વિનાયક, માસ્ટર (. 19 જાન્યુઆરી 1906, કોલ્હાપુર, મહારાષ્ટ્ર; . 19 ઑગસ્ટ 1947, મુંબઈ) : અભિનેતા-દિગ્દર્શક. ચલચિત્રછબિકાર વાસુદેવ કર્ણાટકીના પુત્ર તથા મરાઠી ચલચિત્ર અભિનેતા-નિર્માતા બાબુરાવ પેંઢારકરના પિતરાઈ ભાઈ. સમગ્ર શિક્ષણ કોલ્હાપુર ખાતે. નાનપણથી ભણવામાં અને ભણાવવામાં ખૂબ રસ ધરાવતા હોવાથી તેમના નામ સાથે ‘માસ્ટર’ શબ્દ જોડાઈ ગયો હતો. મરાઠી નાટકોમાં અભિનયની સાથોસાથ વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ પણ કરતા. અધ્યયન અને અધ્યાપનને તેમણે એક મિશનની જેમ અપનાવ્યાં હતાં. તેમણે પોતાના ઘરમાં જ રાત્રિશાળા શરૂ કરી હતી અને હરિજન બાળકોને ભણાવતા. 1932માં નિર્માતા-દિગ્દર્શક વી. શાંતારામે તેમને પ્રથમ મરાઠી બોલપટ ‘અયોધ્યાચા રાજા’(હિંદીમાં તે ‘અયોધ્યા કા રાજા’ નામે બનાવાયું હતું)માં નારદની ભૂમિકા સોંપી હતી. એ જ વર્ષે તેમણે ‘જલતી નિશાની’ અને ‘માયા મચ્છિન્દર’ ચલચિત્રોમાં પણ કામ કર્યું. 1933માં ભારતના પ્રથમ રંગીન ચિત્ર ‘સૈરંધ્રી’માં 27 વર્ષના માસ્ટર વિનાયકે 70 વર્ષના વૃદ્ધની ભૂમિકા ખૂબ સુંદર રીતે ભજવી હતી.

1934માં પહેલી વાર તેમને ‘વિલાસી ઈશ્વર’ ચિત્રનું દિગ્દર્શન કરવાની તક મળી. આ ચલચિત્રમાં અનાથ બાળકોની દયનીય સામાજિક અને આર્થિક સ્થિતિનું માર્મિક ચિત્રણ કરાયું હતું. ખ્યાતનામ મરાઠી લેખક મામા વરેરકરે લખેલી નવલકથા પર આ ચલચિત્ર આધારિત હતું. માસ્ટર વિનાયક એવું સ્પષ્ટપણે માનતા કે સાહિત્ય અને સિનેમાના સુભગ સમન્વયથી જ ઉત્તમ કોટિનાં ચલચિત્રોનું નિર્માણ શક્ય છે. તેઓ કહેતા કે સિનેમા માત્ર મનોરંજનનું સાધન કે ઝટપટ પૈસાદાર થઈ જવાનો વ્યવસાય નથી. આ માધ્યમમાં લોકોને તેમનાં હિતો પ્રત્યે જાગ્રત કરવાની અદ્ભુત ક્ષમતા છે. માસ્ટર વિનાયક ચલચિત્ર અને સાહિત્ય પ્રત્યે જે નિષ્ઠા ધરાવતા હતા તેના કારણે આ બંને ક્ષેત્રોના અગ્રણીઓના અત્યંત વિશ્વાસપાત્ર બની ગયા હતા. કોઈ પણ સાહિત્યકાર તેમને પોતાની કૃતિ ચિત્ર બનાવવા માટે આપતાં જરાય અચકાતો નહિ. તેમણે વિ. સ. ખાંડેકર, આચાર્ય પ્ર. કે. અત્રે, વિ. વિ. બોકિલ, ચિ. વિ. જોશી, સ. વ. બાવડેકર, બ. વ. નાડકર્ણી વગેરે ઘણા મરાઠી સાહિત્યકારોની કૃતિઓ પરથી ચિત્રો બનાવ્યાં હતાં. માત્ર 41 વર્ષની વયે તેમનું નિધન થયું. તે પહેલાં માત્ર 15 વર્ષની તેમની કારકિર્દીમાં તેમણે મરાઠી તેમજ હિંદીમાં કેટલાંક નોંધપાત્ર ચલચિત્રો બનાવ્યાં હતાં. ખ્યાતનામ અભિનેતા બાબુરાવ પેંઢારકર સાથે મળીને તેમણે 1936માં ‘હંસ પિક્ચર્સ’ નામની એક નિર્માણ-સંસ્થા શરૂ કરી હતી અને ત્યારબાદ 1940માં ‘નવયુગ પિક્ચર્સ’ નામની નિર્માણસંસ્થા શરૂ કરી હતી. તેમનાં મોટાભાગનાં ચલચિત્રો આ બે સંસ્થાના નેજા હેઠળ બનાવ્યાં હતાં. સમય જતાં બંને ભાગીદારો વચ્ચે મતભેદ થતાં આ સંસ્થા આચાર્ય પ્ર. કે. અત્રેએ ખરીદી લીધી હતી. માસ્ટર વિનાયકનાં પુત્રી નંદાએ પણ અનેક હિંદી અને મરાઠી ચલચિત્રોમાં કામ કર્યું છે. તેમનાં પત્ની મીનાક્ષી પણ અભિનેત્રી હતાં.

માસ્ટર વિનાયક

નોંધપાત્ર ચલચિત્રો : ‘સિંહગડ’ (1933), ‘વિલાસી ઈશ્વર’ (1935); ‘છાયા’ (1936); ‘ધર્મવીર’, પ્રેમવીર’ (1937); ‘બ્રહ્મચારી’, ‘બ્રાંડીચી બાટલી’, ‘બ્રાંડી કી બોતલ’ (1938); ‘અર્ધાંગી’ (1940), ‘લપંડાવ’ (1940), ‘અમૃત’ (1941); ‘સરકારી પાહુડો’ (1942), ‘બડી મા’, ‘સુભદ્રા’ (1944); ‘જીવનયાત્રા’ (1946). દિનકર ડી. પાટીલે 1971માં તેમનું જીવનચરિત્ર પ્રકાશિત કર્યું છે.

હરસુખ થાનકી