વિજય : નિર્ણાયક યુદ્ધમાં શત્રુપક્ષને સંપૂર્ણપણે પરાસ્ત કરવા પાછળનો મુખ્ય હેતુ. કેટલાંક યુદ્ધો એવાં હોય છે કે જેમાં કોઈ નિર્ણાયક પરિણામ આવતાં પહેલાં જ બંને પક્ષોની સમજૂતીથી યુદ્ધનો અંત લાવવામાં આવે છે અને તેમાં વિજય કે પરાજયની બાબત અનિર્ણીત રહે છે. આ પરિસ્થિતિ મહદ્અંશે યુદ્ધ-તહકૂબી અથવા યુદ્ધબંધી માટેના લિખિત અથવા અલિખિત કરારમાંથી અથવા તો બે પક્ષોમાંથી કોઈ એક પક્ષ સ્વેચ્છાથી તેની એકપક્ષીય (unilateral) જાહેરાત કરી આણતો હોય છે; દા.ત., 1962માં ચીને ભારત પર આક્રમણ કર્યું ત્યારે યુદ્ધના બત્રીસમા દિવસે (20 ઑક્ટોબર, 1962  21 નવેમ્બર, 1962) ચીને યુદ્ધ-તહકૂબીની એકતરફી જાહેરાત કરી પોતાનું લશ્કર પાછું ખેંચી લીધું હતું. તેવી જ રીતે કોરિયાના યુદ્ધ(1950-53)માં બંને પક્ષોએ તત્પૂરતા યુદ્ધવિરામની સંધિ કરી, કોઈ પણ પક્ષના વિજય કે પરાજય વિના, યુદ્ધનો અંત આણ્યો હતો. 1965માં પાકિસ્તાને ભારત પર આક્રમણ કર્યું. તે યુદ્ધમાં પણ નિર્ણાયક પરિણામ વિના યુદ્ધનો અંત થયો હતો. પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ(1914-18)માં અને બીજા વિશ્વયુદ્ધ(1939-45)માં મિત્ર રાષ્ટ્રોએ જર્મનીને તથા જાપાનને સજ્જડ પરાજય આપી શત્રુપક્ષ પર નિર્ણાયક વિજય મેળવ્યો હતો અને તેને લીધે આ બંને યુદ્ધો મિત્ર રાષ્ટ્રોના વિજયમાં પરિણમ્યાં હતાં. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતે પાકિસ્તાન પર નિર્ણાયક વિજય મેળવ્યો હતો.

યુદ્ધમાં જ્યારે એક પક્ષનો બીજા પક્ષ પર નિર્ણાયક વિજય થાય છે ત્યારે પરાજિત રાષ્ટ્રને વિજયી રાષ્ટ્ર સામે ઔપચારિક વિધિ દ્વારા શરણાગતિ સ્વીકારવી પડે છે, જેના અનિવાર્ય ભાગ તરીકે પરાજિત પક્ષને પોતાનાં શસ્ત્રો અને લશ્કરને વિજયી પક્ષ સામે મૂકી દેવાં પડતાં હોય છે તથા વિજયી પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલી અન્ય શરતો પણ સ્વીકારવી પડતી હોય છે અને તેને લીધે બાંગ્લાદેશનો સ્વાતંત્ર્ય રાષ્ટ્ર તરીકે ઉદય થયા હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે