વિજયનગર સામ્રાજ્ય
February, 2005
વિજયનગર સામ્રાજ્ય
ઈસુની ચૌદમી સદીના પૂર્વાર્ધમાં દક્ષિણ ભારતમાં, માધવ વિદ્યારણ્ય નામના વિદ્વાન સંન્યાસીની પ્રેરણાથી, પરધર્મીઓની ધૂંસરીમાંથી દેશને મુક્ત કરવા, હરિહર અને બુક્ક નામના ભાઈઓએ સ્થાપેલું હિંદુ રાજ્ય. દિલ્હીના સુલતાન મોહમ્મદ તુગલુક વતી ગુંદી પ્રદેશના વહીવટદાર હરિહરનો રાજ્યાભિષેક ઈ. સ. 1336માં કરી, તે જ દિવસે તુંગભદ્રા નદીને કિનારે તથા ગુંદી(હૈદરાબાદ રાજ્યમાં રાયચૂર જિલ્લામાં – હાલના આંધ્રપ્રદેશમાં)ના કિલ્લાની સામે વિજયનગર પાટનગરનો પાયો નાખવામાં આવ્યો. તેનું નિર્માણકાર્ય 1343માં સંપન્ન થયું.
સંગમ વંશ : હરિહર પહેલો (ઈ. સ. 1336-1357) : હરિહર અને બુક્ક યાદવ વંશના કોઈ એક સંગમના પુત્રો હોવાથી તેમનો વંશ સંગમ વંશ કહેવાયો. હરિહરે તેના ભાઈ બુક્કને યુવરાજ તથા સહશાસક નીમ્યો. હરિહરે 1340ના અંત સુધીમાં તુંગભદ્રાની ખીણ, કોંકણના કેટલાક પ્રદેશો તથા મલબાર કાંઠા ઉપર પોતાની સત્તા સ્થાપી, બંને ભાઈઓએ અગાઉના હોયસલ રાજ્યના પ્રદેશો જીતી લઈને વિજયનગર રાજ્ય સાથે જોડી દીધા. હરિહરના જીવનકાળમાં જ વિજયનગરનું રાજ્ય ઉત્તરમાં કૃષ્ણા નદીથી દક્ષિણમાં કાવેરી સુધી ફેલાયું અને પૂર્વમાં તથા પશ્ચિમમાં સમુદ્રો પર્યન્ત તમામ પ્રદેશનો તેમાં સમાવેશ થઈ ગયો; પરંતુ ઉત્તરે આવેલા બહમની અને વિજયનગરનાં રાજ્યો વચ્ચે પ્રદેશવિસ્તાર માટે સંઘર્ષ ચાલુ રહ્યો હતો. આ બંને રાજ્યો વચ્ચે બે શતાબ્દીથી વધારે સમય સુધી લડાઈઓ ચાલુ રહી તે ઘટના નોંધપાત્ર ગણાય છે.
હરિહર જાતે યુદ્ધોમાં સીધો ભાગ લેતો ન હતો. પરંતુ રાજ્યના સંરક્ષણની કાર્યવહીમાં વ્યસ્ત રહેતો હતો. તેણે રાજ્યને પ્રાંતોમાં વહેંચી રાજકુટુંબના વફાદાર સભ્યોને તેનો વહીવટ સોંપ્યો. મહેસૂલ ઉઘરાવવાની સુવિધા વાસ્તે તેણે સ્થલો, નાડુઓ તથા સીમાઓમાં પ્રાંતોનું વિભાજન કર્યું. જંગલોના વિસ્તારોને ખેતીલાયક બનાવવા તેણે ખેડૂતોને લાભદાયી શરતોથી આપ્યા. તેનાથી રાજ્યની આવક વધી. આમ કાર્યક્ષમ વહીવટી તંત્રની શરૂઆત થઈ અને તે પછીનાં વર્ષોમાં વ્યવસ્થાતંત્ર જળવાઈ રહ્યું.
બુક્ક પહેલો (ઈ. સ. 1357-1377) : હરિહર અપુત્ર હોવાથી તેના પછી તેનો ભાઈ બુક્ક ગાદીએ બેઠો. તેણે અનેક વિજયો મેળવી રાજ્યવિસ્તાર કર્યો. પ્રાંતોના બેકાબૂ બનેલા વહીવટદારોને દૂર કરી, તેના પુત્રોને નીમી તંત્ર અસરકારક બનાવ્યું. તેણે 1360માં તમિળ પ્રદેશ કબજે કર્યો. બહમની સુલતાન સામે તેણે જીત મેળવી, 1365માં તેની સાથે સંધિ કરી, કૃષ્ણા-તુંગભદ્રાના દોઆબનો કબજો બુક્કે મેળવ્યો. મદુરાનો સુલતાન ત્યાંના હિંદુઓ પર જુલમ ગુજારતો હોવાથી તેના પુત્ર કુમાર કમ્પનના સેનાપતિપદે 1370માં મદુરા પર ચડાઈ કરી શ્રીરંગમ્ પાસે જીત મેળવી. તેણે 1371માં મદુરા પણ જીતી લીધું હોવાથી સેતુબંધ રામેશ્વર સુધીનો વિસ્તાર વિજયનગરની સત્તા હેઠળ જવાથી, તે સામ્રાજ્ય બન્યું. કુમાર કમ્પનનું અવસાન થવાથી બુક્કે હરિહર બીજાને યુવરાજ નીમ્યો. બુક્ક પહેલો તે સમયનો એક મહાન રાજા હતો. તે એક શૂરવીર યોદ્ધો હતો. તેણે વૈદિક ધર્મને પુનર્જીવન આપ્યું અને તેલુગુ સાહિત્યને પ્રોત્સાહન આપ્યું. તે ધર્મની બાબતોમાં સહિષ્ણુ તથા ઉદાર હતો. તેના રાજ્યના મુસલમાનો, ખ્રિસ્તીઓ તથા યહૂદીઓ બુક્કને તેમના ધાર્મિક અધિકારોનો સંરક્ષક માનતા હતા.
હરિહર બીજો (ઈ. સ. 1377-1404) : બુક્ક પહેલાનો પુત્ર હરિહર ગાદીએ બેઠો ત્યારે રાજ્યમાં ફાટી નીકળેલા વિદ્રોહોને દબાવી દઈ, પોતાની સત્તા સ્થાપી તેણે ‘મહારાજાધિરાજ’ તથા ‘રાજરાજેશ્વર’ જેવા ખિતાબો ધારણ કર્યા. બહમની સુલતાન મુજાહિદશાહે વિજયનગર રાજ્ય ઉપર 1377માં ચડાઈ કરી, પરંતુ તેને હરાવીને પાછો કાઢવામાં આવ્યો. તે પછી બહમની રાજ્યની સત્તા હેઠળના ગોવા તથા સપ્તકોંકણ હરિહરે મોકલેલા માધવમંત્રીએ 1380માં કબજે કર્યા. વળી કોંકણના ઉત્તર કિનારાના ચોલ તથા દાભોલ પણ જીતી લેવામાં આવ્યાં. આમ દખ્ખણનો પશ્ચિમ કાંઠો તેની સત્તા હેઠળ આવ્યો. તેના સેનાપતિએ ત્રિચિનાપલ્લી, કાંચી વગેરે પર વિજય મેળવી ત્યાંની વિપુલ દોલત મેળવી. તે શિવભક્ત હતો અને ધર્મની બાબતમાં ઉદાર તથા સહિષ્ણુ હતો. તેણે મંદિરોમાં પુષ્કળ દાન આપ્યું હતું.
દેવરાય પહેલો (ઈ. સ. 1406-1422) : હરિહર બીજા પછી તેનો પુત્ર વિરૂપાક્ષ પહેલો; તેના પછી તેનો બીજો પુત્ર બુક્ક બીજો અને તે પછી 1406માં તેનો સૌથી નાનો પુત્ર દેવરાય પહેલો ગાદીએ બેઠો. બહમની સુલતાન તાજુદ્દીન ફીરોઝશાહ ઘણુંખરું પ્રતિ વર્ષ વિજયનગર પર ચડાઈ કરતો. તેથી દેવરાયે તેની સાથે સમાધાન કરી કેટલોક પ્રદેશ અને સંપત્તિ આપ્યાં તથા તેની રાજકુમારી તેની સાથે પરણાવી. દેવરાયનાં અંતિમ વર્ષો શાંતિમાં પસાર થયાં. તે અશ્વદળનું મહત્વ સમજતો હોવાથી તેણે ઈરાન અને અફઘાનિસ્તાનથી ઘોડા આયાત કર્યા. તેણે પોતાના સૈન્યમાં તુર્ક તીરંદાજોની ભરતી કરી હતી.
દેવરાય શિવભક્ત હતો. તેણે અનેક મંદિરો બંધાવ્યાં હતાં. તે વિદ્વાનો, કવિઓ, કલાકારો તથા દાર્શનિકોને રાજ્યાશ્રય આપતો અને સોનામહોરો ભેટ આપતો. તે વિદ્યાવ્યાસંગી હોવાથી દરબારમાં વિવિધ વિષયોની ચર્ચાઓ યોજતો હતો. તેલુગુ સાહિત્યમાં તેનું સ્થાન અમર છે. તેના શાસનકાળમાં વિજયનગર વિદ્યાના કેન્દ્ર તરીકે પ્રસિદ્ધ થયું હતું.
દેવરાય બીજો (ઈ. સ. 1426-1446) : દેવરાય પહેલા પછી તેના પુત્ર રામચંદ્રે થોડા મહિના રાજ્ય કર્યું. તેના પછી દેવરાયનો બીજો પુત્ર વિજયરાય પહેલો ગાદીએ બેઠો, પરંતુ તે નબળો હોવાથી તેણે તેના પુત્ર દેવરાય બીજાને શાસનની જવાબદારી સોંપી દીધી. તેના પિતાના શાસન દરમિયાન તે સહશાસક હતો. તેને પણ તેના પૂર્વજોની માફક બહમની સુલતાનના હાથે અનેક પરાજયો વેઠવા પડ્યા હતા. બહમની સુલતાન અહમદશાહે ઈ. સ. 1423માં ચડાઈ કરી વિજયનગરના પ્રદેશને ખુવાર કર્યો હતો; અને ત્રણ દિવસ સુધી હિંદુ સ્ત્રીઓ તથા બાળકોની ક્રૂરતાથી કતલ કરાવી હતી. તેણે અનેક મંદિરો તથા પાઠશાળાઓનો નાશ કર્યો હતો.
પોતાના લશ્કરને સજ્જ કરવા તેણે મુસ્લિમ તીરંદાજ ઘોડેસવારોની ભરતી કરી અને છ લાખ જેટલા તીરંદાજ ઘોડેસવારોનું લશ્કર તૈયાર કર્યું. તેણે ઘોડાના વેપારને ઉત્તેજન આપ્યું. તેનો ઉપયોગ બહમની રાજ્ય સામેની લડાઈઓમાં કરવામાં આવ્યો. છેવટે સંધિ થઈ અને દેવરાયે નિશ્ચિત ખંડણી આપવાનું કબૂલ કર્યું.
દેવરાય બીજો સંગમ વંશનો એક મહાન રાજવી હતો. તેની પાસે એક હજાર જેટલા લડાયક હાથી અને અગિયાર લાખનું લશ્કર હતું. તેનો મંત્રી લક્ષ્મણ સેન વિદેશો સાથેના વેપારની વ્યવસ્થા સંભાળતો હતો. તેના રાજ્યમાં મહેસૂલ ઉપરાંત બંદરોનાં જકાતની ઘણી આવક થતી હતી. તેનું નૌકાસૈન્ય શ્રીલંકા, પેગુ (મ્યાનમાર), ક્વીલોન ઇત્યાદિ પ્રદેશોમાંથી ખંડણી ઉઘરાવતું હતું.
તે લડાઈઓમાં વ્યસ્ત રહેવા છતાં, સાહિત્યકારો તથા વિદ્વાનોને આશ્રય આપતો. ભૂમિદાન તથા નાણાંનું દાન કરતો. તે પોતાના દરબારમાં સાહિત્ય અને તત્વજ્ઞાનને લગતા વિષયો પર ચર્ચાઓ ગોઠવતો અને તેનું અધ્યક્ષસ્થાન સંભાળતો. તેણે રાજ્યમાં નવાં મંદિરો બંધાવી શિલ્પ તથા સ્થાપત્યને પ્રોત્સાહન આપ્યું હતું.
મલ્લિકાર્જુન (ઈ. સ. 1446-65) : દેવરાય બીજાનો પુત્ર મલ્લિકાર્જુન નબળો શાસક હોવાથી રાજ્યમાં અવ્યવસ્થા પ્રવર્તી અને કેટલાક પ્રદેશોમાં વિદ્રોહો પણ થયા. વળી પડોશી રાજ્યોએ ચડાઈઓ કરવા માંડી. ઓરિસાના શાસક અને બહમની સુલતાને ભેગા થઈને વિજયનગર પર આક્રમણ કર્યું, પરંતુ મલ્લિકાર્જુને તેમનાં સંયુક્ત લશ્કરોને પરાજય આપી પાછાં કાઢ્યાં. ત્યારબાદ ઓરિસાના રાજા ગજપતિ કપિલેન્દ્રના લશ્કરે મલ્લિકાર્જુનને હરાવી, કોંડવીડુનો તથા બીજા કેટલાક કિલ્લા જીતી લીધા.
વિરૂપાક્ષ બીજો (ઈ. સ. 1465-85) : તેના શાસનકાળમાં બહમની સુલતાન મોહમ્મદ શાહ ત્રીજાના વજીર મહમૂદ ગાવાને ગોવા જીતી લીધું. વિજયનગરના રાજાની નિર્બળતાના કારણે ચંદ્રગિરિના નરસિંહ નામના સામંતે ઓરિસાના લશ્કરનો સામનો કરી તેને પાછું હઠાવ્યું. ત્યારબાદ બહમની સુલતાન મોહમ્મદશાહ ત્રીજા સામે તેલિંગાણાના કિનારાના વિસ્તારમાં લડાઈ કરીને 1476માં વિજય મેળવ્યો.
વિરૂપાક્ષ બીજો આપખુદ સ્વભાવનો, જુલમી, વ્યભિચારી અને અયોગ્ય શાસક હતો. તેના સમયમાં અનેક સ્થળે વિદ્રોહો થયા. આખરે તેનું ખૂન થયું. રાજ્યમાં અરાજકતા ફેલાવાથી નરસિંહ નામના સામંતે સત્તાનાં સૂત્રો સંભાળી લીધાં; અને સામંતોએ તેને ટેકો આપ્યો અને સંગમ વંશનો અંત આવ્યો.
સાલુવ વંશ : નરસિંહ (ઈ. સ. 1486-1490) : નરસિંહ સાલુવ વંશનો હતો. તેના શાસન દરમિયાન બળવા કરી સ્વતંત્ર થઈ ગયેલા પ્રદેશોને તેણે પોતાના અંકુશ હેઠળ લીધા; પરંતુ બહમની રાજ્ય પાસેથી રાયચૂર દોઆબનો પ્રદેશ તે પાછો મેળવી શક્યો નહિ. ઓરિસાના શાસક પુરુષોત્તમ ગજપતિએ પરિસ્થિતિનો લાભ લઈને 1484-85માં ગન્તુર જિલ્લામાં આવેલ આંધ્રનો કિનારાનો પ્રદેશ કબજે કર્યો. તે પછી ઉદયગિરિ પર હુમલો કરી જીતી લીધું, આ વિસ્તાર નરસિંહ પાછો મેળવી શક્યો નહિ. ઈ. સ. 1490માં રાજા નરસિંહ મરણ પામ્યો. તેના બે પુત્રો સગીર હતા. તેને તેના સેનાપતિ નરસ નાયકમાં વિશ્વાસ હોવાથી, તેમના વતી રાજ્યવહીવટ સંભાળવાની જવાબદારી તેના અવસાન પહેલાં કરી રાખી હતી.
નરસિંહે સંગમ વંશની સત્તા છીનવી લીધી, પરંતુ તે સમયની પરિસ્થિતિ જોતાં, તેણે તે દ્વારા રાજ્યને બચાવી લીધું હતું. તેણે કરેલી સેવા નોંધપાત્ર હતી, કારણ કે તે સંજોગોમાં પડોશી મુસલમાન રાજ્યના સતત હુમલામાંથી હિંદુ રાજ્યનું અને હિંદુ ધર્મનું રક્ષણ કરવું અનિવાર્ય હતું. આ દૃષ્ટિબિંદુ ધ્યાનમાં રાખીને તેણે અશ્વદળ મજબૂત બનાવવા અરબ ઘોડાની ખરીદી કરી હતી. આ ઉપરાંત વિજયનગરના શાંતિપ્રિય ખેડૂતોને તેણે રાષ્ટ્રના શૂરવીર યોદ્ધાઓ બનાવવાની તાલીમ આપી હતી. એ રીતે તેણે રાજ્યના લોકોમાં જુસ્સો પેદા કરીને તેને વિનાશમાંથી બચાવી લીધું હતું.
નરસ નાયક (ઈ. સ. 1490-1503) : નરસિંહના મૃત્યુ બાદ તેના સેનાપતિ તથા મંત્રી નરસ નાયકે રાજકુમારોના રીજન્ટ અથવા રાજરક્ષક તરીકેની જવાબદારી સંભાળી લીધી. તે ‘રક્ષાકર્તા’ અને ‘સ્વામી’ કહેવાતો તથા સેનાધિપતિ, મહાપ્રધાન અને રાજાના પ્રતિનિધિના હોદ્દા સંભાળતો હતો. નરસિંહના જ્યેષ્ઠ પુત્ર તિમ્મ તથા ત્યારબાદ ઇમ્માડિ નરસિંહને તેણે ગાદીએ બેસાડી, પોતે શાસનતંત્ર સંભાળ્યું. સાલુવ નરસિંહે અધૂરાં મૂકેલાં કેટલાંક કાર્યો નરસ નાયકે પૂરાં કર્યાં. સંગમ વંશના શાસકોનાં છેલ્લાં વર્ષોમાં બળવાખોર સામંતોએ કબજે કરેલા પ્રદેશો તેણે પાછા મેળવ્યા. દક્ષિણના પ્રાંતોમાં ચોલ, પાંડ્ય અને ચેરા રાજ્યોના શાસકો સ્વતંત્ર થઈ ગયા હતા. નરસ નાયકે તે બધાને હરાવ્યા, તેણે મદુરા કબજે કર્યું અને રામેશ્વર સુધી લશ્કર સાથે કૂચ કરી. સામ્રાજ્યના તમિળ પ્રદેશો ઉપર તેણે અસરકારક અંકુશ સ્થાપ્યો.
તેણે તે સમયના જાણીતા વિદ્વાનો, કવિઓ તથા સાક્ષરોને આશ્રય આપીને તેલુગુ સાહિત્યને ઉત્તેજન આપ્યું હતું.
તુલુવ વંશ : વીર નરસિંહ (ઈ. સ. 1503-1509) : નરસ નાયકનું ઈ. સ. 1503માં અવસાન થવાથી, તેના પુત્ર વીર નરસિંહે રાજરક્ષકનો હોદ્દો સંભાળ્યો. ત્યારબાદ સાલુવ વંશના રાજા ઇમ્માડિ નરસિંહનું ખૂન કરી પોતે 1505માં રાજા તરીકેની જવાબદારી સંભાળી લીધી. નરસ નાયક તુલુવ પ્રદેશના શાસક વંશમાં જન્મ્યો હતો. તેથી તેના પુત્ર વીર નરસિંહે સ્થાપેલો વંશ તુલુવ વંશ કહેવાયો. તેણે સત્તા છીનવી લીધી હોવાથી રાજ્યના સામંતોની આગેવાની નીચે બળવા થયા. તેણે મોટાભાગના બળવા કચડી નાખીને પોતાનું આધિપત્ય સ્વીકારાવ્યું. તેના અમલ દરમિયાનનો બધો સમય તેણે લડાઈઓમાં ગાળવો પડ્યો. છતાં તેણે લશ્કરમાં ખાસ કરીને અશ્વદળને ઘણું મજબૂત કરવા ઘોડાની ખરીદી તથા સૈનિકોની ભરતી પર વિશેષ ધ્યાન આપ્યું. તેણે પ્રજાની ફરિયાદો સાંભળી તેમની તકલીફો નિવારવાનાં પગલાં ભર્યાં. તેણે લગ્નવેરો દૂર કરીને લોકોને સંતોષ આપ્યો. તેના ઉત્તરાધિકારી દ્વારા આ સુધારો ક્રમશ: સમગ્ર સામ્રાજ્યમાં લાગુ પાડવામાં આવ્યો અને લોકોએ તેને આવકાર્યો.
કૃષ્ણદેવરાય (ઈ. સ. 1509-1529) : વીર નરસિંહના મૃત્યુ બાદ તેનો ઓરમાન ભાઈ કૃષ્ણદેવરાય 8 ઑગસ્ટ, 1509ના રોજ ગાદીએ બેઠો. તેણે કેટલાક વિદ્રોહી સામંતોને અંકુશમાં લઈને પોતાનું સ્થાન મજબૂત કર્યું. ત્યારબાદ તેણે ઉમ્મતૂરના રાજા ગંગરાય પર ચડાઈ કરી, તેનો બધો પ્રદેશ જીતી લીધો તથા શિવસમુદ્રમ્ અને શ્રીરંગપટ્ટમ્ના કિલ્લા 1511-12માં લઈ લીધા. ગંગરાય નાસી ગયો અને કાવેરી નદીમાં ડૂબી જવાથી મરણ પામ્યો.
ઓરિસાના રાજા ગજપતિએ વિજયનગરના બે પ્રાંતો ઉદયગિરિ અને કોંડવીડુ અગાઉ જીતી લીધા હતા. તેથી 1513માં કૃષ્ણદેવરાયની આગેવાની હેઠળ લશ્કરે ઉદયગિરિના મજબૂત દુર્ગ પર ચડાઈ કરી અઢાર માસના ઘેરા બાદ જીતી લીધો. તેની જીતના ચિહ્ન તરીકે કૃષ્ણની એક મૂર્તિ ત્યાંથી વિજયનગર લઈ જઈને મંદિરમાં તેની પ્રતિષ્ઠા કરાવી. ત્યારબાદ તેણે કોંડવીડુના પહાડી કિલ્લા ઉપર આક્રમણ કરી, બે મહિનાના ઘેરા બાદ કબજે કર્યો. ત્યારબાદ તેણે કોંડપલ્લીનો કિલ્લો કબજે કરી ત્યાંથી ઓરિસાના રાજાની રાણી, રાજકુમારી તથા સરદારોને પકડી લીધાં. પાછળથી ગજપતિએ દયા માટે વિનંતી કરવાથી કૃષ્ણદેવે સંધિ કરી, રાજકુમારી સાથે લગ્ન કરી, સંબંધો સુધાર્યા.
કૃષ્ણદેવરાય ઈશાનમાં લશ્કર સહિત કૂચ કરીને રસ્તામાં આવતા કિલ્લા જીતી લેતો હતો. આમ તે વિઝાગાપટ્ટમ જિલ્લામાં સિંહાચલમ્ સુધી ગયો. તે દરમિયાન પાયતખ્તમાં તેની અનુપસ્થિતિ હોવાથી ગોવલકોંડાના કુલી કુત્બશાહે તેનો લાભ લેવા કોંડવીડુ પર હુમલો કર્યો અને ઘેરો ઘાલ્યો, પરંતુ કૃષ્ણદેવરાયે પોતાનું લશ્કર મોકલી તેને નસાડી મૂક્યો.
કૃષ્ણદેવરાયે બિજાપુરની સત્તા હેઠળનો રાયચૂરનો કિલ્લો 1512માં કબજે કર્યો હતો. કૃષ્ણદેવરાય લડાઈઓમાં રોકાયેલો હતો ત્યારે બિજાપુરના રાજરક્ષક કમાલખાને રાયચૂરનો કિલ્લો જીતી લીધો. કૃષ્ણદેવરાયે 1502માં રાયચૂરને ઘેરો ઘાલી બિજાપુરના સુલતાન ઇસ્માઈલ આદિલશાહને હરાવી તેના અનેક સૈનિકોની કતલ કરી. કૃષ્ણદેવના વિજયોને કારણે તેની સત્તા પૂર્વે વિઝાગાપટ્ટમ સુધી, પશ્ચિમે કોંકણના પ્રદેશ સુધી તથા દક્ષિણમાં કન્યાકુમારી સુધી સ્થપાઈ હતી. તેના સમય દરમિયાન વિજયનગરની સત્તા તથા પ્રતિષ્ઠા સર્વોચ્ચ શિખરે પહોંચી હતી.
પૉર્ટુગીઝોનો કૃષ્ણદેવરાય સાથેનો સંબંધ મૈત્રીભર્યો હતો, કારણ કે તેમની મારફતે વિદેશી ઘોડા તથા બીજી ઉપયોગી વસ્તુઓ તે મેળવી લેતો હતો.
કૃષ્ણદેવરાય તુલુવ વંશનો સૌથી વધુ શક્તિશાળી અને નામાંકિત રાજવી હતો. તેના અમલ દરમિયાન સામ્રાજ્યે નોંધપાત્ર સમૃદ્ધિ પ્રાપ્ત કરી હતી. વિદેશી પ્રવાસીઓએ તેને એક મહાન શાસક ગણાવી તેની ઘણી પ્રશંસા કરી છે. તે એક મહાન સેનાપતિ હતો અને તેણે અનેક લડાઈઓમાં જીત મેળવી હતી. લશ્કરી વ્યૂહરચનામાં તે કુશળ હતો. લડાઈ પછી પોતાના ઘવાયેલા સૈનિકોની પાસે જઈને તેમની સારવારની વ્યવસ્થા કરતો હતો. તેની રાજસભામાં આઠ જાણીતા તેલુગુ કવિઓ હતા. તેઓ અષ્ટ દિગ્ગજો કહેવાતા હતા. તેને બાંધકામનો શોખ હતો. તેણે વિજયનગર પાસે નાગલાપુર નામે નગર વસાવ્યું હતું. તેણે પાટનગરમાં કેટલાંક મંદિરો બંધાવ્યાં હતાં.
કૃષ્ણદેવરાય બાહોશ વહીવટકર્તા હતો. લોકોની ફરિયાદો તે પોતે સાંભળીને ન્યાય આપવા તથા ગુનેગારોને સજા કરવા દર વર્ષે રાજ્યમાં પ્રવાસ કરતો. તેણે ખેતી માટે નહેરો તથા તળાવો બંધાવ્યાં હતાં. લોકોનું ભલું કરવા તે ઉત્સુક રહેતો.
તે કવિઓ, વિદ્વાનો તથા કલાકારોને આશ્રય આપતો અને તેઓને યોગ્ય ભેટ તથા બક્ષિસો આપતો. તેણે તેલુગુ ભાષા તથા સાહિત્યને પ્રોત્સાહન આપ્યું હતું. તે પોતે પણ કવિ હતો. તેણે ‘આમુક્ત માલ્યદ’ કાવ્યની તેલુગુમાં રચના કરી હતી.
કૃષ્ણદેવરાયનું 1529માં અવસાન થયું. તેણે વારસ તરીકે પોતાના સગીર પુત્રને બદલે, સાવકા ભાઈ અચ્યુતને પસંદ કર્યો હતો અને તે ગાદીએ બેઠો. પરંતુ તેના જમાઈ રામરાજાએ કૃષ્ણદેવના સગીર પુત્રને સમ્રાટ જાહેર કરીને શાસન કરવા માંડ્યું. તેથી અચ્યુતે તેને વહીવટમાં ભાગીદાર બનાવ્યો. થોડા સમયમાં તે સગીર પુત્ર મરણ પામ્યો. રામરાજાએ અચ્યુતની રાજગાદી છીનવી લેવા પ્રયાસો કર્યા પણ ફાવ્યો નહિ. ઈ. સ. 1542માં અચ્યુત અવસાન પામ્યો. તે પછી તેનો સગીર પુત્ર વેંકટ પહેલો ગાદીએ બેઠો, પરંતુ થોડા સમય બાદ તેની હત્યા થઈ. રામરાય (રામરાજા) 1543માં અચ્યુતના ભત્રીજા સદાશિવને ગાદીએ બેસાડી વાસ્તવિક સત્તા ભોગવવા લાગ્યો. ઈ. સ. 1552માં સદાશિવે રામરાયને કો-રીજન્ટ તરીકે સ્વીકાર્યો.
ઈ. સ. 1565ના જાન્યુઆરીમાં દખ્ખણનાં મુસ્લિમ રાજ્યો બિજાપુર, અહમદનગર, બીડર અને ગોવલકોંડા તથા વિજયનગર વચ્ચે તાલિકોટા પાસે થયેલા રાક્ષસ તંગડીના યુદ્ધમાં વિજયનગરનો પરાજય થયો. આ યુદ્ધમાં એક લાખ હિંદુઓ મરાયા અને વિજયનગરની વિપુલ સંપત્તિનો નાશ થયો. આ યુદ્ધ ભારતના ઇતિહાસમાં નિર્ણાયક યુદ્ધ ગણાય છે.
રાક્ષસ તંગડીના યુદ્ધ બાદ આંધ્ર વિસ્તારમાં છ વર્ષ સુધી અરાજકતા પ્રવર્તી. રામરાયે વહીવટની જવાબદારી સોંપી હતી. તેઓ સ્વતંત્ર થઈ ગયા અને પોતાનો પ્રદેશ વધારવા અંદરોઅંદર લડવા લાગ્યા. મદુરા, તાંજોર અને જિંજીના નાયકો સ્વતંત્ર થઈ ગયા.
રામરાયના મૃત્યુ પછી તેનો ભાઈ તિરુમલ રાજ્યનો રીજન્ટ બન્યો; પરંતુ તે વ્યવસ્થા સ્થાપી શક્યો નહિ. તેને જરૂરી લશ્કર અને નાણાંનો અભાવ હતો. તિરુમલ 1570માં ગાદીએ બેઠો અને એક વર્ષ પછી તેના પુત્ર શ્રીરંગની તરફેણમાં ગાદીત્યાગ કર્યો. શ્રીરંગે 1572થી 1585 સુધી રાજ્ય કર્યું. આ દરમિયાન બિજાપુર તથા ગોલકોંડાના સુલતાનોએ વિજયનગરના દગાખોર ઉમરાવોની સહાયથી હુમલા ચાલુ રાખ્યા. તેથી તેણે આંધ્રના કાંઠાનો પ્રદેશ, ઉત્તર કર્ણાટક તથા ઉદયગિરિ, કોંડવીડુ વગેરે દુર્ગો ગુમાવ્યા. તેના ઉત્તરાધિકારી વેંકટ બીજાએ 1586થી 1614 સુધી શાસન કર્યું. તેણે મુસ્લિમોએ કબજે કરેલા મોટાભાગના પ્રદેશો પુન: જીતી લીધા અને સ્વતંત્ર થવા પ્રયાસો કરતા સામંતોને કચડી નાખ્યા. તેના મરણ પછી ઉત્તરાધિકાર મેળવવા વાસ્તે ચાર વર્ષ આંતરવિગ્રહ થયો અને અંતે રામદેવરાય ગાદીએ બેઠો. તેણે 1618થી 1630 સુધી શાસન કર્યું. આ દરમિયાન બળવા થયા. તેમાં મદુરા, જિંજી તથા તાંજોરના નાયકોએ મુખ્ય ભાગ ભજવ્યો. આ તકનો લાભ લઈને બિજાપુરના સુલતાને કર્નુલ કબજે કર્યું. તેના પછી વેંકટ ત્રીજો (1630-41) અને શ્રીરંગ ત્રીજો (1642-49) શાસકો થયા. ઈ. સ. 1649માં શ્રીરંગના બધા પ્રદેશો મુસ્લિમોએ (બિજાપુરના સુલતાન વગેરેએ) જીતી લીધા અને વિજયનગર રાજ્યનો અંત આવ્યો.
શાસનતંત્ર : વિજયનગર સામ્રાજ્યની સ્થાપના મુસ્લિમો સામે હિંદુઓનું રક્ષણ કરવા અને તેમને દક્ષિણ ભારતમાંથી દૂર કરવા માટે થઈ હતી. તે ખાસ કરીને ધાર્મિક તથા લશ્કરી રાજ્ય હતું.
તેના વહીવટમાં કેન્દ્રમાં નિરંકુશ રાજાશાહી હતી. છતાં રાજાઓ લોકો પ્રત્યે સહાનુભૂતિ રાખીને શાસન કરતા હતા. તેમાં સામંતશાહી ઢબના સંગઠનનો અધ્યક્ષ રાજા હતો. રાજાને મદદ કરવા મંત્રીઓ, પ્રાંતોના અમલદારો, સેનાપતિઓ, બ્રાહ્મણો તથા કવિઓની પરિષદ હતી. તેના બધા હોદ્દેદારોની નિમણૂક રાજા કરતો હતો. લોકોના ભલા માટે તે સતત જાગ્રત રહેતો હતો.
પરિષદના સભ્યોની નિમણૂક રાજા વિવિધ જ્ઞાતિઓમાંથી કરતો. રાજસભા ધર્મગુરુઓ, જ્યોતિષીઓ, ગાયકો, વિદ્વાનો વગેરેથી ભરપૂર રહેતી. તેના વૈભવ માટે રાજાઓ વિપુલ નાણાં ખર્ચી નાંખતા.
પ્રધાનમંત્રી, મુખ્ય કોષાધ્યક્ષ, રત્નભંડારનો રક્ષક, સેના-નિરીક્ષક વગેરે મુખ્ય હોદ્દેદારો હતા. તેમને જાગીરો આપવામાં આવતી.
પ્રાંતિક તંત્ર : વિજયનગર સામ્રાજ્યને છ પ્રાંતોમાં વહેંચી, તેને વેંઠે, નાડુ, ગ્રામ, સ્થલ અને પર્રુ એવા નાના પ્રદેશોમાં વહેંચવામાં આવ્યો હતો. દરેક પ્રાંતનું શાસન રાજાના એક પ્રતિનિધિ નાયક પાસે રહેતું હતું. આ હોદ્દા ઉપર રાજકુટુંબની યોગ્ય વ્યક્તિ અથવા કોઈ સમર્થ સામંતને નીમવામાં આવતો હતો. દરેક પ્રાંતનો નાયક લશ્કર, સેના અને રાજસભા ધરાવતો હતો અને તે સ્વતંત્ર નીતિ ઘડતો હતો.
નાયકે કેન્દ્ર સરકારને પ્રાંતની આવકનો ત્રીજો ભાગ મોકલવાનું ફરજિયાત હતું. લડાઈ વખતે તેણે લશ્કરી મદદ કરવી પડતી.
ગ્રામ સૌથી નાનો એકમ હતો. તેમાં ગ્રામસભાઓ પણ હતી. તેનો પ્રમુખ આયંગર કહેવાતો. ગ્રામ-અધિકારીઓ વારસાગત નિમાતા હતા. તેઓ કર ઉઘરાવતા. આયંગરને પગાર પેટે જમીન અથવા ઊપજમાંથી નિશ્ચિત હિસ્સો અપાતો હતો.
રાજા સર્વોચ્ચ ન્યાયમૂર્તિના હકો ભોગવતો. ન્યાયાલયોમાં રાજા ન્યાયાધીશો નીમતો હતો. ગામોમાં પંચાયતો ફરિયાદનો નિકાલ કરતી. ચોરી, વ્યભિચાર તથા રાજદ્રોહના ગુના માટે મૃત્યુદંડ કે અંગછેદનની સજા કરવામાં આવતી.
લશ્કર : મુસ્લિમોના હુમલાનો સામ્રાજ્યને સતત ભય રહેતો હતો. તેથી રાજા કાયમ માટે મોટું લશ્કર નિભાવતો હતો. લશ્કરમાં તોપખાનું, અશ્વદળ, ગજદળ તથા પાયદળ રાખવામાં આવતાં. દખ્ખણનાં મુસ્લિમ રાજ્યોના લશ્કર કરતાં વિજયનગર સામ્રાજ્યના લશ્કરની વ્યવસ્થા ઊતરતી કક્ષાની હતી. અશ્વદળ માટે ઉત્તમ ઘોડા તેને મળતા નહિ, કારણ કે ઈરાન તથા અરબસ્તાનથી આયાત થતા ઘોડા મુસ્લિમો દ્વારા જ મળી શકતા હતા. સામ્રાજ્યનું પોતાનું નૌકાદળ પણ હતું.
અર્થવ્યવસ્થા : વિજયનગરના સામ્રાજ્યને બહમની સુલતાનો સાથે સતત સંઘર્ષો થતા રહેતા, તેથી તેણે મોટું લશ્કર રાખી ઘણું ખર્ચ કરવું પડતું. તેથી આવકના છઠ્ઠા ભાગ કરતાં વધારે જમીન-મહેસૂલ ઉઘરાવવું પડતું. સામ્રાજ્યની આવકનું મુખ્ય સાધન જમીન-મહેસૂલ હતું. રાજ્યની જમીનને ખેતીલાયક, બાગાયતી, સૂકી અને જંગલનો વિસ્તાર એમ ચાર જાતમાં વહેંચવામાં આવી હતી. જમીન-મહેસૂલ ઉપરાંત જકાત, લગ્નવેરો, ગોચર-કર, ઉદ્યાન તથા ઉદ્યોગો ઉપરના કર ઉઘરાવવામાં આવતા. સામાન્ય વર્ગના લોકોના માથે કરનો બોજ વધારે હતો; પરંતુ કરવેરા ઉઘરાવવામાં બળજબરી કરવામાં આવતી નહોતી.
કલા અને સંસ્કૃતિ : વિજનગરના કેટલાક રાજાઓ જાતે વિદ્વાન હતા અને તેઓમાં કૃષ્ણદેવરાય શ્રેષ્ઠ હતો. તેના દરબારમાં પંડિતો, વિદ્વાનો તથા કવિઓ હતા, તેમણે તત્કાલીન યુગમાં પ્રચલિત ચાર મહત્વની ભાષાઓ-સંસ્કૃત, તેલુગુ, તમિળ અને કન્નડને તથા તેના સાહિત્યને ઉત્તેજન આપી વિકસાવ્યાં હતાં. વેદોના મહાન ભાષ્યકાર સાયણ તથા તેમના ભાઈ માધવ વિદ્યારણ્ય વિજયનગરમાં થઈ ગયા. કૃષ્ણદેવરાયના દરબારમાં અનેક વિદ્વાનો, કવિઓ અને ધર્માચાર્યો હતા. તેમને ઉદારતાથી દાન આપવામાં આવતું. તેના ઉત્તરાધિકારીઓએ આ પરંપરા ચાલુ રાખી હતી. રાજકુટુંબના સભ્યો, સામ્રાજ્યના સામંતો તથા શ્રીમંતો પણ સાહિત્ય અને વિદ્યાને પ્રોત્સાહન આપતા હતા.
તે સમયે સંગીત, નૃત્ય, નાટક, વ્યાકરણ, દર્શન વગેરે જ્ઞાનની અનેક શાખાઓ વિશે ગ્રંથો લખાયા હતા. તે સમયે ચિત્રકલા તથા સ્થાપત્યકલાનો નોંધપાત્ર વિકાસ થયો હતો. વિજયનગર સામ્રાજ્યમાં કેટલાંક ઘણાં સારાં અને ભવ્ય મંદિરો બંધાયાં હતાં. કૃષ્ણદેવરાયે બંધાવેલું હઝારા રામસ્વામી મંદિર કલાવિદોના મતાનુસાર મંદિર- સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે. આ કાળ દરમિયાન બંધાયેલું વિઠ્ઠલ સ્વામીનું મંદિર પણ સ્થાપત્યકલાનો ઉત્તમ નમૂનો છે. વિજયનગરના હિંદુ સામ્રાજ્યમાં કલા તથા સાહિત્યના વિકાસ વાસ્તે પૂરતો અવકાશ હતો તથા તેમાં દક્ષિણ ભારતની સંસ્કૃતિનો સુમેળ સાધવામાં આવ્યો હતો.
મંદિર-સ્થાપત્ય : વિજયનગર સામ્રાજ્યમાં ઈ. સ. 1350થી 1565 દરમિયાન મંદિરો પરત્વે વિકસેલી વિશિષ્ટ સ્થાપત્યશૈલી. વિજયનગરના શાસકો કલાપ્રેમી હતા. એમાં કૃષ્ણદેવરાયના સમયમાં વિજયનગર સામ્રાજ્યની જેમ ત્યાંની સ્થાપત્યકલા પણ ચરમસીમાએ પહોંચી હતી. આમાં મંદિર-સ્થાપત્ય શ્રેષ્ઠ છે. વિજયનગરના સમ્રાટોએ અનેક પ્રાચીન મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો. મંદિરોને ફરતા ઊંચા પ્રાકારો (કોટ) કરી તેમાં ભવ્ય ગોપુરો (પ્રવેશદ્વારો) કરાવ્યાં, તેમજ નવાં મંદિરો પણ બંધાવ્યાં. આ મંદિરો વિશિષ્ટ શૈલીએ બંધાયાં હતાં. આ મંદિરોની તરી આવતી વિશેષતામાં વિશાળ પથ્થરોને કોરીને કરવામાં આવેલ ભવ્ય, ઊંચા અને કલાત્મક સ્તંભ છે. મંદિરની મધ્યમાં એક સ્તંભ કરીને તેની આસપાસ નાની નાની સ્તંભાવલિઓ કરેલી છે. આ સ્તંભ અને સ્તંભાવલિઓ પરનાં દેવો, મનુષ્ય, પશુ, મનુષ્ય-પશુનાં મિશ્ર શિલ્પો, યોદ્ધાઓ, નર્તકીઓ વગેરેનાં ઘણાં સુંદર અને સજીવ શિલ્પો કરેલાં છે. આ પ્રકારના શિલ્પ-મઢેલા વિશાળ સ્તંભો વિજયનગર, કુંભકોણમ્, શ્રીરંગમ્ અને મદુરામાં જોવા મળે છે. વિજયનગરનાં મંદિરોમાં દેવતાગાર (ગર્ભગૃહ), સભામંડપ, મુખ્ય દેવતાની પત્ની (દેવી) માટે ‘અમ્મામંદિર’ અને મંદિરની આગળ અલંકૃત કલ્યાણમંડપનું આયોજન કરેલું હોય છે. અહીં સભામંડપ ઘણા વિશાળ કરવામાં આવ્યા છે. અમ્મામંદિર સાધારણ રીતે મુખ્ય મંદિરની ઉત્તરે પૂર્વાભિમુખ કરવામાં આવ્યાં છે. કલ્યાણ મંડપ અલંકૃત સ્તંભયુક્ત મંડપ હોય છે, જેમાં મંદિરના મુખ્ય દેવતા સાથે સંકળાયેલા ઉત્સવો કે સમારંભો યોજવામાં આવે છે. વિજયનગર શૈલીનાં ઉત્તમ મંદિરોમાં બેલૂરનાં મંદિરો, કાંજીવરમનું એકાગ્રનાથ મંદિર, હમ્પીનાં કૃષ્ણદેવરાયે બંધાવેલાં વિઠ્ઠલ મંદિર અને હજારા રામમંદિર વગેરેની ગણના થાય છે. લૉંગહર્સ્ટને મતે હજારા મંદિર આ સમયનાં મોજૂદ હિંદુ મંદિરોની નિર્માણકલાનું સૌથી અગત્યનું ઉદાહરણ છે. ફર્ગ્યુસનને મતે વિઠ્ઠલ મંદિર દક્ષિણ ભારતનું પોતાની આગવી શૈલીનું ઉત્તમ સ્મારક બનેલું છે. આજે આમાંનાં ઘણાંખરાં મંદિરો નષ્ટ થઈ ગયાં છે તેમ છતાં તેમના અવશેષો પરથી સ્થાપત્યની ભવ્યતા અને શિલ્પની સુંદરતા છતી થયા વિના રહેતી નથી.
સામાજિક જીવન : વિજયનગરના સામાજિક જીવનની માહિતી વિદેશી પ્રવાસીઓની નોંધોમાંથી મળે છે. પોર્ટુગીઝ પ્રવાસી નુનિઝના જણાવવા મુજબ સમાજ સંગઠિત હતો. સ્ત્રીઓને સમાજમાં ઉચ્ચ સ્થાન મળ્યું હતું. તેઓ રાજનૈતિક, સામાજિક તથા આર્થિક પ્રવૃત્તિઓમાં ભાગ લેતી હતી. તેમને સંરક્ષણ વાસ્તે જુદાં જુદાં શસ્ત્રોની તાલીમ તથા સંગીત અને બીજી લલિત કલાઓ શીખવવામાં આવતી હતી. સતીની પ્રથા ચાલુ રહી. રાજમહેલમાં અંગરક્ષકો, હિસાબનીશો, પહેલવાનો, જ્યોતિષીઓ તથા કર્મચારીઓ તરીકે મહિલાઓ પણ હતી. આ ઉપરાંત મહિલાઓ નૃત્ય, સંગીત તથા બીજી લલિત કલાઓમાં શ્રેષ્ઠ હતી. બાળલગ્નો, વેશ્યાપ્રથા તથા બહુપત્નીપ્રથા પ્રચલિત હતી. સામાજિક, ધાર્મિક, રાજકીય તથા વહીવટી કાર્યોમાં બ્રાહ્મણોનું વર્ચસ્વ હતું. લોકોમાં માંસાહાર પણ પ્રચલિત હતો.
વિદેશી લેખકોના ઘણાખરા એકસરખા પુરાવા ઉપરથી જણાય છે કે, વિજયનગર સામ્રાજ્ય ઘણું માલદાર તથા સમૃદ્ધ હતું. જુદા જુદા વિસ્તારોમાં ખેતીને પ્રોત્સાહન આપવાની તથા સિંચાઈ દ્વારા પાક વધારવાની રાજ્યની નીતિ હતી. રાજ્યમાં અનેક ઉદ્યોગો હતા; જેમાં ખાસ કરીને ધાતુકામ, વણાટકામ, અત્તર બનાવવાના તથા વહાણ બાંધવાના ઉદ્યોગો વગેરેનો સમાવેશ થતો હતો. મહાજનો દ્વારા ઉદ્યોગો તથા વેપારનું નિયમન કરવામાં આવતું હતું. એક જ વ્યવસાયના માણસો એક જ વિસ્તારમાં રહે એવી પ્રથા ત્યાં હતી. જમીનમાર્ગે તથા સમુદ્રમાર્ગે ધમધોકાર વેપાર થતો હતો. સામ્રાજ્યના અંકુશ હેઠળ અનેક બંદરો હતાં અને તેમાં મલબાર-કાંઠે આવેલું કાલિકટનું બંદર સૌથી મોટું હતું. આંતરિક વ્યવહાર તથા અવરજવર વાસ્તે ઘોડા, ગાડાં, બળદો તથા ગધેડાંનો ઉપયોગ કરવામાં આવતો.
મધ્યમ અને ઉચ્ચ વર્ગોના લોકો સમૃદ્ધ હતા. તેમનું જીવનધોરણ ઊંચું હતું. સામાન્ય વર્ગના લોકોની સ્થિતિ ગરીબ હતી; તેમ છતાં તેઓને આવશ્યક ચીજો મળી રહેતી હતી.
જયકુમાર ર. શુક્લ
પ્રવીણચંદ્ર પરીખ