વિજયા
February, 2005
વિજયા (જ. 1942, દેવનગર, કર્ણાટક) : કન્નડ નાટ્યકાર, પત્રકાર અને વિવેચક. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી કન્નડમાં એમ.એ.ની પદવી મેળવી (1982). હાલ તેઓ કન્નડ દૈનિકોના ઉદયવાણી જૂથના મદદનીશ સંપાદક તરીકે કાર્યરત છે. વળી તેઓ કર્ણાટક ફિલ્મ જર્નાલિસ્ટ્સ ઍસોસિયેશનના પ્રમુખ છે.
વિજયાએ ખાસ કરીને ભારતીય સમાજમાં સ્ત્રીઓની દુર્દશા પ્રત્યેની તેમની ચિંતા વ્યક્ત કરતો ઉદ્દેશ બર લાવતાં નાટકો લખીને કર્ણાટકમાં શેરી-મંચ આંદોલનમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. સામાન્ય માનવીમાં જાગૃતિ લાવવાનો હેતુ પાર પાડે તેવાં શેરી-નાટકો યોજવાનો તેમનો પ્રયત્ન પણ સ્તુત્ય છે. આ સંઘમાં નાટકો એકત્ર કરીને 1982માં ‘ઇલુ નાટકમલુ’ શીર્ષક હેઠળ પ્રગટ કરવામાં આવ્યાં છે. તે કૃતિને કન્નડ સાહિત્ય અકાદમી તરફથી ઇનામ પ્રાપ્ત થયું હતું.
1973 અને 1978 વચ્ચે સ્થાનિક માસિક માટે લખેલા કટારલેખોનો સંગ્રહ તે ‘મતિનિન્દા લેખાનિગે’ છે. તેમણે ‘સન્ના કતેયા સોગાસુ’ દ્વારા ટૂંકી વાર્તામાં નાવીન્ય લાવવાનો પ્રયત્ન કર્યો છે. તાજેતરમાં તેઓ નાટ્ય અકાદમી માટે ‘હુઝ હુ ઇન કન્નડ થિયેટર’નું સંપાદન કરી રહ્યાં છે. તે ઉપરાંત તેઓ એસ. એલ. ભૈરપ્પાની નવલકથા ‘પર્વ’ અને સ્વ. કન્નડ નવલકથાકાર ‘ઇનામદાર’ અંગેના લેખોનો સંગ્રહ; તેમજ ખ્યાતનામ કન્નડ ચિત્રકાર અને નાટ્યકાર એ. એન. સુબ્બારાવ અંગેના પુસ્તકના સંપાદનકાર્યમાં વ્યસ્ત છે.
બળદેવભાઈ કનીજિયા