વિઝાર્ડ ઑવ્ ઓઝ, ધ

February, 2005

વિઝાર્ડ ઑવ્ ઓઝ, ધ : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1939. ભાષા : અંગ્રેજી. રંગીન. આંશિક શ્ર્વેત અને શ્યામ. નિર્માણ-સંસ્થા : એમજીએમ. નિર્માતા : મેર્વિન લિરોય. દિગ્દર્શક : વિક્ટર ફ્લેમિંગ અને કિંગ વિડોર. કથા : એલ. ફ્રાન્ક બોમની નવલકથા પર આધારિત. પટકથા : નોએલ લૅંગ્લે, ફ્લૉરેન્સ રાયેરસન, એડગર એલન વુલ્ફ. છબિકલા : હેરોલ્ડ રોસન. ગીત : હેરોલ્ડ આરલેન. સંગીત : હર્બર્ટ સ્ટોથાર્ટ. મુખ્ય કલાકારો : જુડી ગાર્લેન્ડ, ફ્રૅન્ક મૉર્ગન, રે બોલ્જર, બર્ટ લેહર, જેક હેલી, બિલી બર્ક, માર્ગરેટ હેમિલ્ટન, ચાર્લી ગ્રેપવિન, ક્લારા બ્લેન્ડિક.

‘ધ વિઝાર્ડ ઑવ્ ઓઝ’ નવલકથા(પટકથા)ના સર્જક એલ. ફ્રાન્ક બોમ

એલ. ફ્રાન્ક બોમની કાળજયી બાળવાર્તા પર આધારિત આ બાળચલચિત્ર બાળકો માટે આજ સુધી બનેલાં બાળચિત્રોમાં અવ્વલ ગણાય છે. આ ચિત્રમાં એક બાળા ડોરોથીની સાહસકથા છે. ટિનમૅન નામનો એક ચાડિયો  પતરાનો બનેલો માણસ ટિનમૅન અને એક વાઘ તેનાં સાથીદારો છે. આબાલવૃદ્ધ સૌને ગમે એવા આ ચિત્રનો સંદેશો છે : ઘર જેવી કોઈ જગ્યા નથી. આ શૈક્ષણિક મૂલ્યોને કારણે પણ વખણાયું છે. ડોરોથી 11 વર્ષની બાળા છે. કૅનસાસમાં તેની કાકી એમ અને કાકા હેન્રી સાથે તેમના ખેતરમાં તે રહે છે. તેમનો કૂતરો ટોટો તેને ખૂબ વહાલો છે. તેમની પાડોશણ ગુલ્ટને ટોટો જરાય ગમતો નથી. એક દિવસ ગુલ્ટ ટોટોને બેભાન કરી નાંખવાનો પ્રયાસ કરે છે ત્યારે ડોરોથી ટોટોને બચાવવા ઘેરથી નાસી છૂટે છે. રસ્તામાં તેને જાદુગર માર્વેલ મળે છે. જાદુગરની સલાહ માનીને ડોરોથી ટોટો સાથે ઘેર પાછી ફરે છે પણ એક ભયાનક વંટોળિયાને તે પોતાના ઘર તરફ જતો જુએ છે. તે ઝટપટ ઘર તરફ ભાગે છે. દરમિયાનમાં વંટોળિયાથી બચવા કાકા-કાકી અને નોકરો ઘરના ભંડકિયામાં સલામત જગ્યાએ પહોંચી જઈ બારણું બંધ કરી દે છે. ડોરોથી ક્યાં છે એની તેમને ખબર નથી. ડોરોથી ઘરમાં આવે છે ત્યારે વંટોળિયાને કારણે કંઈક તેના માથામાં વાગે છે. પછી શું બને છે તે ડોરોથી સમજે તે પહેલાં તો વંટોળિયો આખા ઘરને ઉડાડીને કોઈ નવા જ પ્રદેશમાં લઈ જાય છે. આ પ્રદેશ અદ્ભુત છે. અનેક આશ્ર્ચર્યોથી ભરપૂર આ સ્થળેથી પોતાના ઘેર જવામાં ડોરોથીને એક માત્ર ઓઝનો જાદુગર જ મદદ કરી શકે તેમ છે. તે એમરાલ્ડ શહેરમાં રહે છે. ડોરોથી ત્યાં જવા નીકળી પડે છે. રસ્તામાં તેને ચાડિયો, ટિનમૅન અને વાઘ મળે છે. એ ત્રણેય પણ ઓઝ જવા તેની સાથે થાય છે. ચાડિયાને મગજ જોઈએ છે, ટિનમૅનને હૃદય અને બીકણ વાઘને એવી શક્તિની જરૂર છે, જેને લઈને પોતે જંગલનો રાજા બની શકે. ઓઝ પહોંચવામાં તેમને એક સારી ડાકણનો સાથ મળી રહે છે ને એક દુષ્ટ ડાકણ તેમને હેરાન કરવા બધું કરી છૂટે છે. અંતે ઓઝના જાદુગરને તેઓ મળે છે. તેમની ઇચ્છાઓ પૂરી થાય છે. ડોરોથી એકાએક ભાનમાં આવે છે ત્યારે તેને ખબર પડે છે કે તેણે જે જોયું હતું એ એક સપનું હતું. તેમ છતાં તે બોલી ઊઠે છે કે ‘દુનિયામાં ઘર જેવી બીજી કોઈ જગ્યા નથી’.

‘ધ વિઝાર્ડ ઑવ્ ઓઝ’માંથી ઉદ્ધૃત એક રેખાચિત્ર

આ ચિત્રને શ્રેષ્ઠ ચિત્ર, શ્રેષ્ઠ કલાનિર્દેશન (સેડ્રિક ગિબન્સ અને વિલિયમ એ. હૉર્નિગ), શ્રેષ્ઠ રંગીન છબિકલા, શ્રેષ્ઠ સ્પેશિયલ ઇફેકટ્સ(એ. આર્નોલ્ડ ગિલેસ્પી અને ડગ્લાટસ શેરર)ને ઑસ્કાર માટેનાં નામાંકન મળ્યાં હતાં તથા શ્રેષ્ઠ સંગીત અને શ્રેષ્ઠ ગીતો માટે બે ઑસ્કાર એવૉર્ડ મળ્યા હતા.

હરસુખ થાનકી