વિદ્યારણ્ય : 14મી શતાબ્દીમાં દક્ષિણ ભારતમાં થયેલા ધાર્મિક અને રાજકીય બંને ક્ષેત્રોમાં ભારતને પ્રતિષ્ઠા અપાવનાર શૃંગેરી મઠના મહાન આચાર્ય. એમના સમય સુધીમાં હિંદુ રાજાઓ પરસ્પરની પ્રતિસ્પર્ધા અને સંઘર્ષને કારણે મુસ્લિમ આક્રમણો સામે પરાજિત થઈ ચૂક્યા હતા. દક્ષિણ ભારત પણ એમાંથી બાકાત રહ્યું નહોતું. ધાર્મિક સ્થળો વેરાન થઈ ગયાં હતાં. એવે વખતે એક હિંદુ રાજ્યમાં સ્વામી વિદ્યારણ્યનો જન્મ થયો. તેમનું બચપણનું નામ માધવાચાર્ય હતું. તેમણે સદવિદ્યા પ્રાપ્ત કરી ભારતના પ્રાચીન ગૌરવને ફરીથી સ્થાપિત કરવાનું પ્રણ લીધું. તેમની પ્રેરણાથી વિજયનગરનું હિંદુ સામ્રાજ્ય સ્થપાયું. એમના પ્રયત્નોથી શ્રીરંગનાથના મંદિર પુનઃપ્રતિષ્ઠા થઈ શકી. ઈ. સ. 1377માં માધવાચાર્યે સંન્યાસ દીક્ષા લીધી અને તેઓ સ્વામી વિદ્યારણ્ય નામ પામ્યા. તેમણે રચેલ ગ્રંથ ‘પરાશર માધવીય’ને દક્ષણિમાં મનુસ્મૃતિ જેટલો મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વિદ્યારણ્ય અદ્વૈતવાદી આચાર્ય હતા. વિદ્યારણ વેદના પ્રસિદ્ધ ટીકાકાર સાયણાચાર્યના પુત્ર હતા અને તેમણે રચેલ ‘સર્વદર્શનસંગ્રહ’ બધાં દર્શનોનું ઝીણવટભર્યું અવલોકન કરે છે. તેમની રચેલી ‘પંચદશી’ પણ ઘણી લોકપ્રિય છે.
પ્રવીણચંદ્ર પરીખ