વિનાયકપાલ-1 (શાસનકાળ : ઈ. સ. 912 આશરે 942) : રાજસ્થાનના પ્રતિહાર વંશનો દસમી સદીમાં થયેલો રાજા. પ્રતિહારો રામના ભાઈ અને પ્રતિહાર લક્ષ્મણના વંશજો હોવાનો દાવો કરે છે. ઈ. સ. સાતમી સદીમાં આબુ પર્વતની વાયવ્યમાં 80 કિમી. ઉપર આવેલા ભિન્નમાળથી માંડી રાજસ્થાનના મોટા ભાગ પર પ્રતિહારો શાસન કરતા હતા.
રાજા મહેન્દ્રપાલને બે રાણીઓ હતી : દેહનાગાદેવી અને મહીદેવી અથવા મહાદેવી. દેહનાગાદેવીનો પુત્ર ભોજ બીજો મહેન્દ્રપાલના અવસાન (ઈ. સ. 908) પછી ગાદીએ બેઠો અને ત્રણ વરસ રાજ્ય કર્યા પછી મરણ પામ્યો. તેના પછી મહીદેવીનો પુત્ર વિનાયકપાલ ગાદીએ બેઠો. ગાદી મેળવવામાં તેને બુંદેલખંડના ચંદેલ વંશના હર્ષદેવની મદદ મળી હતી. તે ક્ષિતિપાલ, મહીપાલ અને હેરંબપાલ નામે પણ ઓળખાતો હતો. તેના શાસનનાં શરૂઆતનાં વર્ષોમાં સામ્રાજ્યમાં શાંતિ તથા આબાદી પ્રવર્તતાં હતાં. તેનું પ્રભુત્વ કનોજ ઉપરાંત દોઆબ, બનારસ, ગ્વાલિયર, સૌરાષ્ટ્ર ઇત્યાદિ પ્રદેશો ઉપર હતું. તેના શાસનકાળનાં પછીનાં વરસોમાં, તેની સત્તા હેઠળના રાજાઓ સ્વતંત્ર થવા લાગ્યા. તેમાં માળવા અને બુંદેલખંડના માંડલિક શાસકો મુખ્ય હતા. એ અરસામાં રાષ્ટ્રકૂટ વંશના રાજા ઇન્દ્ર ત્રીજાએ એક મોટું લશ્કર લઈને દસમી સદીના બીજા દાયકામાં ઉત્તર ભારત તરફ આક્રમણ કર્યું અને તેણે કનોજ શહેરને ઘણું નુકસાન કર્યું. ગુર્જર-પ્રતિહાર રાજા તેની સામે ટકી શક્યો નહિ.
ગુર્જર-પ્રતિહાર સામ્રાજ્ય નબળું થવા માંડ્યું. ગૌડ(બંગાળ)ના પાલ વંશના રાજાએ પણ આ તકનો લાભ લઈને પોતાના વડવાઓના સોણ નદી સુધીના પ્રદેશો પાછા મેળવ્યા. ઇન્દ્ર ત્રીજાએ સૌરાષ્ટ્ર જીતી લીધું.
ઇન્દ્ર ત્રીજો કનોજને પોતાની સત્તા હેઠળ રાખી શક્યો નહિ. વિનાયકપાલે (મહીપાલે) મિત્રરાજાઓની સહાય વડે પોતાનું પાટનગર કનોજ પાછું મેળવ્યું; પરંતુ કનોજની સત્તા નબળી પડી અને તાબાનાં રાજ્યો એક પછી એક તેની સત્તા હેઠળથી નીકળતાં ગયાં. ગુજરાતમાં સોલંકી રાજ્યની સ્થાપના થઈ. ગ્વાલિયર પણ બુંદેલખંડના ચંદેલ વંશના રાજાની સત્તા હેઠળ ગયું.
વિનાયકપાલ-2 : રાજસ્થાનના પ્રતિહાર વંશનો દસમી સદીના ઉત્તરાર્ધમાં થયેલો રાજા. વિનાયકપાલે ઈ. સ. 942 સુધી રાજ્ય કર્યું અને તેનો પુત્ર મહેન્દ્રપાલ બીજો તેના પછી આશરે ઈ. સ. 945-46માં ગાદીએ બેઠો. તે પછીનાં 15 વર્ષમાં ક્ષિતિપાલનો પુત્ર દેવપાલ (948-9), વિનાયકપાલ2 (953-4), મહીપાલ-2 (955) અને વિજયપાલ (960) ગાદીએ બેઠા. વિનાયકપાલ-2 ઘણુંખરું મહેન્દ્રપાલ બીજાનો પુત્ર હતો. ઈ. સ. 945થી 960 સુધીના ઉત્તરાધિકારીઓમાં ઘણી અનિશ્ચિતતા છે. વળી આ સમય દરમિયાન પ્રતિહાર સામ્રાજ્યનું પતન થઈ રહ્યું હતું. ઈ. સ. 954માં ચંદેલોએ ગુર્જરોને હરાવી તેમની સત્તા હેઠળનો કાલિંજરનો કિલ્લો કબજે કર્યો હતો; છતાં વિનાયકપાલનો તેમણે પૃથ્વીના રક્ષક તરીકે ઉલ્લેખ કર્યો છે, તે કનોજના પ્રતિહાર વંશના રાજાનો જ ઉલ્લેખ છે.
જયકુમાર ર. શુક્લ