વિજ્ઞાપનીય રોગો (notifiable diseases)

February, 2005

વિજ્ઞાપનીય રોગો (notifiable diseases) : જે રોગનો વ્યાપક ઉપદ્રવ (વાવડ) ફેલાય એમ હોય તેવો ચેપી રોગ. મોટાં શહેરોમાં વસતા અને તેની મુલાકાત લેતા લોકોની સંખ્યા ઘણી હોય છે તેથી ત્યાં ચેપી રોગોનો વાવડ ફેલાવાની શક્યતા વધુ રહે છે. કોઈ ચોક્કસ લોકસમૂહમાં કોઈ ચેપી રોગનો ઉપદ્રવ વ્યાપકપણે થાય અને વસ્તીનો ઘણો મોટો ભાગ તેનાથી અસરગ્રસ્ત થાય તો તેને સાદી ભાષામાં રોગનો વાવડ અને પારિભાષિક રીતે અધિવસ્તીરોગિતા (epidemic) કહે છે. 3 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં નગરપાલિકા (municipal corporation)  હોય છે અને તેની વૈધાનિક ફરજ સ્વરૂપે તેની વસ્તીના આરોગ્યની જાળવણી રાખવાની હોય છે. તેથી વસ્તીમાં રોગનો ઉપદ્રવ પ્રસરે તેવું થતું રોકવાની તથા તે થાય તો તેવી સ્થિતિને પહોંચી વળવાની તેની જવાબદારી બને છે. તે કાર્ય સરળ કરવા માટે નગરપાલિકાના કાયદામાં આવા પ્રકારના ચેપી રોગનું નિદાન કરવામાં આવે કે તેની સંભાવના જણાઈ આવે તો તે અંગે નગરપાલિકાને બનતી ત્વરાએ જણાવવા માટેની વૈધાનિક જવાબદારી કાયદા દ્વારા નોંધાયેલા ચિકિત્સકો પર સ્થાપિત કરવામાં આવેલી છે. મુંબઈ નગરપાલિકા કાયદાના ખંડ 421માં જણાવાયું છે કે જોખમકારક રોગો અને સતત રહેતો અને કારણ જાણી ન શકાયું હોય તેવો 4 દિવસ કે વધુ સમયનો તાવ જો કોઈ દર્દીમાં જોવા મળે તો તેની જાણકારી આપવી આવશ્યક બને છે. જે કોઈ તબીબ આવા દર્દીની સારવાર કરતો હોય અથવા તે ફક્ત આવા દર્દી વિશે કોઈ પણ રીતે માહિતી ધરાવતો હોય તો તેણે તેની નોંધ કાર્યપાલક આરોગ્ય-અધિકારી(executive health-officer)ને કરાવવી પડે છે. નગરપાલિકાના વહીવટી વડાની મંજૂરીથી કાર્યપાલક આરોગ્ય-અધિકારી જેટલી વખત અને જે પ્રકારે માહિતી માંગે તે બધી માહિતી તબીબે આપવી પડે છે. આ માટે વિજ્ઞાપનીય રોગોની યાદી બહાર પાડવામાં આવેલી હોય છે અને સમયાંતરે તેમાં સુધારો કરવામાં આવે છે. સારવાર કરનાર ડૉક્ટર તથા તેનું નિદાન કરવા માટેની નૈદાનિક કસોટી કરનાર રુગ્ણવિદ (pathologist) – એમ બંને એક જ કિસ્સાની નોંધ કરાવે તેવું બને અને તેથી ક્યારેક ખોટી રીતે જે તે રોગના વધુ પડતા વ્યાપની છાપ ઊભી થવાની શક્યતા રહેલી છે. આવી છાપ ક્યારેક ભયનું વાતાવરણ સર્જી શકે છે.

બૃહદ મુંબઈમાં હાલ પ્રવર્તતી વિજ્ઞાપનીય રોગોની સૂચિમાં સમાવિષ્ટ થતા રોગો આ મુજબ છે : શીતળા, કૉલેરા, પ્લેગ, આંત્રજ્વર (typhoid fever), સ્કાર્લેટ જ્વર, ડિફ્થેરિયા, ટાયફૂસ, રિલેપ્સિંગ જ્વર, સૂતિકાકાળ (puerperal) જ્વર, ક્ષયરોગ, કુષ્ઠરોગ (leprosy), ઇન્ફ્લુએન્ઝા, મેરુમસ્તિકી જ્વર (cerebrospinal fever), બાળલકવો (poliomyelitis), વિષાણુજ મસ્તિષ્કશોથ (viral encephalitis), ચેપી કમળો કરતો યકૃતશોથ (infective hepatitis), ડૅન્ગ્યૂ જ્વર, ઝાડાઊલટીનો વિકાર કરતો જઠરાંત્રશોથ (gastro enteritis), માનવપ્રતિરક્ષાઊણપકારી વિષાણુજ(HIV)ના ચેપથી થતું સંપ્રાપ્ત પ્રતિરક્ષાઊણપ-સંલક્ષણ (aquired immuno deficiency syndrome, AIDS), તાનિકાણુ (meningococci) નામના જીવાણુથી થતો તાનિકાશોથ (meningitis), લેપ્ટોસ્પાયરોસીસ વગેરે.

નગરપાલિકાના અધિકારીઓને રોગના ઉપદ્રવની કે તેની સંભાવનાની જાણકારી મળે એટલે તેમણે તેના નિયંત્રણ માટે જરૂરી બધાં જ પગલાં તાત્કાલિક ધોરણે લેવાં જરૂરી છે. તે સમયે દર્દીઓની સારવાર માટે પણ વ્યવસ્થા કરવાની રહે છે. આ ઉપરાંત તેમણે જિનીવા ખાતેની વિશ્વ આરોગ્ય-સંસ્થાની કચેરીને પણ જાણ કરવાની રહે છે; જેથી કરીને આંતરરાષ્ટ્રીય સર્વાધીક્ષણ (surveillance) અને આંતરરાષ્ટ્રીય આરોગ્ય-નિયમોનું પાલન કરાવી શકાય. વિજ્ઞાપનીયતાને કારણે વિવિધ રોગો અને તેમની આનુષંગિક તકલીફોની નોંધ, જાણકારી અને આંકડાકીય માહિતી મળી રહે છે. ક્યારેક વિજ્ઞાપનીય રોગોની યાદીમાં અસંક્રામણીય (non-communicable) રોગો જેવા કે કૅન્સર, જન્મજાત કુરચનાઓ, અકસ્માતો, માનસિક રોગો, લકવો, અપંગતા વગેરે વિવિધ ચેપરહિત રોગોને પણ સમાવી શકાય છે. જુદા જુદા દેશોમાં તેને કારણે આવી યાદીઓ જુદી જુદી રહે છે.

ક્યારેક રોગની હાજરી કે સંભાવના વિશે ડૉક્ટરને બદલે કુટુંબનો વડો; ધાર્મિક-રાજકીય નેતા; વહીવટી વડો; શિક્ષક કે અન્ય વ્યક્તિ પણ માહિતી આપે છે. આવે સમયે તેની ખરાઈ કરવી જરૂરી ગણાય છે.

આંતરરાષ્ટ્રીય આરોગ્ય-નિયમન(International Health-Regulation, IHR)ની અંતર્ગત રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળે WHOને કેટલાક રોગો વિશે જણાવવું જરૂરી છે. જેથી તેમને વર્ગીકૃત કરી શકાય છે. તેમાં IHR(1969)ની ત્રીજી વર્ધિત આવૃત્તિ (1983) પ્રમાણે કૉલેરા, પ્લેગ અને પીતજ્વર (yellow fever) તથા WHO દ્વારા સર્વાધીક્ષણ હેઠળના રોગો તરીકે લાઉસવાહી (louse-borne) ટાઇફસ જ્વર, રિલેપ્સિંગ જ્વર, બાળલકવો, મલેરિયા, વિષાણુજ યકૃતશોથ (ચેપી કમળો) વગેરેનો સમાવેશ થાય છે. આ અંગેની માહિતી WHO દ્વારા વિશ્વભરમાં પહોંચે તેવી રીતે પ્રકાશિત કરાય છે. આરોગ્ય આંકડાશાસ્ત્રની વિશેષજ્ઞ સમિતિએ સૂચવ્યું છે તે પ્રમાણે દર વર્ષે વય અને લિંગને આધારે વર્ગીકૃત કરીને વિજ્ઞાપનીય રોગોની વૈશ્વિક માહિતી પ્રકાશિત કરાવવી જોઈએ.

વિજ્ઞાપનીયતા (notification) એક રીતે આરોગ્યલક્ષી માહિતીનું મહત્વનું સ્રોતમૂળ (source) છે; પણ તેની કેટલીક મર્યાદાઓ પણ છે; જેમ કે, તે સમુદાયમાંની કુલ માંદગીનો થોડોક જ અંશ દર્શાવે છે; તેથી માંદગીની અપૂરતી નોંધણી થાય છે તથા ઘણા અલાક્ષણિક (atypical) કે અવનૈદાનિક (subclinical) વિકારોની જાણકારી મળતી નથી. આ છેલ્લા મુદ્દામાં રુબેલા અને જેમાં લકવો ન થયો હોય તેવા બાળલકવા(ધૂલી વિષાણુજ અગ્રશૃંગીમેરુશોથ, poliomyelitis)ના કિસ્સાઓનો સમાવેશ થાય છે. ભારતના ગ્રામવિસ્તારોમાં રોગોની નોંધણી પ્રમાણમાં ઘણી ઓછી છે.

શિલીન નં. શુક્લ, પરિમલ જીવરાજાણી