વિદ્યાનુરાગી સમાજ (Learning Society)

February, 2005

વિદ્યાનુરાગી સમાજ (Learning Society) : જ્ઞાનના જથ્થાનો વિસ્ફોટ જ નહિ, પરંતુ જ્ઞાનનું વૈવિધ્ય, જ્ઞાનની અદ્યતનતા અને તેની ગુણવત્તા વગેરે તમામ દૃષ્ટિએ જ્ઞાનવૃદ્ધિ સાધનારો સમાજ. બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછીનું જગત, અગાઉની તમામ સદીઓના જગતની તુલનામાં, જે એક પ્રમુખ બાબતમાં જુદું પડ્યું તે હતી જ્ઞાનની બાબત. એ સમયગાળામાં ફક્ત જ્ઞાનઆધારિત અને જ્ઞાનચાલિત સમાજ (knowledge society) રચાવા માંડ્યો જે એક ઘણી જ અભૂતપૂર્વ ઘટના હતી.

વિશ્વસંસ્થા યુનેસ્કોએ, તેના 1972ના વાર્ષિક હેવાલમાં આ નવા સમાજની પહેલી જ વાર નોંધ લઈને, તેના પ્રભાવ નીચે અસ્તિત્વમાં આવનારા એક વિદ્યાનુરાગી સમાજ(learning society)નો ખ્યાલ વહેતો કર્યો. બરાબર એ જ અરસામાં અમેરિકાના વિખ્યાત ભવિષ્યવિદ્યાશાસ્ત્રી Herman Kahnનું જાણીતું પુસ્તક The Next 2000 years પ્રગટ થયું. તેમાં તેમણે જ્ઞાન-આધારિત સુવર્ણયુગની આગાહી કરી હતી. તેમણે એક ખાતરી ઉચ્ચારી હતી કે એ સુવર્ણયુગનું નિર્માણ સતત શીખતો રહીને માનવી પોતે કરશે.

એ સમયગાળામાં જ અમેરિકાના ખ્યાતનામ નૃવંશશાસ્ત્રી માર્ગરેટ મીડે પણ આવનારા ભવિષ્યની આગાહી કરતાં કહ્યું હતું કે જ્ઞાનયુગનો માનવી એની અપાર એવી જન્મજાત શક્તિઓને પોતાના નિરંતર શિક્ષણ દ્વારા વિકસાવી, વિચારસંક્રમણ અને વાહનવ્યવહારની નવી નવી ટૅક્નૉલૉજીઓનો વિનિયોગ કરી, અકલ્પ્ય એવી આબાદી હાંસલ કરશે. એના માટે જ્ઞાન ‘સિમ સિમ ખૂલ જા’ની શક્તિ પૂરી પાડનારી જાદુઈ લાકડી પુરવાર થશે એવી એમણે શ્રદ્ધા પણ વ્યક્ત કરી હતી.

વીસમી સદીના ઉત્તરાર્ધનાં વર્ષોમાં એંધાણ પણ એવાં જ વરતાવા માંડ્યાં. માનવીએ કલ્પનાતીત એવી પાંચ નવી ટૅક્નૉલૉજીઓ આ અરસામાં જ વિકસાવી. તે હતી : ઊર્જા-ટૅક્નૉલૉજી (Energy Technology), અવકાશ-ટૅક્નૉલૉજી (Space Technology), પદાર્થ-ટૅક્નૉલૉજી (Materials Technology), જૈવિક ટૅક્નૉલૉજી (Bio technology) અને  માહિતી-ટૅક્નૉલૉજી (Information Technology). પછી તો એ પાંચેયને આવરી લેતી યંત્રમાનવવિદ્યા (Robotics) અને સૂક્ષ્મ ટૅક્નૉલૉજી (Namo Technology) વિકસાવીને જંગી તાકાત સાથે તેણે એકવીસમી સદીમાં પ્રવેશ કર્યો.

એકવીસમી સદી એ અસંખ્ય તકો અને પડકારોની સદી હશે તેની આગાહી પ્રખ્યાત અમેરિકન ચિંતક ઍલ્વિન ટૉફલરે એમના પ્રસિદ્ધ ગ્રંથ ‘ધ થર્ડ વેવ’માં કરી હતી અને એને પહોંચી વળવાનો માર્ગ પણ તેમણે આ શબ્દોમાં સૂચવ્યો હતો : ‘‘The illiterate of the 21st century will not be those who can-not read and write, but those who can-not learn, unlearn and relearn’’ ‘શીખવું’ ક્રિયાનાં ત્રણ પરિમાણો : ‘શીખવું’, ‘બિનજરૂરી ભૂલવું’ અને નવું ‘પુન: શીખવું’ એકવીસમી સદીના માનવીના વિકાસની કે વિનિપાતની કુંડળી દોરશે એવી એમની આગાહી હતી.

માટે જ તો ફરીથી યુનેસ્કોએ વિદ્યાનુરાગી સમાજ અસ્તિત્વમાં લાવવા, અને તેને સદા-સર્વદા તંદુરસ્ત અને ચેતનાભર્યો રાખવા, એકવીસમી સદીમાં શિક્ષણ કેવું હોવું જોઈશે તેનો નકશો દોરવા, જાણીતા ફ્રેન્ચ વિચારક અને શિક્ષણશાસ્ત્રી જૅક્સ ડેલૉર(Jacques Delors)ના અધ્યક્ષપદે 1996માં વિશ્વકક્ષાનું એક અભ્યાસપંચ નીમ્યું. એ પંચનો હેવાલ ‘Learning, the treasure within’ એક ઐતિહાસિક ગ્રંથ બની ચૂક્યો છે. પંચે માનવીને કોઈનો ભણાવેલો સીમિત વ્યક્તિ ન ગણતાં, જાતે નિરંતર શીખતો રહેતો, સક્રિય સર્જક બનતો, કલ્પ્યો છે. આવા માનવીઓનો વિદ્યાનુરાગી સમાજ રચવા તેણે દુનિયાના દેશોને હાકલ કરી છે.

પછી તો એ વિચારધારાને આગળ ધપાવતાં વર્ષ 1998માં યુનેસ્કોએ તેના વાર્ષિક હેવાલમાં વિશ્વમાં વિદ્યાનુરાગી સમાજના નિર્માણ કાજે શું શું કરવું જોઈએ તેના માર્ગો સૂચવ્યા. એણે ભારપૂર્વક જણાવ્યું કે એકવીસમી સદીના માનવીની વય ગમે તે હોય, જાતિ, ધર્મ, વર્ણ, લિંગ, સંસ્કૃતિ, ભાષા, જન્મભૂમિ, ધંધા-રોજગાર, વગેરે વગેરે દૃષ્ટિએ એની વિશિષ્ટતા ગમે તે ભલે હોય; તેણે તો આ દુનિયામાં સદા-સર્વદા અર્થપૂર્ણ, ઉપયોગી, ઉત્પાદક, સક્રિય, સુખી અને સંપન્ન જીવન જીવવા માટે એક ધ્રુવમંત્ર યાદ રાખવો પડશે અને તે છે હંમેશાં શીખતા રહેવાનો (To be a perennial learner) મંત્ર.

અને એ શીખતા રહેવાની પ્રક્રિયા માનવીના જીવનના હરકોઈ પરિમાણને સ્પર્શવી જોઈશે. એણે બહુવિધ શીખતા રહેવું પડશે, એટલે કે તેણે (multi-learning) બહુવિધ અધ્યયન-કૌશલ્યો કેળવતાં રહેવું પડશે. ટૂંકમાં, માનવીએ એની બૌદ્ધિક શક્તિઓ, ભાષાઓ, પ્રત્યાયન- કૌશલ્યો, હાથપગનાં કૌશલ્યો, યંત્રો ઉપયોગમાં લેવાનાં કૌશલ્યો, નાગરિક તરીકેની આવડતો, શોખ, સુરુચિ અને આનંદપ્રમોદની આવડતો; અરે, એની નૈતિક અને આધ્યાત્મિક ક્ષેત્રોની આવડતો, એ સઘળાંને પુન: પુન: વધુ ધારદાર, વધુ અદ્યતન, વધુ સક્ષમ અને વધુ અસરકારક બનાવતાં રહેવું પડશે. આ બધું જ્યાંથી શીખી શકાય, જે રીતે શીખી શકાય, જે સાધનો વડે શીખી શકાય, જેટલા શ્રમ કે શક્તિથી શીખી શકાય, એ એણે બધું જાતે સતત હાંસલ કરતાં રહેવું પડશે.

હા, વિદ્યાનુરાગી સમાજે એ માટે અનેક સગવડો કરતાં રહેવું જોઈશે. સરકાર અને સરકારી તંત્રવ્યવસ્થા; બિનસરકારી સંસ્થાઓ (NGO), વૈશ્ર્વિક શિક્ષણની સંસ્થાઓ; મીડિયા, ધર્મ, સંસ્કૃતિ, કલા અને સાહિત્યક્ષેત્રોની સંસ્થાઓ અને હવે તો માહિતી-પ્રત્યાયન ટૅક્નૉલૉજી(ICT)નાં સમસ્ત ક્ષેત્રો વગેરે સૌએ પોતપોતાની રીતે એક વિદ્યાનુરાગી સમાજ આકાર લેતો રહે તે દિશામાં પ્રદાન કરતા રહેવું પડશે.

વિદ્યાનુરાગી સમાજનું સૌથી મોટું બળ તો પર્યાવરણ (Ambience) હશે. સમસ્ત સમાજમાં વિદ્યાને પ્રોત્સાહન આપે એવી આબોહવા પ્રસરવી જોઈશે, ટકી રહેવી જોઈશે. પશ્ચિમના વિકસિત દેશોમાં સાક્ષરતા (literacy) વ્યાપક હોવાથી, આવું પર્યાવરણ બંધાયેલું રહે છે. ભારતમાં સામાન્ય સાક્ષરતા 65 % છે, જે પુરુષવર્ગમાં 76 % અને સ્ત્રીઓમાં 54 % જેટલી છે. હજી નિરક્ષરતાનું પ્રમાણ ઘણું મોટું હોવાથી વિદ્યાસાધના પ્રત્યેની પ્રીતિ ઓછી જોવા મળે એ સ્વાભાવિક છે. એ રીતે અપૂરતી શિક્ષણ-સંસ્થાઓ, ઓછો કાર્યક્ષમ શિક્ષક-વર્ગ, બહુ ઓછી સંખ્યામાં ગ્રંથાલયો, સંગ્રહાલયો, સભાગૃહો, કલાકેન્દ્રો, મનોરંજનકેન્દ્રો વગેરેની ઉપલબ્ધિ, ઓછા પ્રમાણમાં પ્રાપ્ત ટી.વી., રેડિયો, વર્તમાનપત્રો, સામયિકો વગેરે જેવી જ્ઞાનસામગ્રીઓ અને વિદ્યા, શિક્ષણ, તાલીમ વગેરે પ્રત્યે પ્રમાદ જ નહિ પણ ઓછી શ્રદ્ધાનું જનસમાજનું માનસ (mindset) – એ બધાં વિદ્યાનુરાગી સમાજ ઘડવાના માર્ગમાં નડતાં વિઘ્નો છે.

જોકે, આ દિશામાં જે કાંઈ કરી શકાયું છે એનાથી અંશત: વિદ્યાનુરાગી સમાજ આકાર લીધેલો જોવા મળ્યો છે. જેમ કે, નિરક્ષરતા-નિવારણ માટે પ્રૌઢશિક્ષણ કાર્યક્રમ, નૅશનલ લિટરસી મિશન (NLM) અને સર્વશિક્ષા અભિયાન (SSA) જેવા કાર્યક્રમોએ એક તરફ નિરક્ષરતા ઘટાડવા અને બીજી બાજુ નવા નિરક્ષરો પેદા થતાં રોકવાની દિશામાં ઘણો ફાળો આપેલ છે. જે લોકો નવશિક્ષિતો થયા છે તેમને જાતે જ વધુ શીખતા રહેવામાં મદદ કરનારા કાર્યક્રમો જેવા કે સમાજ-શિક્ષણ-કાર્યક્રમો, નૉન-ફૉર્મલ શિક્ષણ-કાર્યક્રમો, જનશિક્ષણ-કાર્યક્રમો વગેરેએ અસંખ્ય નવશિક્ષિતોને નિરક્ષરતા અને અજ્ઞાનમાં પુન: ગરકાવ થવાથી બચાવ્યા છે. અલ્પશિક્ષિતોને રોજગારી માટે વ્યવસાયી તાલીમ આપવા માટે શ્રમિક વિદ્યાપીઠો (polyvalent centres), કૉમ્યુનિટી પૉલિટૅક્નિકો અને જનશિક્ષણ સંસ્થાન જેવી સ્વાયત્ત સંસ્થાઓએ ઘણા ઉપયોગી કાર્યક્રમો યોજવા માંડ્યા છે. 120 જેટલા દેશની યુનિવર્સિટીઓમાં નિરંતર શિક્ષણના વિભાગો ચાલે છે, જે સમાજમાં સામાન્ય શિક્ષણ, નાગરિક તાલીમ અને ધંધા-રોજગારની કેળવણી આપવાની ઉપયોગી પ્રવૃત્તિ કરી રહ્યા છે. આ બધા પ્રયત્નોની એક નીપજ જોવા મળે છે તે છે સમાજમાં વિદ્યા અને જ્ઞાન પ્રત્યે બંધાઈ રહેલાં વિધાયક વલણો(pro-learning attitudes)ની.

ભારતમાં 1992થી તો વૈશ્ર્વિકીકરણનો પવન ફૂંકાઈ રહ્યો છે. માહિતી અને પ્રત્યાયનની ટૅક્નૉલૉજી (ICT) સર્વત્ર પ્રસરી રહી છે. એમાંય સૉફ્ટવેર ટૅક્નૉલૉજી ક્ષેત્રે દેશ દુનિયામાં અગ્રસ્થાને પહોંચી ગયો છે. વર્ષે દહાડે દેશ વીસ અબજ ડૉલરની કિંમતનાં જ્ઞાન-ઉત્પાદનોની (knowledge products), સૉફ્ટવેર અને સેવાઓ સ્વરૂપે, નિકાસ કરવા લાગ્યો છે. દેશમાં દર એક હજાર વ્યક્તિએ ત્રણ કમ્પ્યૂટર પી. સી. વસાવી ચુકાયાં છે અને ત્રણ કરોડ જેટલાં ઇન્ટરનેટ જોડાણ કાર્યરત છે. દેશમાં ટેલિફોનની સંખ્યા 8.29 કરોડ થવા પામી છે, જે પૈકી મોબાઇલ ફોનની સંખ્યા જ 3.95 કરોડ જેટલી છે. આમ દેશની ટેલિફોન-ઘનતા (Density) 7.67 % જેટલી થવા પામી છે. આ બધાં ભેગાં મળીને દેશનું એક વિદ્યાનુરાગી સમાજમાં પરિવર્તન કરવા માટેનું બળ પૂરું પાડી રહ્યાં છે. એમને હજી મોટો ધક્કો (Thrust) આપશે વર્ષ 2004ના અંતભાગમાં આરંભાનારો Edusat કાર્યક્રમ; જેને 72 ચૅનલો હશે, જે પૈકીની 56 વૈધિક શિક્ષણ અને 16 અવૈધિક શિક્ષણ પ્રસરાવશે.

એકવીસમી સદીનું માનવજીવન બહુધા જ્ઞાનચાલિત બની રહેવાનું હોવાથી દુનિયાનો પ્રત્યેક સમાજ, એમાંય ભારત જેવા ઓછા વિકસિત દેશનો સમાજ, જેટલી ઝડપે વિદ્યાનુરાગી સમાજ બનશે, એટલી ઝડપે એના સભ્યો સર્વથા સંપન્ન જીવન જીવવા ભાગ્યશાળી બનશે, હકદાર બનશે.

દાઉદભાઈ ઘાંચી