વિટવૉટર્સરૅન્ડ (Witwatersrand)

February, 2005

વિટવૉટર્સરૅન્ડ (Witwatersrand) : દક્ષિણ આફ્રિકામાં આવેલો ઔદ્યોગિક, વાણિજ્ય, નાણાકીય અને ખાણક્ષેત્રે ઘણો જ મહત્વનો વિસ્તાર. ભૌગોલિક સ્થાન : તે 25° 55´ દ. અ. અને 27° 00´ પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલો છે.

અહીં ક્વાટર્ઝાઇટ(વિકૃત ખડકનો એક પ્રકાર)ની ડુંગરધારો આવેલી છે. તેમની ઊંચાઈ 1,525થી 1,830 મીટર જેટલી છે. તે સફેદ રંગની હોવાથી તેમાંથી નીકળતી નદીઓનાં જળ સફેદ રંગનાં દેખાય છે, આ કારણે ઓગણીસમી સદીના મધ્યકાળથી તેને વ્હાઇટ વૉટર્સ રૅન્ડ (રૅન્ડ એટલે ડુંગરધાર) જેવું આફ્રિકી નામ અપાયેલું છે. અહીંની વાઅલ અને ઑલિફેન્ટ નદીઓ વચ્ચે સમાંતર હારમાળાઓથી બનેલો જળવિભાજક છે, તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ આશરે 100 કિમી. જેટલી છે.

આ વિસ્તારની આશરે 80 કિમી. જેટલી લંબાઈમાં જોહાનિસબર્ગ, પ્રિટોરિયા, સ્પ્રિંગ્ઝ, મરેસબર્ગ, જર્મિસ્ટન જેવાં શહેરો વસેલાં છે. 1854માં અહીંના ભૂતળમાં સોનાના નિક્ષેપો રહેલા હોવાનું જાણવા મળેલું. 1886માં જોહાનિસબર્ગથી 5 કિમી. પશ્ચિમે પૂર્વેક્ષકોએ સુવર્ણનિક્ષેપોનો પટ્ટો શોધી કાઢ્યો. તે આશરે 100 કિમી.ની લંબાઈમાં વિસ્તરેલો છે. અહીં સુવર્ણધારક ખનિજપટ્ટાની ખોજ થવાથી આ વિસ્તાર દુનિયાભરમાં જાણીતો બની ગયો. દુનિયાભરમાં ઉત્પન્ન થતા સોનાનું 50 % જેટલું ઉત્પાદન આ વિસ્તારમાંથી મળે છે. ત્યારથી આ વિસ્તારનો વિકાસ થતો ગયો છે. ઘણા શ્રમિકો અહીંના ખાણક્ષેત્રે રોકાયેલા છે.

ગિરીશભાઈ પંડ્યા