વિજ્ઞાનવાદ : બૌદ્ધ ધર્મના તત્વજ્ઞાનનો સિદ્ધાંત. અદ્વય શુદ્ધ વિજ્ઞાન જ પરમાર્થ સત્ છે. જગતના બધા પદાર્થો મિથ્યા છે. વિજ્ઞાનવાદનો મૂળભૂત સિદ્ધાંત આ છે. તે કેવળ વિજ્ઞાનને જ પરમાર્થ માનતું હોઈ તેને ‘વિજ્ઞાનવાદ’ નામ મળ્યું છે. તે વિજ્ઞાનને ગ્રાહ્ય-ગ્રાહકના દ્વૈતથી રહિત માનતું હોઈ, તેને અદ્વયવિજ્ઞાનવાદ કે વિજ્ઞાનાદ્વૈતવાદ પણ કહેવામાં આવે છે. તેને યોગાચારદર્શન પણ કહેવામાં આવે છે, કારણ કે તે યોગસાધના ઉપર ભાર મૂકે છે, યોગજ અનુભૂતિને જ તે અદ્વયવિજ્ઞાનની ધારણાનો આધાર માને છે, અને યોગજ અનુભૂતિ દ્વારા જ તેનો સાક્ષાત્કાર થાય છે એમ તે સ્વીકારે છે.

શરૂથી જ બૌદ્ધદર્શનનું વલણ વિજ્ઞાનવાદ તરફના ઝોકવાળું રહ્યું છે. ત્યારથી જ તે કેટલાંક બાહ્ય અસ્તિત્વ ધરાવતાં (દ્રવ્યસત્) તત્વોને ઓછાં કરી તેમને કેવળ જ્ઞાનગત અસ્તિત્વ ધરાવતાં (પ્રજ્ઞપ્તિસત્) દર્શાવવાનું કાર્ય કરાતું રહ્યું છે. વળી જ્યાં સુધી ક્ષણભંગસિદ્ધાંત તેની ચરમ સીમાએ પહોંચ્યો ન હતો ત્યાં સુધી તો બૌદ્ધો માટે બાહ્ય અર્થનું સીધું (direct) પ્રત્યક્ષ માનવું શક્ય હતું; પરંતુ તુરતમાં જ સૌત્રાન્તિક દર્શનમાં તે ચરમ સીમાએ પહોંચ્યો. પરિણામે, સૌત્રાન્તિકોને બાહ્ય અર્થનું સદૃશાકાર (representative) પ્રત્યક્ષ માનવું પડ્યું. બીજા શબ્દોમાં, બાહ્ય અર્થનો વિજ્ઞાનમાં આવેલો આકાર જ સાક્ષાત્ ગૃહીત થાય છે અને બાહ્ય અર્થનો સ્વયં તે આકાર ઉપરથી અનુમિત થાય છે. આ માન્યતાએ બાહ્ય અર્થનું અસ્તિત્વ જોખમમાં મૂકી વિજ્ઞાનવાદ માટે માર્ગ મોકળો કરી આપ્યો. વળી, વિજ્ઞાનવાદને માધ્યમિક દર્શનના એક પ્રત્યાઘાત રૂપે પણ જોઈ શકાય. માધ્યમિકોએ ધ્યાનયોગના ભોગે બુદ્ધિપરીક્ષા – ડાયાલેક્ટિક ઉપર વધુ પડતો ભાર આપ્યો. માધ્યમિકોના નિષેધાત્મક વલણ સામે કેટલાકે પ્રત્યાઘાત આપ્યો અને દાવો કર્યો કે તેમણે પોતે પરમ તત્વ અદ્વયવિજ્ઞાન ધ્યાનની પરમ કોટિમાં પ્રાપ્ત કર્યું છે. વિજ્ઞાનવાદીઓ પરમ તત્વને પામવાની પદ્ધતિની બાબતમાં માધ્યમિકોથી જુદા પડે છે. વિજ્ઞાનવાદીઓ યોગ દ્વારા પરમ તત્વને પામવાનું કહે છે, જ્યારે માધ્યમિકો બુદ્ધિપરીક્ષા  ડાયાલેક્ટિક દ્વારા પરમ તત્વને પામવાનું કહે છે.

ચોથી શતાબ્દીના આચાર્ય વસુબંધુની કૃતિ ‘વિજ્ઞપ્તિમાત્રતાસિદ્ધિ’ નાની છે. પણ વિજ્ઞાનવાદની દૃષ્ટિએ મહત્વની છે. વસુબંધુના શિષ્ય આચાર્ય સ્થિરમતિએ રચેલું ‘વિજ્ઞપ્તિમાત્રતાભાષ્ય’ પણ વિજ્ઞાનવાદનો મહત્વનો ગ્રંથ છે. પાંચમી સદીના પૂર્વાર્ધમાં થયેલ દિઙ્નાગે ‘આલંબનપરીક્ષા’ નામની કૃતિ રચી બાહ્યાર્થનો પ્રતિષેધ કર્યો છે. સાતમી શતાબ્દીના ધર્મકીર્તિએ રચેલા મહત્વના દાર્શનિક ગ્રંથ ‘પ્રમાણવાર્તિક’નો અમુક ભાગ વિજ્ઞાનવાદનું સમર્થ પ્રતિપાદન કરે છે. પ્રજ્ઞાકરગુપ્તે રચેલું ‘પ્રમાણવાર્તિકભાષ્ય’ પણ વિજ્ઞાનવાદનો મહત્વનો ગ્રંથ ગણાય છે.

બાહ્યાર્થનિષેધપૂર્વક વિજ્ઞાનવાદની સ્થાપના કરવા માટે આપવામાં આવેલી મુખ્ય દલીલો નીચે પ્રમાણે છે : (1) વિજ્ઞાનગત આકારનો ખુલાસો તે આકારવાળા બાહ્ય અર્થને માન્યા વિના કરી શકાય નહિ એમ માનવું ખોટું છે, કારણ કે સ્વપ્નજ્ઞાન, ભ્રાન્તિજ્ઞાન, સ્મરણજ્ઞાનમાં બાહ્ય વસ્તુ વિના પણ જ્ઞાનમાં આકારો ઊઠે છે. સૌત્રાન્તિકને મતે પરમાણુ જ સત્ છે, સ્થૂળ વસ્તુ અસ્તિત્વ ધરાવતી નથી; તેમ છતાં તેઓ સ્થૂળાકારવાળા અનુભવજ્ઞાનનો સ્વીકાર કરે છે. આ દર્શાવે છે કે જ્ઞાનગત આકારનો ખુલાસો કરવા બાહ્ય અર્થને માનવામાં વ્યભિચારદોષ છે. (2) જ્ઞાનાકારો માટે બાહ્ય વસ્તુઓ નહિ પણ વાસના જ કારણભૂત છે. આ વાસના અનાદિ હોઈ તેના કારણ રૂપે બાહ્ય વસ્તુનો સ્વીકાર થઈ શકે જ નહિ. જ્ઞાનના આકારોની નિયામક વાસના છે, બાહ્ય વસ્તુ નહિ. (3) જ્ઞાન પોતે જ પોતાને જાણે છે (સ્વસંવેદન). એટલે તેને ગ્રાહ્ય વિષય તરીકે બાહ્ય વસ્તુની જરૂર નથી. જ્ઞાન પોતે પોતાને જાણે છે, જ્ઞાન પોતાના પ્રકાશ યા પ્રાકટ્યને માટે બીજા પર આધાર રાખતું નથી એ વાત દીપકના દૃષ્ટાંતને આધારે સમજી શકાય. (4) જ્યારે આપણે પ્રત્યક્ષથી ‘નીલ (વસ્તુ)’ને જાણીએ છીએ ત્યારે ‘નીલ’ અને ‘નીલજ્ઞાન’ એ બેની પ્રતીતિ સદા સાથે જ થાય છે. આ ઉપરથી જણાય છે કે તે બંને એક જ વસ્તુ છે. જે બે વસ્તુઓ અલગ હોય છે તેમનું જ્ઞાન કોઈક વાર તો અલગ  એકના વિના બીજાનું  થાય જ; પરંતુ અહીં તો એવું થતું નથી. એટલે તે બંને એક જ વસ્તુ હોવી જોઈએ. જ્ઞાનને માનવું અનિવાર્ય હોઈ ‘નીલજ્ઞાન’ જ સત્ વસ્તુ છે, અને નહિ કે નીલબાહ્ય વસ્તુ. ‘નીલ’ અને ‘નીલજ્ઞાન’ એ બેના સહોપલંભના આધારે એ બેનો અભેદ પુરવાર થાય છે. તેથી બેમાંથી એકનો જ સ્વીકાર કરવો જોઈએ અને બીજાને તદ્રૂપ જ ગણવું જોઈએ. એટલે, કાં તો ‘નીલ’ બાહ્ય વસ્તુનો સ્વીકાર કરો, કાં તો ‘નીલજ્ઞાન’નો સ્વીકાર કરો. આ બે જ વિકલ્પો છે. માત્ર ‘નીલ’ બાહ્ય વસ્તુનો સ્વીકાર કરી ‘નીલજ્ઞાન’નો છેદ ઉડાડવો અશક્ય છે. એટલે ‘નીલજ્ઞાન’ જ છે, ‘નીલ’ બાહ્ય વસ્તુ નથી એમ માનવું જોઈએ. (5) બાહ્યાર્થવાદીની એ માન્યતા કે બાહ્યાર્થ તે જ આકાર ધરાવે છે જે આકાર અનુભવમાં આવે છે, તે દોષપૂર્ણ છે. એમ માનવાથી એક અર્થમાં પરસ્પરવિરોધી સ્વભાવોની આપત્તિ આવશે, કારણ કે એકનો એક અર્થ એક જ સમયે એકને સુખાકારનો અનુભવ કરાવે છે અને બીજાને દુ:ખાકારનો; વળી, એકની એક વ્યક્તિને એકનો એક અર્થ એક વખતે સુખાકારનો અનુભવ કરાવે છે અને બીજા વખતે દુ:ખાકારનો. આથી માનવું જોઈએ કે વિજ્ઞાનમાં આવતા આકારોનું કારણ બહાર નહિ પણ પોતાની અંદર જ છે – અને તે છે વાસના. (6) સૌત્રાન્તિકો માને છે કે પોતાના આકારવાળા જ્ઞાનને જે ઉત્પન્ન કરે તે વિષય છે. તદુત્પત્તિ અને તદાકારતાને આધારે જ્ઞાનનો વિષય કયો છે તેનો નિર્ણય થાય છે. વિજ્ઞાનવાદી કહે છે કે પૂર્વવર્તી જ્ઞાનક્ષણ ઉત્તરવર્તી જ્ઞાનક્ષણને પોતાના આકારવાળી ઉત્પન્ન કરે છે, તેથી પૂર્વવર્તી જ્ઞાનક્ષણમાં તદુત્પત્તિ અને તદાકારતા બંને શરતો સંતોષાતી હોઈ તેને જ ઉત્તર જ્ઞાનક્ષણનો વિષય માનવો જોઈએ, બાહ્ય વસ્તુને નહિ. (7) સૌત્રાન્તિકનો મત કે બાહ્ય વિષય પોતાનો આકાર વિજ્ઞાનને આપે છે તે ટકે એવો નથી. વિજ્ઞાનવાદી પૂછે છે કે વિષય પોતાનો સંપૂર્ણ આકાર જ્ઞાનને આપે છે કે આંશિક ? પ્રથમ પક્ષ સ્વીકારતાં જ્ઞાન જડ બની જશે અને બીજો પક્ષ સ્વીકારતાં પ્રત્યેક જ્ઞાનનો વિષય બધા જ પદાર્થો બની જશે, કારણ કે કંઈક ને કંઈક અંશે જ્ઞાન બધા જ પદાર્થો સાથે સાદૃશ્ય ધરાવે છે. તેથી વિજ્ઞાનગત આકાર બાહ્ય વિષયે આપેલો છે એમ માનવું યોગ્ય નથી. (8) બાહ્યાર્થવાદી વિજ્ઞાનવાદીને પૂછે છે કે બાહ્યાર્થ માન્યા વિના કાર્ય-કારણભાવ અને જ્ઞાપ્યજ્ઞાપકભાવનો ખુલાસો તમે કેવી રીતે કરશો, કારણ કે કાર્ય-કારણભાવ અને જ્ઞાપ્યજ્ઞાપકભાવ તો બાહ્યાર્થોમાં છે ? બાહ્ય અગ્નિ કારણ છે અને બાહ્ય ધૂમ કાર્ય છે. જ્યારે બાહ્ય ધૂમ ઉપરથી બાહ્ય અગ્નિનું અનુમાન કરવામાં આવે છે ત્યારે બાહ્ય ધૂમ જ્ઞાપક છે અને બાહ્ય અગ્નિ જ્ઞાપ્ય છે; પરંતુ જો બાહ્ય અગ્નિ અને બાહ્ય ધૂમ અસ્તિત્વ જ ન ધરાવતા હોય તો કાર્યકારણભાવ અને જ્ઞાપ્યજ્ઞાપકભાવ કેવી રીતે ઘટશે ? વિજ્ઞાનવાદી ઉત્તર આપે છે કે કાર્યકારણભાવ અને જ્ઞાપ્યજ્ઞાપકભાવ વિજ્ઞાનાકારો વચ્ચે છે, બાહ્યાર્થો વચ્ચે નથી. વિજ્ઞાનગત અગ્ન્યાકાર વિજ્ઞાનગત ધૂમાકારને ઉત્પન્ન કરે છે અને નહિ કે બાહ્ય અગ્નિ બાહ્ય ધૂમને; પરંતુ જ્યારે આપણે ધૂમ ઉપરથી અગ્નિનું અનુમાન કરીએ છીએ ત્યારે વિજ્ઞાનગત ધૂમાકાર વિજ્ઞાનગત અગ્ન્યાકારના પૂર્વાસ્તિત્વને સૂચવે છે, અગ્ન્યાકારને ઉત્પન્ન કરતો નથી. (9) જો વિજ્ઞાન જ હોય તો પ્રમાણ શું અને ફળ શું ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં વિજ્ઞાનવાદી જણાવે છે કે વિજ્ઞાનબાહ્ય કોઈ અર્થ ગ્રાહ્ય ન હોઈ વિજ્ઞાનનું પોતાનું સંવેદન (સ્વસંવિત્) પોતે જ ફળ બનશે અને સ્વનું સંવેદન કરવાની વિજ્ઞાનમાં રહેલી યોગ્યતા પ્રમાણ બનશે. અથવા તો આકારવાળું વિજ્ઞાન ફળ અને વિજ્ઞાનગત આકાર તે પ્રમાણ. નીલાકારને કારણે વિજ્ઞાનને નીલવિજ્ઞાન કહેવામાં આવે છે. આમ નીલાકાર (પ્રમાણ) અને નીલવિજ્ઞાન (ફળ) વચ્ચે વ્યવસ્થાપક-વ્યવસ્થાપ્યભાવ છે. (10) બાહ્ય પદાર્થોનો અનુભવ એ ભ્રાન્તિ છે. એકલું જ્ઞાન સત્ય છે. આ વિજ્ઞાનવાદીનો સિદ્ધાંત છે. આની સામે કોઈ નીચે પ્રમાણે શંકા કરે છે – ‘ભ્રાન્તિમાં દેશગત કે કાળગત નિયમ હોતા નથી, ભ્રાન્તિ સાર્વજનિક હોતી નથી, ભ્રાન્તિના વિષયથી વાસ્તવિક કાર્ય સિદ્ધ થતાં નથી; પરંતુ ઘટ, પટ આદિ બાહ્ય વિષયોના સત્ય અનુભવમાં તો દેશગત અને કાળગત નિયમ છે, તે અનુભવ સાર્વજનિક છે. તે અનુભવના બાહ્ય વિષયથી વાસ્તવિક કાર્ય સિદ્ધ થાય છે. તેથી બાહ્ય વિષયોનો આપણો અનુભવ ભ્રાન્તિ નથી.’ આના ઉત્તરમાં વિજ્ઞાનવાદી કહે છે, ‘આપણે જેને બાહ્ય વિષયનો સત્ય અનુભવ ગણીએ છીએ તે સ્વપ્નવત્ મિથ્યા છે. અને સ્વપ્નમાં જેમ દેશ-કાળનો નિયમ હોય છે તેમ તેમાં પણ હોય છે, સ્વપ્નમાં બાહ્ય પદાર્થો વિના જે જગત ભાસે છે એમાં વિશિષ્ટ દેશ-કાળનો નિયમ સ્વપ્નકાળે પ્રતીત થાય છે જ. વળી, બાહ્ય વિષય ન હોવા છતાં સમાન કર્મવિપાકને કારણે અનેક ચિત્તોને સમાન દૃશ્ય દેખાય છે. ઉપરાંત, સ્વપ્નમાં જોયેલો સર્પ ડર પેદા કરવાનું સામર્થ્ય ધરાવે છે તેમ વિજ્ઞાનાન્તર્ગત આકારો પણ કાર્યસામર્થ્ય ધરાવે છે. (11) વિજ્ઞાનવાદી સમક્ષ બાહ્યાર્થવાદી શંકા રજૂ કરે છે : ‘જો સ્વપ્નની જેમ જાગ્રતમાં પણ વિજ્ઞાનને અસદ્વિષયક માનવામાં આવે તો સ્વપ્નની જેમ જ જાગ્રતના જગતનું મિથ્યાત્વ પણ લોકપ્રસિદ્ધ હોવું જોઈએ, પણ એવું નથી. તેથી શંકા કરી શકાય કે જાગ્રતની પ્રતીતિને સ્વપ્નવત્ મિથ્યા ન માનવી જોઈએ.’ વિજ્ઞાનવાદીનો ઉત્તર : ‘એ યાદ રાખવું જોઈએ કે સ્વપ્નલોકનું મિથ્યાત્વ સ્વપ્નમાંથી જાગતાં જ સ્ફુટ થાય છે, તે જ રીતે સમસ્ત જીવલોક પણ વાસનાનિદ્રામાંથી પ્રબુદ્ધ થતાં જ વિષયાભાવની યથાવત્ અવગતિ કરે છે.’ (12) બાહ્યાર્થવાદી વળી શંકા કરે છે, ‘બાહ્ય વિષયના અભાવમાં કેવળ આપણા ચિત્તપ્રવાહના વિશિષ્ટ પરિણામથી જ અમુક આકારવાળું વિજ્ઞાન ઉત્પન્ન થતું હોય તો સત્સંગ અથવા અસત્સંગનું પણ કોઈ સત્ કે અસત્ ફળ નહિ થાય, બાહ્ય વિષયના અભાવમાં સત્સંગ કે અસત્સંગનો પ્રશ્ન જ ઊઠતો નથી.’ વિજ્ઞાનવાદી ઉત્તરમાં કહે છે, ‘વિજ્ઞાનની બહાર અન્ય વિષયોનો અભાવ અમે કહીએ છીએ અને નહિ કે અન્ય વિજ્ઞાનોનો (ચિત્તોનો) અભાવ પણ. વિજ્ઞાનવાદ એકચિત્તવાદ (સૉલિપ્સિઝમ) નથી. એક ચિત્તધારા ઉપર અન્ય ચિત્તધારાનો પ્રભાવ વિજ્ઞાનવાદીને સ્વીકાર્ય છે.’ (13) ઉપરાંત, બાહ્યાર્થવાદી વિજ્ઞાન અને બાહ્ય વિષય વચ્ચે ગ્રાહ્ય-ગ્રાહકસંબંધ માને છે; પરંતુ વિજ્ઞાનથી ભિન્ન બાહ્ય અર્થ માનતાં તેમની વચ્ચે ગ્રાહ્ય-ગ્રાહકભાવ ઘટે જ નહિ. વિજ્ઞાન અને વિષય બે તદ્દન જુદા સ્વભાવ ધરાવતા હોય તો પછી તેમની વચ્ચે ગ્રાહ્ય-ગ્રાહકસંબંધ થઈ શકે જ નહિ. વિજ્ઞાનવાદ બાહ્ય અર્થ માનતો નથી એટલે ત્યાં ગ્રાહ્ય-ગ્રાહકભાવ પણ નથી. હકીકતમાં, શુદ્ધ વિજ્ઞાન ગ્રાહ્ય-ગ્રાહકના દ્વન્દ્વથી પર છે. શુદ્ધ વિજ્ઞાન જ અમુક આકારવાળું થાય છે અને સ્વયં પ્રકાશે છે. જે ભ્રાન્ત જનો છે તેઓ ગ્રાહ્ય અને ગ્રાહકને જુદા સ્વરૂપવાળા જાણે છે, આ દ્વૈતનું જ્ઞાન ભ્રાન્તિ છે. ગ્રાહ્ય અને ગ્રાહક બંને મિથ્યા છે. જે એકમાત્ર સત્ છે તે શુદ્ધ વિજ્ઞાન છે. શુદ્ધ વિજ્ઞાન ગ્રાહ્ય-ગ્રાહકવિનિર્મુક્ત છે. વિજ્ઞાનથી ભિન્ન જ્ઞેય (ગ્રાહ્ય) જ ન હોય તો ગ્રાહક પણ ન જ હોય, કારણ કે તે બે સાપેક્ષ વિભાવનાઓ છે.

આમ વિશુદ્ધ અદ્વયવિજ્ઞાન પર તત્વ છે. ગ્રાહ્યાકારો અને ગ્રાહકાકાર બધા મિથ્યા છે. વિજ્ઞાનમાં ઊઠતા બધા જ આકારો મિથ્યા છે. પ્રપંચ છે. તે વાસનાપ્રસૂત છે, અવિદ્યાજન્ય છે. અદ્વય વિજ્ઞાન બધા જ વિકલ્પોથી પર છે. તેથી તે તર્કગ્રાહ્ય કે બુદ્ધિગ્રાહ્ય નથી. તે કેવળ ધ્યાનગમ્ય છે. ઉચ્ચ કોટિના ધ્યાનમાં જ્યાં વિતર્ક-વિચાર શમી જાય છે ત્યાં આ પરમ તત્વ અદ્વયવિજ્ઞાનનો સાક્ષાત્કાર થાય છે. આ પરમ તત્વ નિર્વિકલ્પ છે, બુદ્ધિથી પર છે.

વિજ્ઞાનવાદીઓ ત્રણ પ્રકારના સ્વભાવો માને છે – પરિકલ્પિત, પરતન્ત્ર અને પરમાર્થ. બીજા અર્થમાં, તેઓ સત્ની ત્રણ કોટિઓ સ્વીકારે છે. લૌકિક ભ્રાન્તિઓમાં ભાસતી વસ્તુઓમાં પરિકલ્પિત સત્તા છે. વ્યાવહારિક દૃષ્ટિએ પણ જેમની સત્તા કાલ્પનિક છે તે વસ્તુઓ આ પરિકલ્પિત કોટિમાં આવે. દોરડામાં સર્પનું જ્ઞાન એવી સત્તાવાળી વસ્તુઓના જ્ઞાનનું દૃષ્ટાંત છે. અહીં સર્પની સત્તા પરિકલ્પિત છે. દોરડાનું જ્ઞાન થતાં સર્પજ્ઞાનનો બાધ થાય છે, અને સર્પની પરિકલ્પિત સત્તાનો નાશ થાય છે. પરતન્ત્ર સત્તા તેને કહેવાય જે બીજાના ઉપર આધાર રાખતી હોય. ‘પરતન્ત્ર’ શબ્દનો અર્થ જ એ છે કે જે બીજા ઉપર અવલંબિત હોય તે. જે કારણોથી જન્ય છે તે પરતન્ત્ર છે. વિજ્ઞાનમાં ભાસતા અવિસંવાદી આકારો – પરસ્પરસંવાદી આકારો  પરતન્ત્ર છે. અગ્નિ-આકારમાંથી ધૂમાકાર ઉત્પન્ન થાય છે. આ રીતે વિજ્ઞાનાકારો એકબીજા પર અવલંબિત છે, પરતન્ત્ર છે. વિજ્ઞાનાકારો વચ્ચે નિયત સંબંધો છે તે પણ આ કોટિના છે. વિજ્ઞાનની બહાર દેખાતી બધી વિવિધતાઓ, સમગ્ર પ્રપંચ પરિકલ્પિતમાં સમાવેશ પામશે અને વિજ્ઞાનગત બધા આકારો પરતન્ત્રમાં સમાવેશ પામશે. પરિનિષ્પન્ન સત્તા પરિકલ્પિત પણ નથી કે પરતન્ત્ર પણ નથી, તે તો સ્વતન્ત્ર સત્તા છે. જે બુધિકલ્પિત નથી, જે કારણજન્ય નથી પરંતુ સદા જેવી ને તેવી જ સ્વતંત્રપણે છે, તે પરિનિષ્પન્ન સત્તા છે. કદાચ, બાહ્ય જગતની સત્તા વિજ્ઞાનવાદીને મતે પરતન્ત્ર સત્તા નહિ પણ પરિકલ્પિત સત્તા જ થશે. આનો અર્થ એવો થાય કે ખરેખર વિજ્ઞાનવાદીને મતે બાહ્યાર્થ અને રજ્જુસર્પ એક કોટિની પરિકલ્પિત વસ્તુઓ છે, જ્યારે વિજ્ઞાનગત આકારો જેમની વચ્ચે કાર્યકારણભાવ છે તેમની સત્તા પરિકલ્પિત સત્તાથી કંઈક વધુ ચઢિયાતી પરતન્ત્ર નામની સત્તા છે. અને સૌથી ઉચ્ચ કોટિની સત્તા પરિનિષ્પન્ન છે. પરિનિષ્પન્ન સત્તા પરિકલ્પિત પણ નથી કે પરતન્ત્ર પણ નથી. તે નિર્વિકલ્પ છે, અકારણ છે, સ્વતન્ત્ર છે. બધા પદાર્થોની વાસ્તવિકતા કેવળ વિજ્ઞપ્તિમાત્રતા છે. એને જ પરિનિષ્પન્ન સ્વભાવ કહે છે. તે નિરાભાસ અને સ્વયંસિદ્ધ છે. એક અર્થઘટન મુજબ વિજ્ઞાનવાદને મતે વ્યવહારને માટે પણ બાહ્ય ઘટ, પટ આદિ માનવાની જરૂર નથી, વ્યવહાર કેવળ વિજ્ઞાનના આકારો માનવાથી, વિજ્ઞાનગત ઘટાકાર, પટાકાર માનવાથી ઘટી શકે છે. તેથી લાઘવ તો બાહ્ય ઘટ, પટ આદિ ન માનવામાં જ છે. તેમને માનવાથી ગૌરવદોષ આવે છે. માટે બાહ્ય ઘટ, પટ આદિની સત્તા રજ્જુસર્પની સત્તા જેવી પરિકલ્પિત જ છે. પરિનિષ્પન્ન વસ્તુ ભાવ અને અભાવ બંનેથી પર છે. તે સુખ અને દુ:ખની કલ્પનાથી સર્વથા મુક્ત છે. એનું જ નામ તથતા છે. એ અદ્વય છે. તે પાંચ દ્વૈતોથી પર છે. તે પાંચ દ્વૈત છે : સત્-અસત્, તથા-અતથા, જન્મ-મરણ, હ્રાસ-વૃદ્ધિ, શુદ્ધિ-અશુદ્ધિ. તે અદ્વયવિજ્ઞાન છે. આમ તે દ્વન્દ્વાતીત છે. આમ તે બુદ્ધિગ્રાહ્ય નથી.

ન્યાય-વૈશેષિક, મીમાંસા, વેદાન્ત વગેરે દર્શનોમાં વિજ્ઞાનવાદનું ખંડન મળે છે. તેમની મુખ્ય દલીલો તપાસીએ : (1) બાહ્ય વૃક્ષનું જ્ઞાન અને વૃક્ષજ્ઞાનનું જ્ઞાન સાથે થાય છે (સહોપલંભ), માટે તેમનો (વૃક્ષ અને વૃક્ષજ્ઞાનનો) અભેદ છે એમ કહેવું યોગ્ય નથી, કારણ કે – (અ) ‘સાથે’ શબ્દ તો બે વસ્તુનો – વૃક્ષ અને વૃક્ષજ્ઞાનનો  ભેદ દર્શાવે છે; (આ) બીજું, તે બે ખરેખર સાથે ઉપલબ્ધ થતાં જ નથી, વૃક્ષ અર્થ બાહ્ય રૂપે અને વૃક્ષજ્ઞાન આંતર રૂપે અનુભવાય છે; (ઇ) બાહ્ય વસ્તુ વૃક્ષને ઘણા માણસો એકસાથે જાણે છે, આમાંનો કોઈ પણ માણસ વૃક્ષને જાણે છે પરંતુ બીજા માણસમાં ઉત્પન્ન થયેલ વૃક્ષજ્ઞાનને જાણતો નથી, જો વૃક્ષ અને વૃક્ષજ્ઞાન એક હોય તો તેણે વૃક્ષની સાથે બીજા માણસમાં ઉત્પન્ન થયેલ વૃક્ષજ્ઞાનને પણ જાણ્યું હોત; (ઈ) જ્યાં અભેદાભાવ છે ત્યાં સહોપલંભનો પણ અભાવ છે એ નિયમ સંદિગ્ધ છે, કારણ કે સૂર્યના પ્રકાશ અને તાપમાં અભેદાભાવ હોવા છતાં તેમનો સહોપલંભ છે. (2) બાહ્ય વસ્તુઓ અર્થક્રિયાકારી (causally efficient, વ્યવહારક્ષમ) છે, જ્ઞાનાકારો અર્થક્રિયાકારી નથી. આપણે લાડુ ખાઈએ છીએ, જ્ઞાનગત લાડુઆકાર (idea) ખાતા નથી. જો વિષ બાહ્ય વસ્તુ ન હોય અને માત્ર જ્ઞાનાકાર જ હોય તો તેનાથી મૃત્યુ ન થાય. આપણે જ્ઞાનગત વિષાકારમાત્રથી મરતા નથી. જો વિચારો કે જ્ઞાનાકારો જ વસ્તુ – સત્ હોય તો મારા ખિસ્સામાં હજાર રૂપિયા છે એવો વિચાર અને મારા ખિસ્સામાં ખરેખર હજાર રૂપિયાનું હોવું બંને એક બની જાય. (3) ભય આદિ અવસ્થાઓમાં મનુષ્ય વાસનાને લીધે જ વસ્તુ બહાર નથી તેને અનુભવે છે એ વાત સાચી, પરંતુ તેને આધારે સ્વસ્થ અવસ્થામાં પણ મનુષ્ય વાસનાને લીધે જ જે વસ્તુ બહાર નથી તેને અનુભવે છે એમ કહેવું યોગ્ય નથી. (4) સ્વપ્નની અને ભ્રાન્તિની અંદર અસત્ વસ્તુઓ વાસનાને લીધે ભાસે છે એ વાત સાચી, પરંતુ વાસના પણ બાહ્ય વસ્તુઓ સાથે પરંપરાથી સંબંધ ધરાવે છે. વાસના એ અનુભવે પાડેલા સંસ્કારો છે. તે સંસ્કારો અમુક કારણો મળતાં સ્વપ્નની અને ભ્રાન્તિની અંદર જાગે છે અને પૂર્વાનુભૂતનો વર્તમાન તરીકે અનુભવ કરાવે છે. શું કોઈએ એવી વસ્તુનું સ્વપ્ન જોયું છે કે જે વસ્તુને કે તેના અવયવોને તેણે કદી જ બાહ્ય રૂપે અનુભવ્યાં જ ન હોય ? શું કોઈને એવી વસ્તુની ભ્રાન્તિ થઈ છે જે વસ્તુને તેણે કદી બાહ્ય રૂપે ખરેખર અનુભવી જ ન હોય ? (5) જ્ઞાન અને તેના વિષયની સાથે ઉપલબ્ધિ થાય છે; કારણ કે જ્ઞાન એ વિષયને જાણવાનો ઉપાય છે. ઉપરાંત, વિષય અને તેના જ્ઞાનની સહોપલબ્ધિનું કારણ તો જ્ઞાનનો સ્વભાવ જ છે કે તે સ્વ અને પર બંનેને જાણે છે. (6) વિષયનો તેના જ્ઞાન સાથે અભેદ નથી. જો અભેદ માનીએ તો નીચેની મુશ્કેલીઓ ઊભી થાય. (અ) વૃક્ષ વિશેના જ્ઞાનનો આકાર ‘હું વૃક્ષ છું’ એવો થાય અને નહિ કે ‘આ વૃક્ષ છે’ એવો. (આ) અનેક વસ્તુઓનું એક જ્ઞાન એક જ્ઞાન નહિ રહે, પણ અનેક જ્ઞાનો બની જશે અને આમ અનેક વસ્તુઓનું એક જ્ઞાન જે આપણને થાય છે તે અસંભવ બની જશે. (ઇ) ભૂત વિષયોને જ્યારે અનુમાનથી જાણીશું ત્યારે ભૂત વિષયો વર્તમાન તરીકે અનુભવાશે, કારણ કે અનુમિતિજ્ઞાન પોતે વર્તમાન તરીકે અનુભવાય છે. (7) વિવિધ અનુભવો અર્થાત્ જ્ઞાનગત વિવિધ આકારો વાસનાના વૈવિધ્યને લીધે છે, બાહ્ય અર્થોની વિવિધતાને લીધે નથી, એમ વિજ્ઞાનવાદી કહે છે. પરંતુ આમ માનવું આ કારણોસર યોગ્ય નથી : (અ) વાસના પોતે શું છે ? તે વિજ્ઞાનથી ભિન્ન છે કે અભિન્ન ? જો અભિન્ન હોય તો તેમાં વિવિધતા ન હોય, કારણ કે વિજ્ઞાન પોતે શુદ્ધ અદ્વયરૂપ હોઈ, તે પણ તેવી જ હોય. જો તે ભિન્ન હોય તો તે વાસના બીજા રૂપમાં બાહ્ય અર્થ જ થયો. (આ) વાસના એ બાહ્ય અર્થના પૂર્વાનુભવે પાડેલા સંસ્કાર જ છે. આમ બાહ્ય સત્ વસ્તુનો અનુભવ વાસનાની અનિવાર્ય પૂર્વશરત છે. અનુભવોનું વૈવિધ્ય વાસનાના વૈવિધ્યનો ખુલાસો કરે છે, પણ વાસનાનું વૈવિધ્ય અનુભવોના વૈવિધ્યનો ખુલાસો કરતું નથી. (ઇ) વિજ્ઞાનવાદીને મતે વિજ્ઞાનો ક્ષણિક છે. તેથી તેમની વચ્ચે વાસ્ય-વાસકભાવ સંભવતો નથી. (ઈ) વાસનાનો આશ્રય શો છે ? ક્ષણિક જ્ઞાન તેનો આશ્રય ન હોઈ શકે, કારણ કે તે પોતે ક્ષણિક હોઈ તેમાં રહેતી વાસનાનો તેની સાથે જ નાશ થઈ જાય. વળી, વાસના એટલે એક વસ્તુ પોતાનો અમુક અંશ બીજી વસ્તુમાં સંક્રાન્ત કરે છે એ. પરંતુ નિરન્વયવિનાશી ક્ષણિક પૂર્વજ્ઞાનનો કોઈ પણ અંશ ઉત્તરજ્ઞાનમાં સંક્રાન્ત થઈ શકતો જ નથી. જો કહો કે વાસનાનો અવિચ્છિન્ન સ્વતંત્ર પ્રવાહ છે, જેમ જ્ઞાનનો અવિચ્છિન્ન સ્વતંત્ર પ્રવાહ છે તેમ, તો વાસના જ્ઞાનને ઉત્પન્ન ન કરે અને જ્ઞાન વાસનાને ઉત્પન્ન ન કરે. બે પ્રવાહો એકબીજાને અસર કર્યા વિના સ્વતંત્ર વહ્યાં કરે.

વિજ્ઞાનવાદી બૌદ્ધો બધી જ ક્ષણિક વસ્તુઓનું સત્ ન માનતાં માત્ર ક્ષણિક (પરંતુ પ્રવાહ રૂપે અનાદિ-અનંત) વિજ્ઞાનને જ સત્ માને છે, જે વિશુદ્ધ છે. માત્ર વિજ્ઞાનને જ પરમાર્થ સત્ માનવાની આ વાત તેમને શાંકર વેદાન્તીઓની સમાન ભૂમિકાએ મૂકે છે; પરંતુ તે બંને વચ્ચે ભેદ એ છે કે વિજ્ઞાનવાદી વિજ્ઞાનાદ્વૈતમાં માને છે જ્યારે શંકરાચાર્ય બ્રહ્માદ્વૈતમાં માને છે. વિજ્ઞાનવાદીઓનું વિજ્ઞાન ક્ષણિક ચિત્તક્ષણોનો પ્રવાહ છે – તે પ્રવાહનિત્ય છે, જ્યારે શંકરાચાર્યનું બ્રહ્મ ચિત્તથી અતિરિક્ત કૂટસ્થનિત્ય ચિત્ છે. વિજ્ઞાનવાદીઓ વિજ્ઞાનના અર્થાત્ ચિત્તના નાના સન્તાનો(continuums)માં માને છે અને ધર્મકીર્તિ જેવા તો ‘સન્તાનાન્તરસિદ્ધિ’ જેવો ગ્રંથ લખી ‘સૉલિપ્સિઝમ’નો દોષ ટાળે છે. શંકરાચાર્ય નાના આત્માઓનો સ્વીકાર કરતા નથી, આત્મા એક જ છે અને તે બ્રહ્મ છે. વિજ્ઞાનવાદીઓ સતની ત્રણ કોટિ સ્વીકારે છે  પરિનિષ્પન્ન, પરતન્ત્ર અને પરિકલ્પિત. તેવી જ રીતે શંકરાચાર્ય પણ સતની ત્રણ કોટિ સ્વીકારે છે – પારમાર્થિક, વ્યાવહારિક અને પ્રાતિભાસિક. પરિનિષ્પન્ન અને પારમાર્થિક વચ્ચે ભેદ નથી, પરતન્ત્ર અને વ્યાવહારિક વચ્ચે ભેદ નથી, અને પરિકલ્પિત અને પ્રતિભાસિક વચ્ચે ભેદ નથી. અત્રે જણાવાયું છે તેમ, વિજ્ઞાનવાદી બાહ્ય જગતને પરિકલ્પિત ગણે છે. તેની સત્તા પણ રજ્જુસર્પની સત્તા જેવી જ પરિકલ્પિત છે. એથી ઊલટું, શંકરાચાર્ય બાહ્ય જગતની સત્તાને રજ્જુસર્પની પ્રાતિભાસિક સત્તાથી ભિન્ન અને ચડિયાતી ગણે છે; બાહ્ય જગતની સત્તા વ્યાવહારિક સત્તા છે. શંકરાચાર્ય આનો નિર્દેશ કરી વિજ્ઞાનવાદનું ખંડન કરે છે.

વિજ્ઞાનવાદી અનુસાર યોગી બે આવરણોનો નાશ કરી મોક્ષ પ્રાપ્ત કરે છે. તે બે આવરણો છે : ક્લેશાવરણ અને જ્ઞેયાવરણ. ક્લેશરૂપ આવરણનો નાશ થતાં મોક્ષ મળે છે અને જ્ઞેયાવરણનો નાશ થતાં સર્વજ્ઞતાની પ્રાપ્તિ થાય છે. આત્મદૃષ્ટિ(અહંત્વ-મમત્વ)ને લીધે રાગદ્વેષાદિ ક્લેશોની ઉત્પત્તિ થાય છે. જ્યારે સાધકનું અહંત્વ-મમત્વ નાશ પામે છે, તેના વ્યક્તિત્વનું વિગલન થાય છે, તેની પુદ્ગલનૈરાત્મ્યમાં પ્રતિષ્ઠા થાય છે ત્યારે ક્લેશો નાશ પામે છે અને પરિણામે  નિર્વાણલાભ થાય છે.

નગીનદાસ જીવણલાલ શાહ