વિઝડન, જૉન (જ. 5 સપ્ટેમ્બર 1826, બ્રાઇટન, સસેક્સ; અ. 5 એપ્રિલ 1884, વેસ્ટમિન્સ્ટર, લંડન, યુ.કે.) : આંગ્લ ક્રિકેટ ખેલાડી અને ક્રિકેટ ઇતિહાસકાર. અત્યારે સૌથી ખ્યાતનામ બનેલ વિઝડન ક્રિકેટર્સ ઑલ્મનૅકના તેઓ સ્થાપક હતા, જે સૌપ્રથમ 1864માં બહાર પડાયું હતું. તેઓ ઠીંગણા કદના હતા પણ સસેક્સ માટે તેઓ અગ્રણી ગોલંદાજ હતા અને ઝડપી ઑવ્ બ્રેકની ગોલંદાજી કરતા હતા.
ટેસ્ટ મૅચ પૂર્વેના સમયમાં તેઓ ઑલ ઇંગ્લૅન્ડ તથા યુનાઇટેડ ઇંગ્લૅન્ડની ઇલેવન વતી રમતા હતા. 1850માં 15 જુલાઈના રોજ લૉડર્ઝ ખાતે નૉર્થ વિરુદ્ધ સાઉથની મૅચમાં તેમણે તમામને ‘બોલ્ડ’ કરી 10 વિકેટ ઝડપી. અને એ રીતે પ્રથમ કક્ષાના દાવમાં એ સિદ્ધિ નોંધાવનાર તેઓ સર્વપ્રથમ અને એકમાત્ર ખેલાડી બની રહ્યા.
તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : 1845-63, પ્રથમ કક્ષાની મૅચ : 14.12 ની સરેરાશથી 4140 રન; સદી 2; સૌથી વધુ જુમલો 148; 1109 વિકેટ; 169 કૅચ; 1 સ્ટમ્પિંગ.
મહેશ ચોકસી