વિતસ્તા : કાશ્મીરમાં અત્યારે ‘જેલમ’ તરીકે ઓળખાતી નદી. એ પ્રાચીન સમયમાં ‘વિતસ્તા’ તરીકે ઓળખાતી હતી. ગ્રીકોએ એનો ઉલ્લેખ ‘હાયડેસ્પીસ’ (Hydaspes) તરીકે અને ટૉલેમીએ એનો ઉલ્લેખ ‘બિડાસ્પેસ’ (Bidaspes) તરીકે કર્યો છે. એ પછી મુસ્લિમો એનો ઉચ્ચાર ‘બિહત’ અથવા ‘વિહત’ તરીકે કરતા હતા. ઋગ્વેદમાં પંજાબની જે પાંચ નદીઓનો ઉલ્લેખ છે તેમાં આ વિતસ્તા નદી પશ્ચિમમાં આવેલી હતી એમ જણાવવામાં આવ્યું છે. કાશ્મીરના કલ્હણ નામના વિદ્વાને પોતાના ‘રાજતરંગિણી’ નામના પુસ્તકમાં એનો ઘણી વાર ઉલ્લેખ કર્યો છે. આ નદીનો આકાર ‘ઝીલ’ (સરોવર) જેવો હોવાથી એ ‘ઝીલમ-ઝેલમ-જેલમ’ તરીકે ઓળખાઈ હોવાનો સંભવ છે.
મુગટલાલ પોપટલાલ બાવીસી