વિનયચંદ્રન્, ડી. (જ. 13 મે 1944, પશ્ચિમ કલ્લાડ, જિ. કોલ્લમ, કેરળ) : મલયાળમ કવિ અને કથાસાહિત્યકાર. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી પદાર્થવિજ્ઞાનમાં બી.એસસી., કાલિકટ યુનિવર્સિટીમાંથી મલયાળમમાં એમ.એ.ની પદવી અને થિયેટરની તાલીમમાં સર્ટિફિકેટ મેળવ્યાં. તેઓ મહાત્મા ગાંધી યુનિવર્સિટી, કોટ્ટયમમાં સ્કૂલ ઑવ્ લેટર્સના નિયામક તરીકે કાર્યરત છે. તેઓ આફ્રો-એશિયન કાઉન્સિલ ઑવ્ ઑથર્સ ઍન્ડ રાઇટર્સ; ઑથર્સ ગિલ્ડ ઑવ્ ઇન્ડિયા અને કૉમનવેલ્થ ઇકોલૉજિકલ સોસાયટીના સભ્ય રહ્યા છે. તેમણે ‘શ્રાધમ્’ અને ‘પરિણામમ્’ ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે.

તેમણે મલયાળમમાં 18 ગ્રંથો આપ્યા છે. ‘વિનયચંદ્રાન્તે કવિતાકાલ’ (1986); ‘વીટ્ટિલેક્કુલ્લા વળી’ (1992), ‘દિશાસૂચિ’ (1992), ‘સમયમાનસમ્’ (1993) અને ‘ભૂમિયુતે નટ્ટેલ્લુ’ (1993) તેમના નોંધપાત્ર કાવ્યસંગ્રહો છે. ‘પોડિચી’ (1980) અને ‘ઉપરિકન્નુ’ (1996) બંને તેમની જાણીતી નવલકથાઓ છે, જ્યારે ‘પેરારિયતા મરન્ગલ’ (1995) અને ‘નડિયુતે મૂન્નામ્કરા’ (1993) તેમના વાર્તાસંગ્રહો છે. ‘નરકમ્ ઓરુ પ્રેમા કવિતા એળુતુન્નુ’ (1991) તેમનો કાવ્યમય નાટ્યસંગ્રહ છે. સાંસ્કૃતિક સંસ્થાઓના નિમંત્રણથી તેમણે અનેક વિદેશપ્રવાસો ખેડ્યા છે.

સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1986માં ચંગમ્પુળા ઍવૉર્ડ; 1990માં કેરળ કલ્ચરલ સેન્ટર, ઓમાન ઍવૉર્ડ; 1991માં કેરળ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ અને 1995માં સ્મૃતિ ઍવૉર્ડ અર્પવામાં આવેલા.

બળદેવભાઈ કનીજિયા