વિજ્ઞાનભિક્ષુ (ઈ. સ. સોળમી સદી)

February, 2005

વિજ્ઞાનભિક્ષુ (ઈ. સ. સોળમી સદી) : પ્રાચીન ભારતના બંગાળના તત્વચિંતક આચાર્ય. રામાનુજાદિ બીજા આચાર્યોએ પોતાના સંપ્રદાયો સ્થાપ્યા તેમ વિજ્ઞાનભિક્ષુએ પોતાનો કોઈ સંપ્રદાય સ્થાપ્યો નથી. નામ (‘ભિક્ષુ’) પરથી તે સંન્યાસી હોય તેમ જણાય છે. વિજ્ઞાનભિક્ષુએ બ્રહ્મસૂત્ર પર ભાષ્ય લખ્યું; જેને ‘વિજ્ઞાનામૃતભાષ્ય’ કહે છે. નિરીશ્વર સાંખ્યની વિચારધારામાં તેમણે ઈશ્વરને ઉમેરીને સાંખ્ય સિદ્ધાંતોને પ્રતિપાદિત કર્યા. બ્રહ્મસૂત્ર પરના તેમના ‘વિજ્ઞાનામૃતભાષ્ય’માં અવિભાગ-અદ્વૈત સિદ્ધાંતનું સ્થાપન કર્યું. પરમતત્વ બ્રહ્મ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે; પરંતુ પ્રકૃતિના સત્વગુણથી રચાયેલ સત્વમય શરીરને જે ચૈતન્ય ધારણ કરે તેને ઈશ્વર કહે છે. પ્રકૃતિ, પુરુષ, કાલ વગેરે ઈશ્વરની શક્તિઓ છે. પ્રકૃતિ પુરુષથી ભિન્ન તત્વ છે. વળી, ઈશ્વરથી પ્રકૃતિ અને પુરુષ (જીવ) એ બંને જુદાં તત્વો છે. આમ છતાં આ બંને તત્વો ઈશ્વર પર આધારિત છે – તેથી ઈશ્વરથી સંપૂર્ણત: વિભક્ત નથી. એટલે વિભાગ વગર, પ્રકૃતિ તેમજ પુરુષનું ઈશ્વરની સાથે અદ્વૈત છે. આને અવિભાગ-અદ્વૈત કહે છે. વિજ્ઞાનભિક્ષુના મતે ઉપનિષદનાં ભેદપ્રતિપાદક વાક્યો, પ્રકૃતિ તથા પુરુષને ઈશ્વરથી વિભક્ત સિદ્ધ કરે છે અને અભેદપ્રતિપાદક વાક્યો, પ્રકૃતિ અને પુરુષનો આધાર ઈશ્વર હોવાથી અવિભાગ સિદ્ધ કરે છે. રામાનુજ, નિમ્બાર્ક વગેરેના સિદ્ધાંતની સાથે, અવિભાગાદ્વૈતનો સિદ્ધાંત મળતો આવે છે. આ મત પ્રમાણે, ઈશ્વર પ્રકૃતિનું અધિષ્ઠાન (આધાર) હોવાથી, જગતનું અધિષ્ઠાનકારણ છે. ઈશ્વરના આધારવાળી પ્રકૃતિ જગતને, પોતે જ ઉપાદાન અને નિમિત્તકારણ બનીને રચે છે. પુરુષ(જીવ) ચૈતન્યસ્વરૂપ નિત્ય છે. શરીરાદિને અજ્ઞાનથી પોતાનું સ્વરૂપ માનીને, રાગદ્વેષનો સંસાર ઊભો કરે છે. શાસ્ત્રજ્ઞાન, યોગની અસંપ્રજ્ઞાત સમાધિ અને ભક્તિ દ્વારા જીવને યથાર્થ જ્ઞાન થાય છે અને સૂક્ષ્મ શરીરનો નાશ થાય છે. મોક્ષદશામાં જીવને સુખ-દુ:ખનો અનુભવ થતો નથી. ચૈતન્યરૂપ ઈશ્વર સાથે તે જીવ મોક્ષમાં પણ ઐક્ય પામતો નથી. માત્ર દુ:ખનો અભાવ એ જ મોક્ષ – ન્યાય-વૈશેષિકના આ મોક્ષ-વિચારને વિજ્ઞાનભિક્ષુએ સ્વીકાર્યો છે. સુખ-દુ:ખના અભાવને જ આનંદપ્રાપ્તિ કહેવામાં આવે છે. જીવ ઈશ્વરનો અંશ છે અને વ્યાપક છે; પરંતુ બુદ્ધિ વગેરે ઉપાધિ સાથે જોડાવાથી તે મર્યાદિત બને છે.

વિજ્ઞાનભિક્ષુ માને છે કે આત્માના યથાર્થ સ્વરૂપને સમજવા માટે, સાંખ્યદર્શનનું જ્ઞાન ખૂબ ઉપયોગી છે. શુદ્ધ-આત્મતત્વ-વિજ્ઞાન એનું જ નામ સાંખ્ય – આવું વ્યાસસ્મૃતિનું વિધાન પોતાના મતના સમર્થનમાં તેઓ ટાંકે છે. ઉપનિષદો, મહાભારત, પુરાણો અને સ્મૃતિઓમાંથી અનેક પ્રમાણો ઉદ્ધૃત કરીને વિજ્ઞાનભિક્ષુ સિદ્ધ કરે છે કે સાંખ્ય વેદપ્રતિપાદિત દર્શન છે. શંકરાચાર્યને તે, પ્રચ્છન્ન બૌદ્ધ માને છે અને તેમના મતને બૌદ્ધના શૂન્યવાદની ભૂમિકારૂપ ગણે છે. વળી, નારાયણ, વિષ્ણુ, કૃષ્ણ વગેરે પરબ્રહ્મના અંશરૂપ છે તેમ વિજ્ઞાનભિક્ષુ માને છે. તેથી તે, મધ્વ, વલ્લભ, ચૈતન્ય વગેરે કે જેઓ વિષ્ણુ કે કૃષ્ણને જ પરબ્રહ્મ માને છે, તેમનાથી જુદા પડે છે. વિજ્ઞાનભિક્ષુ મોક્ષના સાધન તરીકે પ્રેમલક્ષણા-ભક્તિને સર્વશ્રેષ્ઠ માને છે. ગરુડપુરાણ અને ભાગવતને આધારે તેઓ, ભક્તિનું સ્વરૂપ સમજાવે છે. ભગવાનનાં નામોનું શ્રવણ, તેના ગુણ ગાવા, સેવા કરવી, ભગવત્પ્રેમમાં અશ્રુપાત, રોમાંચ વગેરે ભક્તિનાં લક્ષણો છે.

વિજ્ઞાનભિક્ષુ સમન્વયવાદી આચાર્ય છે. સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક વગેરે દર્શનોનો વેદાન્તદર્શનની સાથે તેમણે સમન્વય કર્યો છે. તેમના મતે બ્રહ્મસૂત્રને માત્ર બૌદ્ધદર્શનની સાથે જ વિરોધ છે. જેમ ગૌડપાદાચાર્યે ઉપનિષદ-દર્શન અને બૌદ્ધવિજ્ઞાનવાદ વચ્ચેનું અંતર ઓછું કર્યું તેમ વિજ્ઞાનભિક્ષુ વેદાન્ત અને સાંખ્ય વચ્ચેનું અંતર દૂર કરવા પ્રયત્ન કરે છે. વિજ્ઞાનભિક્ષુના આ સમન્વયવાદના વલણને આધાર બનાવીને અર્વાચીન વિદ્વાનોએ એ દિશામાં વિચારવું રહ્યું.

લક્ષ્મેશ જોશી