવામાં આવે છે. મોટાભાગની આ દવાઓ રોગ મટાડવાની ક્ષમતા ધરાવે છે. વિપરીત સંજોગોમાં – દાખલા તરીકે, ફૂગ ફેફસાં, શિરાકોટરો જેવા અંદરના ભાગમાં પ્રવેશ પામી ત્યાં ચોંટી ગઈ હોય ત્યારે શલ્યકર્મ (surgery) અનિવાર્ય બને છે.
ફૂગની વિવિધ જાતિઓ સેંદ્રિયજન્ય પદાર્થો (દા.ત., કાગળ, કપડાં, ચામડી) વગેરેનું અપઘટન કરવા ઉપરાંત તેઓ ઍસિડો જેવા પદાર્થોનું ઉત્પાદન કરે છે તેથી ફૂગ કાચ, ફર્નિચર જેવાને પણ હાનિ પહોંચાડે છે.
વિનાશકારી શેવાળ (algae) : મોટાભાગની શેવાળ એકકોષીય હોય છે અને પ્લવક (plankton) તરીકે જલજીવી જીવન પસાર કરે છે. દરિયામાં વસતી ડાયનોફ્લૅજલેટની વિશિષ્ટ જાતો મૃદુકાયોનાં પચનાંગોમાં આવિષાલુ(Toxic) પદાર્થોનું વિમોચન કરે છે. તેવા મૃદુકાયના ભક્ષણથી કેટલાક લોકોમાં લકવો નોંધાયો છે. ડાયઍટમ પ્લવકની કેટલીક જાતો છીપના શરીરમાં ડોમોઇક ઍસિડનો સ્રાવ કરે છે. તેવાં છીપલાંના પ્રાશનથી તેનું પ્રાશન કરનાર જૂજ સમય માટે સ્મરણશક્તિ ગુમાવે છે. વિપરીત સંજોગોમાં આવી વ્યક્તિ મૃત્યુ પામ્યાના દાખલા પણ નોંધાયા છે. કેટલીક માછલીઓમાં પણ કેટલીક પ્લવકો આ વિષાલુ પદાર્થોનું વિમોચન કરવાથી ભક્ષક પ્રાણીમાં જઠરને લગતી સમસ્યા ઊભી થવાની શક્યતા રહે છે.
વિનાશકારી પ્રજીવો : મોટાભાગના પરોપજીવી પ્રજીવો યજમાન-(host)ના શરીરમાં પ્રવેશીને હાનિ પહોંચાડે છે. તેમાંના કેટલાક પ્રજીવો કીટકોના કરડવાથી રુધિર વાટે યજમાનના શરીરમાં પ્રવેશે છે; દા.ત., મલેરિયા, નિદ્રારોગ (sleeping sickness) અને કાળા આજાર જેવા રોગોના પ્રજીવો.
(1) મલેરિયા : વિશિષ્ટ જાતનો માદા એનોફિલીસ મચ્છર કરડવાથી મલેરિયા માટે કારણભૂત પ્લાસ્મોડિયન પ્રજાતિના જંતુઓ માનવીના શરીરમાં પ્રવેશતા હોય છે. Plasmodium જાતનો જંતુ ઘણી વાર માનવી માટે અત્યંત ક્લેશકારક નીવડે છે; જ્યારે P. vi vax. P. malarie જેવાં જંતુ વડે ઉદ્ભવતા મલેરિયા વ્યાધિને યોગ્ય ઉપચાર વડે કાબૂમાં રાખી શકાય છે.
(2) નિદ્રારોગ : Trypanosoma પ્રજીવ જંતુઓ શરીરમાં પ્રવેશવાથી માનવી નિદ્રારોગથી પીડાય છે. સેત્સે (Tsetse) માખ કરડવાથી આ રોગના જંતુઓ શરીરમાં પ્રવેશે છે.
(3) લિશ્માનિયાસિસ : રેતમાખી (sand fly) કરડવાથી માનવી તેમજ અન્ય પ્રાણીઓમાં શરીરમાં Leishmania પ્રજાતિના જંતુઓ પ્રવેશે છે. અંતરંગમાં L-donovani જંતુ પ્રવેશવાથી માનવી કાળા આજારનો ભોગ બને છે. કેટલીક પ્રજાતિઓ યજમાનની ત્વચા તળે પ્રવેશવાથી ત્વચા પર ચાંદાં (ulcer) ઊપસી આવે છે. કૂતરાઓેને આ પ્રજીવોના ભંડાર તરીકે વર્ણવવામાં આવે છે.
(4) અમીબી મરડો : ખોરાક અને પાણી વાટે Entamoeba histolytica જંતુઓ આંતરડાંમાં પ્રવેશવાથી માનવી આ ચેપથી પીડાય છે. યોગ્ય કાળજીના અભાવે આ ચેપ યકૃતમાં પણ પ્રસરે છે. પ્રાણીઓના સંપર્કથી મરડાજન્ય Giardia intenstinilis પ્રજીવ શરીરમાં પ્રવેશે છે. જોકે દવા વગર પણ આ રોગ આપમેળે મટતો હોય છે.
(5) યોનિમાર્ગનો ચેપ (vaginititis) : સમાગમને લીધે Trichomonas vaginilis જંતુ યોનિમાર્ગને ચેપ લગાડે છે. ગર્ભવતી સ્ત્રીમાં કેટલીક વાર આ જંતુઓ ભ્રૂણના સંપર્કમાં આવતાં, તેઓ ભ્રૂણના મગજ અને આંખમાં પ્રસરી શરીરને હાનિ પહોંચાડે છે.
યોગ્ય અને સમયસર ઉપચાર કરવાથી પ્રજીવજન્ય રોગોને મટાડી શકાય. જોકે વિપરીત સંજોગોમાં વ્યાધિ જીવલેણ નીવડવાની શક્યતા રહે છે.
વિષાણુ ચેપ (virus infection) : વિષાણુઓ અનેક રીતે યજમાન પ્રાણીઓના સંપર્કમાં આવતા હોય છે. શ્વસન, પીડિત વ્યક્તિ સાથે સંપર્ક, સમાગમ, રુધિરક્ષેપણ (transfusion), માતાના ગર્ભાશય જેવા વિવિધ માર્ગો દ્વારા તેઓ પ્રાણીઓનાં શરીરમાં પ્રવેશતા હોય છે.
1. શીતળા (small pox) : પીડિતોના સંસર્ગથી સહેલાઈથી યજમાનનો સંપર્ક સાધતા આ ચેપના પૅરાવાઇરસ વિષાણુઓનો ચેપ લાગે છે. માનવ-સ્વાસ્થ્યની દૃષ્ટિએ અત્યંત ભીષણ ગણાતા આ ચેપને WHOના અથાગ પ્રયત્નને લીધે પૃથ્વી પરથી લગભગ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં સફળતા સાંપડી છે. આ અગાઉ આ રોગને થતો અટકાવવા શીતળાની રસી ટાંકવામાં આવતી હતી.
2. ઓરી (measles) : Paramyxivirus વિષાણુને લીધે સામાન્ય ઓરી, જ્યારે Rubellavirus વિષાણુને લીધે જર્મન-ઓરી(german-pox)નો ચેપ લાગે છે. સાવચેતી વડે આ બંને પ્રકારના ચેપથી રાહત અનુભવી શકાય છે.
3. અછબડા (chicken-pox) : કોઈક વાર બાળકો Varicella-zoster વિષાણુને લીધે અછબડાથી પીડાય છે. સાવચેતી વડે અને આરામ કરવાથી ચેપમુક્ત થવાય છે.
4. શ્વસન અને આંખનો ચેપ (respiratory and eye infection) : Adenovirus વિષાણુની અનેક જાતો આ ચેપ માટે કારણભૂત છે.
5. ઇન્ફ્લુએન્ઝા : ઇન્ફ્લુએન્ઝાના વિષાણુને લીધે માણસો ઇન્ફ્લુએન્ઝા તાવથી પીડાય છે. આરામ કરવાથી તેમજ તાવ મટાડવાની દવાના ઉપચારથી તેઓ સાજા થઈ જાય છે.
6. કૅન્સર : Papilloma વિષાણુથી ગળાનું કૅન્સર થાય છે; જ્યારે T-lymphotrophic વિષાણુને લીધે રક્તનું કૅન્સર (leukemia) થાય છે. બીજા કેટલાક વિષાણુઓને લીધે પણ કૅન્સર થતું હોય છે.
7. AID : HIV વિષાણુને લીધે માનવીમાં રોધક્ષમતા (immunity) ગુમાવવાની શક્યતા નિર્માણ થાય છે. સમાગમથી આ ચેપ લાગે છે. ગર્ભવતી સ્ત્રીને આ ચેપ થયો હોય તો તેનું સંતાન પણ આ ચેપથી પીડાય છે.
8. પીતજ્વર (yellow fever) : Arbovirus ઍર્બોવિષાણુને લીધે આ ચેપ લાગે છે. મચ્છર કરડવાથી વિષાણુઓ રુધિર વાટે શરીરમાં પ્રવેશે છે. આફ્રિકામાં પ્રચલિત આ ચેપ કોઈક વાર જીવલેણ નીવડે છે. રસીના ક્ષેપનથી આ રોગ થતો અટકાવી શકાય છે.
9. સામાન્ય શરદી (common cold) : સામાન્યપણે મોટાભાગની પ્રજા એક યા બીજા સમયે (અથવા વારંવાર) આ રોગથી પીડાતી હોય છે. હવા વાટે Rhinovirus વિષાણુઓ નાકમાં પ્રવેશતાં શરદી થાય છે. શરદી થતાં નાકમાં જળસ નિર્માણ થાય છે, જે નાક વાટે નીતરે છે.
10. હડકવા (rabies) : કૂતરાં કરડવાથી રેબીઝ વિષાણુઓ શરીરમાં પ્રવેશે છે. આ એક ભયંકર રોગ છે. ઉપચારમાં સહેજ પણ ઢીલ થતાં માનવી અત્યંત ક્લેશનો ભોગ બને છે અને છેવટે મૃત્યુ પામે છે. ખાસ કરીને પાલતુ કૂતરાંને રસી મૂકવાથી અને રખડતાં કૂતરાંના નિયંત્રણથી આ રોગમાંથી બચી જવાય છે.
11. પોલિયો : પોલિયો વિષાણુને લીધે બાળકો આ રોગથી પીડાય છે. વિપરીત સંજોગોમાં બાળક સાવ અપંગ બને છે. બાળકોને 5 વરસ સુધી વખતોવખત મૌખિક રસી (oral vaccine) આપવાથી આ રોગ થતો અટકાવી શકાય છે. ભારત સરકાર આ રોગની સંપૂર્ણ નાબૂદી માટે કૃતનિશ્ર્ચયી છે. એક-બે વર્ષમાં આ રોગ ભારતમાંથી સમૂળગો નાબૂદ થાય તેવી શક્યતા છે.
મ. શિ. દુબળે