વિજ્ઞાનનું તત્વજ્ઞાન (philosophy of science)

February, 2005

વિજ્ઞાનનું તત્વજ્ઞાન (philosophy of science)

તત્વજ્ઞાનની વિજ્ઞાનવિષયક એક શાખા છે. તેમાં પ્રાકૃતિક અને સમાજલક્ષી એમ બંને પ્રકારનાં વિજ્ઞાનોના તાર્કિક (logical) અને તાત્વિક (metaphysical) પ્રશ્નો અંગે વિચાર કરવામાં આવે છે. તેથી તેમાં તત્વજ્ઞાનની દૃષ્ટિએ થતા પદ્ધતિવિચાર(methodology)ની અને જગતના વાસ્તવિક સ્વરૂપ(reality)ની મીમાંસા કરવામાં આવે છે. (અહીં પ્રાકૃતિક વિજ્ઞાનોનું તત્વજ્ઞાન રજૂ કર્યું છે.)

વિશ્વવિખ્યાત વિજ્ઞાની આઇન્સ્ટાઇન(18791956)ની દૃષ્ટિએ વિજ્ઞાનીઓ માટે વિજ્ઞાનનો ઇતિહાસ, તેનું તત્વજ્ઞાન અને તેના વિશેનો પદ્ધતિવિચાર ખૂબ ઉપયોગી છે, કારણ કે વિજ્ઞાનીઓને તેનાથી પોતાના આગ્રહોનો ખ્યાલ આવે છે. આઇન્સ્ટાઇન પ્રમાણે વિજ્ઞાન સાથેના સંબંધ વગરની જ્ઞાનમીમાંસા (epistemology) નિરર્થક છે. જોકે જ્ઞાનમીમાંસક ફિલસૂફો જે તાર્કિક/વૈજ્ઞાનિક પદ્ધતિના નમૂના રજૂ કરે છે તેમને અનુસરીને જ વિજ્ઞાનીઓ હંમેશાં સંશોધન કરતા હોતા નથી. વિજ્ઞાનીઓ જે વિભાવનાત્મક (conceptual) માળખાં સર્જે છે તેમને તત્વજ્ઞાનના કોઈ ‘વાદ’ પ્રમાણે ઘટાવવાની જરૂર નથી. આઇન્સ્ટાઇને દર્શાવ્યું છે કે શુદ્ધ જ્ઞાનમીમાંસાની દૃષ્ટિએ જુઓ તો વિજ્ઞાનીઓને અવસરવાદી (opportunists) ગણવા પડે, કારણ કે વિજ્ઞાનીઓ જ્ઞાતાથી સ્વતંત્ર, જગતની સત્તા (reality) સ્વીકારે ત્યારે તેમને વાસ્તવવાદી ગણવા પડે અને વિજ્ઞાનીઓએ રચેલાં વિભાવનાત્મક તંત્રો તેમની માનસિક સક્રિયતાનું પ્રદાન છે. એમ માનતા હોવાથી વિજ્ઞાનીઓને અ-વાસ્તવવાદી પણ ગણવા પડે. તે જ રીતે, પ્રત્યક્ષ દ્વારા વિધાનોની ચકાસણી કરવાના આગ્રહને લીધે વિજ્ઞાનીઓને પ્રત્યક્ષવાદી (positivists) પણ ગણવા પડે. આમ વિજ્ઞાનીઓની પ્રવૃત્તિ તત્વજ્ઞાનના કોઈ એક ‘વાદ’ પ્રમાણે જ વિચારી ન શકાય. તેમ છતાં તત્વજ્ઞાન ઘણી રીતે વિજ્ઞાનને ઉપકારક નીવડે છે.

(અ) વિજ્ઞાનોના પદ્ધતિવિચારના તાર્કિક પ્રશ્નો :

(1) વ્યાપ્તિવાદ (Inductivism) : ફ્રાન્સિસ બૅકન અને આઇઝેક ન્યૂટન : વૈજ્ઞાનિક પદ્ધતિના એક સિદ્ધાંત તરીકે વ્યાપ્તિવાદનો પ્રારંભ બેકન(15611626)થી થયો છે. વ્યાપ્તિવાદ પ્રમાણે વિજ્ઞાનીઓ અવલોકનોથી સંશોધનો શરૂ કરે છે અને વિશેષ વસ્તુઓ/ઘટનાઓના પ્રત્યક્ષાનુભવો ઉપરથી તેને લગતાં સર્વદેશીય વિધાનો સ્થાપે છે. સામાન્યીકરણરૂપ વિધાનોમાં પરિણમતા વ્યાપ્તિસ્થાપન(induction)ને બૅકન ‘પ્રકૃતિનું અર્થઘટન’  એ શબ્દપ્રયોગથી ઓળખાવે છે. ‘કેટલાક કાગડા કાળા છે’ – તેવા વિધાન ઉપરથી ‘સર્વ કાગડા કાળા છે’  તેવું સામાન્યીકરણરૂપ વિધાન (generalization) સ્થાપવું, તે વ્યાપ્તિસ્થાપનનું સરળ દૃષ્ટાંત છે. વિજ્ઞાનીઓએ સ્થાપેલા પ્રકૃતિના નિયમો આ જ પ્રકારના છે તેવો મત એટલે વ્યાપ્તિવાદ.

વિશ્વના મહાન વિજ્ઞાની આઇઝેક ન્યૂટન (1642-1727) પણ વિજ્ઞાનમાં વ્યાપ્તિપદ્ધતિના પક્ષકાર હતા. ઍલેક્ઝાન્ડર પોપની ન્યૂટન અંગેની પ્રખ્યાત પંક્તિનો ભાવ કંઈક આવો છે. ‘પ્રકૃતિ અને તેના નિયમો ગાઢ અંધકારમાં છુપાયેલા હતા. ઈશ્વરે કહ્યું કે ‘ન્યૂટન થાઓ’ અને સર્વત્ર પ્રકાશ થયો.’ પદાર્થોની ગતિના ત્રણ નિયમોને અને ગુરુત્વાકર્ષણના નિયમને શોધનાર ન્યૂટન મુજબ દરેક વૈજ્ઞાનિક વિધાન ઘટનાઓમાંથી સીધેસીધું પ્રાપ્ત થતું હોવું જોઈએ અને પછી વ્યાપ્તીકરણ તે ઘટનાઓ અંગે સામાન્યીકરણરૂપ વિધાન સ્થપાતું હોવું જોઈએ. પોતે શોધેલા નિયમો આ રીતે સ્થપાયા છે તેવું ન્યૂટને સમજાવ્યું છે. જોકે ન્યૂટને કબૂલ્યું છે કે ઘણીબધી પ્રાકૃતિક ઘટનાઓનો ખુલાસો ગુરુત્વાકર્ષણના નિયમથી મળ્યો છે; પરંતુ ગુરુત્વાકર્ષણનું ખુદનું કારણ શું છે તે પોતે સમજાવી શક્યા નથી. કેવળ વ્યાપ્તિપદ્ધતિથી જ સફળ વિજ્ઞાન સ્થાપી શકાય છે. ન્યૂટન ગુરુત્વાકર્ષણનાં કારણો અંગે કોઈ ધારણા (hypothesis) રચવા તૈયાર થયા નહિ. ન્યૂટનના મતે ધારણા કદી દૃદૃષ્ટાંતોનાં અવલોકનો ઉપરથી સ્થાપી શકાતી નથી અને વિજ્ઞાનમાં અવલોકનાશ્રિત વ્યાપ્તિ સિવાય બીજા કશાની જરૂર નથી. કેટલાક વિવેચકોને મતે બૅકનની જેમ જ ન્યૂટન પણ નિયમોની શોધ અને તેના આધારનિરૂપણ (justification) વચ્ચે ભેદ પાડતા જ નથી, તેથી વૈજ્ઞાનિક નિયમો વ્યાપ્તિથી શોધાય છે અને ઉપરાંત તે વ્યાપ્તિથી જ સમર્થિત કે પ્રમાણિત પણ થાય છે તેવો ન્યૂટનનો મત છે. ન્યૂટનને લીધે જ વ્યાપ્તિની પ્રતિષ્ઠા સંશોધકો માટે ખૂબ વધી ગઈ અને અવલોકનાત્મક વિરુદ્ધ ધારણાત્મક (hypothetical) પદ્ધતિના પ્રશ્ન અંગે ઓગણીસમી સદીમાં વ્હેવેલ, હર્શલ અને જૉન સ્ટુઅર્ટ મિલે અવલોકનાશ્રિત વ્યાપ્તિને ધારણાને બદલે વૈજ્ઞાનિક પદ્ધતિના હાર્દ તરીકે સમજાવી.

ડેવિડ હ્યૂમે (1711-1776) વ્યાપ્તિની ન ઉકેલી શકાય એવી સમસ્યા રજૂ કરતાં જણાવ્યું કે મર્યાદિત ઘટનાઓ વિશેના અવલોકનાશ્રિત વિશેષવિષયક વિધાનો ઉપરથી તાર્કિક રીતે તેને લગતાં સર્વવિષયક વિધાનો ક્યારેય સ્થાપી શકાય જ નહિ. વ્યાપ્તિલક્ષી અનુમાન નિગમનાત્મક (deductive) અનુમાનથી તદ્દન ભિન્ન પ્રકારનું છે. વૈજ્ઞાનિકો જેમના ઉપર આધાર રાખે છે તે વ્યાપ્તિલક્ષી અનુમાનો હંમેશાં તાર્કિક દૃષ્ટિએ અપ્રમાણભૂત હોય છે. આઇન્સ્ટાઇન મુજબ પણ કેવળ પ્રત્યક્ષાત્મક અવલોકનો ઉપરથી વ્યાપક સર્વદેશીય નિયમોની શોધનો કોઈ સીધો માર્ગ નથી. બર્ટ્રાન્ડ રસેલ (1872-1970) પ્રમાણે વ્યાપ્તિની આ સમસ્યા હોવા છતાં વ્યાપ્તિ અંગેનો આધારસિદ્ધાંત સ્વીકાર્યા વગર વિજ્ઞાનને છૂટકો નથી.

(2) અસત્યતાસ્થાપનવાદ – કાર્લ પૉપર (1902-1994) (falsificat-ionism) : લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં 1946થી 1969 સુધી તર્કશાસ્ત્ર અને વૈજ્ઞાનિક પદ્ધતિના અધ્યાપક પૉપર વીસમી સદીના મહાન વિજ્ઞાનચિંતક તરીકે પ્રખ્યાત છે. પૉપરે ચકાસણીવાદ (verificationsim) અને વ્યાપ્તિવાદ (inductivism) બંનેનો અસ્વીકાર કર્યો છે. મર્યાદિત અવલોકનોને આધારે સર્વદેશીય વિધાનો તારવવાનું તાર્કિક દૃષ્ટિએ અશક્ય છે તેવું પૉપરે સ્વીકાર્યું અને તમામ વ્યાપ્તિમૂલક અનુમાનો નિગમનાત્મક (deductive) તર્કની દૃષ્ટિએ અપ્રમાણભૂત છે તેવું પણ તેમણે સ્વીકાર્યું છે. તેથી વિજ્ઞાનની પદ્ધતિ વિશે વ્યાપ્તિની સમસ્યા ન નડે તેવો નવો જ અભિગમ ‘અસત્યતા-સ્થાપનવાદ’ તેમણે રજૂ કર્યો. વિજ્ઞાન અને અ-વિજ્ઞાન વચ્ચે ભેદ પાડવાનું ધોરણ પણ અસત્યતાસ્થાપનમાં પૉપરને મળ્યું. જે સિદ્ધાંતોનું ખંડન કે અસત્ય સ્થાપન ન થઈ શકે તેવું હોય તેવા કોઈ સિદ્ધાંતને વૈજ્ઞાનિક સિદ્ધાંત તરીકે ઘટાવાય જ નહિ. આ ધોરણે પૉપરે ફ્રૉઇડના મનોવિશ્ર્લેષણને અને માર્કસવાદને અ-વૈજ્ઞાનિક ગણ્યાં છે; કારણ કે તે સિદ્ધાંતો સામે ગમે તેટલા વિરુદ્ધ પુરાવા મળે તોપણ તેને છોડવા તેના કોઈ અનુયાયી તૈયાર નથી. ઊલટાનું, વિરુદ્ધ પુરાવાઓને પણ તેમાં સિદ્ધાંતમાંથી જ ફલિત થતા દર્શાવાયા છે ! કોઈ પણ વૈજ્ઞાનિક વિધાન ખંડનક્ષમ (refutable) હોવું જોઈએ. કઈ ઘટના બનશે તો તેવું વિધાન ખોટું પડશે તેમ જો કહી શકાતું ન હોય એટલે કે વૈજ્ઞાનિક નિયમો કે ધારણાઓ ખોટાં ઠરાવી શકાય તેવાં (falsifiable) ન હોય તો તેમને વૈજ્ઞાનિક સિદ્ધાંતો ન કહેવાય.

અસત્યતાસ્થાપન વ્યાપ્તિ-પદ્ધતિથી નહિ પણ નિગમનાત્મક પદ્ધતિથી થાય છે. વિજ્ઞાનમાં બે પ્રકારનાં વિધાનો મહત્વનાં છે : એક-વિષયક (singular) અને સર્વદેશીય (universal); જેમ કે, ‘આ હંસ સફેદ છે’ અને ‘બધા હંસ સફેદ છે.’ એકવિષયક વિધાનનું તાર્કિક રૂપ છે : ‘એવો કોઈક x છે કે જે હંસ છે અને સફેદ છે.’ સર્વવિષયક વિધાનોનું તાર્કિક રૂપ છે : ‘તમામ x માટે એમ છે કે જો તે x હંસ હોય તો તે x સફેદ હોય’. આ પ્રકારનાં વિધાનોનું વિશ્ર્લેષણ કરતાં પૉપરે દર્શાવ્યું કે ‘કોઈ એક કાળો હંસ છે.’ તેવું અસ્તિત્વલક્ષી એકવિષયક વિધાન સંપૂર્ણ રીતે ચકાસી શકાય છે પણ તેનું અસત્યતાસ્થાપન શક્ય નથી, કારણ કે અનંત દેશકાળમાં આવું કોઈ દૃષ્ટાંત નથી તેવું સાબિત કરવું અશક્ય છે; તેથી વિરુદ્ધ, સર્વદેશીય વિધાન(જેમ કે, ‘બધા હંસ સફેદ છે’)નું સંપૂર્ણ અસત્યતાસ્થાપન શક્ય છે, કારણ કે એક પણ કાળો હંસ દેખાય તો તેને આધારે તે ખોટું પડી શકે છે, પરંતુ ‘બધા હંસ સફેદ છે’ એ વિધાનની સંપૂર્ણ ચકાસણી શક્ય નથી, કારણ કે અનંત દેશકાળમાં તેનાં બધાં દૃષ્ટાંતો મેળવી શકાય નહિ.

નિગમનાત્મક તર્કશાસ્ત્ર પ્રમાણે જો ‘કેટલાક હંસ સફેદ નથી’ તે વિધાન સાચું હોય તો તેને લગતું સર્વદેશીય વિધાન  ‘બધા હંસ સફેદ છે’ તે  અવશ્ય ખોટું પડે છે; પરંતુ લાખો સફેદ હંસ જોયા હોય તોપણ ‘બધા હંસ સફેદ છે.’ તે સર્વદેશીય વિધાનની પૂરેપૂરી ચકાસણી થઈ છે તેમ ન કહેવાય. આણ સર્વદેશીય વિધાનની અસત્યતાસિદ્ધિ નિર્ણાયક, પૂરેપૂરી અને નિશ્ચિત રીતે થઈ શકે છે. જ્યારે સર્વદેશીય વિધાનની સત્યતા સિદ્ધ ચકાસણીથી સ્થાપી શકાતી નથી. ચકાસણી અને અસત્યતાસ્થાપન તાર્કિક દૃષ્ટિએ જ જુદાં પડે છે.

પૉપર વિજ્ઞાનમાં વ્યાપ્તિ-પદ્ધતિનો સંપૂર્ણ અસ્વીકાર કરે છે. વ્યાપ્તિલક્ષી અનુમાનો હંમેશાં અ-પ્રમાણભૂત છે. વ્યાપ્તિલક્ષી અનુમાનનું ફલિતવિધાન સબળ વ્યાપ્તિમાં ઊંચી સંભાવના ધરાવે છે તેવું પણ પૉપર સ્વીકારતા નથી. પૉપર ધારણાત્મક-નિગમન-પદ્ધતિ(Hypothetical Deductive Method)ને માને છે. વિજ્ઞાનની પ્રગતિ હિંમત ભરેલી અટકળો (conjectures) અને કડક કસોટી દ્વારા થતા તેના ખંડન(refutation)ને લીધે જ થાય છે. ખોટા પડેલા સિદ્ધાંતો રદ થતાં ખોટા ન પડેલા સિદ્ધાંતો ટકી રહે છે.

વૈજ્ઞાનિકો અટકળોથી શરૂ કરે છે, અવલોકનોથી નહિ. એ અટકળો કે ધારણાઓનું અવલોકનોથી કે નિગમનાત્મક કે વ્યાપ્તિલક્ષી તર્કશાસ્ત્રથી સત્યતાસ્થાપન શક્ય જ નથી; પણ નિગમનાત્મક તર્કશાસ્ત્રના નિયમોની મદદથી તેનું કાયમી અસત્યતાસ્થાપન અવલોકનને આધારે થઈ શકે છે. જે ધારણાઓ ટકી રહી છે તેમનો હંગામી ધોરણે સ્વીકાર થાય છે. વિજ્ઞાનમાં શોધ (discovery) અને આધારનિરૂપણ (પ્રામાણ્ય) વચ્ચે ભેદ પાડવો પડે. નિયમો કઈ રીતે શોધાયા તે તર્કશાસ્ત્રનો પ્રશ્ન નથી, પણ શોધાયેલા નિયમોનું અસત્યતાસ્થાપન કેમ થાય તે તર્કશાસ્ત્રનો વિષય છે. નવા વિચારો કેમ કરવા તેમના કોઈ તાર્કિક માર્ગદર્શક નિયમો હોઈ શકે જ નહિ. વિજ્ઞાની-શોધક તો એક સર્જક છે. આઇન્સ્ટાઇને પણ કહ્યું છે કે પ્રત્યક્ષ અવલોકનોથી સર્વદેશીય નિયમો તરફ જવાનો કોઈ માર્ગ નથી. પૉપર મુજબ કસોટીનું જ તર્કશાસ્ત્ર હોય, શોધનું નહિ.

પૉપર પ્રમાણે અનુમાનો નિગમનાત્મક જ છે. વ્યાપ્તિલક્ષી અનુમાનો સાચા અર્થમાં છે જ નહિ. ઉપરાંત પુરાવાના સંદર્ભમાં અમુક ધારણાની સંભાવના અમુક છે તેમ કહેવું પણ પૉપર મુજબ વ્યર્થ છે. કેટલાક વિવેચકો મુજબ પૉપરના આ બંને મુદ્દાઓ સ્વીકારીએ તોપણ હંમેશાં ધારણાઓ કે અટકળો અસમર્થિત અને અસમર્થનક્ષમ જ રહે છે તેવો પૉપરનો વધુ ઉગ્ર મત સ્વીકાર્ય નથી. કોઈ સમય t1 હોય ત્યારે સિદ્ધાંત Tનો પુરાવો કોઈ સમય t2 કરતાં ઓછો હોય તો t2 સમયે Tને સ્વીકારવાનું વધુ તર્કસંગત કે વાજબી ગણાવું જોઈએ. વિજ્ઞાનમાં ઘણી પ્રગતિ વ્યાપ્તીકરણથી થઈ છે તે સ્વીકારવું પડે છે.

વિવેચકો મુજબ પૉપરના તાર્કિક સરળ અસત્યતાસ્થાપનના નમૂનાથી વિજ્ઞાનીઓ હંમેશાં કામ કરતા નથી. વિજ્ઞાનીઓ વિરુદ્ધ દૃષ્ટાંત મળતાં તુરત જ સિદ્ધાંતને પડતો મૂકતા નથી કે બદલાવતા નથી. તેઓ વિરુદ્ધ દૃષ્ટાંતો અંગે ફેરવિચારણા કરે છે અને સિદ્ધાંતને ચોકસાઈથી ફરી ચકાસે છે. તેમાં પદ્ધતિવિષયક નિર્ણયો લેવા પડે છે. કેટલીક વાર લાંબે ગાળે પહેલી નજરે વિરુદ્ધ જણાતાં દૃષ્ટાંતો શોધેલા નિયમથી જ સમજાવી શકાય છે. સમયનું પરિબળ વિજ્ઞાનના ઇતિહાસમાં મહત્વનું છે.

(3) સમગ્રતાવાદ (Holism) : ડુહેમ (1861-1916) ફ્રેન્ચ ભૌતિકવિજ્ઞાની ડુહેમે વિજ્ઞાનવિષયક તત્વચિંતનમાં સમગ્રતાવાદનો મત રજૂ કર્યો છે. તેમના મતે કોઈ ભૌતિકવિજ્ઞાની કોઈ એક જ એકલી ધારણા(hypothesis)ની પ્રાયોગિક કસોટી કરતો હોતો નથી. ભૌતિક-વિજ્ઞાની ધારણાઓના એક સમગ્ર સેટની કસોટી કરે છે. ધારણાઓના એક જૂથને આધારે વિજ્ઞાનીઓ કોઈક અવલોકનગમ્ય પરિણામ તારવે છે અને જો તેવું પરિણામ ન મળે તો નિગમનાત્મક તર્કશાસ્ત્રના નિયમોથી એટલું જ ફલિત થાય કે ધારણાઓના તે જૂથમાંની કોઈ એક ધારણા અસત્ય હશે. આમ ડુહેમ પ્રમાણે કોઈ એકાદ છૂટક ધારણાની સ્વતંત્ર રીતે કસોટી કરીને તે મુજબ અવલોકનો પ્રાપ્ત ન થતાં તે ધારણાને સીધેસીધું અસત્યતાસ્થાપન થઈ જાય તેવું ભૌતિક વિજ્ઞાનોનો ઇતિહાસ જોતાં જણાતું નથી. આ રીતે પૉપરના તાર્કિક અસત્યતાસ્થાપનવાદને તેના પુરોગામી ડુહેમનો મત ધ્યાનમાં લઈએ તો સમર્થન મળતું નથી.

ગતિના ત્રણ નિયમોને આપણે ધારો કે T1, T2 અને T3 કહીએ અને ગુરુત્વાકર્ષણના નિયમને T4 ગણીએ તો ન્યૂટનનો પૂરેપૂરો સિદ્ધાંત T = T1 & T2 & T3 & T4, એમ લખી શકાય. હવે આ Tમાંથી પણ સૉલર-સિસ્ટિમ વિશે અવલોકનગમ્ય પરિણામો સીધેસીધાં તારવી શકાય નહિ. તેમ કરવા માટે ન્યૂટનના સિદ્ધાંત Tમાં વધારાની ધારણાઓ કે વધારાનાં ગૃહીતો ઉમેરવાં પડે; દા.ત., ગ્રહો ઉપર ગુરુત્વાકર્ષણ સિવાયનાં કોઈ બળો કાર્ય કરતાં નથી, સૂર્ય અને ગ્રહો વચ્ચેનાં આકર્ષણની તુલનામાં ગ્રહોના પરસ્પર આકર્ષણનું પ્રમાણ ઓછું છે; ગ્રહો કરતાં સૂર્યનો ‘mass’ વધારે છે વગેરે. આ બધી સહાયક ધારણાઓના જૂથને ‘A’ તરીકે ઓળખતાં આ સંદર્ભમાં અવલોકન 0 ન મળે તો નીચેનું પ્રમાણભૂત નિગમનાત્મક અનુમાન પ્રાપ્ત થાય છે :

1. જો T1 અને T2 અને T3 અને T4 અને A તો અવલોકન 0 મળે છે.

2. અવલોકન 0 મળ્યું નથી. તેથી

3. એવું નથી કે (T1 અને T2 અને T3 અને T4 અને A) નિગમનાત્મક તર્કશાસ્ત્રના નિયમ મુજબ ઉપર દર્શાવેલા અનુમાનનું ફલિત વિધાન નીચે દર્શાવેલા વિધાનને બરાબર છે :

‘કાં તો T1 નથી અથવા T2 નથી અથવા T3 નથી અથવા T4 નથી અથવા A નથી.’

તેનો અર્થ એ થયો કે સિદ્ધાંતો T અને સહાયક ધારણાઓ Aના જૂથમાંથી કોઈક અસત્ય હશે. પરંતુ સિદ્ધાંત T જ અસત્ય હોય તેવું ફલિત થતું નથી. ધાર્યા પ્રમાણે અવલોકન ન મળે તો T બદલવો કે A તેની વધુ તપાસ થવી ઘટે. એક દૃષ્ટાંત લઈને આ બાબત વધુ સ્પષ્ટ કરી શકાય.

ન્યૂટનના સિદ્ધાંતોનો સેટ T અને સહાયક ધારણાઓનો સેટ A – તેમનો સમુચ્ચય (conjunction) કરીને ‘યુરેનસ’ નામના ગ્રહની ભ્રમણકક્ષા (orbit) અંગે કેટલાંક વિધાનો તારવવામાં આવ્યાં; પણ યુરેનસની અવલોકિત અનિયમિત ભ્રમણકક્ષા સાથે સિદ્ધાંતમાંથી તારવેલી ભ્રમણકક્ષાનો મેળ બેઠો નહિ. તેનો અર્થ એ થયો કે કાં તો T અથવા Aમાંથી કોઈ અસત્ય ઠરે. એડમ્સ અને લેવેરિયરે વિચાર્યું કે ગ્રહોની સંખ્યા અમુક છે તેવી સહાયક ધારણા જ ખોટી હોય તેવું બને. યુરેનસથી આગળ તેમણે કોઈ બીજા નવા ગ્રહ(નેપ્ચૂન)ની ધારણા કરી અને તેનો પ્રભાવ યુરેનસ ઉપર કઈ રીતે પડતો હશે તેની ગણતરી કરી અને અંતે 1846માં નેપ્ચૂન નવા ગ્રહ તરીકે શોધાયો. એટલે અહીં ન્યૂટનના સિદ્ધાંત Tને બદલવાની જરૂર ન પડી અને ગ્રહોની સંખ્યા વિશે સહાયક ધારણા પડતી મૂકવી પડી. આમ સિદ્ધાંત અને ધારણાઓના સમગ્ર જૂથમાંથી અવલોકનક્ષમ ઘટના અંગેનાં વિધાનો પ્રાપ્ત થતાં હોય છે.

(4) ઇતિહાસવાદ (Historicism) : વિજ્ઞાનની તર્કસંગતતા(rationality)નો શુદ્ધ તાર્કિક દૃષ્ટિએ પૉપરની જેમ અસત્યતાસ્થાપનવાદનો કે પ્રત્યક્ષવાદીઓની જેમ ચકાસણીવાદનો સ્વીકાર કરવાને બદલે કેટલાક ચિંતકો જેવા કે કુહ્ન, લૅકેટૉસ અને લાઉડન પ્રમાણે તર્કસંગતતા અંગેનો કોઈ પણ અભિગમ વિજ્ઞાનના ઇતિહાસ સાથે બંધબેસતો આવવો જોઈએ. ‘રેશનાલિટી’ અંગેના આવા મતને ઇતિહાસવાદી (historicist) દૃષ્ટિકોણ તરીકે સમજવામાં આવે છે. વિજ્ઞાનના ઇતિહાસમાં સિદ્ધાંતપરિવર્તન અને સિદ્ધાંતની સ્વીકાર્યતા/અસ્વીકાર્યતાના પદ્ધતિમૂલક અને તાર્કિક નિર્ણયો લેવાના ઐતિહાસિક રીતે ક્રાન્તિકારી પ્રસંગોનો તર્કયુક્તતા અંગેના કોઈ પણ સર્વસામાન્ય સિદ્ધાંત દ્વારા ખુલાસો થઈ શકતો હોવો જોઈએ. વૈજ્ઞાનિક તાર્કિકતા અંગેના ઇતિહાસવાદી અભિગમની શરૂઆત થૉમસ કુહ્નથી થઈ છે. પુરાવાના સંદર્ભમાં જે સિદ્ધાંતની સહુથી ઊંચી સંભાવના ધરાવતો હોય તેને સ્વીકારવો એમ કારનાપે વ્યાપ્તિવાદી મતથી સમજાવ્યું હતું. પૉપરે સર્વદેશીય વિધાનોના અસત્યતાસ્થાપન અંગેનો નિગમનવાદી મત રજૂ કર્યો હતો. કુહ્ન પહેલાંના આ બંને મતો શુદ્ધ તાર્કિકવાદી મતો હતા અને વિજ્ઞાનના ઇતિહાસના મહત્વના પ્રસંગો તેમને માટે તો પોતાના તાર્કિક નમૂનાઓનાં દૃષ્ટાંતો જ હતાં. પરંતુ કુહ્ન જેવા ઇતિહાસવાદીઓ પ્રમાણે તો વિજ્ઞાનના ઇતિહાસમાંથી મળેલો ડેટા તર્કસંગતતા અંગેના સર્વસામાન્ય સિદ્ધાંતનું ઘડતરરૂપ તત્વ છે. વિજ્ઞાનનો ઇતિહાસ તર્કસંગતતા અંગેના સિદ્ધાંતને ઘડે છે. તેનું મૂલ્ય કેવળ ઉદાહરણો પૂરાં પાડવા પૂરતું નથી. અહીં કુહ્ન અને લેકેટોસના વૈજ્ઞાનિક તર્કસંગતતા અંગેના ઇતિહાસવાદી દૃષ્ટિકોણની રજૂઆત કરી છે.

() વૈજ્ઞાનિક ક્રાન્તિ (Scientific Revolution) : થૉમસ કુહ્ન (1922-1996) અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી, પ્રિન્સ્ટન યુનિવર્સિટી અને M.I.T. જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં વિજ્ઞાનના ઇતિહાસનું સંશોધન કરનારા કુહ્ને વિજ્ઞાનોનો ઇતિહાસ તપાસીને વિજ્ઞાનમાં સિદ્ધાંતોને ઉથલાવી પાડતી ક્રાન્તિઓ કેવી રીતે થઈ તે અંગેનું વિસ્તૃત વિશ્ર્લેષણ કર્યું છે. છેલ્લા ચાર દસકાઓથી તેમનો પ્રખ્યાત ગ્રંથ ‘ધ સ્ટ્રક્ચર ઑવ્ સાયન્ટિફિક રેવૉલ્યૂશન્સ’ (1962) પ્રાકૃતિક અને સામાજિક વિજ્ઞાનોનાં ક્ષેત્રે ખૂબ જ ચર્ચાયો છે.

કુહ્ન પ્રમાણે વિજ્ઞાનની પ્રવૃત્તિના ત્રણ તબક્કા છે – પ્રાગ્ વૈજ્ઞાનિક તબક્કો, ‘નૉર્મલ સાયન્સ’નો તબક્કો અને ત્રીજો ક્રાન્તિનો તબક્કો.

પહેલા પ્રાગ્વૈજ્ઞાનિક તબક્કામાં કોઈ ક્ષેત્રમાં પરસ્પરવિરોધી અને અધૂરા સિદ્ધાંતો એકસાથે પ્રવર્તે છે તેમાંથી કાળક્રમે કોઈ એક સિદ્ધાંતમાળખું વધુ સ્વીકાર્ય બનતાં તેની પરિભાષા, વિભાવનાઓ, પ્રયોગવિધિઓ અને અર્થઘટનો એકબીજાં સાથે ગૂંથાઈ જાય છે અને તે સિદ્ધાંતમાળખું નમૂનારૂપ સિદ્ધાંત (paradigm) બની જાય છે. આમ થવાથી ‘નૉર્મલ સાયન્સ’નો બીજો તબક્કો શરૂ થાય છે. આ તબક્કે નમૂનારૂપ સિદ્ધાંતને કેન્દ્રમાં રાખીને જ બધી વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ થતી હોય છે અને સમસ્યાઓ ઉકેલાતી હોય છે. ‘નૉર્મલ સાયન્સ’ પ્રવર્તે ત્યારે નમૂનારૂપ સર્વસ્વીકૃત સિદ્ધાંતમાળખાના સમર્થન, તેના દૃઢીકરણ અને તેના વિસ્તરણનું કાર્ય ચાલતું હોય. આ તબક્કે પૉપરના અસત્યતાસ્થાપનની ક્રાન્તિકારી પ્રવૃત્તિ થતી નથી, પણ પ્રભાવક મુખ્ય સિદ્ધાંત પ્રમાણે કામ ચાલતું હોય છે.

જ્યારે પ્રભાવક નમૂનારૂપ સિદ્ધાંત કેટલીક આપત્તિરૂપ ઘટનાઓ(anomalies)ને સમજાવવામાં સફળ થતો નથી ત્યારે તેને સ્થાને નવો સિદ્ધાંત સ્વીકારવાનું જરૂરી બને છે. આ રીતે સિદ્ધાંત-તરેહમાં મૂળભૂત પરિવર્તન(paradigm shift)નો ત્રીજો ક્રાન્તિકારી તબક્કો આવે છે; દા.ત., ટૉલેમીના સિદ્ધાંતથી કૉપરનિકસે તદ્દન વિરુદ્ધ સિદ્ધાંત રજૂ કર્યો અને ખગોળવિજ્ઞાનમાં ક્રાન્તિ સર્જી. ક્રાન્તિ થયા પછી નવો સિદ્ધાંત નમૂનારૂપ સિદ્ધાંત બની જાય છે અને ફરી પાછું તેને આધારે સમસ્યા-ઉકેલની ‘નૉર્મલ સાયન્સ’ની પ્રવૃત્તિ શરૂ થાય છે. પૉપરના નમૂના પ્રમાણે જ વિજ્ઞાનમાં સતત અસત્યસ્થાપનથી ક્રાન્તિ થતી નથી. વિજ્ઞાનની પરંપરાનો ઇતિહાસ પણ વિરુદ્ધ દૃષ્ટાંત સામે સિદ્ધાંતને ટકાવી રાખવામાં મદદ કરે છે તેવું કુહ્ને દર્શાવ્યું છે.

વિજ્ઞાનોમાં સમૂળી ક્રાન્તિનાં દૃષ્ટાંતો તરીકે : (1) ગૅલિલિયોના સિદ્ધાંતો, (2) કૅપ્લરના સિદ્ધાંતો, (3) ન્યૂટન દ્વારા પ્રસ્થાપિત આધુનિક ભૌતિકવિજ્ઞાન, (4) આઇન્સ્ટાઇનનો સાપેક્ષવાદ, (5) ક્વૉન્ટમ, (6) મિકૅનિક્સ વગેરેનો નિર્દેશ કરી શકાય.

કુહ્ને કહ્યું કે વિજ્ઞાનમાં સિદ્ધાંત-પરિવર્તન એટલું બધું (ધર્મપરિવર્તન જેવું) મૂળભૂત હોય છે કે જૂના તેમજ નવા સિદ્ધાંત વચ્ચે પરિભાષા, વિભાવનાઓ, પ્રયોગપદ્ધતિનું સ્વરૂપ અને ઘટનાનાં અર્થઘટનોમાં કશું સામ્ય રહેતું નથી અને જૂના અને નવા સિદ્ધાંતની તુલના કરવાની કોઈ તટસ્થ ભાષા જ રહેતી નથી. બંને તન્ત્રો અતુલનાક્ષમ (incommensurable) બની જાય છે. કેટલાકને મતે કુહ્ને તો વિજ્ઞાનની પ્રગતિમાં તર્કસંગતતા અને વસ્તુનિષ્ઠતાને સ્થાને સ્વલક્ષી નિર્ણયો, ઐતિહાસિક પરિબળો અને વિજ્ઞાનીઓના સમાજની માન્યતા વગેરેને કેન્દ્રમાં મૂકી દીધાં છે. કુહ્ને પાછળથી સ્પષ્ટતા કરી કે સિદ્ધાંત-પરિવર્તનમાં તાર્કિક અને વસ્તુલક્ષી પરિબળો જરૂર ભાગ ભજવે છે, પરંતુ કોઈ સિદ્ધાંત રજૂ થાય કે તરત જ તેનું સમર્થન કે ખંડન થતું હોતું નથી. તેને માટે રાહ જોવી પડે છે. સિદ્ધાંતો વચ્ચેની પસંદગી માટે કોઈ અસૂક નિર્ણયપદ્ધતિ (algorithm) હોતી નથી તે સ્વીકારવું પડે તેમાં આત્મલક્ષી તેમજ ઐતિહાસિક પરિબળો પણ ભાગ ભજવે છે.

() વૈજ્ઞાનિક સંશોધનકાર્યક્રમનો પદ્ધતિવિચાર લૅકેટૉસ (1922-1974) : મૂળ હંગેરિયન ગણિતશાસ્ત્રી, ભૌતિકવિજ્ઞાની અને તત્વચિન્તક લૅકેટૉસ 1960માં લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં જોડાયા હતા. ડુહેમની જેમ લૅકેટૉસે પણ સ્વીકાર્યું કે વિજ્ઞાનીઓ કોઈ એકાદ ધારણાને પ્રાયોગિક રીતે તપાસતા નથી. લૅકેટૉસ મુજબ વિજ્ઞાનીઓના સંશોધન-કાર્યક્રમમાં જુદે જુદે સ્તરે ધારણાઓનો અને નિયમોનો એક સેટ હોય છે. લૅકેટૉસે આ સંશોધન-કાર્યક્રમ અંગેનો પદ્ધતિવિચાર (Methodology of scientific research programme) રજૂ કર્યો.

આ સંશોધન-કાર્યક્રમમાં અમુક નિયમ કે સિદ્ધાંતના હાર્દરૂપ ભાગ (hard core theory) હોય છે. તેનું ખંડન ન કરવાનો પદ્ધતિલક્ષી નિર્ણય (negative heuristic) લેવામાં આવે છે. તેથી કુહ્ન જેને ‘નૉર્મલ સાયન્સ’ કહે છે તે શક્ય બને છે. સિદ્ધાંતના હાર્દરૂપ ભાગ ઉપરાન્ત સંશોધન-કાર્યક્રમમાં અનેક સહાયક ધારણાઓ હોય છે, જેમને ખંડનક્ષમ (refutable) ગણીને તેમની કસોટી કરતા જવાનો વિધાયક નિર્ણય (positive heuristic) લેવામાં આવે છે અને અસત્ય ધારણાઓ છોડી દેવામાં આવે છે અને એ રીતે હાર્દરૂપ સિદ્ધાંતને રક્ષણ આપતા કવચ(protective belt)માં જરૂરી ફેરફારો થાય છે; પણ હાર્દરૂપ સિદ્ધાંત ટકી રહે છે. જો જરૂરી ધારણાઓમાં ફેરફાર કરવાથી સમસ્યાઓ ઉકેલાતી રહેતી હોય અને નવી અફળ આગાહીઓ કરી શકાતી હોય તો તેવો સંશોધન-કાર્યક્રમ પ્રગતિસાધક હોય છે, પણ જો મનસ્વી કે યાદૃચ્છિક ફેરફારો કરીને સિદ્ધાંતને ટકાવી રાખવામાં આવતો હોય તો તે અધોગતિસાધક (degenerative) સંશોધન-કાર્યક્રમ બની જાય છે. જેટલે અંશે સિદ્ધાંત-રક્ષણ યાચ્છિક રીતે (ad-hoc) થતું હોય તેટલે અંશે તે અતાર્કિક છે. પ્રગતિકારક સિદ્ધાંતોની પસંદગીને, એટલે વૈજ્ઞાનિક તાર્કિકતાને, વિજ્ઞાનોના ઇતિહાસમાં સફળ સંશોધન-કાર્યક્રમોમાં જોઈ શકાય છે. ન્યૂટનના નિયમો એ વૈજ્ઞાનિક સંશોધન-કાર્યક્રમનો ઉત્તમ સફળ નમૂનો છે.

() સ્પષ્ટીકરણ અને નિયમો પદ્ધતિલક્ષી અને તાત્વિક પ્રશ્નો :

1. વૈજ્ઞાનિક સ્પષ્ટીકરણ : કાર્લ હેમ્પેલ (1905-1997) : જર્મનીમાં બર્લિન અને ગૉટિન્ગન યુનિવર્સિટીઓમાં ગણિત, તર્કશાસ્ત્ર, તત્વજ્ઞાન અને ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કરનારા હેમ્પેલે અમેરિકાની યેલ અને પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં વિજ્ઞાનવિષયક તત્વજ્ઞાન અંગે અધ્યાપન-સંશોધન કર્યું હતું. તેમણે ઘટનાઓના વૈજ્ઞાનિક સ્પષ્ટીકરણ-(explanation)નું તાર્કિક સ્વરૂપ રજૂ કર્યું છે અને પ્રાકૃતિક તેમજ સામાજિક વિજ્ઞાનોમાં તેમનો સ્પષ્ટીકરણ વિશેનો તાર્કિક અભિગમ વ્યાપક રીતે ચર્ચાયો છે.

હેમ્પેલ મુજબ વૈજ્ઞાનિક નિગમનાત્મક સ્પષ્ટીકરણનું સ્વરૂપ આ પ્રમાણે છે :

(1) તેમાં જે ઘટનાનો ખુલાસો આપવાનો છે તેને અંગેનું વિધાન નિગમનાત્મક અનુમાનના ફલિતવિધાન તરીકે રજૂ કરવામાં આવે છે.

(2) ખુલાસો આપનારાં વિધાનો (explanans) એ ખુલાસાપાત્ર વિધાનો (explanandum) માટેનાં આધારવિધાનો છે. સ્પષ્ટીકરણાત્મક આધારવિધાનોમાં બે પ્રકારનાં વિધાનો હોય છે. એક તો પ્રારંભિક પરિસ્થિતિઓ કે તથ્યો વિશેનાં આધાર વિધાનો અને બીજું સર્વદેશીય નિયમ રજૂ કરતાં આધારવિધાનો.

(3) સ્પષ્ટીકરણકારક આધારવિધાનોમાંથી સ્પષ્ટીકરણપાત્ર ફલિતવિધાન નિગમનાત્મક અનુમાનના સ્વરૂપમાં રજૂ થાય છે; તેથી તેમાં આધારવિધાન સત્ય હોય તો ફલિતવિધાન અવશ્ય સત્ય હોય.

સ્પષ્ટીકરણનો હેમ્પેલનો આ નમૂનો – DN મૉડલ – ‘નિગમનાત્મક-નિયમલક્ષી’ નમૂનો કહેવાય છે, કારણ કે હેમ્પેલ પ્રમાણે સ્પષ્ટીકરણ પ્રમાણભૂત નિગમનાત્મક અનુમાનના સ્વરૂપમાં રજૂ થાય છે અને તેમાં અનિવાર્ય રીતે સર્વદેશી નિયમ રજૂ કરતાં આધારવિધાનો હોય છે. તેથી નિગમનાત્મક-નિયમલક્ષી સ્પષ્ટીકરણનું DN મૉડલ નીચે પ્રમાણે છે :

પ્રારંભિક પુરોગામી

પરિસ્થિતિ રજૂ

કરતાં આધારવિધાનો : C1, C2, C3, ……, Cn

નિયમ રજૂ કરતાં

આધારવિધાનો :      L1, L2, L3, ……., Ln

બંનેના સંયોજનથી

પ્રાપ્ત થતું ફલિત વિધાન ∴ E

દા.ત., આજે હવામાં રહેલું ભેજનું પ્રમાણ, આજે હવાના દબાણમાં થયેલો ફેરફાર(C1, C2 વગેરે)ને લગતાં તથ્યાત્મક વિધાનો અને તેને લગતા મોસમવિજ્ઞાનના નિયમો(L1, L2, વગેરે)નો સમુચ્ચય ‘આજે વરસાદ આવ્યો છે’ તે સ્પષ્ટીકરણપાત્ર ઘટના Eનો ખુલાસો આપે છે.

આ સ્વરૂપના સ્પષ્ટીકરણની તાર્કિક પર્યાપ્તતાની શરતો નીચે પ્રમાણે છે :

(1) સ્પષ્ટીકરણપાત્ર વિધાન સ્પષ્ટીકરણકારક આધાર-વિધાનોમાંથી નિગમનાત્મક તર્કના નિયમોથી ફલિત થતું હોવું જોઈએ.

(2) સ્પષ્ટીકરણકારક વિધાનોમાં અમર્યાદિત સર્વદેશીય નિયમો હોવા જ જોઈએ અને સ્પષ્ટીકરણપાત્ર વિધાન તેની મદદથી ફલિત થતું હોવું જોઈએ.

(3) સ્પષ્ટીકરણકારક વિધાનોમાં અવલોકનગમ્ય (empirical) સામગ્રી હોવી જોઈએ, એટલે કે તે કસોટીક્ષમ હોવાં જોઈએ.

સ્પષ્ટીકરણની અવલોકનાત્મક પર્યાપ્તતાની શરત આ છે :

(4) સ્પષ્ટીકરણકારક વિધાનો ખરેખર સત્ય હોવાં જોઈએ.

ટૂંકમાં, C1, C2 વગેરે અને L1, L2 વગેરે આપેલાં હોય અને સત્ય હોય તો E ફલિત થાય જ. જો L1, L2 વગેરે અવલોકનોથી સ્થાપ્યા હોય તોપણ E તેની મદદથી તાર્કિક રીતે ફલિત થાય છે. પાછળથી હેમ્પેલે વ્યાપ્તિલક્ષી આંકડાશાસ્ત્રીય સ્પષ્ટીકરણનું IS મૉડલ રજૂ કર્યું હતું.

હેમ્પેલ મુજબ જો ઘટના બની ગઈ હોય અને તેને આધાર-વિધાનોમાંથી તારવો તો તેને સ્પષ્ટીકરણ કહેવાય અને આધારવિધાનો આપેલાં હોય અને તેમાંથી ઘટનાઓ બનશે તેવું તારવો તો તેને પૂર્વ-કથન (prediction) કહે છે. બંનેમાં અનુમાનનું તાર્કિક સ્વરૂપ એક જ છે.

અલબત્ત, હેમ્પેલે સ્વીકાર્યું છે કે ઘટનાને સંપૂર્ણ રીતે નિર્ધારિત કરતા નિરપવાદ નિયમો (deterministic laws) હોય ત્યાં જ નિગમનાત્મક-નિયમલક્ષી સ્પષ્ટીકરણ આપી શકાય; પરન્તુ જ્યાં ઘટનાઓને સંપૂર્ણ રીતે નિર્ધારિત કરતા નિરપવાદ સર્વલક્ષી સમાવેશક નિયમો ન હોય અને કેવળ સંભાવનાત્મક (probabilistic) સમાવેશક નિયમો હોય ત્યાં ઘટનાઓનો ખુલાસો કરતાં સ્પષ્ટીકરણો વ્યાપ્તિલક્ષી-આંકડાશાસ્ત્રીય (IS) (inductive-statistical) હોય છે. આમ સ્પષ્ટીકરણના બે તાર્કિક દૃષ્ટિએ ભિન્ન મૉડલો છે  DN મૉડલ અને IS મૉડલ. નિગમનાત્મક-નિયમલક્ષી મૉડલ એટલે કે DN-મૉડલમાં સ્પષ્ટીકરણપાત્ર ફલિતવિધાન સ્પષ્ટીકરણાત્મક આધારવિધાનોમાંથી તાર્કિક અનિવાર્યતાથી ફલિત થાય છે; જ્યારે IS મૉડલમાં વ્યાપ્તિલક્ષી અનુમાન પ્રયોજાતું હોવાથી તેમાં ફલિતવિધાન આધારવિધાનમાંથી તાર્કિક અનિવાર્યતા(logical necessity)થી ફલિત થતું નથી, પણ તેની અમુક સંભાવના દર્શાવવામાં આવે છે. તેથી IS મૉડલમાં આધારવિધાનો સત્ય હોવા છતાં ફલિતવિધાન અસત્ય હોઈ શકે છે. હેમ્પેલ માને છે કે સંભાવનાલક્ષી નિયમોને આધારે થતું સ્પષ્ટીકરણ પણ વાજબી છે, ભલે એ DN મૉડલ જેવું તાર્કિક સ્વરૂપ ન ધરાવતું હોય; દા.ત., આ બાળકને ‘સ્ટ્રેપ્ટોકૉકસ ઇન્ફેક્શન થયું હતું તેવા ચેપના દર્દીઓમાં પેનિસિલીનની સારવારથી સાજા થવાની સંભાવના અમુક છે તેથી આ બાળક પેનિસિલીનથી સાજો થયો છે. શા માટે તે બાળક સાજો થયો તેનો ખુલાસો આ IS મૉડલમાં સંભાવનાત્મક નિયમને લીધે થાય છે. અલબત્ત, કોઈ બાળક સાજો ન થાય તો તેને અંગેનો સંભાવનાત્મક નિયમ ખોટો પડતો નથી.

2. વૈજ્ઞાનિક નિયમો (scientific laws) : અત્યાર સુધી એ જોયું કે હેમ્પેલના સ્પષ્ટીકરણના નમૂનામાં નિયમોનો ઉલ્લેખ અનિવાર્ય છે. વૈજ્ઞાનિક નિયમોમાં સ્વરૂપનો વિચાર એટલા માટે તત્વજ્ઞાનમાં મહત્વનો છે કે એક બાજુ નિયમો વૈજ્ઞાનિક સ્પષ્ટીકરણ સાથે સંકળાયેલા છે અને બીજી બાજુ નિયમોની સ્થાપનાનો પ્રશ્ન વ્યાપ્તિ-પદ્ધતિ સાથે સંકળાયેલો છે. વ્યાપ્તિ-પદ્ધતિથી નિયમો સ્થપાય છે અને ઘટનાઓના અને ઓછા વ્યાપક નિયમોના સ્પષ્ટીકરણ માટે તેવા નિયમો અનિવાર્ય ગણાય છે. નિયમોના સ્વરૂપની વિચારણા તાત્વિક છે. વૈજ્ઞાનિક નિયમો કાર્ય-કારણનો સંબંધ દર્શાવતા નિયમો છે તેવું માનો તોપણ કાર્ય-કારણના નિયમનું સ્વરૂપ શું છે તેવો તાત્વિક પ્રશ્ન તો ઉદ્ભવે જ છે. આ સંદર્ભમાં હ્યૂમનું પ્રદાન મહત્વનું છે.

(1) A અને B વચ્ચે કારણ-પરિણામનો સંબંધ છે તેવું વિધાન અવલોકનો પછી જ સ્થાપી શકાય છે, અવલોકનો પહેલાં કેવળ તર્કબુદ્ધિ(reason)થી નહિ, તેવું હ્યૂમ માને છે.

(2) ધારો કે A અને B વચ્ચે A કારણ છે અને B પરિણામ છે તેવો સંબંધ અવલોકનથી જ સ્થાપો તોપણ તેવો સંબંધ અનિવાર્ય (necessary) નથી. એટલે કે ABનું કારણ છે પણ તેવું હોવું અનિવાર્ય નથી, સંજોગાધીન કે નરી હકીકત તરીકેનું (contingent) જ આ સંબંધનું અસ્તિત્વ છે.

(3) એટલે કે A અને B વચ્ચે કેવળ નિયમિતતાથી અનુક્રમે પ્રવર્તવાનો સંબંધ છે. અવલોકિત નિયમિતતાથી વિશેષ કાર્ય-કારણ સંબંધમાં કશું નથી. હ્યૂમના મતને કાર્ય-કારણ વિશેના નિયમિતતાવાદી સિદ્ધાંત તરીકે સમજવામાં આવે છે. એટલે કાર્ય-કારણ સંબંધ વ્યક્ત કરતા નિયમો જગતની ઘટનાઓ વચ્ચે પ્રવર્તતી નિયમિતતાઓ અંગેના નિયમો છે. કાર્ય-કારણ નિયમો તાર્કિક અનિવાર્યતાવાળા નિયમો નથી. A પછી B નિયમિત રીતે બને છે, તેટલું જ કાર્ય-કારણરૂપ નિયમમાં કહેવાયું છે પરંતુ Aમાં એવી શક્તિ (power) છે કે B બન્યા વગર રહે જ નહિ તેવી કોઈ શક્તિ કે અનિવાર્યતા અવલોકનગમ્ય નથી.

ઉપર્યુક્ત ત્રણેય વિધાનો હ્યૂમનો મત વ્યક્ત કરે છે.

(4) ડેવિડ આર્મસ્ટ્રાગ (1983), ફ્રેડ ડ્રેટ્સ્કે (1977) અને માઇકિયલ ટૂલી (1977) પ્રમાણે કાર્ય-કારણ સંબંધ વ્યક્ત કરતા નિયમો કેવળ હકીકતમાં પ્રવર્તતી નિયમિતતાઓ વ્યક્ત કરે છે તેવો હ્યૂમનો મત સ્વીકાર્ય નથી. કાર્ય-કારણ નિયમનું સ્વરૂપ ‘બધા A પછી B આવે છે’ તે પ્રકારનું નથી પણ અનિવાર્ય રીતે (necessarily) A પછી B આવે છે તે પ્રકારનું નથી.

(5) તત્વજ્ઞાનમાં ચુસ્ત સર્વદેશી નિયમો અને કેવળ આકસ્મિક સામાન્યીકરણો વચ્ચેનો ભેદ પાડવાનું જરૂરી છે અને ઘણાના મતે નિયમિતતાવાદી મત કરતાં કાર્ય-કારણ સંબંધ વિશેનો અનિવાર્યતાવાદી મત વધુ સારી રીતે આ ભેદ સમજાવી શકે.

(6) વિજ્ઞાનના તત્વજ્ઞાનમાં વાસ્તવવાદ સ્વીકારનારા એમ કહે છે કે વિજ્ઞાનના નિયમોમાં અવલોકનગમ્ય ઘટનાઓનો ઉલ્લેખ ન આવતો હોય તોપણ અવલોકનગમ્ય ઘટનાઓ સાથે તેને જોડી શકાતા હોવાથી તેવા નિયમો જગતમાં વાસ્તવિક રીતે શું બને છે અને શું છે તેનો નિર્દેશ કરતા હોય છે. તેથી વિજ્ઞાનના નિયમો સત્ય કે અસત્ય એ રીતે તપાસી શકાય છે. તેથી વિરુદ્ધ વિજ્ઞાનના તત્વજ્ઞાનમાં સાધનવાદ (instrumentalism) સ્વીકારનારા એમ કહે છે કે વિજ્ઞાનના નિયમો જગતમાં ખરેખર શું અસ્તિત્વમાં છે તે અંગેના નિયમો હોતા નથી. તેથી તેને સત્ય કે અસત્ય તરીકે સમજવાના હોતા નથી. પરંતુ તેવા નિયમો તો અવલોકનગમ્ય ઘટનાને સમજાવવા માટેના કે તેની આગાહી કરવા માટેનાં સાધનો જ છે.

(7) વિજ્ઞાનોના નિયમો ન્યૂટનના નિયમોની જેમ સંપૂર્ણ રીતે ઘટના-નિર્ધારક (deterministic) પણ હોઈ શકે છે અથવા તો સંભવનાત્મક (probabilistic) આંકડાશાસ્ત્રીય પણ હોઈ શકે છે.

(8) પ્રકૃતિના વિજ્ઞાનીઓએ શોધેલા નિયમોમાં સર્વસંમતિ એ છે કે આવા નિયમો સર્વદેશીય હોવા જોઈએ. તેમાં કોઈ વ્યક્તિવાચક નામનો ઉલ્લેખ ન હોવો જોઈએ અને તેને અવલોકનગમ્ય ઘટના સાથે અંતે જોડી શકાતા હોવા જોઈએ.

(9) નિયમો આકસ્મિક સામાન્યીકરણો નથી, કારણ કે નિયમોમાંથી સ્પષ્ટીકરણ અને આગાહી થઈ શકે છે.

  1. 3. અવગલનવાદ (Reductionism) : ડેનિયલ ડેનેટ (Dennett) :

મનવિષયક તત્વચિન્તન અને બોધાત્મક વિજ્ઞાન(cognitive science)ના ક્ષેત્રે પ્રવૃત્ત એવા અમેરિકન ફિલસૂફ ડેનિયલ ડેનેટે (જન્મ : 1942) મનવિષયક વિગલનવાદ રજૂ કર્યો છે. સામાન્ય રીતે અવગલનવાદ (કે વિગલનવાદ) પ્રમાણે જ્ઞાનનાં બધાં ક્ષેત્રોનું વૈજ્ઞાનિક સ્પષ્ટીકરણ આપી શકાય છે; એટલું જ નહિ, પણ કોઈ વિજ્ઞાનના નિયમો, વિભાવનાઓ કે પરિભાષાને તેનાથી વધુ મૂળભૂત વિજ્ઞાનના નિયમો, વિભાવનાઓ કે પરિભાષામાં ફેરવી (reduce) શકાય અને એ રીતે કોઈ ઐતિહાસિક ઘટનાની સમજૂતી સમાજશાસ્ત્રના નિયમોને આધારે આપી શકાય. સમાજશાસ્ત્રના નિયમોને વ્યક્તિલક્ષી મનોવિજ્ઞાનના નિયમોથી સમજાવી શકાય છે અને મનોવિજ્ઞાનને જીવવિજ્ઞાન, જીવવિજ્ઞાનને રસાયણશાસ્ત્ર અને અંતે તેને ભૌતિકશાસ્ત્રમાં વિગલિત કરી શકાય છે. 2003થી અમેરિકાની Tufts યુનિવર્સિટીમાં સંશોધન કરનાર ડેનેટ પ્રમાણે વિગલનવાદ સ્વીકારવા માટે છેક એટલે સુધી કહેવાની જરૂર નથી કે બધાં વિજ્ઞાનોના નિયમો અને વિભાવનાઓને ‘પાર્ટિકલ ફિઝિક્સ’ની વિભાવનાઓ દ્વારા જ સમજાવવાં જોઈએ. આટલો બધો અતિલોભી (greedy) અવગલનવાદ ડેનેટને માન્ય નથી. તેમ છતાં ડેનેટ એવો અવગલનવાદી દૃષ્ટિકોણ તો સ્વીકારે જ છે કે મનુષ્યના મજ્જાતંત્રની પ્રક્રિયાઓના સ્તર સુધી તો મનુષ્યની સભાનતા કે ચેતના(consiousness)ને સમજાવવા માટે જવું જ પડશે. મન-શરીરના સંબંધ અંગે વિગલનવાદ વિરુદ્ધ નવસ્ફુરણવાદ (emergentism) વિશેના વિવાદમાં છેલ્લાં 50 વર્ષથી અનેક વિજ્ઞાનીઓ અને ફિલસૂફો જોડાયા છે.

બ્રિટિશ પ્રાણીવિજ્ઞાની ક્લિન્ટન રિચર્ડ ડૉકિન્સ (જ. 1941) અત્યારે ખૂબ જ પ્રભાવક જીવવિજ્ઞાની તરીકે જાણીતા છે.

તેમણે સૂચવ્યું છે કે સફળ અવગલનવાદ માટે જુદા જુદા સ્તરની ઉચ્ચાવચતાયુક્ત શ્રેણીને સમજવી પડે. ડૉકિન્સના મતે એ સાચું છે કે સજીવતંત્રને ‘ડી.એન.એ.’થી અને ‘ડી.એન.એ.’ને ઍટમથી અને ‘ઍટમ’ને ‘સબ-ઍૅટમિક પાર્ટિકલ’થી સમજાવી શકાય; પરન્તુ જો ઉપલા સ્તરના વિજ્ઞાનને સ્તરે ઘટનાઓની સમજૂતી આપવી શક્ય હોય તો પછી તેનાથી વધુ મૂળભૂત સ્તર સુધી જવાની જરૂર નથી. પ્રાણી-વર્તનની સમજૂતી જીવવિજ્ઞાનના સ્તરે આપી શકાતી હોય તો પછી છેક ‘સબ-ઍટમિક પાર્ટિકલ’ સુધી જવાની જરૂર નથી. આમ ઉચ્ચાવચતાયુક્ત (hierarchical) રચનામાં કયા વિજ્ઞાનની ઘટનાની સમજૂતી કયા સ્તરના મૂળભૂત વિજ્ઞાન સુધી લઈ જવી તે ખુલ્લો પ્રશ્ન છે. આમ ડૉક્ધિસે સ્તરલક્ષી અવગલનવાદ રજૂ કર્યો છે. ડેનિયલ ડેનેટની જેમ ડૉકિન્સ પણ અતિલોભી અવગલનવાદને માન્ય કરતા નથી. અવગલનવાદ કેવળ પદ્ધતિનો પ્રશ્ન નથી. તે તાત્વિક પ્રશ્ન પણ છે.

પ્રસ્ફુરણવાદી કે માળખા/તંત્રલક્ષી ચિંતકો જોકે અવગલનવાદનો જ અસ્વીકાર કરે છે. સમગ્ર(whole)ના ગુણધર્મો તેના અંશો (parts) કરતાં ભિન્ન હોય છે. સમગ્ર વ્યવસ્થાપદ્ધતિ(systems)માં નવા જ ગુણધર્મો અને કાર્યો જોવા મળે છે. ઉત્ક્રાન્તિથી નવી ને નવી વ્યવસ્થા-પદ્ધતિઓ (systems) પ્રસ્ફુરિત થતી જાય છે જેને તેની પુરોગામી ઘટકરૂપ સામગ્રીમાં અવગલિત કરી શકાય નહિ.

વિજ્ઞાનવિષયક તત્વજ્ઞાનમાં વૈજ્ઞાનિક વિધાનો/નિયમો કોને વિશેનાં છે તે પ્રશ્ન અંગે અવલોકનવાદી માને છે કે તે આપણાં અવલોકનો વિશેનાં છે. વાસ્તવવાદીઓ પ્રમાણે તે જગતની વાસ્તવિકતા અંગેનાં વિધાનો કે નિયમો છે જ્યારે સાધનવાદીઓ માને છે કે તેવાં વિધાનો માત્ર આગાહી કરવા માટેનાં સાધનો જ છે. અવગલનવાદ પ્રમાણે વૈજ્ઞાનિક નિયમોને અંતે પાયાનાં વિજ્ઞાનોમાં વિગલિત કરી શકાય, પરંતુ ડેનેટ અને ડૉકિન્સ મુજબ દરેક વખતે છેક ‘પાર્ટિકલ ફિઝિક્સ’ સુધી જવાની જરૂર નથી.

() વિજ્ઞાન, તત્વમીમાંસા અને ઈશ્વરવિચાર :

અત્યાર સુધી વિજ્ઞાનના પદ્ધતિવિષયક તાર્કિક પ્રશ્નોની રજૂઆત કરી, પરંતુ વિજ્ઞાનના સિદ્ધાંતોમાંથી જગત અંગેનું જે વાસ્તવિક સર્વસંમત ચિત્ર મળે છે તેને અંગે કેટલાક તાત્વિક પ્રશ્નો ઉદ્ભવે છે. અલબત્ત, વિજ્ઞાનના દરેક નિયમ કે દરેક નાનામોટા સંશોધન અંગે તાત્વિક પ્રશ્નો થાય છે તેવું નથી. આ અંગે કેટલાક મુદ્દાઓ નોંધપાત્ર છે :

(1) ન્યૂટનના વિજ્ઞાનની સફળતાથી બધાં ક્ષેત્રોના સિદ્ધાંતો કરતાં ભૌતિકવિજ્ઞાનના સફળ સિદ્ધાંતો ચડિયાતા છે તેવું સમજવામાં આવ્યું.

(2) ત્યારપછીની સદીઓમાં સામાજિક વિજ્ઞાનોના ક્ષેત્રે પણ પ્રાકૃતિક વિજ્ઞાન જેવા સફળ સિદ્ધાંતો જરૂરી જણાયા. 1917માં ફ્રૉઇડે પોતાની શોધને કૉપરનિકસ અને ડાર્વિનની શોધ જેવી ગણાવી. 1883માં એન્જલ્સે એવો દાવો કર્યો હતો કે જેમ જીવસૃદૃષ્ટિના વિકાસ અંગે ડાર્વિને નિયમ શોધ્યા તેમ જ માર્કસે સામાજિક વિકાસના નિયમ શોધ્યા. કાર્લ પૉપરે આવો મત માન્ય કર્યો નથી.

(3) વીસમી સદીના વિયેના સર્કલ(1922-1936)ના તાર્કિક પ્રત્યક્ષવાદીઓએ તત્વમીમાંસાના કે ઈશ્વરવિચાર(theology)નાં તમામ વિધાનો અ-ચકાસણીક્ષમ હોવાથી અર્થહીન છે તેવો મત રજૂ કર્યો. ‘મેટાફિઝિક્સ’ના વિસર્જનની તેમણે ઘોષણા કરી.

(4) કાર્લ પૉપરે પ્રત્યક્ષવાદના આ મતનો વિરોધ કરતાં કહ્યું કે તત્વમીમાંસા-મેટાફિઝિક્સનાં વિધાનો અર્થયુક્ત તો છે જ અને ક્યારેક તત્વમીમાંસાના સિદ્ધાંતો (જેમ કે, પ્રાચીન ગ્રીક પરમાણુવાદ) પાછળથી વિજ્ઞાનીઓેને ઉપકારક નીવડ્યા છે.

(5) વિજ્ઞાનના સિદ્ધાંતો પણ તત્વજ્ઞાનના કેટલાક સિદ્ધાંતોની ફેરવિચારણા કરવાની ફરજ પાડે છે; દા ત., ન્યૂટનના ભૌતિકવિજ્ઞાનને અનુલક્ષીને તત્વજ્ઞાનના ક્ષેત્રે નવા સિદ્ધાંતો આવ્યા કે જે મધ્યકાલીન ખ્રિસ્તી ઍરિસ્ટૉટલવાદથી જુદા પડ્યા. વીસમી સદીના ભૌતિકવિજ્ઞાને પણ તત્વચિન્તકોના પ્રશ્નો અને તેના ઉકેલની દિશા બદલી નાખી છે. મજ્જાતન્તુ-વિજ્ઞાન, કમ્પ્યૂટર-વિજ્ઞાન, રોબૉટિક્સ, સાય્બૉર્ગ વગેરે અંગેનાં તાજેતરનાં સંશોધનોને લીધે મન-શરીર-સંબંધ અંગે ડેકાર્ટ વગેરેએ રજૂ કરેલા પ્રશ્નો અને ઉકેલો બદલાઈ ગયા છે. પૅટ્રિકિયા ચર્ચલૅન્ડ મુજબ હવે જૂની માનસિક ભાષા પ્રયોજતાં લોક-મનોવિજ્ઞાન-(folk-psychology)નો અંત આવશે અને તેનું સ્થાન મજ્જાતન્તુવિજ્ઞાન (ન્યૂરૉલોજી) લઈ લેશે. જોકે વિટ્ગેન્સ્ટાઇન જેવા ચિન્તકો માને છે કે પ્રાકૃતિક/સામાજિક વિજ્ઞાનોના સિદ્ધાંતો સાથે તત્વચિન્તનની સ્વાયત્ત વિશ્ર્લેષણ-પ્રવૃત્તિને કોઈ સંબંધ નથી. આ મત સામે પ્રકૃતિવાદી તત્વચિન્તકો વિજ્ઞાનના પ્રશ્નોને કેન્દ્રમાં મૂકીને જ તાત્વિક પ્રશ્નો હાથ ધરી શકાય તેવું માને છે.

(6) ન્યૂટને પોતે જ સ્પષ્ટ કર્યું હતું કે ગુરુત્વશક્તિ(gravity)નું શું કારણ છે તે પોતે જાણતા નથી અને તેને અંગે તેઓ કોઈ અટકળ કે ધારણા કરવા માગતા નથી. ‘ગ્રૅવિટી’ને ન્યૂટન કોઈ અકળ અગમ્ય શક્તિ રૂપે સમજતા હતા અને તેને ઈશ્વરના અસ્તિત્વની સાબિતી ગણતા હતા. સૃદૃષ્ટિ-સંચાલન નિયમાધીન છે, પણ તેવી નિયમ સંચાલિત સૃદૃષ્ટિ ઈશ્વર-સર્જિત છે. અઢારમી સદીના દેવવાદીઓ (Deists) પ્રમાણે સર્જન પછી વિશ્વ સ્વયંચાલિત રીતે નિયમો પ્રમાણે કામ કરે છે અને તેમાં સતત ઈશ્વરની દેખરેખ કે હસ્તક્ષેપની જરૂર નથી. દેવવાદ આમ ઈશ્વરવાદથી જુદો મત છે.

(7) વિશ્વ કેવળ મનુષ્ય માટે સર્જાયું છે અને મનુષ્યનું તેમાં વિશેષ સ્થાન છે તેવા ધર્મનિષ્ઠ અભિગમ મુજબ પૃથ્વીનું કે મનુષ્યનું સર્જન નજીકના ભૂતકાળમાં થયું હતું. દાન્તેએ આદમના સર્જનને ઈ. પૂ. 5198માં દર્શાવ્યું. કૅપ્લરે જગતના પ્રારંભની સાલ ઈ. પૂ. 3877 નિશ્ચિત કરી હતી. સૃદૃષ્ટિસર્જન ઈ. પૂ. 4004માં થયું હતું તેમ આઇરિશ બિશપ જેમ્સ ઉસહરે દર્શાવ્યું હતું. ન્યૂટન મુજબ સૃદૃષ્ટિનો પ્રારંભ ઈ. પૂ. 3988માં થયો હતો. ભૂસ્તરવિજ્ઞાનનાં સંશોધનોથી એટલે કે જમીનના ધોવાણ(erosion)ની અને જુદા જુદા ભૂસ્તરીય અવશેષો(fossils)ની હકીકતોના પ્રકાશમાં સૃદૃષ્ટિસર્જનની પવિત્ર ગ્રંથો-આધારિત તારીખોને કોઈ સમર્થન મળ્યું નહિ અને સૃદૃષ્ટિને હજારો નહિ પણ લાખો વર્ષો જૂની માનવામાં આવી. અત્યારે સૂર્યમંડળને પાંચ અબજ અને વિશ્વ(universe)ને દસથી વીસ અબજ વર્ષ જૂનું માનવામાં આવે છે. ભૂસ્તરીય અવલોકનો અને પ્રાકૃતિક ઇતિહાસના વિદ્વાનોનાં ઓગણીસમી સદીનાં સંશોધનોથી, ધર્મગ્રંથો-આધારિત સૃદૃષ્ટિ-પ્રારંભ અંગેના કાળનિર્ણયો ટકી શકે તેવા ન રહ્યા. અલબત્ત, ભૂસ્તરવિજ્ઞાન(geology)થી કાળક્રમ અંગેના નિર્ણયો બદલાયા પણ ઈશ્વરવિચારનું સંપૂર્ણ વિસર્જન તો તેથી ન જ થયું. 1830માં ચાર્લ્સ લાયેલ(Lyell)ના ‘પ્રિન્સિપલ્સ ઑવ્ જિયૉલોજી’માં તેમણે દર્શાવ્યું કે જગત દેશમાં અમર્યાદિત અને કાળમાં ગમે તેટલું જૂનું હોય તોપણ તેની રચના મનુષ્યને ઈશ્વરની સર્જક-બુદ્ધિ અને તેમની દૃષ્ટિનો પરિચય કરાવે છે. પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક એમ ત્રણેય યુગમાં સૃદૃષ્ટિની રચના અને તેના પ્રારંભ કે અંતને અનુલક્ષીને વિશ્વનાં જુદાં જુદાં વિચારતન્ત્રો રચવામાં આવ્યાં છે. મનુષ્યો જે રીતે વિશ્વને સમજે છે તે રીતોથી મળતા વિશ્વચિત્રને ‘Universe’ તરીકે ગણીને સમગ્ર વિશ્વને ‘Universe’ તરીકે સમજવું જોઈએ તેવું ભૌતિકશાસ્ત્ર અને ખગોળવિજ્ઞાનના અત્યારના પ્રભાવક વિજ્ઞાની એડવર્ડ હૅરિસને દર્શાવ્યું છે.

હૅરિસનના પુસ્તક Masks of the Universe (નવી આવૃત્તિ, 2003) મુજબ પ્રાચીન યુગમાં સૃદૃષ્ટિવિજ્ઞાન તત્વજ્ઞાનને આધીન હતું; મધ્યકાલીન યુગમાં તે ધર્મવિચારને આધીન રહ્યું અને અત્યારે તે વિજ્ઞાનને આધીન છે. સૃદૃષ્ટિસમગ્રને સમજવાનો દરેક યુગનો પ્રયાસ એક મુખવટો (mask) બની જાય છે. તેમના શબ્દોમાં ‘A Universe is a mask fitted on the face of an unknown Universe.’ માત્ર ભૌતિક દ્રવ્ય જ નહિ, દેશ (space) અને કાળ પોતે જ ખૂબ રહસ્યમય છે. દેશ-કાળનો આરંભ માનો કે અંત માનો, તેને સીમિત માનો કે અનન્ત માનો, બધી રીતે તેને સમજવામાં જ અનેક વૈચારિક આપત્તિ આવે છે. કાળ ક્યારે શરૂ થયો તેમ પૂછો તો આપત્તિ એ છે કે તેની પહેલાં કાળ હતો કે કેમ ? મનુષ્ય સકળવિશ્વનો એક ભાગ છે. હેરિસનનો પ્રશ્ન એ છે કે એક અંશ સમગ્રને સમજી શકે ખરો ?

(8) વીસમી સદીના પ્રભાવક વિજ્ઞાની સ્ટિફન હૉકિંગ(જન્મ 1942)નાં સૃદૃષ્ટિવિષયક સંશોધનો અને સિદ્ધાંતોએ પણ કેટલાક મૂળભૂત તાત્વિક પ્રશ્નો ઊભા કર્યા છે. હૉકિંગનાં વિધાનો ક્યારેક ઈશ્વરવાદ તો ક્યારેક દેવવાદ તરફ ઢળતાં જણાય છે. અંતે તો તેઓ પણ નિરીશ્વરવાદને બદલે અજ્ઞેયવાદ સ્વીકારે છે, કારણ કે સૃદૃષ્ટિના પ્રારંભનો પ્રશ્ન અંતે કદાચ સહુને ઈશ્વરના વિચાર તરફ દોરી જતો હોય તોપણ પોતે વિજ્ઞાનની બાજુએથી તે વિશે કશું કહી શકે તેમ નથી તેવું હૉકિંગે સ્પષ્ટ કર્યું છે. ‘Steady State Theory’ કે ‘Big-Bang Theory’ ગમે તેનો વિચાર કરો, પ્રશ્નો તો આ જ પ્રકારના ઉદ્ભવશે. બીજી સમય બાબત એ છે કે જ્યારે જ્યારે કોઈ મૂળભૂત રીતે જગત-વિષયક ચિત્રને બદલી નાખતા વિજ્ઞાનના નવા સિદ્ધાંતો રજૂ થાય છે ત્યારે ઈશ્વરવાદીઓ તો એમ જ કહેશે કે ન્યૂટનના હોય કે ડાર્વિનના હોય, વિજ્ઞાનીઓએ શોધેલા નિયમો અંતે તો ઈશ્વર-સ્થાપિત જ છે.

(9) ભૌતિકવિજ્ઞાન, ભૂસ્તરવિજ્ઞાન કે સૃદૃષ્ટિવિજ્ઞાનની જેમ જીવવિજ્ઞાનમાં ઓગણીસમી સદીમાં રજૂ થયેલા ડાર્વિનના ઉત્ક્રાન્તિવિષયક સિદ્ધાંતને લઈને પણ તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને ઈશ્વરવિચાર(theology)નાં ક્ષેત્રોમાં ઘણો ઊહાપોહ થયો છે. આ અંગે વિગતવાર માહિતી ‘ધ કેમ્બ્રિજ કંપેનિયન ટુ ડાર્વિન’(2003)માં રજૂ થઈ છે. અહીં માત્ર તેનો એક જ મુદ્દો લઈએ તો સ્પષ્ટ થાય છે કે પ્રાકૃતિક પસંદગી દ્વારા થતી પ્રાણીજાતિની ઉત્ક્રાંતિને માનો તો તર્કબુદ્ધિ-આધારિત ઈશ્વરવિચાર (rational theology) અને દિવ્યવાણી આધારિત ઈશ્વરવિચાર (revealed theology) – એ બંનેના વૈચારિક આધારો પડી ભાંગે છે.

આમ વિજ્ઞાન અને તત્વજ્ઞાનના સિદ્ધાંતો એકબીજા ઉપર પ્રભાવ પાડે છે અને વિજ્ઞાનના તત્વજ્ઞાનમાં પદ્ધતિવિષયક (methodological) તેમજ વસ્તુવિષયક તાત્વિક (substantive) એમ બંને પ્રકારના પ્રશ્નોની વિચારણા થાય છે.

મધુસૂદન બક્ષી