વિડાલ કસોટી : ટાઇફૉઇડ અને પેરાટાઇફૉઇડના નિદાનમાં ઉપયોગી કસોટી. તે ટાઇફૉઇડ અને પેરાટાઇફૉઇડનો રોગ કરતા દંડાણુઓ(bacilli)માં H અને O ગુંફજનકો (agglutinogens) હોય છે. આ ઉપરાંત ટાઇફૉઇડના દંડાણુની સપાટી પર Vi પ્રતિજન પણ હોય છે. H પ્રતિજન દંડાણુની કેશિકા(flagella)માં હોય છે અને O પ્રતિજન દંડાણુકાય(body)માં હોય છે. સામાન્ય રીતે તાવ આવ્યા પછીના બીજા તબક્કામાં દર્દીના લોહીના રુધિરરસ(serum)માં ‘H’ અને ‘O’ પ્રતિજનોની સામેના ગુંફીકારિકો (agglutininis) જોવા મળે છે. વિડાલની કસોટી આ ગુંફીકારિનોની હાજરીની તપાસ કરે છે અને જો કસોટી હકારાત્મક હોય તો તે ટાઇફૉઇડ કે પેરાટાઇફૉઇડનો તાવ હોવાની સંભાવના સૂચવે છે. તપાસ માટે 2 અલગ અલગ આકારની કસનળીઓમાં ક્રમશ: જુદી જુદી સાંદ્રતા(concentration)વાળો રુધિરરસ લેવામાં આવે છે અને તેમને H અને O પ્રતિજનો સાથે ભેળવવામાં આવે છે. ત્યારબાદ તેમને 37° સે. પર સજલપાત્ર(water bath)માં એક રાત્રી માટે રાખવામાં આવે છે. કેટલીક પ્રયોગશાળાઓમાં તેમને 50°થી 55° સે. માટે 2 કલાક માટે રાખીને પછી આખી રાત સામાન્ય તાપમાને રાખે છે. જોડે જોડે પ્રતિજનો અને સામાન્ય ક્ષારજલ(normal saline)ને ભેળવીને નિયંત્રિત રૂપે સ્વગુંફીકરણ(auto agglutination)ની પ્રક્રિયા કરાય છે.

આ કસોટીમાં ટાઇફૉઇડ માટે H અને O પ્રતિજનો તથા પેરાટાઇફૉઇડ A અને B માટે H પ્રતિજન વપરાય છે. પેરાટાઇફૉઇડના ‘O’ પ્રતિજનને પ્રતિક્રિયામાં વાપરવામાં આવતા નથી; કેમ કે, તે ટાઇફૉઇડના ‘O’ પ્રતિજનની માફક પારપ્રતિક્રિયા (cross-reaction) કરે છે.

પ્રતિક્રિયાના પરિણામના અર્થઘટનમાં આ મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવે છે : (1) ગુંફીકરણનું માત્રાસ્તર (titre) રોગના તબક્કા પર આધાર રાખે છે. સામાન્ય રીતે પહેલા અઠવાડિયાના અંતમાં જોવા મળે છે અને તે ક્રમશ: વધીને 3જા અને 4થા અઠવાડિયામાં સૌથી વધુ થાય છે. ત્યારપછી તે ઘટે છે. (2) એક વખત કરેલી કસોટી કરતાં 2 કે વધુ વખત કસોટી કરીને વધતું જતું માત્રાસ્તર વધુ અર્થપૂર્ણ રીતે નિદાનસૂચક બને છે. (3) એક વખત કરેલી કસોટી પર નિર્ધાર કરવો ઓછો સલાહભર્યો છે; પરંતુ જો ‘O’ પ્રતિજન માટે માત્રાસ્તર 1/100થી વધુ અને ‘H’ પ્રતિજન માટે માત્રાસ્તર 1/200થી વધુ હોય તો ને ક્યારેક તેને આધારે નિદાન કરાય છે. (4) ક્યારેક આગળ થયેલા ટાઇફૉઇડના ચેપને કારણે, કોઈ અન્ય ચેપને કારણે કે ટાઇફૉઇડની રસી અપાયેલી હોય તો ‘H’ના પ્રતિજનનું માત્રાસ્તર વધે છે; તેથી ફક્ત ‘H’ પ્રતિજનને આધારે નિદાન કરવામાં ભૂલ થવાની સંભાવના રહે છે. (5) અન્ય ચેપને કારણે ‘H’ પ્રતિજનનું માત્રાસ્તર વધે તો તે ટૂંકા સમય માટે હોય છે અને તેને અવિસ્મૃતિજન્ય પ્રતિક્રિયા (anamnostic reaction) કહે છે.

શિલીન નં. શુક્લ