વિજયરાઘવાચારી, સી.
February, 2005
વિજયરાઘવાચારી, સી. (જ. 18 જૂન 1852, પોન વિલેઇન્ધ કાલાતુર, જિ. ચિંગલપુટ, તમિલનાડુ; અ. 19 એપ્રિલ 1944, સાલેમ) : 1920માં ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસની નાગપુર બેઠકના અને 1931માં ઑલ ઇન્ડિયા હિંદુ મહાસભાની અકોલા બેઠકના પ્રમુખ. તેમનો જન્મ ધર્મચુસ્ત વૈષ્ણવ સંપ્રદાયના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા સદાગોપાચારી અને માતા કન્કાવલ્લી અમ્મલનાં બાર સંતાનોમાંના એક હતા. તેમના પિતાનો વ્યવસાય પુરોહિતનો હતો. તેઓ ધાર્મિક જીવન જીવતા હોવાથી તેમના પુત્રને ધાર્મિક પરંપરા મુજબ ઉછેરવા માગતા હતા. તેથી વિજયરાઘવાચારીને ગામની વેદ પાઠશાળામાં મોકલવામાં આવ્યા. 1870માં તેમણે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી અને મદ્રાસ પ્રેસિડેન્સી કૉલેજમાંથી 1875માં ગ્રૅજ્યુએટ થયા.
મદ્રાસ પ્રેસિડેન્સી કૉલેજમાં 1875માં વ્યાખ્યાતા તરીકે તેમની નિમણૂક કરવામાં આવી, ત્યાંથી તેમની બદલી ગવર્નમેન્ટ કૉલેજ, મૅંગલોરમાં થઈ. ત્રણ વર્ષ બાદ ત્યાંથી રાજીનામું આપીને તેઓ સાલેમ મ્યુનિસિપલ કૉલેજમાં અંગ્રેજી અને ગણિતશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે જોડાયા. તે દરમિયાન તેમણે કાયદાની પરીક્ષા પાસ કરી અને 1881માં વકીલાત શરૂ કરી.
તેઓ એક સમર્થ વકીલ અને સાલેમના વકીલોના આગેવાન હતા. સાલેમમાં વકીલાત શરૂ કર્યા પછી, થોડા સમયમાં 1882માં ત્યાં હિંદુ-મુસ્લિમ હુલ્લડ થયું તેમાં તેમને સંડોવવામાં આવ્યા; પરંતુ અદાલતમાં તે આરોપો વિરુદ્ધ તેમણે સખત લડત આપી અને નિર્દોષ છૂટ્યા. હુલ્લડમાં સંડોવવામાં આવેલા બીજા આરોપીઓને પણ તેમણે નિર્દોષ છોડાવ્યા.
સાલેમના 1882ના હુલ્લડે તેમને એકાએક પ્રસિદ્ધિ અપાવી. તેમને ‘હીરો ઑવ્ સાલેમ’ તથા ‘દક્ષિણ ભારતના સિંહ’ તરીકે લોકો ઓળખવા લાગ્યા. 1885માં ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસની સ્થાપના થઈ ત્યારે વિજયરાઘવાચારીને વિશિષ્ટ વ્યક્તિ તરીકે નિમંત્રણ મળ્યું. ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસના સ્થાપક એ. ઓ. હ્યુમના તેઓ નિકટના સાથી હતા. કૉંગ્રેસની મુંબઈની બેઠકમાં તેમણે હાજરી આપી અને ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસનું બંધારણ ઘડવાની સમિતિમાં 1887માં તેમને સભ્યપદે નીમવામાં આવ્યા. ત્યારથી વિજયરાઘવાચારી એક સન્નિષ્ઠ સ્વાતંત્ર્યસેનાની બન્યા. કૉંગ્રેસનાં શરૂઆતનાં વરસોમાં તેમની સલાહ લેવામાં આવતી. કૉંગ્રેસની શરૂઆતની પ્રવૃત્તિઓમાં દાદાભાઈ નવરોજી, ટિળક, ગોખલે, હકીમ અજમલખાન, લાલા લજપતરાય વગેરે તેમના સાથીઓ હતા. 1899માં કૉંગ્રેસની પ્રચારસમિતિમાં તેઓ નિમાયા અને કૉંગ્રેસનો સંદેશો તેમણે લોકોમાં પહોંચાડ્યો.
કૉંગ્રેસમાં સૂરત મુકામે ભંગાણ પડ્યું ત્યારે કેટલાંક વરસ તેઓ પક્ષથી અલગ રહ્યા. ગાંધીજી કૉંગ્રેસમાં સક્રિય થયા પછી વિજયરાઘવાચારીએ ઉત્સાહપૂર્વક કામ કરવા માંડ્યું. 1920માં કૉંગ્રેસની નાગપુરમાં મળેલી બેઠકના પ્રમુખપદે તેઓ ચૂંટાયા. તે સમયે ગાંધીજીના અસહકારના ઠરાવ પર ચર્ચા કરીને મંજૂર કરવામાં આવ્યો હતો. સાયમન કમિશનનો વિરોધ કરવામાં પણ તેઓ મોખરે હતા. મોતીલાલ નહેરુના અધ્યક્ષપદે ભારતનું સૂચિત બંધારણ ઘડવા કાગ્રેસે નીમેલી સમિતિમાં તેમણે સક્રિય ભાગ ભજવ્યો હતો. ભારતની મડાગાંઠમાં દરમિયાનગીરી અને લવાદી કરવા તેમણે રાષ્ટ્રસંઘને વિનંતી કરી હતી.
ઈ. સ. 1882માં સાલેમ મ્યુનિસિપલ કાઉન્સિલના સભ્ય બનીને તેમણે જાહેર જીવનનો આરંભ કર્યો. 1895માં ચેન્નાઈ(મદ્રાસ)ની વિધાન પરિષદમાં તે ચૂંટાયા અને 1901 સુધી, 6 વર્ષ માટે ત્યાં સેવા આપી. ઈ. સ. 1913માં તેઓ કેન્દ્રની વિધાનપરિષદમાં ચૂંટાયા અને 1916 સુધી તેના સભ્યપદે રહ્યા. દિલ્હીમાં મદનમોહન માલવીય, સુરેન્દ્રનાથ બૅનરજી અને ગોપાલકૃષ્ણ ગોખલે જેવા મહાન નેતાઓ સાથે તેમણે કામ કર્યું હતું.
વિજયરાઘવાચારી સ્ત્રીની પ્રજનનક્ષમ અવસ્થા (post-puberty) પછી લગ્ન, પિતાની મિલકતમાં પુત્રીનો ભાગ, હિંદુ કાયદામાં આવશ્યક સુધારા તથા દલિત વર્ગોના ઉત્કર્ષના હિમાયતી હતા. સ્વામી શ્રદ્ધાનંદની અસ્પૃશ્યતા-વિરોધી પ્રવૃત્તિમાં તેઓ ઘણો રસ લેતા હતા. તેમના સંબંધને કારણે હિંદુ મહાસભાના સંગઠનમાં તેમણે ભાગ લીધો હતો અને 1931માં અકોલા મુકામે ઑલ ઇન્ડિયા હિંદુ મહાસભાની બેઠકનું પ્રમુખપદ સંભાળ્યું હતું.
તેઓ શાહીવાદના વિરોધી અને રાષ્ટ્રવાદના પુરસ્કર્તા હોવા છતાં ભારતમાં શાહીવાદના પ્રતિનિધિ સમાન કેટલાક ગવર્નરો અને વાઇસરૉય સાથે તેમને મૈત્રી હતી. એવી રીતે ભારત પ્રત્યે સદ્ભાવ દાખવનારા અંગ્રેજો સી. એફ. એન્ડ્રૂઝ, એ. ઓ. હ્યુમ, શ્રીમતી ઍની બેસન્ટ અને ચાર્લ્સ બ્રેડલો સાથે પણ તેમને ગાઢ સંબંધો હતા.
તેમના અવસાન બાદ, તેમના સ્મારક તરીકે સાલેમમાં મેમૉરિયલ લાઇબ્રેરી અને લેક્ચર હૉલ્સનું અલગ મકાન બંધાવીને તેમના ગ્રંથોનો કીમતી સંગ્રહ સાચવવામાં આવ્યો છે અને સાલેમના લોકો તેનો લાભ લે છે.
જયકુમાર ર. શુક્લ