વિનાશિકા : સમુદ્રમાં થતા યુદ્ધ દરમિયાન ઉપયોગમાં લેવાતું લડાયક જહાજ. તેનું મુખ્ય કાર્ય મોટાં લડાયક જહાજો તથા વ્યાપારી વહાણોને શત્રુ પક્ષના આક્રમણથી રક્ષણ આપવાનું હોય છે. વળી તેને દુશ્મનના દરિયાકાંઠાના વિસ્તાર પર બૉંબમારો કરવાનું; દરિયામાં આવાગમન કરતાં અને મુશ્કેલીમાં મુકાતાં મિત્ર-પક્ષનાં જહાજોને રાહત આપવાનું તથા મિત્રપક્ષનાં જળ-સ્થળ/ઉભયચારી વિમાનોને અવતરણ દરમિયાન રક્ષણ આપવાનું કાર્ય પણ સોંપવામાં આવતું હોય છે. તેની લંબાઈની સરખામણીમાં તેની ઝડપ વધારે હોય છે.

આ પ્રકારનાં લડાયક જહાજો સૌથી પહેલી વાર 1892માં દરિયામાં ઉતારવામાં આવ્યાં હતાં. ત્યારે તેઓ ટૉર્પીડો નૌકા (torpedo boats) અથવા રૉકેટ છોડવા માટેનાં મથક (Rocket Launchers) તરીકે ઓળખાતાં હતાં. હવે તેમને આક્રમણાત્મક નહિ, પરંતુ સંરક્ષણાત્મક પ્રકારની ફરજો સોંપવામાં આવે છે, તેથી આવાં જહાજો હવે વ્યાપારી વહાણોની રખેવાળી કરવાનું તથા લડાયક જહાજોને તેમનાં આવાગમન દરમિયાન રક્ષણાત્મક સંગાથ આપવાનું કાર્ય કરતાં હોય છે.

દુશ્મનના આક્રમણથી પોતાનું રક્ષણ કરવા માટે તેમના પર તોપો અને ટૉર્પીડો ઉપરાંત દરિયાના પાણીની અંદર છૂપી રીતે કામ કરતી દુશ્મનની પનડૂબીઓ(submarines)નો નાશ કરી શકે તેવાં સાધનો તથા મધ્યમ કદના વ્યાસ (calibre) ધરાવતી વિમાનવિરોધી તોપો પણ બેસાડવામાં આવે છે. હવે તો તેમના પર ગાઇડેડ મિસાઇલો જેવાં અદ્યતન આક્રમણ-આયુધો પણ બેસાડવામાં આવતાં હોય છે. વળી, કેટલીક વિશિષ્ટ કામગીરી કરવા માટે બનાવવામાં આવેલી વિનાશિકાઓ પર દુશ્મનનાં વિમાનોની ભાળ લઈ શકે તેવાં રડાર જેવાં સાધનો તથા દરિયામાં સુરંગ બિછાવવા માટે ઉપયોગી નીવડે તેવો સાધન-સરંજામ પણ રાખવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન તેમનાં પર ઇલેક્ટ્રૉનિક ઉપકરણો બેસાડવાથી તેમની કામગીરી વધારે અસરકારક નીવડી હતી. 1964માં ‘ટ્રૅક્સટન’ નામની જે વિનાશિકા તૈયાર કરવામાં આવી હતી તેના પર ન્યૂક્લિયર ઊર્જા-સંચાલિત ઉપકરણો પણ ગોઠવવામાં આવ્યાં હતાં.

વિનાશિકાની લંબાઈ 112-172 મીટર જેટલી અને તેનું વજન આશરે 800 મેટ્રિક ટન જેટલું હોય છે. તેના પર 300-450 જેટલા સૈનિકો સવારી કરી શકતા હોય છે. તે મિસાઇલો ઉપરાંત 12 હેલિકૉપ્ટરો પણ વહન કરી શકતી હોય છે અને પુન:ઇંધનપૂર્તિ (refuelling) વિના 9,700 કિમી. અંતર કાપવાની ક્ષમતા

ધરાવે છે.

પ્રથમ વિશ્વયુદ્ધ (191418) દરમિયાન 300-1000 ટન વજનવાળી વિનાશિકાઓ દરિયામાં પ્રહાર કરવાની તથા તરણની ક્ષમતા (seaworthiness) વધારવા માટે બનાવવામાં આવેલી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 2000-3000 ટન વજનવાળી વિનાશિકાઓ દરિયામાં ઉતારવામાં આવેલી. હવે જે વિનાશિકાઓ દરિયામાં ઉતારવામાં આવે છે તેમનું વજન 2000-5000 ટન જેટલું હોય છે.

વિનાશિકા

બાળકૃષ્ણ માધવરાવ મૂળે