વિઠ્ઠલ, એન. (જ. 31 જાન્યુઆરી 1938, તીરુવનંતપુરમ) : ભારત સરકારના ઉચ્ચ સનદી અધિકારી અને જાહેર વહીવટના નિષ્ણાત. પ્રારંભે વિજ્ઞાનની વિદ્યાશાખામાં પ્રવેશ મેળવી રસાયણશાસ્ત્ર વિષય સાથે તેઓ સ્નાતક બન્યા. જમાલ મહમદ કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે ટૂંકી કામગીરી બજાવી, 1960માં ભારતીય વહીવટી સેવામાં જોડાયા. સનદી સેવાની ગુજરાત કૅડરમાં તેમણે વિવિધ હોદ્દાઓ શોભાવ્યા. 1962-63માં ડભોઈના નાયબ કમિશનર તરીકે ગુજરાતમાં તેમણે કામગીરીનો આરંભ કર્યો હતો. તે પછી જાહેર બાંધકામ વિભાગના નાયબ સચિવ તરીકે કામગીરી બજાવી. હિજરતીઓ માટેના પંચ(Exodus commission)ના અધ્યક્ષ તરીકે ભૂસ્તર અને ખાણ વિભાગમાં, વાણિજ્ય મંત્રાલયમાં એમ વિવિધ વિભાગોમાં ટોચના અધિકારી તરીકે ભારત સરકારમાં કામગીરી બજાવી અને ત્યારબાદ ફરીને ગુજરાત સરકારમાં 1980-82માં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સચિવ, 1982-87માં ગુજરાત નર્મદા વૅલી ફર્ટિલાઇઝર કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર અને 1987-88માં ગુજરાત સરકારના ગૃહવિભાગના વધારાના મુખ્ય સચિવ રહ્યા હતા. વળી પાછા ભારત સરકારે તેમની સેવાઓ ઍટમિક એનર્જી કમિશન અને ટેલિકૉમ્યૂનિકેશન મંત્રાલય માટે લીધી. તે પછી તેઓ જાહેર સાહસોની પસંદગી માટેના બૉર્ડના સચિવ અને કેન્દ્રીય તકેદારી પંચના કમિશનર નિમાયા હતા. આમ તેઓ વિવિધ ક્ષેત્રોની કામગીરીનો બહોળો અનુભવ ધરાવે છે.

એન. વિઠ્ઠલ

ભ્રષ્ટાચારને તેઓ જાહેર જીવનને કોરી ખાતો પ્રાણઘાતક રોગ ગણે છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવી તેની સામે આપણે લડીએ તો લોકશાહી વધુ અર્થપૂર્ણ બને અને ભારતના પ્રત્યેક નાગરિકના જીવનમાં ખુશાલી સર્જી શકાય એમ તેઓ માનતા. રાજકીય ભ્રષ્ટાચારને ડામવા લોકપાલ કાયદો ઘડાય તેનો તેઓ આગ્રહ રાખતા. સરકારના VDIS (Voluntary Disclosure of Income Scheme) જેવા કાર્યક્રમો પડતા મુકાય તેમ ઇચ્છતા, કારણ તેનાથી ભ્રષ્ટાચારને કાયદેસરતા અને સરકારના આશીર્વાદ  બંને પ્રાપ્ત થતા હતા. બૅંકોમાં નાણાકીય ઘાલમેલના કિસ્સા ઉઘાડા પાડવા જોઈએ એવી તેમની માન્યતા હતી.

ભ્રષ્ટાચાર વિરોધી લડતનો આરંભ કરવાની દિશામાં તેમની કામગીરી ધ્યાનપાત્ર હતી. કેન્દ્રીય તકેદારી પંચના અધ્યક્ષ તરીકે ભ્રષ્ટાચારને ઉઘાડો પાડવા તેમણે ત્રણ મુદ્દાની વ્યૂહરચના સૂચવી હતી. જે અનુસાર : (1) નિયમો અને પ્રવિધિઓ સરળ બનાવવી; (2) તે અંગેના કિસ્સાઓમાં વધુ પારદર્શકતા લાવવા સાથે ભ્રષ્ટાચારની રજૂઆત કરનાર વ્યક્તિઓના સશક્તીકરણની વ્યવસ્થા ગોઠવવી અને (3) ખોટાં કૃત્યો કરનારને અસરકારક સજા કરાવવી  જેવી બાબતોનો તેમાં સમાવેશ કરાયો હતો. ભ્રષ્ટતાના કિસ્સાઓમાં સજા કરાવવાની દિશામાં યુવાનો નોંધપાત્ર ભૂમિકા ભજવી શકે એવી તેમની માન્યતા હતી.

વિવિધ સરકારી હોદ્દાઓ પર જવાબદારીભરી કામગીરી બજાવવા ઉપરાંત તેઓ ‘ઇકોનૉમિક ટાઇમ્સ’ અખબારના કટારલેખક રહી ચૂક્યા છે. ‘ઇન્ડિયા ઇનકૉર્પોરેટેડ : રિફ્લેક્શન્સ ઑન ધી ઇન્ડિયન ઇલેક્ટ્રૉનિક્સ ઇન્ડસ્ટ્રી (1994)’, ‘ધ વિશિયસ સર્કલ ઑવ્ વિકલ્સ લૉ’ (1994), ‘ધ રેડ ટેપ ગેરીલા’ (1995), ‘ફાઇટિંગ કરપ્શન ઍન્ડ રિસ્ટ્રક્ચરિંગ ગવર્નમેન્ટ’ (2000), ‘ઇન્ફરમેશન ટેક્નૉલોજી : ઇન્ડિયાઝ ટુમોરો’ (2000), ‘પબ્લિક સેક્ટર ગવર્નન્સ ઍન્ડ મૅનેજમેન્ટ : એમર્જિગ ડાઇમેન્શન્સ’ (2001) તેમના જાણીતા ગ્રંથો છે.

ડેટા-ક્વેસ્ટ કંપનીએ તેમને 1993ના વર્ષના ‘આઇ.ટી. મૅન ઑવ્ ધ યર’ ઘોષિત કર્યા હતા. 2001ના વર્ષનો જાહેર વહીવટ અંગેનો ‘જાયન્ટ્સ ઇન્ટરનૅશનલ ઍવૉર્ડ’ તેમને એનાયત થયો હતો.

રક્ષા મ. વ્યાસ