વિજયનગરમ્ (Vizianagaram) : આંધ્રપ્રદેશ રાજ્યના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 17° 50´થી 19° 15´ ઉ. અ. અને 83°થી 83° 45´ પૂ. રે. વચ્ચેનો 6,539 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વમાં શ્રીકાકુલમ્ જિલ્લો, દક્ષિણ અને પશ્ચિમમાં વિશાખાપટનમ્ જિલ્લો, અગ્નિ તરફ બંગાળાનો ઉપસાગર તથા પશ્ચિમ, વાયવ્ય, ઉત્તર અને ઈશાનમાં ઓરિસા રાજ્ય આવેલાં છે. આ જિલ્લાની રચના 1979ના જૂનની પહેલી તારીખે થયેલી છે.

ભૂપૃષ્ઠજળપરિવાહ : જિલ્લાનો મોટો ભાગ પૂર્વ ઘાટના વિસ્તારમાં આવતો હોવાથી તેનું ભૂપૃષ્ઠ પહાડી છે. અહીંની ટેકરીઓ ઈશાન-નૈર્ઋત્ય ઉપસ્થિતિવાળી છે. ટેકરીઓની સરેરાશ ઊંચાઈ 914 મીટર જેટલી છે, પરંતુ અહીંનાં કેટલાંક શિખરો આશરે 1,219 મીટરની ઊંચાઈ ધરાવે છે. જિલ્લાનું સર્વોચ્ચ શિખર સંકરમ્ (1,615 મીટર) શૃંગવરપુકોટા તાલુકામાં આવેલું છે. દુમાકોંડા, અંતિકોંડા, પાલકોંડા, કોડાગેંડી અને ગામતીકોંડા અહીંની ટેકરીઓથી બનેલી મુખ્ય હારમાળાઓ છે.

નાગવલ્લી (લાંગુલ્ય) અને વંશધારા નદીઓ ઉત્તરથી દક્ષિણ તરફ તેમના ખીણભાગોમાં થઈને વહે છે અને બંગાળના ઉપસાગરને મળે છે. આ બે નદીઓ વચ્ચે ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી કૈલાસકોટા હારમાળા આવેલી છે, તેના પરનું સર્વોચ્ચ શિખર 1,187 મીટરની ઊંચાઈ ધરાવે છે. સમુદ્રકિનારાના મેદાનની પશ્ચિમે આવેલી ટેકરીઓમાં ત્રણ મુખ્ય ઉચ્ચપ્રદેશો છે. આ પૈકીનો મોટો અને ઊંચો ઉચ્ચપ્રદેશ સમુદ્ર-કિનારાની સમાંતર રહેલો છે. આ ઉપરાંત આ જિલ્લામાં ચંપાવતી, સુવર્ણમુખી, વેગવતી અને ગોમુખી નદીઓ પણ છે. નાગવલ્લી અહીંની મુખ્ય નદી છે.

વિજયનગરમ્ જિલ્લો

જંગલો : જિલ્લામાં પાંચ પ્રકારનાં જંગલો આવેલાં છે : (i) દક્ષિણનાં અયનવૃત્તીય ભેજવાળાં મિશ્ર પર્ણપાતી જંગલો; (ii) ઉત્તરનાં અયનવૃત્તીય સૂકાં પર્ણપાતી જંગલો, (iii) દક્ષિણનાં અયનવૃત્તીય સૂકાં મિશ્ર પર્ણપાતી જંગલો, (iv) સૂકાં પર્ણપાતી લીલાં જંગલો, (v) સૂકાં સદાહરિત જંગલો. આ જંગલો જિલ્લાના અર્થતંત્રમાં અગત્યનો ભાગ ભજવે છે.

ખનિજપેદાશો : મૅંગેનીઝ અને કંકર-ચૂનાખડક અહીંની અગત્યની પેદાશો છે. ચીપુરુપલ્લી, નેલ્લીમારલા, સલુર અને બોબીલી તાલુકાઓમાંથી સારી કક્ષાનું મૅંગેનીઝ મળે છે.

ખેતી : આ જિલ્લો ખેતીપ્રધાન છે. મોટાભાગના લોકો ખેતીના વ્યવસાયમાં રોકાયેલા છે. અહીંની આશરે 80% ખેતી વરસાદ-આધારિત છે, જ્યારે 18% ખેતી નહેરોનાં પાણી પર આધાર રાખે છે. ડાંગર, બાજરી, રાગી, કઠોળ, મગફળી અને શેરડી અહીંના મુખ્ય કૃષિપાકો છે.

વિઠ્ઠલમંદિર, વિજયનગરમ્

પશુપાલન : અહીંનાં મુખ્ય પાલતુ પશુઓમાં ગાયો, ભેંસો, ઘેટાં તેમજ ડુક્કરનો સમાવેશ થાય છે. પશુપાલનમાંથી દર વર્ષે મળતાં દૂધ, ચામડાં અને ખાલ જિલ્લાને સારી કમાણી કરી આપે છે. પશુઓ માટે અહીં 130 જેટલાં ચિકિત્સાકેન્દ્રો આવેલાં છે. સમુદ્ર, નદી અને તળાવોમાંથી ખારા અને મીઠા જળની માછલીઓ મળી રહે છે.

ઉદ્યોગો : જિલ્લાનાં અર્થતંત્ર અને ઉદ્યોગો બંને મુખ્યત્વે કૃષિ-આધારિત છે. અહીં શણની મિલો, ખાંડ અને ખાંડસરીની મિલો તેમજ લોહ સાથેની મિશ્રધાતુના ઉદ્યોગો વિકસ્યા છે. ઇજનેરી તેમજ મોટરવાહનોની કાર્યશાળાઓ, સિંગતેલની મિલો, રોલિંગ મિલો, આર. સી. સી.ની પાઇપો, લાકડાં વહેરવાની મિલો, ઍલ્યુમિનિયમનાં વાસણો, પોલાદનું રાચરચીલું, લોખંડ-ઍલ્યુમિનિયમની પેટીઓ, સાઇકલ-રિક્ષાના ઉદ્યોગો પણ અહીં આવેલાં છે.

આ જિલ્લામાં ઉત્પન્ન થતાં સિંગતેલ, આમલી, ફેરોક્રોમ, શણનો સામાન, કોથળા અને મૅંગલોરી નળિયાંની તેમજ ખાલ-ચામડાંની નિકાસ થાય છે; જ્યારે કાપડ, ડાંગર અને ચોખાની આયાત થાય છે.

પરિવહન : જિલ્લામાં સડકમાર્ગોની કુલ લંબાઈ આશરે 2,500 કિમી. છે; તેમાં 5 અને 43 નંબરના રાષ્ટ્રીય ધોરી માર્ગો તથા જિલ્લામાર્ગોનો સમાવેશ થાય છે. વિજયનગરમ્ દક્ષિણ-પૂર્વ રેલમાર્ગનું મહત્વનું જંકશન છે. હાવરા-ચેન્નાઈ બ્રૉડગેજ રેલમાર્ગ પરનું ચીપુરુપલ્લી રેલમથક પણ અગત્યનું છે.

પ્રવાસન : પાર્વતીપુરમ્, સલુર, બોબીલી, ચીપુરુપલ્લી, નેલ્લીમારલા, રામતીર્થમ્, વિજયનગરમ્ તથા શૃંગવરપુકોટા અહીંનાં  પ્રવાસન-સ્થળો છે. (i) પાર્વતીપુરમ્ : જિલ્લામથકથી 95 કિમી.ને અંતરે આવેલું. આ વેપારી સ્થળ દર વર્ષે જૂન-જુલાઈમાં નવ દિવસ સુધી યોજાતા જગન્નાથસ્વામીના રથમહોત્સવ માટે જાણીતું છે. (ii) સલુર : જિલ્લામથકથી 55 કિમી. અંતરે આવેલું સલુર નિકાસી ચીજવસ્તુઓના બજાર તરીકે જાણીતું છે. 1888માં સ્થપાયેલી વેદસમાજ સંસ્કૃતશાળા આ સ્થળે આવેલી છે. (iii) બોબીલી : જિલ્લામથકથી 65 કિમી.ને અંતરે આવેલા બોબીલીનું જૂનું નામ પેડ્ડાપુલી (વાઘ) હતું; જે સમય જતાં પેબુલી, બેબુલી અને છેલ્લે બોબીલી નામે જાણીતું બનેલું છે. અહીં બોબીલીના રાજાએ સ્થાનિક જમીનદાર અને ફ્રેંચો તથા રાજા વચ્ચે થયેલી એક ઐતિહાસિક લડાઈની યાદમાં નગરના બહારના ભાગમાં ઈશાન તરફ એક સ્મારક બનાવરાવેલું છે. બોબીલી વીણા-વાદ્ય માટે જાણીતું છે. અહીં ભગવાન વેણુગોપાલનું મંદિર આવેલું છે. (iv) ચીપુરુપલ્લી : વિજયનગરથી 30 કિમી. અંતરે આવેલું સ્થળ. તાલુકો અને તાલુકામથક. અહીં એક જૂના કિલ્લાનાં ખંડિયેર જોવા મળે છે. 1867માં અહીંથી ત્રણ તામ્રપત્રો મળી આવેલાં, જે પૈકીનું એક 615થી 633 દરમિયાન થઈ ગયેલા રાજવી વિષ્ણુવર્ધન પહેલાંના સમયનું છે. અહીં હાથસાળના વણાટનો ઉદ્યોગ વિકસ્યો છે. (v) નેલ્લીમારલા : શણની મિલો માટે જાણીતું આ સ્થળ (તાલુકો, તાલુકામથક) વિજયનગરમથી 5 કિમી. અંતરે આવેલું છે. (vi) રામતીર્થમ્ : વિજયનગરમથી ઈશાનમાં 13 કિમી. અંતરે આવેલા આ સ્થળે બોડીકોંડા ટેકરી આવેલી છે. તેની પર ખંડિયેર હાલતમાં મંદિર મળ્યું છે, જેમાંથી જૈન તીર્થંકરની પાષાણમાં સુંદર રીતે કોતરેલી ત્રણ મૂર્તિઓ મળી આવેલી છે. ચાલુક્યોના વખતના શિલાલેખો પણ મળેલા છે. પુરાતત્વની દૃષ્ટિએ આ સ્થળનું મહત્વ છે. શિવરાત્રી મહોત્સવ અહીં ધામધૂમથી ઊજવાય છે. આ ઉપરાંત આધુનિક શૈલીથી બાંધેલું એક રામમંદિર પણ છે. (vii) વિજયનગરમ્ : જિલ્લામથક ભૌગોલિક સ્થાન : 18° 07´ ઉ. અ. અને 83° 25´ પૂ. રે.. તે દક્ષિણ રેલમાર્ગનું મુખ્ય જંકશન છે. સત્તરમી સદી દરમિયાનના વિજયનગરમના રાજાઓના પાટનગર તરીકે તે રહેલું. આ રાજાઓના શાસનના પુરાવારૂપ અહીં એક ભવ્ય કિલ્લો આવેલો છે. કિલ્લાની આજુબાજુ આ શહેર વિકસેલું. જૂના વખતમાં કલા અને સંસ્કૃતિના મથક તરીકે તે ખ્યાતિ પામેલું. અહીંની કેટલીક સાંસ્કૃતિક અને શૈક્ષણિક સંસ્થાઓનાં મૂળ અને તેનો ઇતિહાસ તત્કાલીન રાજાઓની યાદ અપાવે છે. (viii) શૃંગવરપુકોટા : વિજયનગરમથી 45 કિમી. અંતરે આવેલું આ સ્થળ આજુબાજુનાં શહેરો જોડે પરિવહનની સેવાઓથી સંકળાયેલું છે. અહીં જૂના કિલ્લાનાં ખંડિયેરો જોવા મળે છે. નગરથી પશ્ચિમે 3 કિમી. અંતરે ટેકરીઓની તળેટીમાં પુણ્યગિરિ નામનું એક સ્થળ આવેલું છે. અહીં દર વર્ષે શિવરાત્રિ ટાણે મેળો ભરાય છે; તેમાં ઘણા લોકો ભેગા થાય છે. અહીં ધારા-ગંગાઅમ્માનું મંદિર છે, તથા ટેકરીના બે મહાપાષાણોમાંથી નીકળતી નદીઓમાં સ્નાનાર્થે લોકો ભેગા થાય છે.

જિલ્લાનાં જુદાં જુદાં સ્થળોએ તહેવારોમાં હિન્દુ-મુસ્લિમ-ખ્રિસ્તીઓના મેળા ભરાય છે, ઉત્સવો યોજાય છે. લોકો તેમાં ભાગ લે છે.

વસ્તી : 2001 મુજબ જિલ્લાની કુલ વસ્તી 22,43,354 જેટલી છે. સ્ત્રી-પુરુષોની સંખ્યા સરખી છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 80 % અને 20 % જેટલું છે. હિન્દુઓ 95 % જેટલા છે, જ્યારે બાકીના 5 % પૈકી મુસ્લિમો, ખ્રિસ્તી, શીખો, બૌદ્ધો અને જૈનોનું જુદું જુદું પ્રમાણ છે. અહીં તેલુગુ અને ઉર્દૂ મુખ્ય ભાષાઓ છે. શિક્ષિતોનું પ્રમાણ 30 % જેટલું જ છે. 1996 મુજબ, અહીં 14 જેટલી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ છે. જિલ્લાનાં આશરે 420 જેટલાં ગામડાંઓમાં તબીબી સગવડો છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 34 મંડળોમાં વહેંચેલો છે. જિલ્લામાં 9 નગરો અને 1,525 (67 વસ્તીવિહીન) ગામડાં છે.

ઇતિહાસ : દક્ષિણ ભારતમાં તુંગભદ્રા નદીને કિનારે ઈ. સ. 1336માં હરિહર અને બુક્ક નામના બે ભાઈઓએ સ્થાપેલું હિંદુ રાજ્યનું પાટનગર. ચૌદમીથી સોળમી સદી દરમિયાન કેટલાક પરદેશી પ્રવાસીઓએ વિજયનગરની મુલાકાત લીધી હતી અને તેનાં વર્ણનો કર્યાં હતાં. તેના ઉપરથી વિજયનગર વિશે કેટલીક માહિતી મળે છે. તેમણે નગરનો ઘેરાવો, તેની ઇમારતોની ભવ્યતા; તેનાં વેપાર-વાણિજ્ય, સમૃદ્ધિ વગેરે વિશે નોંધ કરી છે.

ઇટાલીના પ્રવાસી નિકોલો કૉન્ટીએ ઈ. સ. 1420-21માં ભારતની મુલાકાત લીધી હતી. તે જણાવે છે કે, ‘‘બિઝેન્ગલિયા(વિજયનગર)નું ઘણું વિશાળ શહેર ઊભા ઢોળાવવાળા પર્વતોની પાસે આવેલું છે. તે શહેરનો ઘેરાવો 96 કિમી.(60 માઈલ) સાઠ માઈલનો છે. તેનો કોટ પર્વતો સુધીનો છે અને કોટની તળેટીમાં ખીણો બનાવેલી છે. આ નગરમાં નેવું હજાર જેટલા પુરુષો શસ્ત્રો ધારણ કરી શકે એવા હોવાનો અંદાજ છે… ત્યાંનો રાજા ભારતના બીજા રાજાઓ કરતાં વધારે શક્તિશાળી છે. આ રાજ્યમાં પુરુષો પોતાની ઇચ્છા હોય એટલી પત્નીઓ કરી શકે છે અને તેમનો પતિ મૃત્યુ પામે ત્યારે તેની સાથે તેમને બાળી મૂકવામાં આવે છે.’’

ત્યાં ઊજવાતા ઉત્સવો વિશે નિકોલો કૉન્ટી જણાવે છે કે, ‘‘વર્ષમાં એક ચોક્કસ દિવસે લોકો તેમના ઇષ્ટદેવની મૂર્તિને બે રથ વચ્ચે રાખીને શહેરમાં ફેરવે છે. તે રથોમાં કીમતી ઘરેણાં પહેરેલી યુવતીઓ બેસે છે અને દેવોની પ્રાર્થના કરે છે. તેમની સાથે મોટી સંખ્યામાં લોકો જોડાય છે. તેમાંના કેટલાક ધાર્મિક આવેશમાં આવીને તે રથનાં પૈડાં નીચે ચગદાઈ જવા માટે રસ્તામાં આડા સૂઈ જાય છે. એ રીતે મરણ પામવાથી ભગવાન રાજી થતા હોવાનું તેઓ માને છે.’’

ઈરાનનો રાજદૂત અબ્દુર રઝાક ઈ. સ. 1442માં વિજયનગર ગયો હતો. તેણે કરેલ વર્ણનમાં જણાવે છે કે, ‘‘નજરે કદાપિ ન જોયેલું તથા સમગ્ર દુનિયામાં કદી સાંભળવામાં ન આવ્યું હોય એવું વિજયનગર શહેર છે. તેમાં એકની અંદર બીજી એવી સાત દીવાલો છે. પહાડની ટોચ ઉપર વર્તુળાકારે કોટ (દીવાલ) છે અને તે ચૂના તથા પથ્થરનો બનાવેલ છે. તેના દરવાજા મજબૂત છે… સાતમો કોટ બીજા કિલ્લાઓની વચમાં છે… તેમાં રાજાનો મહેલ છે… બીજી, ત્રીજી તથા ચોથી દીવાલો વચ્ચે ખેડેલાં ખેતરો, બગીચા તથા રહેઠાણનાં મકાનો છે, ત્રીજાથી આરંભ કરી સાતમા દુર્ગ સુધી દુકાનો તથા બજારો પાસે પાસે આવેલાં છે. રાજમહેલની નજીક ચાર બજારો સામસામે આવેલાં છે…વિવિધ હુન્નરકલાની વસ્તુઓના વેપારીઓની દુકાનો પરસ્પર નજીક છે.’’

પૉર્ટુગીઝ (ફિરંગી) પ્રવાસી ડોમિંગૉસ પાઇસે ઈ. સ. 1522માં વિજયનગરની મુલાકાત લઈને નોંધ્યું હતું કે, ‘‘રાજા પાસે અખૂટ ભંડાર, અસંખ્ય સૈનિકો અને હાથીઓ છે…આ શહેરમાં વેપાર માટે આવેલા અનેક દેશોના તથા અનેક જાતિના લોકો તથા વિવિધ પ્રકારના અમૂલ્ય રત્નપાષાણો  ખાસ કરીને હીરા જોવા મળે છે.’’ વધુમાં તે લખે છે કે, ‘‘જગતમાં તે સૌથી વધારે સમૃદ્ધ નગર છે. તેમાં વિવિધ પ્રકારના અનાજના કોઠારો ભરેલા છે. વિવિધ પ્રકારના વેપાર-વાણિજ્યને કારણે તેનાં બજારો ખૂબ પ્રવૃત્તિમય રહે છે.’’

બીજા પૉર્ટુગીઝ મુસાફર ડુઆર્ટે બાર્બોસાએ ઈ. સ. 1516માં વિજયનગરની મુલાકાત લઈને તેની નોંધમાં વિજયનગર સામ્રાજ્યની મુ્ક્તકંઠે પ્રશંસા કરી છે. તેણે જણાવ્યું છે તે પ્રમાણે, વિજયનગર ગીચ વસ્તીવાળું તથા દેશી હીરા, શ્રીલંકાનાં મોતી, ચીનનું રેશમ તથા મલબારનાં કપૂર, કસ્તૂરી, પીપર તથા સુખડના બહોળા વેપારનાં બજારોમાંનું એક મહત્વનું કેન્દ્ર હતું.

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ