વિજ્ઞાન-નીતિ અને વિજ્ઞાન-વિકાસ – ભારતના સંદર્ભે

February, 2005

વિજ્ઞાન-નીતિ અને વિજ્ઞાન-વિકાસ – ભારતના સંદર્ભે : રોટી, કપડાં, મકાન, શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંચારણ જેવી અન્ય સુવિધાઓને આધારે માણસના ચહેરાને ચમકતો રાખી શકાય તે રીતે વિજ્ઞાનશક્તિના આયોજનની રૂપરેખા. આમ તો, આર્થિક આયોજન અને રાજકીય નીતિના પાયામાં વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી રહેલાં હોય છે. આથી જ તો, ટૅક્નૉલૉજી-આધારિત રાજ્યવ્યવસ્થાને ‘ટેક્નૉક્રસી’ તરીકે ઓળખવામાં આવે છે.

આજે કોઈ પણ પદાર્થ કે ઘટના વિજ્ઞાનના સ્પર્શ વિના સંભવી શકે તેવું નથી. માણસની લગભગ તમામ પ્રવૃત્તિઓ ટૅક્નૉલૉજીના વ્યાપ-વિકાસના દાયરામાં થઈ રહી છે. વિજ્ઞાનની સીમાઓ પરમાણુથી બ્રહ્માંડ સુધી વિસ્તરેલી છે તથા પથ્થર ફેંકવાથી માંડી મિસાઇલ- પ્રમોચનની ટૅક્નૉલૉજી વડે વિશ્વ ધમધમી રહ્યું છે. વિજ્ઞાન અને પ્રગત ટૅક્નૉલૉજીના આધારે માનવીય જીવનશૈલી સદા સલામત રહે તે માટે સુચારુ નીતિ હોવી આવશ્યક છે. રાષ્ટ્રમાં વૈજ્ઞાનિક શ્રેષ્ઠતાને ઉન્નત અને વિકસિત કરવા આયોજન-ક્રમ આવશ્યક છે. ભારતના સર્વાંગી તથા સમતુલિત વિકાસની ભાવનાને નજર સમક્ષ રાખીને 1958માં વિજ્ઞાન-નીતિનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. સમુચિત અમલ સાથે તેને શ્રદ્ધેય બનાવતા પ્રામાણિક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સાથે લોકમાનસમાં વૈજ્ઞાનિક જાગૃતિ આણવાનું તો અભિપ્રેત છે જ.

સમાજના માત્રાત્મક (quantitative) રૂપાંતરણની વૈશ્વિક માન્યતા માત્ર નહિ, પણ વિજ્ઞાનનો ઇતિહાસ તેના ઇષ્ટતમ ઉપયોગ ઉપર આધારિત છે. આ સાથે ટૅક્નૉલૉજી ત્યારે જ અર્થપૂર્ણ બને છે, જ્યારે વિજ્ઞાનનો આત્મા (હાર્દ) પૂર્ણ રીતે સામાજિક અને સાંસ્કારિક તાંતણા સાથે આત્મસાત્ થાય. ટકાઉ વિકાસ માત્ર વિકલ્પ નહિ પણ આહાર, અર્થ અને આરોગ્યની સલામતી માટે અનિવાર્ય આવશ્યકતા બની રહે છે. આ સિદ્ધ થાય તો જ વ્યક્તિ ઉન્નત મસ્તકે રહે છે, ભયરહિત માનસ ધરાવી શકે છે. તો જ ત્યાંથી ભૂખ, ભય, રોગ, નિરક્ષરતાને દેશવટો મળે છે. અર્થાત્ સુચિંતિત વિજ્ઞાન-નીતિનું શુભ પરિણામ સાંપડે છે.

ભૂખ, ગરીબી, અનારોગ્ય, નિરક્ષરતા, અંધશ્રદ્ધા આધારિત રૂઢિઓ, વિઘાતક રિવાજો અને પરંપરાની સમસ્યાઓ વિજ્ઞાનથી હલ કરી શકાય છે. આથી વિજ્ઞાન માત્ર આર્થિક વિકાસના માધ્યમ તરીકે નહિ, પણ માણસને યાતનાઓમાંથી મુક્તિ અપાવનાર માધ્યમ બની શકે છે. સમાજને તે ગુણવત્તા બક્ષે છે. વૈજ્ઞાનિક મિજાજ (temper) અને તેના પ્રત્યેની આસ્થાને મજબૂત કરે છે.

ભારત જેવા વિશાળ રાષ્ટ્રની વિદ્વત્તા, વિચારશીલતા અને સંસ્કારિતાને વિજ્ઞાન-નીતિમાં આમેજ કરવામાં આવ્યાં છે. વૈજ્ઞાનિક સંશોધનની પ્રવૃત્તિ જે સુવાંગ વૈયક્તિક હતી તેને નવી નીતિ દ્વારા સામૂહિક કરવામાં આવી. પ્રયોગશાળાઓને એકબીજા સાથે સંલગ્ન કરવામાં આવી છે. બૃહત્ ક્રમ માટે વિજ્ઞાનની નીતિ નક્કી કરવામાં આવી અને તેની અંતર્ગત ટૂંકા સમયના ગાળે રાષ્ટ્રને વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના માધ્યમથી સ્વનિર્ભર બનાવવાનું જ નક્કી થયું. બ્રિટિશ શાસનકાળમાં લોકોની પ્રગતિ (વિકાસ) અવરોધાય તેવી નીતિ ઘડવામાં આવેલી. તે છતાં, તે સમયે પ્રફુલ્લચંદ્ર રૉય, જગદીશચંદ્ર બોઝ, ચંદ્રશેખર વેંકટરામન્, સત્યેન્દ્રનાથ બોઝ, મેઘનાદ સહા, શિશિરકુમાર મિત્રા જેવા અન્ય વિજ્ઞાનીઓએ શુદ્ધ (સૈદ્ધાંતિક) વિજ્ઞાનના ક્ષેત્રે મહત્વનો ફાળો આપ્યો હતો; પરંતુ આ અરસામાં ઉદ્યોગલક્ષી વ્યવસ્થિત વિજ્ઞાનનો અભાવ હતો.

આઝાદી બાદ તુરત જ, પ્રશાંતચંદ્ર મહાલેનોબિસ, હોમી ભાભા, શાંતિસ્વરૂપ ભટનાગર અને વિક્રમ સારાભાઈ જેવા વિજ્ઞાનીઓએ ભારતમાં વિજ્ઞાનને ઉચિત ઘાટ આપવા વિજ્ઞાન-નીતિ ઘડી કાઢી. 1954માં પરમાણુ-ઊર્જા અધિનિયમ તૈયાર કરવામાં આવ્યો. શાંતિમય હેતુઓ માટે પરમાણુ-ઊર્જા સંબંધે વિજ્ઞાનની નવી નીતિ ઘડી કાઢવામાં આવી. ભારતના સર્વાંગી વિકાસ માટે પરમાણુ-ઊર્જાને પૂરક બને તે રીતે અવકાશ-સંશોધન કાર્યક્રમ અને વિકાસને લગતી નીતિ 1963માં તેની સાથે જોડી દેવામાં આવી. પાયાની સમસ્યાઓના ઉકેલ માટે 1980ના દાયકાથી અવકાશ-ટૅક્નૉલૉજીને પૂર્ણ-ક્રમે કાર્યાન્વિત કરવામાં આવી.

નવી વિજ્ઞાન-નીતિ માટે ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતને અને રામન, ભાભા, સારાભાઈ તથા ડૉ. અબ્દુલ કલામની સ્વદેશી ટૅક્નૉલૉજીના સિદ્ધાંતને આધારસ્તંભ બનાવવામાં આવ્યા છે.

વિકાસ માટે રાષ્ટ્રીય આયોજન સમિતિ(પાછળથી પંચ)નું ગઠન કરવામાં આવ્યું. મેઘનાદ સહા, હોમી ભાભા, શાંતિસ્વરૂપ ભટનાગર જેવા ટોચના વિજ્ઞાનીઓ અને શ્રી વિશ્ર્વેસરૈયા જેવા ઇજનેરોનો આ સમિતિમાં સમાવેશ કરવામાં આવેલો. ભાઈકાકાએ સમિતિમાં રહીને નહિ પણ નોકરી દ્વારા સિંચાઈ ક્ષેત્રે ઠીક ઠીક યોગદાન કરેલું. રાષ્ટ્રના નવનિર્માણ માટે તે સમયના રાજકારણીઓએ વિજ્ઞાનીઓ સાથે ઉષ્માભર્યા સંબંધો સ્થાપિત કર્યા હતા. તેને પરિણામે પ્રાકૃતિક અને માનવીય સંસાધનોના અસરકારક વ્યવસ્થાપન (management) માટે વિજ્ઞાન-નીતિનો ક્રમશ: ઉદ્ભવ થયો. તે સાથે શિક્ષણ, વિજ્ઞાન, ટૅક્નૉલૉજી તથા ઉદ્યોગોમાં સંશોધન અને વિકાસ-(R & D)નો આર્થિક વિકાસ અને સમૃદ્ધિ માટે ઉપયોગ શરૂ થયો.

આધુનિક ભારતની વિજ્ઞાન-નીતિનું નીચેના પાયા ઉપર ચણતર કરવાનું ઉચિત સમજાયું છે.

ગાંધી વિચારધારા દ્વારા ગૃહ અને નાના ઉદ્યોગો અને ગ્રામીણ વિકાસ સાધવો. તે માટે સ્થાનિક રીતે પ્રાપ્ય સંસાધનો અને કૌશલ્યનો ઉપયોગ કરી ગરીબીનું નિવારણ કરવું અને ગ્રામજીવનને બહેતર બનાવવું.  ગાંધીજીની આ વિચારધારાને ખાદી અને ગ્રામોદ્યોગ પંચ તથા સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી પ્રોત્સાહન મળી રહ્યું છે. ખાલી થતાં ગામડાં અને શહેરોના રાક્ષસી કદમાંથી ઉદ્ભવતી સમસ્યાઓને હલ કરવાનું મૂળ આ વિચારધારાના પરિપ્રેક્ષ્યમાં જોઈ શકાય.

ભારત સરકારે શૈક્ષણિક તંત્રના વિસ્તરણ સાથે સંશોધન અને વિકાસતંત્રનું સર્જન કર્યું. આને આધારે ભારત વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના ક્ષેત્રે લાયકાત અને પ્રશિક્ષણ પામેલી માનવશક્તિ તરીકે આગળ આવી રહ્યું છે. વિજ્ઞાનના વિકાસ માટે સરકારે યોગ્ય પ્રયાસો કર્યા છે, જ્યારે ઉદ્યોગો આપમેળે વિકાસ પામ્યા. પણ દેશમાં ટૅક્નૉલૉજીના પાયાને મજબૂત કરવાના જૂજ પ્રયત્નો થયા છે. રિઍક્ટર ટૅક્નૉલૉજી અને અંતરીક્ષ વિજ્ઞાન ટૅક્નૉલૉજી અપવાદરૂપ રહી છે.

ભારતના ઉદ્યોગપતિઓએ દેશમાં ઔદ્યોગિક વિકાસનું આયોજન કર્યું. સરકાર અને ખાનગી સાહસોએ ભારે ઉદ્યોગોની સ્થાપના કરી, પણ આ બધું મહદંશે વિદેશી ટૅક્નૉલૉજીને આધારે શક્ય બન્યું.

આઝાદી બાદ ગાંધી વિચારધારા; શિક્ષણ, સંશોધન તથા વિકાસ અને ટૅક્નૉલૉજીના ઉત્કર્ષના ખ્યાલોનું સંકલન કરવામાં આવ્યું. તે સમયની મિશ્ર આર્થિક નીતિ જેવો આ અભિગમ હતો.

આ રીતે ભારતની વિજ્ઞાન-નીતિનું આયોજન કરીને તેને સૂત્રબદ્ધ કરવામાં આવી. વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીને કામે જોતરવાનો આ નીતિનો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે; વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીનાં પરિણામોને પ્રજાજીવનમાં આમેજ કરવાં અને સામાજિક પ્રક્રિયાઓને વિજ્ઞાનમાં સામેલ કરવી. આમ થાય તો વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીની શક્તિ પ્રત્યે આત્મવિશ્ર્વાસને પ્રોત્સાહન મળે. આ રીતે ભારતે છેલ્લાં 50 વર્ષમાં કૃષિક્ષેત્રે સ્વાવલંબન સિદ્ધ કર્યું છે. પરમાણુ-ઊર્જા, અવકાશવિજ્ઞાન, સમુદ્રવિજ્ઞાન અને કેટલાક ઉદ્યોગોમાં શ્રેષ્ઠતા સિદ્ધ કરી છે. સૉફ્ટવેર અને ઇલેક્ટ્રૉનિક્સ-ક્ષેત્રે ભારત ઘણી સારી કાબેલિયત ધરાવે છે. વ્યાવસાયિક ઇલેક્ટ્રૉનિક સામગ્રી, સંદેશાવ્યવહાર, નાગરિક ઉડ્ડયન અને સંરક્ષણક્ષેત્રે તેણે નોંધપાત્ર વિકાસ કર્યો છે. સ્વસંચાલિત ઘટકો, ઇજનેરી, રાસાયણિક, પૉલિમર્સ અને તેને સંલગ્ન ઉત્પાદનો, જર-ઝવેરાત, હસ્તકલા, આહારપ્રક્રિયા, શણ અને ખનિજોની નિકાસ માટે ભારતે વિશાળ પાયે શક્તિ પ્રાપ્ત કરી છે.

ભારતની વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીની પ્રગતિ ઉપર વિદેશી વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના પ્રભાવ હોવા સાથે ભારતીય જનજીવનના સંદર્ભમાં પણ તેનો વિકાસ કરવામાં આવ્યો છે. તે રીતે ભારતે આત્મનિર્ભરતાની દિશામાં પ્રગતિ કરી છે.

આઝાદી પછી તરત જ ભારતમાં R & Dની જે યોજનાઓ અને સંગઠનો અસ્તિત્વમાં આવ્યાં તેમાં મહદંશે બ્રિટનની પદ્ધતિઓનો પ્રભાવ રહ્યો છે; જેમ કે, કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક રિસર્ચ (CSIR), ભારતીય કાઉન્સિલ ઑવ્ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ (ICAR), ભારતીય કાઉન્સિલ ઑવ્ મેડિકલ રિસર્ચ (ICMR) અને વિવિધ ક્ષેત્રે સ્થપાયેલી રાષ્ટ્રીય પ્રયોગશાળાનું સ્વરૂપ બ્રિટનની સંસ્થાઓ જેવું રહ્યું છે.

તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR), ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર (BARC), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ્સ ઑવ્ ટૅક્નૉલૉજી(IITs)ની રચના અમેરિકન પરિરૂપ પ્રમાણે થઈ છે.

ભારતીય પ્રજાજીવન માટે જરૂરી વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી પરત્વે આ બધાંનું સંકલન થાય તે પણ જરૂરી છે. આજે તો ભારતની વિજ્ઞાન-નીતિ સફળ રહી છે.

ભારત વિજ્ઞાનક્ષેત્રે ત્રિભેટે ઊભું છે. આત્મનિર્ભરતા તેને માટે અનિવાર્ય અને આખરી આશય છે. ટૅક્નૉલૉજી બનાવવાની અને ખરીદવાની બેધારી નીતિ ભારતે અખત્યાર કરી છે. એટલે કે મોટાભાગની ટૅક્નૉલૉજી સ્થાનિક રીતે જ તૈયાર કરવી અને અનિવાર્ય હોય ત્યાં જ વિદેશોથી ટૅક્નૉલૉજી મંગાવવી, પણ ભારતની વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીની નીતિને લકવો થાય તેટલી હદે વિદેશ ઉપર આધાર રાખવો નહિ. ગાંધીજી, સી. વી. રામન, હોમી ભાભા અને વિક્રમ સારાભાઈ આત્મનિર્ભર નીતિના પ્રબળ પુરસ્કર્તા હતા. પરમાણુ-ઊર્જા, અવકાશ-સંશોધન, કૃષિવિજ્ઞાન અને તબીબી વિજ્ઞાનના ક્ષેત્રે આ સિલસિલો ચાલુ છે તે એક શુભસંકેત છે.

વિજ્ઞાનના શિક્ષણ અને સંશોધનને ઉત્તેજન આપવા વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી પાછળ 2002-03માં 1465 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવેલું. તે 1997-98ના બજેટ કરતાં બમણું હતું. તેની અંતર્ગત ફેલોશિપ-શિષ્યવૃત્તિઓની સંખ્યા વધારી, વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીનું નિમ્ન માળખું મોટું કરવામાં આવ્યું, સંશોધન અને વિકાસના પ્રકલ્પો વધાર્યા અને કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ(CSIR)ના ઉપક્રમે કામ કરતી પ્રયોગશાળાઓની સંખ્યા વધારી તથા જે હતી તેમને આધુનિક બનાવાઈ.

નવીનતાલક્ષી પ્રાણ પૂરવો અને પ્રગટાવવો એ વિજ્ઞાનની નવી નીતિનો પાયો છે. ધરમૂળ નવીનીકરણ માટે નૅશનલ ઇનૉવેશન ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી. તેજસ્વી યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે ‘કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન આયોજન (KVPV)’ શરૂ કરવામાં આવ્યું. નાનાં ભૂલકાંઓમાં વિજ્ઞાન-તરફી મિજાજ કેળવાય તે માટે ‘ચિલ્ડ્રન સાયન્સ કાગ્રેસ’નું આયોજન કરવામાં આવ્યું. નોબેલ પુરસ્કાર-વિજેતાઓ સાથે યુવા-વિજ્ઞાનીઓ આંતરક્રિયા કરી શકે તેવી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે પણ જરૂરી આયોજન કરવામાં આવ્યું.

સમાજના નબળા વર્ગોના ઉત્કર્ષ માટે તથા મહિલાઓને કઠોર પરિશ્રમમાંથી રાહત મળે તેવી યોજના કરી. તેમાં મહિલા ટૅક્નૉલૉજી પાર્ક, ગ્રામીણ ટૅક્નૉલૉજી પાર્ક અને મહિલા બાયૉટૅક્નૉલૉજી પાર્કની સ્થાપના કરવામાં આવી. દૂર-દૂરના વિસ્તારોમાં ટૅક્નૉલૉજી-કેન્દ્રો ઊભાં કરવામાં આવ્યાં. માહિતીથી વંચિત વર્ગો માટે નિદર્શનના કાર્યક્રમો યોજવાનું નક્કી થયું. વિજ્ઞાનના વ્યવસાયમાં મહિલાઓના પ્રવેશ માટે શિષ્યવૃત્તિઓ દાખલ કરવામાં આવી. સંકલિત ગ્રામીણ વિકાસ કાર્યક્રમ દ્વારા આજીવિકાનાં સંસાધનોની તકો ઊભી કરીને જીવનધોરણમાં સુધારો કરવાના આશયથી વિવિધ નાની-મોટી યોજનાઓ શરૂ કરી.

પરંપરાગત જ્ઞાન (ડહાપણ) અને આધુનિક વિજ્ઞાન અન્યોન્ય પોષક બને તેવી પૂરક ભૂમિકા તૈયાર કરવા, જૈવસક્રિય અણુઓનો ચિકિત્સાવિજ્ઞાન તરીકે વિકાસ સાધી ભારતની પ્રજા માટે વધુમાં વધુ ફાયદા ઉઠાવવા યુનિવર્સિટીઓ તથા સંશોધન-સંસ્થાઓ વચ્ચે સહયોગ કરવામાં આવ્યો છે; જેથી ક્ષયરોગ, મલેરિયા, ડાયાબીટિસ જેવા રોગો ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળી રહે. માણસની સંજનીન માહિતી મેળવવા તથા ભારતની વિવિધ જનીનિક-સંપદાનો ઉપયોગ કરી નવાં સંજનીનિક ઔષધો ઉત્પન્ન કરવા પ્રયોગશાળાઓ તથા સંસ્થાઓને સજ્જ કરવામાં આવી. આ સાથે ભારતના પરંપરાગત જ્ઞાન (માહિતી) તથા આધુનિક તબીબી વિચારોનો સમન્વય કરવામાં આવ્યો.

સમાજના આર્થિક અને સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ માટે નવી ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરવાનું નિર્ધારિત કર્યું. ‘હંસ’ અને ‘સારસ’ જેવાં ટૂંકા અંતરો માટેનાં ઍરક્રાફ્ટ તૈયાર કરીને નાગરિક ઉડ્ડયન ઉદ્યોગને ઉત્તેજન આપવામાં આવી રહ્યું છે. વિવિધ રસીઓ, નૈદાનિક ઉત્તક સંવર્ધન, જૈવ ખાતરો, જૈવ ઉપચાર વગેરેના વ્યાપારીકરણ માટે ઉદ્યોગોને સ્થળાંતર (transfer) કરાવવામાં આવી રહ્યું છે. બૅક્ટેરિયા અને વાયરસ-મુક્ત પાણી માટે નૅનો-ફિલ્ટર પ્રયુક્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે, પ્રતિમલેરિયા અને અસ્થમાનાં ડ્રગ્ઝ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. સસ્તાં આયકોનચાલિત કમ્પ્યૂટર-જેને સિમ્પ્યૂટર કહે છે-નો વિકાસ કરવામાં આવ્યો છે. ગ્રામીણ વિસ્તારો માટે સાનુકૂળ પર્યાવરણ, સક્ષમ નરમ કોકનું ઉત્પાદન શક્ય બનાવ્યું છે. રસીઓ બનાવવા માટેની ટૅક્નૉલૉજી અને જનીનિક ઇજનેરીથી મૌખિક કૉલેરા-રસી વિકસાવવામાં આવી રહી છે.

ભારતીય વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના ક્ષેત્રે વૈશ્વિક નેતૃત્વનું સ્થાન સિદ્ધ કરવા ટૂંક સમયમાં કેટલાક પ્રકલ્પો મારફતે સંખ્યાબંધ સંશોધન અને વિકાસ-સંસ્થાઓને આવરી લેવાનો ઉપક્રમ છે. ઉદ્યોગ સાથે ભાગીદારી કરી ટૅક્નૉલૉજીનું મોટું વર્ણપટ તૈયાર કરવામાં આવ્યું છે; જેમ કે, કૅન્સર, ડાયાબીટિસ, પ્રતિમલેરિયલ અદ્યતન ડ્રગ્ઝ વહેંચણી-તંત્ર રચવામાં આવ્યું છે. પેટ્રોલના સ્થાને પુન:પ્રાપ્ય કાર્બોહાઇડ્રેટોનો ઉપયોગ કરવો; જૈવ-માહિતીશાસ્ત્ર માટે સર્વતોમુખી, સસ્તાં અને ફેરવી શકાય તેવાં પીસી-આધારિત સૉફ્ટવેર તૈયાર કરવાં; દૂર દૂરના વિસ્તારોને સારો પાવર મળી રહે તે માટે કૃષિ-આલ્કોલ્સ-આધારિત વિકેન્દ્રિત પાવર-પૅક્સ તૈયાર કરવાં; અજોડ કામગીરી માટે સપાટ પૅનલડિસ્પ્લે પ્રયુક્તિઓ માટે પ્રવાહી સ્ફટિક; અવકાશ અને સંરક્ષણવિભાગ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્ષમતા ધરાવતી માઇક્રોવેવ ટ્યૂબો, હિંદ મહાસાગરમાં 2 કિલોમિટર ઊંડાઈ સુધી તાપમાન અને ખારાશની માહિતી મેળવવાના વ્યવસ્થા-તંત્ર માટે CSIR, DAE, S & T, DBT વગેરે વિભાગોને જરૂરિયાત પ્રમાણે વિસ્તારવામાં આવ્યા છે. રાજ્ય અને રાષ્ટ્રીય વિજ્ઞાન તથા ટૅક્નૉલૉજી મિશનો, વિઝન 2020 નૅશનલ ટૅક્નૉલૉજી મિશનની ગોઠવણી કરવામાં આવી છે.

વિજ્ઞાન-નીતિમાં (1) કૃષિવિષયક ઉત્પાદકતા અને પર્યાવરણીય ગતિવિજ્ઞાન, (2) જનસંખ્યા, ગતિવિજ્ઞાન અને આર્થિક સલામતી, (3) સુવાંગ શિક્ષણ અને સ્વાસ્થ્ય-તકેદારી, (4) જીવનની ગુણવત્તા સામે પડકારો અને ભવિષ્ય, (5) અન્ન-આહાર સલામતી, (6) સંચારણ-ક્રાંતિ અને માહિતી-પ્રૌદ્યોગિકી (IT), (7) ઔદ્યોગિક વિસ્તરણ અને આર્થિક સલામતી, (8) આરોગ્યની સુરક્ષા, (9) નીતિવિષયક મુદ્દાઓ, (10) ભારતના ઉદ્યોગોની સ્થિતિ, (11) આંતરરાષ્ટ્રીય પરિશ્ય વગેરેનો સમાવેશ થાય છે.

પ્રહલાદ છ. પટેલ