વિજયાદિત્ય (શાસનકાળ ઈ. સ. 696-733) : ચાલુક્ય વંશનો રાજા અને વિનયાદિત્યનો પુત્ર. વિનયાદિત્યના અવસાન પછી તે ગાદીએ બેઠો. તે ‘સત્યાશ્રય’, ‘સમસ્તભુવનાશ્રય’ અને ‘શ્રીપૃથ્વીવલ્લભ’ ઉપરાંત તેના પિતા અને પિતામહના શાહી ખિતાબો ધરાવતો હતો. તેનો શાસનકાળ ઘણુંખરું શાંતિનો સમય હતો; પરંતુ પલ્લવો સાથે તેને સંઘર્ષ થયો હતો. તેમાં ઘણુંખરું તે આક્રમક હતો. તેણે યુવરાજ વિક્રમાદિત્ય બીજાને પલ્લવો ઉપર ચડાઈ કરવા મોકલ્યો હતો અને તેની સત્તા હેઠળ કાંચી આવી ગયું હતું. વળી તેણે પલ્લવ રાજા પરમેશ્વરવર્મા-બીજા પાસેથી ખંડણી લીધી હતી. આ બનાવ ઈ. સ. 731ના અરસામાં બન્યો હતો.

તેણે બિજાપુર જિલ્લામાં પટ્ટદકલમાં વિજયેશ્વર (હવે તે સંગમેશ્વર કહેવાય છે) નામથી એક ભવ્ય શિવાલય બંધાવ્યું હતું. તેને જૈન-ધર્મ પ્રત્યે સહાનુભૂતિ હતી અને જૈન આચાર્યોને ગ્રામદાન કર્યાં હતાં. તેની બહેને લક્ષમેશ્વરમાં જૈન દેરાસર બંધાવ્યું હતું.

વિજયાદિત્યના શાસનકાળમાં આશરે 731-32માં લાટ પ્રદેશનો વાઇસરૉય જયાશ્રય મંગલરાજ હતો.

જયકુમાર ર. શુક્લ