વિજયરક્ષિત : આયુર્વેદીય ટીકાકાર. આયુર્વેદવિજ્ઞાનમાં ‘લઘુત્રયી’માં ગણાતા, આયુર્વેદમાં રોગનિદાનના સર્વશ્રેષ્ઠ ગ્રંથ તરીકે જાણીતા ‘માધવનિદાન’ની રચના આયુર્વેદ પંડિત શ્રી માધવકરે કરેલી છે. આ પુસ્તક સંસ્કૃત ભાષામાં ચરક-સુશ્રુત તથા વાગ્ભટ્ટના ગ્રંથોના શ્લોકોના સંકલનથી બનેલું છે. આ ‘માધવનિદાન’ ગ્રંથ ઉપર વિજયરક્ષિત અને તેમના શિષ્ય શ્રીકંઠે ‘મધુકોશ’ નામની સુંદર ટીકા લખીને, ગ્રંથને સુબોધ-સરળ બનાવેલ છે. વિજયરક્ષિતની વિદ્વત્તા એમની ટીકામાં પદે પદે દેખાય છે. તેમની ટીકાના આધારે કહી શકાય કે તેમણે આયુર્વેદની મૂળ (વૃદ્ધત્રયી) સંહિતાઓમાં ઊંડું અવગાહન (ચિંતન-દોહન) કરેલું છે. તેઓ શિવભક્ત હતા. વિજયરક્ષિતજી ‘અશ્મરી (પથરી) રોગ’ સુધી જ ટીકા લખી શકેલ. તે પછી તેમનું અવસાન થતાં, ગુરુનું અધૂરું કાર્ય તેમના સુયોગ્ય શિષ્ય શ્રીકંઠ દત્તે પૂરું કરીને, ટીકા પૂરી કરેલી. વિજયરક્ષિતને આયુર્વેદના ઇતિહાસકારો બંગદેશીય (બાંગલા) માને છે. તેમની ટીકાથી ગુરુ-શિષ્ય બંને પ્રખર પંડિતો હોવાનું પણ મનાય છે. તેઓ આયુર્વેદ ઉપરાંત વ્યાકરણ, સાહિત્ય, મીમાંસા અને ન્યાયશાસ્ત્રમાં પણ નિપુણ હતા. આયુર્વેદના ઇતિહાસકારો વિજયરક્ષિત અને શ્રીકંઠ દત્ત ઉભયનો સમયકાળ બારમી શતાબ્દીનો માને છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા