વિજયવિલાસમુ : હૃદયોલ્લાસ વ્યાખ્યા (17મી સદી) : ચેળકુરા વેંકટ કવિના પ્રખ્યાત પ્રબંધકાવ્ય ‘વિજયવિલાસમ્’ પરનું ઉત્તમ વિદ્વત્તાપૂર્ણ વિવેચન. આ વિવેચન તેલુગુના ખ્યાતનામ લેખક, પત્રકાર અને વિવેચક થાપી ધર્મરાવ (જ. 1887) દ્વારા થયું છે. આ કાવ્યકૃતિ તેલુગુ સાહિત્યમાં એક ઉત્તમ કૃતિ ગણાય છે. દ્રૌપદીના ખંડમાં ઘૂસી જવાના પ્રાયશ્ચિત્ત રૂપે વિશ્વની પરિક્રમામાં પાંડવવીર અર્જુનના ભાવનાપ્રધાન સ્વૈરવિહાર સાથે અલંકૃત શૈલીના વિવિધ પ્રકારો અને અલંકારોની લાવણ્યમય ગૂંથણીનું દર્શન કવિએ તેમાં કરાવ્યું છે.

તેના વિવેચક થાપી ધર્મરાવે કાવ્યને તેના પાઠ પ્રમાણે સંપૂર્ણ સ્વરૂપે રજૂ કરીને મૂળ પાઠનાં ભિન્ન ભિન્ન રૂપોની સમજૂતી આપી છે. વળી કાવ્યના દરેક શબ્દનો અર્થ આપીને તેનું વિશિષ્ટ લક્ષણ વાચક સમક્ષ રજૂ કર્યું છે. આમ આ કૃતિને વિચારગર્ભ અને માહિતીપ્રદ વિવેચન સાંપડ્યું છે. તેથી વિવેચકે યોગ્ય રીતે તેને ‘હૃદયોલ્લાસ વ્યાખ્યા’ એવું નામ આપ્યું છે.

આ કૃતિને 1971ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમાંની તેમની પ્રકાંડ વિદ્વત્તા, તેમના ઝીણવટભર્યા સુંદર વિવરણ તેમજ સમ્યગ મૂલ્યાંકનને કારણે આ કૃતિ તેલુગુ સાહિત્યમાં એક ઉત્તમ પ્રદાનરૂપ છે.

બળદેવભાઈ કનીજિયા