વિઠોબા (વિઠ્ઠલ) : વિઠોબા, વિઠ્ઠલ કે પાંડુરંગ તરીકે મહારાષ્ટ્રમાં વ્યાપક રીતે પૂજાતા દેવ. એ વિષ્ણુનું એક સ્વરૂપ છે. સંસ્કૃત ‘વિષ્ણુ’ શબ્દનું કન્નડમાં ‘વિઠ્ઠું’ રૂપાંતર થયું અને એમાંથી વિઠ્ઠલ થયું હોવાની માન્યતા છે. કન્નડ ભાષામાં સામાન્ય રીતે રાજાઓ, રાજવંશો, વ્યક્તિઓ અને સ્થળનાં નામોની પાછળ ‘લ’ મૂકવાની પ્રથા છે. મરાઠીમાં ‘વિઠ્ઠલ’ કે ‘વિઠોબા’ શબ્દનું મૂળ ‘વીટ’ (= ઈંટ) છે. મરાઠીમાં વ્યક્તિવિશેષ નામની પાછળ મુકાતો ‘બા’ કે ‘લ’ માનસૂચક હોવાથી વિઠ્ઠોબા કે વિઠ્ઠલ થયું. વિઠોબાની સાથે પુંડરીકની કથા સંકળાયેલી છે. પુંડરીકની માતૃ-પિતૃભક્તિથી ખુશ થઈને ભગવાન વિષ્ણુ પોતે પોતાના પરમભક્ત પુંડરીકને મળવા સામેથી ગયા. એ વખતે પુંડરીક માતા-પિતાની ચરણસેવા કરી રહ્યા હતા. પુંડરીકે ભગવાનને ઈંટ આપીને તેની પર ઊભા રહીને પોતે કામમાંથી મુક્ત થાય ત્યાં સુધી રાહ જોવા કહ્યું. ‘વીટ’ એટલે કે ઈંટ પર ઊભા રહ્યા હોવાથી ભગવાન ‘વિઠોબા’ તરીકે ઓળખાયા. પુંડરીકની માતૃ-પિતૃસેવાથી ખુશ થઈને ભગવાને તેમને વરદાન માગવા કહ્યું. ભગવાન જે સ્થિતિમાં ઊભા હતા તે જ સ્થિતિમાં ત્યાં કાયમ બિરાજમાન થાય એવું પુંડરીકે વરદાન માગ્યું. આ કથાને આધારે વિઠ્ઠલની પ્રતિમા ઊભી બનાવવામાં આવે છે.
નામદેવના આગમન સાથે મહારાષ્ટ્રમાં વિઠ્ઠલની ભક્તિનો પ્રસાર થયો. વિઠ્ઠલ નામે સંપ્રદાય પણ શરૂ થયો હતો. શક સંવત 1131(ઈ. સ. 1209)ના આણંદીના હરિહરીન્દ્રના મંદિરમાંથી પ્રાપ્ત લેખમાં તેનો ઉલ્લેખ છે. પંઢરપુરમાંથી પણ આ અંગેનો લેખ પ્રાપ્ત થયો છે. તેનો સમય શક સંવત 1159 (ઈ. સ. 1237) છે. પંઢરપુર આ સંપ્રદાયનું મુખ્ય તીર્થધામ છે. તેનું પ્રાચીન નામ પાંડુરંગપલ્લી છે. આ સંપ્રદાયનો મહારાષ્ટ્રમાં પ્રસાર થયો તે પહેલાં કર્ણાટકમાં સદીઓ સુધી પ્રચલિત હતો. હોયસળ રાજા સોમેશ્વરે પંઢરપુરના દેવને દાન આપ્યાનો આભિલેખિક પુરાવો પ્રાપ્ત થયો છે. વિજયનગરના રાજા દેવરાય બીજાના 1408ના લેખમાં વિઠ્ઠલ ભગવાનનો ઉલ્લેખ છે. કૃષ્ણદેવરાયે પોતાની રાજધાનીમાં 1519માં વિઠ્ઠલ સ્વામીનું મંદિર બંધાવ્યું હતું. કન્નડ કવિ ઔન્ડરસે (આશરે 1300) પંઢરપુરના વિઠોબાની પ્રશસ્તિ ગાઈ છે. તેમણે વિઠોબાને ‘આભંગ વિઠ્ઠલ’ તરીકે સંબોધ્યા છે. મૂર્તિશાસ્ત્રમાં દેવ-દેવીની સીધા ઊભા રહેવાની સ્થિતિને આભંગ કહે છે. વિઠોબાની મૂર્તિ આ પ્રકારની હોવાથી કવિએ તેમને ‘આભંગ વિઠોબા’ તરીકે સંબોધ્યા છે. તમિળ દેશમાં પણ વિઠ્ઠલ સંપ્રદાય પ્રચલિત હતો. કોઈ કુંથલમાંથી પ્રાપ્ત શક સંવત 1495 અને 1476ના લેખોમાં ‘પાંડુરંગન વિઠ્ઠલ’નો ઉલ્લેખ છે. આમ સ્પષ્ટ થાય છે કે મહારાષ્ટ્ર ઉપરાંત અન્ય પ્રાંતોમાં પણ વિઠ્ઠલ સંપ્રદાયનો પ્રસાર થયો હતો. પંઢરપુરના વિઠ્ઠલ મંદિરનો જીર્ણોદ્ધાર 1273-77 દરમિયાન થયો હતો. મંદિરમાં બિરાજમાન વિઠ્ઠલની પ્રતિમા ઊભી છે. તેમના મસ્તક પર શિવની નાની મૂર્તિ છે, જે સૂચક છે. કોણીએથી વળેલા તેમના હાથ કેડ પર ટેકવેલા છે. તે પૈકી ડાબા હાથમાં શંખ અને જમણા હાથમાં ચક્ર ધારણ કરેલાં છે. કેડે કમરબંધ બાંધેલા છે, જેના છેડા જમણી જાંઘ પર લટકતા છે.
આ મંદિરની બાજુમાં રુક્મિણીનું મંદિર છે, જે અહીં ‘રખુમાઈ’ના નામે ઓળખાય છે. આ સ્થળે અનેક સંતોની સમાધિઓ આવેલી છે. સંત તુકારામ, નામદેવ અને નરહરિએ અહીં નિવાસ કર્યો હતો. પંઢરપુરના વિઠ્ઠલ પંઢરીનાથ તરીકે પણ પુજાય છે. તેમના મસ્તક પર આવેલી શિવની મૂર્તિ દ્વારા વિઠ્ઠલ સંપ્રદાયમાં શિવ અને વિષ્ણુનું ઐક્ય જોડવામાં આવ્યું છે. આ ઐક્ય ભાવનાને લીધે દક્ષિણ ભારતમાં શૈવો અને વૈષ્ણવો વચ્ચે થયેલા મતભેદો અને અથડામણો મહારાષ્ટ્રમાં થયેલાં જણાતાં નથી. આમ વિઠ્ઠલની પૂજાએ મહારાષ્ટ્રમાંથી શૈવો અને વૈષ્ણવોના મતભેદ દૂર કરવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. ભગવાન પંઢરીનાથ દુ:ખી અંત્યજોના અનન્ય ઉપાસ્ય બન્યા હતા. પ્રત્યેક એકાદશીએ અને ખાસ કરીને અષાઢ અને કારતક સુદ એકાદશીએ તે ખભે પતાકા અને હાથમાં ઝાંઝ લઈને ‘પુંડરીક વરદા હરિ વિઠ્ઠલ’નો જયઘોષ કરતાં વિઠ્ઠલનાથજીના દર્શને જતા. આ યાત્રા ‘વારિ’ કહેવાતી અને એ યાત્રા કરનાર લોકો વારકરિ કહેવાતા. તેથી તેમનો પંથ વારકરિ પંથ તરીકે પ્રસિદ્ધ થયો. આ પંથમાં વિઠ્ઠલની ભક્તિ અને નામસ્મરણ મુખ્ય રહ્યાં છે. વિઠ્ઠલ વાસ્તવમાં બાલકૃષ્ણનું જ પ્રતીક છે. વારકરિ ભક્તો વિઠ્ઠલને નિર્ગુણ બ્રહ્મ માનતા. જીવ અને બ્રહ્મના અદ્વૈતનો સ્વીકાર કરતા. પરમાત્માની પ્રાપ્તિ માટે ભક્તિ પર ભાર મૂકતા. ભક્તિમાં સગુણ સ્વરૂપનો પણ સ્વીકાર કર્યો. ભિક્ષા માગવી નહિ, પોતાના વ્યવસાય દ્વારા આજીવિકા મેળવવી, નાતજાત અને ઊંચનીચના ભેદભાવ ભૂલીને પરસ્પર નમસ્કાર કરવા, ભેટવું, કીર્તન કરવાં અને એ રીતે વિઠોબાની ભક્તિમાં લીન રહેવું વગેરે આ સંપ્રદાયના મુખ્ય આચાર રહ્યા છે.
થૉમસ પરમાર