વિનતા : દક્ષ પ્રજાપતિની પુત્રી અને અરિષ્ટનેમિ કશ્યપની પત્ની. કશ્યપની બીજી પત્નીનું નામ કદ્રુ હતું, કદ્રુએ બળવાન નાગોને જન્મ આપ્યો હતો. એક વાર કશ્યપ ઋષિએ પત્ની વિનતાને વરદાન માંગવા કહ્યું ત્યારે એણે પોતાની શોક્ય કદ્રુના પુત્રો કરતાં અધિક બળવાન પુત્રો માગ્યા. પરિણામે વિનતાને ગરુડ અને અરુણ નામે બે પુત્રો થયા. કથા મુજબ વિનતાને એ બે પુત્રો પ્રારંભમાં ઈંડા સ્વરૂપે પ્રાપ્ત થયા હતા. એમાંનું એક ઈંડુ પાકતા પૂર્વે જ ફૂટી ગયું જેનાથી અરુણ શરીરે ખોડવાળો જન્મ્યો. આ શાપને કારણે વિનતાએ લાંબો વખત કદ્રુની દાસી તરીકે રહેવું પડ્યું. પછી ગરુડે સ્વર્ગમાંથી અમૃત લાવીને પોતાની માતાનો ઉદ્ધાર કર્યો.
પ્રવીણચંદ્ર પરીખ