વિજયાકુમારી, ડી. એલ. (શ્રીમતી) (જ. 14 ઑક્ટોબર 1952, યેલન્દુર, જિ. મૈસૂર, કર્ણાટક) : કન્નડ કવયિત્રી અને લેખિકા. તેઓ ઘણી સાહિત્યિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે સંકળાયેલાં રહ્યાં છે.

તેમણે અત્યાર સુધીમાં 12 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘અંતરંગદા મૃદંગ’ (1989); ‘ઓલારાગ’ (1991); ‘બડુકિના બન્નાગલુ’ (1993); ‘શિશુગણ’ (1993) તેમના લોકપ્રિય કાવ્યસંગ્રહો છે. ‘બંડનાડ હક્કી’ (1990); ‘અગ્નિધારિણી’ (1991); ‘ચદુરિડા ચિત્તારા’ (1994) અને ‘સિનેમાતરે’ (1995) નામની તેમની નવલકથાઓ જાણીતી છે.

તેમના આ સાહિત્યિક પ્રદાન બદલ તેમને કુવેમ્પુ સાહિત્ય પ્રશસ્તિ તથા ડૉ. શિવરામ કારંથ યુવા પ્રતિભા ઍવૉર્ડ આપવામાં આવ્યાં છે.

બળદેવભાઈ કનીજિયા