વિઠ્ઠલ, માસ્ટર

February, 2005

વિઠ્ઠલ, માસ્ટર (અ. 1969) : હિંદી અને મરાઠી ચિત્રોના અભિનેતા. ભારતમાં ચલચિત્રકળા હજી પાંગરતી હતી ત્યારે પહેલાં મૂક અને પછી બોલપટોમાં અભિનય કરનાર માસ્ટર વિઠ્ઠલ એ સમયના અદાકારોમાં સૌથી લોકપ્રિય ગણાતા હતા. ચિત્રોમાં અભિનેતા માટે જ્યારે તેનું કસાયેલું શરીર અને આકર્ષક દેખાવ જ એકમાત્ર લાયકાત ગણાતી ત્યારે પણ માસ્ટર વિઠ્ઠલ એ માપદંડમાં ખરા ઊતર્યા હતા અને પછી સવાક ચિત્રોનું નિર્માણ શરૂ થતાં અભિનેતાઓ માટે પ્રભાવશાળી અવાજ અને સંવાદ-અદાયગી પણ મહત્વનાં બન્યાં ત્યારે પણ માસ્ટર વિઠ્ઠલને કોઈ વાંધો આવ્યો નહોતો. ચિત્ર ચાહે પ્રણયકથા હોય, ઐતિહાસિક કે પૌરાણિક હોય, રહસ્યમય હોય કે મારધાડથી ભરપૂર હોય, માસ્ટર વિઠ્ઠલ તમામ પ્રકારનાં પાત્રો સાહજિકતાથી ભજવી શકતા. ભારતના પ્રથમ બોલપટ ‘આલમઆરા’માં પણ તેમણે નાયિકા ઝુબેદા સામે મુખ્ય ભૂમિકા ભજવી હતી. પ્રારંભે ભારતમાં વિદેશી ચિત્રોની પણ ભારે બોલબાલા રહેતી તેને કારણે હૉલિવુડના એક અભિનેતા ડગલાસ ફેરબૅન્ક્સ ખૂબ લોકપ્રિય હતા. તેને કારણે માસ્ટર વિઠ્ઠલ ભારતના ડગલાસ ફેરબૅન્ક્સ તરીકે ઓળખાતા. રાજપૂત અને મરાઠા વીરયોદ્ધાઓનાં ચરિત્રો ભજવીને તેમણે આ ખ્યાતિ મેળવી હતી. 1924થી 1966 સુધી ચાર દાયકા તેઓ અભિનયક્ષેત્રે સક્રિય રહ્યા. કેટલાંક ચિત્રોનું તેમણે દિગ્દર્શન પણ કર્યું હતું.

માસ્ટર વિઠ્ઠલ

માસ્ટર વિઠ્ઠલે અભિનયની કારકિર્દીનો પ્રારંભ નાટકોથી કર્યો હતો. રાજાપુરકર નાટકમંડળીમાં બાળકલાકાર તરીકે પહેલાં નાનીનાની ભૂમિકાઓ ભજવ્યા બાદ તેમને સ્ત્રીપાત્રો મળવા માંડ્યાં હતાં. 1920-21ના અરસામાં જ્યારે ચલચિત્રોમાં નાટકોનાં કલાકારોની ભારે માંગ શરૂ થઈ ત્યારે ચિત્રો તરફ આવેલાં કલાકારોમાં માસ્ટર વિઠ્ઠલ પણ હતા. મહારાષ્ટ્ર ફિલ્મ કંપનીના એક લોકપ્રિય ચિત્ર ‘નેતાજી પાલકર’માં નાની ભૂમિકા ભજવીને તેમણે ચિત્રોમાં અભિનય-કારકિર્દી શરૂ કરી હતી. ‘કલ્યાણ ખજીના’ ચિત્રમાં તેમણે નર્તકીની ભૂમિકા ભજવી હતી. એ પછી તેઓ શારદા ફિલ્મ કંપનીમાં જોડાયા અને આ કંપનીના બીજા જ ચિત્ર ‘રતનમંજરી’માં તેમને મુખ્ય ભૂમિકા ભજવવાની તક મળી ગઈ. આ ચિત્રની નાયિકા જેબુન્નિસા સાથે જોડી બનાવીને તેમણે એ પછી ઘણાં સફળ ચિત્રોમાં કામ કર્યું. તેમની એવી અપાર લોકપ્રિયતા હતી કે એ જમાનાની બે ખ્યાતનામ ચિત્રનિર્માણકંપનીઓ શારદા અને ઇમ્પીરિયલ વચ્ચે તેમને પોતાની સાથે રાખવાને મામલે અદાલતમાં દાવો થયો હતો અને અંતે અદાલતમાં જ્યારે માસ્ટર વિઠ્ઠલે એમ કહ્યું કે જે પોતાને વધારે નાણાં આપશે તેની સાથે પોતે કામ કરશે, તે પછી બંને કંપનીઓ વચ્ચે અદાલતમાં જ બોલી શરૂ થઈ ગઈ હતી અને તેમાં મહિને 750 રૂપિયા આપવાની શરતે તેઓ ઇમ્પીરિયલ સાથે જોડાયા હતા. અદાલતમાં આ કેસ લડવા શારદા વતી ઍડ્વોકેટ મોહંમદ અલી ઝીણા અને ઇમ્પીરિયલ વતી ઍડ્વોકેટ કાંગા ઉપસ્થિત રહ્યા હતા.

નોંધપાત્ર ચિત્રો : અભિનેતા તરીકે : ‘કલ્યાણ ખજીના’ (1924); ‘બાજીરાવ મસ્તાની’, ‘રતનમંજરી’, ‘સુવર્ણકમલ’, ‘વંદે માતરમ્’,  ‘આશ્રમ’ (1926); ‘કાલા પહાડ’, ‘અસૂરી લાલસા’, ‘બલિદાન’, ‘ભેદી ત્રિશૂલ’ (1927); ‘ગુલબદન’, ‘કનકકાંતા’, ‘સોહની મહિવાલ’ (1928);  ‘નિશાનડંકા’, ‘ભેદી સવાર’,  ‘રાંકનું રતન’ (1929); ‘વીરનાં વેર’, ‘અરુણોદય’ (1930); ‘આલમઆરા’, ‘દૌલત કા નશા’ (1931);  ‘જાલિમ જવાની’ (1932); ‘ભેદી રાજકુમાર’, ‘છત્રપતિ સંભાજી’ (1934); ‘રંગીલા નવાબ’ (1935); ‘નેતાજી પાલકર’ (1939); ‘અમૃત’ (1941); ‘રામશાસ્ત્રી’ (1944); ‘મીઠ ભાકર’ (1949); ‘છત્રપતિ શિવાજી’ (1952); ‘સાધી માનસે’ (1965).

હરસુખ થાનકી